અપરાધી/અજવાળી
← છાપાવાળાની સત્તા | અપરાધી અજવાળી ઝવેરચંદ મેઘાણી |
બારી બિડાઈ ગઈ → |
૬. અજવાળી
બબ્બે કે ત્રણત્રણ દિવસે શિવરાજ કેમ્પમાં જતો. પ્રાંતના એક તેજસ્વી વકીલ પાસે એ તાલીમ લેતો. કોઈ કોઈ વાર આગગાડીમાં ન પહોંચી શકતો ત્યારે પગપાળો પંથ કરતો. વચ્ચે બે ગામડાં આવતાં ને ક્ષિતિજનાં ચુંબનો ઝીલતી ચોમેર ઉઘાડી સોરઠી સીમ એના પગને પ્યારી લાગતી; એની આંખોમાં હરિયાળું કે સોનાવરણું તેજ ભરતી. કોઈ વાર માટીની મીઠી ચળ લેવા માટે શિવરાજ ખુલ્લા પગે ચાલતો. એને હાથમાં જોડા લઈ ચાલતો જોઈ લોકો હસતા.
“કાં, ભાઈ, આજ તો ગૂડિયાવેલ્ય જોડી છે નાં !” તલના દાણા વાવલતાં વાવલતાં લોક ‘ભાઈ’ને પૂછ્યા કરતા.
“મજા પડે છે.” શિવરાજ જવાબ દઈને જરા થોભતો.
“નસીબદાર માણસ ટાંટિયા શીદ તોડતા હશે ?” ખેડૂત નવાઈ બતાવતો.
“ટાંટિયા તો તોડે છે ઘોડાગાડીઓ ને મોટરો, કાકા !”
શિવરાજ બૂઢા ખેડૂતોને બાપના સમવયસ્ક ગણી સન્માનતો.
લાકડાની ઘોડી પર ચડીને ખેડૂતની જુવાન દીકરા-વહુઓ સૂપડે સૂપડે દાણાની ધાર કરતી, ફોતરાંને ઉપાડતો પવન એમનાં શરીરોની અંદર શારડી ફેરવતો, ને નીચે બેઠેલ ડોસો સુંવાળી સાવરણી ચલાવી દાણાનો ઢગલો ચોખ્ખો કરતો. જુવાન દીકરા ખળામાં ધાનને પીસવા ગાડાં હાંકતા, નાને કૂંડાળે ફરતા બળદો પ્રત્યેક આંટે ટૂંપાતા હતા.
“ભાઈ વકીલ થાશે પછે આપણે તો ભાઈને જ વકીલાતનામાં સોંપશું.” બુઢ્ઢા વાતો કરતા.
સાંભળતો સાંભળતો શિવરાજ કાંપનું નાનું ગામડું પાર કરતો. ત્યાં એને એક જુદો જ ખેડુ જોવા મળતો. એના મોંમાંથી “રાંડ ગધાડી, ધાન ખાતી નથી કે શું ?” એવા ગોફણના પથ્થરો જેવા બોલ વછૂટતા તે સાંભળવા મળતા.
“અરે અરે, તમે જરા જીભ તો સંભાળો… જુવાન છોકરીને…” દૂર ઊભી ઊભી વાવલતી એક આધેડ બાઈ આ કુહાડજીભા કુંભારખેડુને વારવા મથતી.
“દીકરી તારી છે, રાંડ !” ખેડુ બાયડી પર ઊતરતો : “મારી દીકરી આવી નઘરોળ હોય ? પરોણે પરોણે બરડો ન ફાડી નાખું ! મારા ઘરનું પાલી એક ધાન આરોગી જાય છે તે શું મફત મળે છે ?”
“તે કાંઈ મફત નથી ખવરાવતા તમે;” એક જુવાન છોકરી ધાન ઝાટકતી ઝાટકતી જવાબ દેતી હતી : “હુંય તૂટી મરું છું.”
“સાંઢડો રાંડ ! ફાટ્યું બોલી રહી છે ! અડબોત ભેળા બત્રીસે દાંત પાડી નાખીશ.” ખેડુ હાથ ઉગામીને એ છોકરી પર ધસતો હતો.
ધસ્યા આવતા બિહામણા બાપને દેખી છોકરી ગભરાઈ, ચોમેર જોયું. ફાળ પામતી નાસવા ગઈ. નજીકમાં કોઈ નહોતું; ફક્ત શિવરાજને જ માર્ગ પર ઊભેલો દેખ્યો. દોડીને એ શિવરાજની પાછળ લપાઈ.
ખેડુ ધારતો હતો કે આ અજાણ્યો જુવાન ખસી જશે. ખેડુ શિવરાજથી દોઢેરો કદાવર હતો. કરડાઈ જાણે એના ચહેરા પર ગૂંચળું વળીને કાળી નાગણ જેવી બેઠી હતી. એના હાથમાં ખરપિયો હતો, ખરપિયાના દાંતા અને ખેડૂતના દાંત એકબીજા સાથે સરસાઈ કરતા હતા. કોઈ ઊંંચા કોટની દીવાલ ધસી પડે તેમ ખેડુ ધસ્યો — પણ શિવરાજ ન ખસ્યો.
