અખેગીતા/કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ

અખેગીતા
કડવું ૧ લું - હરિગુરુસંતની સ્તુતિ
અખો
કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ →



કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ

રાગ ધન્યાશ્રી

ૐ નમો ત્રિગુણપતિ રાયજી, સર્વે પહેલા જે પૂજાયજી;
અગમગોચર જેને શ્રુતિ ગાયજી, ચરણચિંતવીહું પાય લાગું પાયજી.

પૂર્વછાયા

ચરણ ચિંતવીને સ્તુતિ કરૂં, ચિદ્‍શક્તિ બ્રહ્માનંદની;
અણછતો અખો અધ્યારોપ કરે, તે કથા નિજાનંદની. ૧

ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ, નામ યુગલ રૂપ એક;
તેને સ્તવું નીચો નમીને, કરૂં બુધ્ધિમાન[] વિવેક. ૨

પરાત્પર પરબ્ર્હ્મ જે, તે મન-વાણીને અગમ્ય;
તેઓ લક્ષ આપી શકે, તે માટે ગુરુ તે બ્રહ્મ. ૩

શ્વાન[] શૂકર[] બિડાલ ખર, તેના ટોળાનો જે જેંત;
તેને મૂકે હરિ કરી, જેને મળે સદ્‍ગુરુ સંત. ૪

ગુરુમહિમા છે અતિ ઘણો, કો સમઝે સંત સુજાણ;
તે ગુરુ-ગોવિંદ એકતા ભજે, જેને લાગ્યાં સદ્‍ગુરુ-બાણ. ૫

જેમ રવિ દેખાડે રવિધામને, તેમ ગુરૂ દેખાડે રામ;
તે માટે હરિ તે ગુરુ, ગુરુ ગોવિંદ એવું નામ. ૬

ચિન્હ સમ્યું તે સંતનું, જે ગુરુ-ગોવિંદ એકતા ભજે;
જેમ બીબામાંહે રસ ભર્યો, તે વણ ઘડ્યે રૂપ નીપજે. ૭

જેમ સુવર્ણકેરી મોહોર્માંહે, અન્ય મુદ્રા છે અતિઘણી;
તેમ ગુરુ-ભજનમાં સર્વ આવે, જો મન વળે ગુરુચરણભણી. ૮

જેમ બધિર ન જાણે નાદસુખને, સ્વાદ નોહે રસનાવિના;
તેમ ગુરુવિના હરિ નવ મળે, જેમ ભોગ ન પામે નિર્ધના. ૯

કહે અખો સહુ કોએ સુણો, જોટાળવા હીંડો જંતને;[]
એ આરતશું[] ઉરમાં ધરો, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


  1. મારી બુધ્ધિ પ્રમાણે
  2. કૂતરું
  3. ભુંડ
  4. જીવભાવને
  5. પ્રીતિથી.