← અધિકૃત આવૃત્તિ અનાસક્તિયોગ
પ્રસ્તાવના
ગાંધીજી
૧. અર્જુન-વિષાદ-યોગ →





પ્રસ્તાવના

( ૧ )

જેમ સ્વામી આનંદ ઇત્યાદિ મિત્રોના પ્રેમને વશ થઈને મેં સત્યના પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્યો તેમ ગીતાજીના અનુવાદને વિશે પણ થયું છે. "તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જ્યારે તમે એક વાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઈએ. છૂટાછવાયા શ્લોકમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી," આમ સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય લાગ્યું. "નવરાશે એ કરીશ," એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઇક વધારે ઊંડાણથી કરવા પામ્યો. લોકમાન્યનો જ્ઞાનનો ભંડાર[] વાંચ્યો. તેમણે અગાઉ મને મરાઠી, હિન્દી અને ગુજરાતી અનુવાદો પ્રીતિપૂર્વક મોકલ્યા હતા ને મરાઠી ન વાંચી શકું તો ગુજરાતી તો જરૂર વાંચું એમ ભલામણ કરી હતી.

જેલની બહાર તો એ વાંચવા ન પામ્યો, પણ જેલમાં ગુજરાતી અનુવાદ વાંચ્યો. આ વાંચ્યા પછી ગીતા વિશે વધારે વાંચવાની ઇચ્છા થઈ, અને ગીતાને લગતા અનેક ગ્રંથો ઉથલાવ્યા. ગીતાની પ્રથમ ઓળખ એડવિન આર્નલ્ડના પદ્ય અનુવાદ[]થી સન ૧૮૮૮-'૮૯માં થઈ. તે ઉપરથી ગીતાનો ગુજરાતી તરજુમો વાંચવાની તીવ્ર ઇચ્છા થઈ અને જેટલા અનુવાદ હાથ આવ્યા તે વાંચ્યા. પણ આવું વાચન મને મારો અનુવાદ પ્રજા આગળ મુકવાનો મુદ્દલ અધિકાર આપતું નથી. વળી મારું સંસ્કૃતનું જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહીં. ત્યારે મેં અનુવાદ કરવાની ધૃષ્ટતા કેમ કરી?

ગીતાને હું જેમ સમજ્યો છું તેવી રીતે તેનું આચરણ કરવાનો મારો અને મારી સાથે રહેલા કેટલાક સાથીઓનો સતત પ્રયત્ન છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ[] છે. તદ્દન આચરણમાં નિષ્ફળતા રોજ આવે છે; પણ તે નિષ્ફળતા અમારા પ્રયત્ન છતાં છે. એ નિષ્ફળતામાં સફળતાનાં ઊગતાં કિરણોની ઝાંખી કરીએ છીએ. આ નાનકડો જનસમુદાય જે અર્થને અમલમાં મૂકવા પ્રયત્ન કરે છે તે અર્થ આ તરજુમામાં છે.

વળી સ્ત્રીઓ, વૈશ્ય તથા શુદ્ર જેવા, જેમને અક્ષરજ્ઞાન થોડું જ છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઇચ્છા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને જ સારુ આ અનુવાદની કલ્પના છે. ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓને મારી પાસે રહેલી જે કંઈ મૂડી હોય તે આપી જવાની મને હંમેશાં ભારે અભિલાષા રહેલી છે. હું એમ ઇચ્છું ખરો, કે અત્યારે ગંદા સાહિત્યનો ધોધ વહી રહ્યો છે, તેવે સમયે હિન્દુ ધર્મમાં જે અદ્વિતીય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતી પ્રજા પામે, ને તેમાંથી પેલા ધોધની સામે થવાની શક્તિ મેળવે.


આ અભિલાષામાં બીજા ગુજરાતી અનુવાદોની અવગણના નથી. તે બધાને સ્થાન ભલે હોય, - પણ તેમની પાછળ તે તે અનુવાદકો આચારરૂપી અનુભવનો દાવો કરતા હોય એવું મારી જાણમાં નથી. આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન, જેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે તેઓ, એ વાંચે, વિચારે ને તેમાંથી શક્તિ મેળવે.