ખેડુએ શિવરાજની પછવાડે ઓથ લઈ ઊભેલી છોકરીને ઝાલવા ઝપટ કરી, શિવરાજ પડખું મરડીને ખેડુની સામે ઊભો; એના હાથ પહોળા થયા.
છોકરીની મા દૂર ઊભી ઊભી હાથ જોડતી હતી : “એ કુંભાર, તારે પગે પડું, મારી છોકરીને માથે હાથ ઉપાડ મા !”
“ખસી જાવ, શેઠ.” ખેડુએ શિવરાજની સામે ડોળા ફાડ્યા.
“એમ કાંઈ ખસાય ?”
“કાં, ભાઈ ? કેમ ન ખસાય ? તારે ને એને કાંઈ…”
“જીભ સંભાળો.” શિવરાજ કડક બન્યો.
“નીકર ?”
“નીકર જો આમ…” કહેતાં જ શિવરાજે ખેડુના હાથમાંથી અખાડી દાવની નાજુક ચાવી વડે ખરપિયો સેરવી લીધો. ખેડુ ખસિયાણો પડ્યો.
“મારી છોકરી છે.”
“એટલે ?”
“ચા’ય તે કરીશ, કટકા કરીશ.”
“પછી ચહાય તે કરજો; અત્યારે તો એણે મારો ઓથ લીધો છે.”
“એ-હેં-હેં-હેં!” ખેડુએ બળનું શરણ છોડીને મેલો દાવ માંડ્યો, “આ બધું ક્યારથી, હેં રાંડ ?”
પોતાની ઓરત તરફ ફરીને બોલ્યો : “તારી છોકરીને આ નવો ઓથ ક્યારથી જડી ગયો ? મને તો વાતેય ન કરી !”
પછી પોતે શિવરાજ તરફ ફર્યો : “ઊજળાં લૂગડાં પે’રીને આવું આચરણ કરો છો કે, મે’રબાન ? મને પ્રથમથી જ કહી દીધું હોત તો હું શા સારુ તમને વતાવત ? ઠીક-ઠીક-ઠીક !”
“શું ઠીક, બેવકૂફ ?”
“બધું જ ઠીક, ઠીક, ઠીક ! બહાદર જુવાન, જાવ; હવે હું તમારું માણસ ગણીને એ છોકરીને કે’દીય કાંઈ નહીં કહું !”
એટલું બોલીને એ વિકરાળ માણસ, પોતાના મોં ઉપર સાપનાં બચળાં જેવી કરચલીઓ નચાવતો નચાવતો, ખળામાં જઈ કામે લાગી પડ્યો.
શિવરાજ મૂંઝવણમાં પડ્યો. ખેડુની વિદ્યા જીતી ગઈ. એનાથી ન ચલાયું, ન ઊભા રહેવાયું.
“અરે રામ !” ખેડુની ઓરતે હાથ જોડ્યા: જાવ, બાપા, તમને આબરૂદારને એ રોયો નહીં પોગવા દિયે; ને મારી અંજુડીના પ્રાલબધમાં તો આ નત્યની વાત છે.”
જતો જતો શિવરાજ પૂછ્યા વિના ન રહી શક્યો : “બાપ થઈને આટલો નફ્ફટ !”
“આ દીકરીનો બાપ ઈ નથી, ભાઈ!”
“ત્યારે ?”
“આ તો મારા આગલા ઘરની છોડી છે.”
શિવરાજ ચાલતો થયો, પણ એના મનમાં નવો પ્રદેશ ઊઘડ્યો. એ પ્રદેશ હતો આ ખેડુલોકોના લગ્ન-સંસારનો. પોતે વકીલ બની રહ્યો હતો, પણ પોતાને આ લોકોના, જીવન-પ્રશ્નોની ગમ જ નહોતી.
“એને શા માટે વેઠો છો ?”
“શું કરીએ ?”
“છોડી દો.”
“એને બાપડાને આટલાં વરસે રઝળતો મેલતાં હામ હાલતી નથી, બાપુ ! એનું કોણ ? એનાં આંખ્ય-માથું દુખે તો કોનો આધાર ? સૂઝે એમ તોય એણે મને ખરા ટાણાનો આશરો આપ્યો’તો ને ! માણસ જેવું માણસ એકબીજાના ગણ કેમ ભૂલે ?”
તે પછી શિવરાજ જ્યારે જ્યારે કેમ્પને ગામડે થઈને નીકળતો ત્યારે ત્યારે એની આંખો એ ખેડુ-કન્યાને ગોતતી, એના કાન એ છોકરીનું કલ્પાંત પકડવા તત્પર થતા, એના ઘરની પછીત શિવરાજને જીવતી લાગતી. અંદરથી ત્રણે સૂર સંભળાતા : ખેડુની વસમી ત્રાડો, ઓરતની કાકલૂદી અને જુવાન છોકરીના, નહીં પૂરા કરુણ તેમ નહીં પૂરા ઉદ્ધત, છતાં ઉદ્ધતાઈ અને કરુણતાની અધવચ્ચે અટવાતા સ્વરો.