આ અનુવાદની પાછળ મારા સાથીઓની મહેનત રહેલી છે. મારું સંસ્કૃતજ્ઞાન ઘણું અધૂરું હોવાને લીધે શબ્દાર્થ વિશે મને પૂરો વિશ્વાસ ન હોય તેથી તેટલા પૂરતો આ અનુવાદ વિનોબા, કાકા કાલેલકર, મહાદેવ દેસાઈ તથા કિશોરલાલ મશરૂવાળા જોઈ ગયા છે.

( ૨ )

હવે ગીતાના અર્થ ઉપર આવું.

સન ૧૮૮૮ -' ૮૯માં જ્યારે ગીતાનું પ્રથમ દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વ યુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફૂરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઈ. મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દૃઢ થયો. મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઈતિહાસ નથી ગણતો. તેનાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજાપ્રજાના ઈતિહાસને ભૂંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને સારુ જ કરેલો છે.

મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાતાપ કરાવ્યો છે ને દુઃખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું.

આ મહાગ્રંથમાં ગીતા શિરોમણિરૂપે બિરાજે છે. તેનો બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.

ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુદ્ધ-સંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણાવતારનું પાછળથી થયેલું આરોપણ છે.

અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઈશ્વરનો અવતાર છે પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતારરૂપે પૂજે છે. આમાં મને કંઈ દોષ નથી લાગતો; એમાં નથી ઈશ્વરની મોટાઈને ઝાંખપ, નથી એમાં સત્યને આઘાત. 'આદમ ખુદા નહીં લેકિન ખુદાકે નૂરસે આદમ જુદા નહીં.' જેનામાં ધર્મજાગૃતિ પોતાના યુગમાં સહુથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિન્દુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.

આ દૃશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઈશ્વરરૂપ થયા વિના સુખ વળતું નથી, શાન્તિ થતી નથી. ઈશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એકમાત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધા ધર્મગ્રંથોનો વિષય છે તેમ ગીતાનોયે છે. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો, એક અદ્વિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિન્દુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઈ જોવામાં આવે છે તેને ગીતાએ અનેકરૂપે, અનેક શબ્દોમાં, પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે.

એ અદ્વિતીય ઉપાય છે કર્મ-ફળ-ત્યાગ.

આ મધ્યબિંદુની આસપાસ ગીતાની ફૂલગૂંથણી છે. ભક્તિ, જ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઈ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઈ મુક્ત નથી. છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્વારા મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કંઈક દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છૂટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો: ‘નિષ્કામ કર્મથી, યજ્ઞાર્થે કામ કરીને, કર્મફલત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને એટલે મન, વચન, કાયાને ઈશ્વરમાં હોમી દઈ ને.’

પણ નિષ્કામતા, કર્મફલત્યાગ, કહેવામાત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હૃદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગાદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્યરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી; અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વીફરે. તેથી કહ્યું, 'ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું' પણ ભક્તિ એ 'શીશતણું સાટું' છે. તેથી ગીતાકાર ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવાં વર્ણવ્યાં છે. એટલે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચરને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહંતા-મમતાથી મુક્ત છે, જેને સુખદુઃખ, ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ શોકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફ્લાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે.

આ ભક્તિ આસક્ત સ્ત્રીપુરુષને વિશે સંભવે નહીં.

એમાંથી આપણે જોઈએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયો દઈને ઝેર લાવી શકાય તે અમૃત પણ લાવી શકાય, તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે બંધન પણ લાવી શકાય અને મોક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તો સાધન અને સાધ્ય સાવ એક જ નહીં તો લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ. અને ગીતાનો મોક્ષ એટલે પરમ શાન્તિ.

પણ આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલત્યાગની કસોટીએ ચઢવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ કરવાનું હોય નહીં. લોટો સરખો ઉપાડવા જેવી તુચ્છ લૌકિક ક્રિયાને સ્થાન જ ક્યાંથી હોય ?

લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણ તેની માળમાં વિક્ષેપ આવે. તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારુ કે દરદીની સારવાર કરવાને સારુ કદી નહીં.

આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીત કહી દીધું, “કર્મ વિના કોઈ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઈ કર્મ ન કર્યા કરું તો આ લોકોનો નાશ થાય,” તો પછી લોકોને વિશે તો પૂછવું જ શું હોય ?

પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહી ઇચ્છાઅનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતો છતાં મનુષ્ય બંધનમુક્ત કેમ રહે ? આ કોરડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છે તેવો બીજા એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે : 'ફ્લાસક્તિ છોડો ને કર્મ કરો', 'નિરાશી થાઓ ને કર્મ કરો', 'નિષ્કામ થઈને કર્મ કરો', એ ગીતાજીનો ન ભુલાય એવો ધ્વનિ છે. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે. ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી. પરિણામનો તેમ જ સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશક છે. એ થયા પછી જે મનુષ્ય પરિણામની ઈચ્છા કર્યા વિના સાધનમાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.


પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોયે અર્થ કોઈ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાની પરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે તે ઘણી વાર કર્મ-કર્તવ્ય-ભ્રષ્ટ થાય છે. તેને અધીરાઈ આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, તે પછી તે ન કરવાનું કરવા માંડે છે. એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે. પરિણામનું ચિન્તવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઈ જાય છે, ને છેવટે તે વિષયીની જેમ સારાસારનો, નીતિ-અનીતિનો વિવેક છોડી દે છે, ને ફળ મેળવવા સારુ ગમે તે સાધનનો ઉપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે.


ફલાસક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસક્તિનો એટલે કર્મફલત્યાગનો સિદ્ધાન્ત ઘટાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો. સામાન્ય માન્યતા એવી હોય છે કે ધર્મ અને અર્થ પરસ્પર વિરોધી વસ્તુ છે. “વ્યાપાર ઈત્યાદિ લૌકિક વ્યવહારમાં ધર્મ સચવાય નહીં, ધર્મને સ્થાન હોય નહીં; ધર્મનો ઉપયોગ કેવળ મોક્ષને અર્થે કરાય, ધર્મને સ્થાને ધર્મ શોભે, અર્થને સ્થાને અર્થ.” મારી મતિ પ્રમાણે, ગીતાકારે આ વહેમને દૂર કર્યો છે. તેણે મોક્ષ અને વ્યવહાર વચ્ચે આવો ભેદ રાખ્યો નથી. પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ મને લાગ્યું છે. એટલે ગીતાના અભિપ્રાય પ્રમાણે જે કર્મ આસક્તિ વિના થઈ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે. આવો સુવર્ણ નિયમ મનુષ્યને અનેક ધર્મસંકટોમાંથી બચાવે છે. આ અભિપ્રાય પ્રમાણે ખૂન, જૂઠું, વ્યાભિચાર ઈત્યાદિ કર્મો સહેજે ત્યાજ્ય થઈ જાય છે. મનુષ્યજીવન સરળ થાય છે ને સરળતામાંથી શાન્તિ ઉદ્‍ભવે છે.

આ વિચારશ્રેણીને અનુસરતાં મને એમ લાગ્યું છે કે ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે અસત્યનું કાર્ય આપણે લઈએ તો એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઈચ્છા રહેલી જ છે. પણ અહિંસાનું પ્રતિપાદન ગીતાનો વિષય નથી, કેમ કે ગીતાકાળની પૂર્વે પણ અહિંસા પરમધર્મ રૂપે મનાતી હતી. ગીતાને તો અનાસક્તિનો સિદ્ધાન્ત બતાવવો હતો. બીજા અધ્યાયમાં જ આ વાત સ્પષ્ટ થઈ જાય છે.

પણ જો ગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસક્તિમાં સહેજે અહિંસા આવી જ જાય છે તો ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણરૂપે કેમ લીધું ? ગીતાયુગમાં અહિંસા ધર્મ મનાતા છતાં ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય વસ્તુ હોઈ ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોચ ન થયો, ન થાય.