એ છોકરીનું નામ અજવાળી હતું. એના બાપનું નામ વાઘો હતું. ‘વાઘો ભારાડી’ એ એને લોકોએ કરેલું પદવીદાન હતું. સાંજ પડી, ને વાઘો પોતાના જમીન-માલિકને ઘેર પહોંચ્યો. એ ઘર પર ચાર પાટિયાં ચોડ્યાં હતાં. વહેલા વાળુ કરી લઈને દેવકૃષ્ણ મહારાજ પોતાના હાથ મોં ઉપર ફેરવતા હતા. શાકમાં પડતું તેલ અને ખીચડીમાં પડતું ઘી, ખાનારના હાથ પર ચોંટી જાય છે, તેને સાફ કરવા માટે સાબુનું ખર્ચ વધારવું તે કરતાં વધુ સારી રીત એ હાથને સાદે પાણીએ ધોઈને પછી શરીરની ચામડી પર મસળી લેવાની છે, એમ દેવકૃષ્ણ મહારાજ પોતે માનતા ને અન્યને મનાવવા પ્રયત્ન કરતા.
“આવ, વાઘલા.” કહીને એણે પોતાનું ખેતર ખેડતા વાઘાને આદર આપ્યો. વાઘો ખુરશી પર નહીં, ગાદી પર નહીં, જાજમ પર પણ ન બેસતાં બારણામાં જ્યાં જૂતાં પડેલાં હતાં ત્યાં ઉભડક પગ રાખીને બેઠો.
વાઘાને એવી સભ્યતા સાથે બેઠેલો દેખીને મહારાજના મોં પર એક પ્રકારનો સંતોષ પ્રસર્યો. દસ વીઘાંના માલિકે પણ મીઠો આત્માનંદ અનુભવ્યો કે, હું ધણી છું; આ મારો ખેડુ છે, ને એ મારી પાસે રાવે આવ્યો છે.
વાઘાએ બેસતાંની વાર નિઃશ્વાસ નાખ્યો.
“ફોરમના પૈસા લાવ્યો છો ?” મહારાજે વાઘાની સામે દીપડાદૃષ્ટિ કરી. વાઘાએ ડોકું ધુણાવ્યું.
“તો મેલી દે જમીન.”
“તોય ચડત ફારમ ક્યાંથી ભરીશ ?”
“દીકરી પરણાવ્ય.”
“કોની દીકરી ?”
“તારી.”
“મારી નહીં — મારી બાયડીના આગલા ધણીની.”
“કોની દિકરી એ મારે ક્યાં નક્કી કરવું છે ?”
“મારા પંડ્યના સમ, ધજાવાળાના સમ : પેટમાં છોરુ સોતી આવેલી — ને મેં એને આશરો આપેલો. મા’રાજના પગ ઝાલીને કહું છું.”
“પગ ઝાલવાની વાત પછી. પહેલાં ચડત ફારમની તજવીજ કર; છોકરીને વટાવ.”
“છોકરીને કોણ રાખશે ?”
“ખેડ્યમાં જેને જેને માણસની ખેંચ પડતી હશે તેવા ઘણાય રાખશે. તમારે ખેડુને છોકરી ક્યાં ધણી સાથે પરણે છે ? એ તો પરણે છે ખેડ સાથે.”
પહેલાં વાઘો હસ્યો. પછી મહારાજે મોં મલકાવ્યું. બંનેએ જુદી જુદી રીતે પણ એક જ પ્રકારનો સંતોષ લીધો.
“છોકરી મારા કાબૂમાં નથી.”
“શું છે ?”
“તમારે છપાવવા જેવું છે.”
મહારાજના કાન સરવા બન્યા. અને વાઘાએ સવારે બનેલો બનાવ કહી સંભળાવ્યો. “એક જુવાન ! કોણ ? કેવો પહેરવેશ ? કેટલી ઊંચાઈ ? ક્યાંથી આવતો હતો ? કઈ તરફ ગયો ?”… પૂછપરછ કરીને મહારાજે તાંતણા મેળવ્યા.
શિવરાજનું નામ હાથમાં આવ્યાથી એમને જે હર્ષ થયો તેના બદલામાં એણે વાઘા ખેડૂતના ચડત ફારમનો તગાદો કરવો ત્યજી દીધો. ને તે રાત્રિએ પોતાનાં પત્નીને પણ એમણે '‘વાઘરણ’, ‘ફૂવડ’, ‘કુંભારજા’ જેવાં રોજિંદાં સંબોધન કરવાને બદલે લહેરથી બોલાવ્યાં : “કાં ! કેમ છો ગોરાણી ?”