પણ ફલત્યાગના મહત્વનું માપ કાઢતાં ગીતાકારના મનમાં શા વિચાર હતા, તેણે અહિંસાની મર્યાદા ક્યાં બાંધી હતી, તે આપણે વિચારવાપણું નથી રહેતું. કવિ મહત્વના સિદ્ધાન્તો જગતની આગળ મૂકે છે; તેથી તે હમેશાં પોતે આપેલા સિદ્ધાન્તોનું મહત્વ સંપૂર્ણતાએ ઓળખે જ છે, અથવા ઓળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમાં કાવ્યનો અને કવિનો મહિમા છે. કવિના અર્થનો અંત જ નથી. જેમ મનુષ્યનો તેમ જ મહાવાક્યોના અર્થનો વિકાસ થયા જ કરે છે, ભાષાઓનો ઇતિહાસ તપાસીએ તો આપણે જોઈએ છીએ કે ઘણા મહાન શબ્દોના અર્થ નિત્ય નવા થયા કરે છે, તેમ ગીતાના અર્થને વિશે પણ છે. ગીતાકારે પોતે મહાન રૂઢ શબ્દોના અર્થ વિસ્તાર્યા છે. ગીતા ઉપરટપકે તપાસતાં પણ આપણે એ જોઈ શકીએ છીએ.

ગીતાયુગ પૂર્વે કદાચ યજ્ઞમાં પશુહિંસા માન્ય ગણાતી હોય. ગીતાના યજ્ઞમાં તેની ગંધ સરખીયે નથી. તેમાં તો જપયજ્ઞ એ યજ્ઞનો રાજા છે. ત્રીજો અધ્યાય સૂચવે છે કે યજ્ઞ એટલે મુખ્યપણે પરોપકારાર્થે શરીરનો ઉપયોગ, ત્રીજો અને ચોથો અધ્યાય મેળવીને બીજી વ્યાખ્યાઓ પણ ઘટાવી શકાય. પણ પશુહિંસા નહીં ઘટાવાય.

ગીતાના સંન્યાસના અર્થને વિશે તેમ જ છે. કર્મમાત્રનો ત્યાગ ગીતાના સંન્યાસને ભાવતો જ નથી. ગીતાનો સંન્યાસી અતિ-કર્મી છે છતાં અતિ-અ-કર્મી છે; આમ ગીતાકારે મહાન શબ્દોના વ્યાપક અર્થ કરીને પોતાની ભાષાનો પણ વ્યાપક અર્થ કરવાનું આપણને શીખવ્યું છે. ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગીથી થઈ શકે એવું ગીતાકારની ભાષાના અક્ષરમાંથી ભલે નીકળતું હોય. પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂકવાનો લગભગ ૪૦ વર્ષ પર્યન્ત સરળ પ્રયત્ન કરતાં મને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિશે અસંભવિત છે.

ગીતા સૂત્રગ્રંથ નથી. ગીતા એક મહાન ધર્મકાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરો તેમ તેમાંથી નવા ને સુંદર અર્થો મેળવો. ગીતા જનસમાજને સારુ હોઈ તેમાં એક વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતાનો મૂળ મંત્ર કદી નહીં બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.

ગીતા વિધિ-નિષેધ બતાવનાર સંગ્રહ ગ્રંથ પણ નથી. એકને જ સારુ જે વિહિત હોય તે બીજાને સારુ નિષિદ્ધ હોય. એક કાળે કે એક દેશમાં જે વિહિત હોય તે બીજે કાળે, બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ માત્ર ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.

ગીતામાં જ્ઞાનનો મહિમા જળવાયો છે. છતાં ગીતા બુદ્ધિગમ્ય નથી, એ હૃદયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને સારુ નથી. ગીતાકારે જ કહ્યું છે :

“જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સાંભળવા ઇચ્છતો નથી, અને જે મારો દ્વેષ કરે છે તેને આ (જ્ઞાન) તું કદી ન કહેજે.”( ૧૮:૬૭ )

“પણ આ પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમ ભક્તિ કરવાથી નિઃશંક મને પામશે.” ( ૧૮:૬૮ )

“વળી જે મનુષ્યદ્વેષરહિત થઈને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ મુક્ત થઈને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકને પામશે.” ( ૧૮:૭૧ )


કૌસાની (હિમાલય)
સોમવાર,
જેઠ વદ ૨, ૧૯૮૫
તા. ૨૪-૬-'૨૯


મોહનદાસ કરમચંદ ગાંધી

 





  1. ગીતારહસ્ય - કા.
  2. song Celestial. - કા.
  3. નિદાન = મૂંઝવણનાં કારણો શોધતું શાસ્ત્ર. - કા.