અપરાધી/અજવાળીને હૃદય-તળિયે
← અદાલતમાં | અપરાધી અજવાળીને હૃદય-તળિયે ઝવેરચંદ મેઘાણી |
છેતરપિંડી! નામર્દાઈ! → |
૩૩. અજવાળીને હૃદય-તળિયે
કાંથડ હવાલદાર પ્રોસિક્યૂટરના ટેબલ પર જ્યારે પોટકું ખોલતો હતો ત્યારે પ્રેક્ષકો ઊંચા થઈ ટાંપી રહ્યા — જાણે કોઈ વાદી કરંડિયેથી કાળા નાગને કાઢતો હતો. એની દમલેલ છાતીના જાળીદાર પોલાણમાંથી શ્વાસ ગાજતા હતા. એ પોટકાએ સર્વની નજરબંદી કરી લીધી. શિવરાજ પણ ત્યાં તાકી રહ્યો. એની નજર બીજું કશું જોતી નહોતી. એના કાન બીજું કશું સાંભળતા નહોતા. એની જમણી બાજુ ચેમ્બરનાં દ્વાર ઊઘડ્યાં. એક સ્ત્રીએ અંદર પ્રવેશ કર્યો. પટાવાળાએ લાવીને એક ખુરશી મૂકી. તેના ઉપર શાંતિથી એ સ્ત્રી આવીને બેસી ગઈ. એની સાડીના સળનો મર્મ-સ્વર પ્રેક્ષકોમાંથી થોડાએકે સાંભળ્યો. એની ને અજવાળીની આંખો એક થઈ. કોઈ ભવભવનું વૈરી આવ્યું હોય એવી કડવાશની અજવાળીના મોં પર ફૂગી વળી ગઈ. અજવાળીની આંખોમાં બિલાડીની આંખો તગતગી.
આવનાર નવીન સ્ત્રી સરસ્વતી હતી. બાજુના બંગલામાં બેઠી બેઠી આજના મુકદ્દમાના રંગોથી એ વાકેફ બની હતી. પ્રોસિક્યૂશનના પાયા તૂટી પડ્યા હતા તે જાણ્યા પછી એણે પ્રેક્ષક બનવા હિંમત કરી હતી. ભવિષ્યના ભરથાર, આવતી કાલના જીવનસખા, પોતાના જીવનમાં પ્રવેશ કરવા ટાણે એક ફસાયેલી અબળાનું કેવું મંગલ પરિત્રાણ કરે છે, તે નીરખવાના કોડ હૈયે સંઘરીને સરસ્વતીએ અદાલતને એક માનવંત ખૂણે બેઠક લીધી.
અજવાળીને ખબર હતી. જેલના પહેરેગીરોએ અને મુકાદમોએ વાતો ચલાવી હતી : “છોટા સાહેબ મોટા સાહેબની દીકરી વેરે પરણવાના છે : બહુ ભલા છે : ઘણા કેદીઓને છોડી મૂકશે : ઘણાઓની સજામાંથી માફીના દિનો કાટશે. અને અજવાળી, તને તો એ ખુશાલીમાં જ છોડી મૂકશે, હો કે ?”
“મારે નથી છૂટવું એમના વિવાની વધાઈમાં. મર મને ફાંસી આપે.” અજવાળી આવું બોલતી ત્યારે એના અંતરની બખોલમાં બેસીને કયું હિંસક જાનવર આ હુંકાટા કરે છે તે કોઈથી સમજાતું નહીં.
આજ શિવરાજની અર્ધાગના બનનારી સરસ્વતીને નજર સન્મુખ નીરખતી અજવાળીએ, વધુ તો કાંઈ નહીં પણ, સ્વાભાવિક ઘૃણાની લાગણી અનુભવી લીધી.
“બોલ, બહેન અજવાળી,” પ્રોસિક્યૂટરે છૂટેલ પોટકામાંથી એક ભાતીગળ મોટો ટુકડો ઉઠાવીને, પોતાના યુદ્ધ-ધ્વજ જેવો ફરફરાવી પૂછ્યું : “આ ટુકડાને તું ઓળખે છે ?”
“મને કંઈ ખબર નથી.” અજવાળીએ ઊંચે જોયા વગર જ કહ્યું. ન્યાયમૂર્તિએ એને ઊંચે જોવા કહ્યું. ફરી પ્રશ્ન કર્યો. જવાબ જડ્યો : “હા, એ ટુકડો તો મને જડેલો.”
“નામદાર કોર્ટ, આ ટુકડો કાંથડ કોસ્ટેબલે તહોમતદારણના ઓરડામાં એની પથારી પાસેથી જ કબજે કર્યો હતો. હવે બાઈ, અજવાળી ! બાપા ! જોજે હો કે !” એમ બોલતાં બોલતાં પ્રોસિક્યૂટરે ભાત્યવાળું એક મોટું કપડું પોટકામાંથી ઉઠાવ્યું, ટેબલ પર પાથર્યું. તેને ખંડિત ખૂણે એણે પેલો ટુકડો મૂક્યો. સાડી અને ટુકડો બરાબર બંધબેસતાં બન્યાં. પછી એણે કહ્યું : “નામદાર કોર્ટ જોઈ શકશે કે આ બેઉ ટુકડા જોડતાં આખી સાડી બને છે. મોટો ટુકડો કોન્સ્ટેબલ કાંથડને ગોઝારે કોઠેથી જડ્યો છે, એની અંદર તહોમતદારણનું બાળક લપેટેલું હતું.”
“ના, એ ટુકડો તો મને રસ્તામાંથી જડ્યો’તો.” અજવાળીએ એક નાના છોકરા જેવી નાદાની દેખાડતાં કહ્યું.
“નહીં, નામદાર કોર્ટ,” પ્રોસિક્યૂટરે નાનો ટુકડો ફરી ફરફરાવીને શિવરાજનું લક્ષ એ ટુકડાના ખૂણા પર ચોડેલા લાલ અક્ષર તરફ દોરીને કહ્યું : “જુઓ નામદાર, ‘अ’ નામનો આ અક્ષર બતાવે છે કે આ ટુકડો તહોમતદારણના નામનો છે.”
રામભાઈ ડઘાઈ ગયો હતો. એક નવો જ ચમત્કાર એ નીરખી રહ્યો હતો. વારંવાર એ ખુરશી પરથી ઊછળી ઊછળીને ‘પણ નામદાર’, ‘મારે પૂછવું છે, નામદાર’ એવા ઊકળતા બોલ બોલતો હતો.
“આપ જરા ધીરા રહેશો તો સૌ સારાં વાનાં થશે, વકીલસાહેબ !” એમ કહીને પ્રોસિક્યૂટર રામભાઈને પાછો ખુરશીમાં બેસી જવા ફરજ પાડતો હતો.
“એ તહોમતદારણનો જ નામાક્ષર છે એમ તમે કઈ રીતે કહો છો ?” શિવરાજે પૂછ્યું. પૂછતી વેળા એને સાંભર્યો એ દિવસ, જ્યારે પોતે મુંબઈના મહિલાશ્રમમાં ગયો હતો ને અજવાળીને આ નહીં તો આવી કોઈક ભાતીગળ સાડી પહેરેલી ભાળી હતી. સંસ્થાઓમાં આવા નામાક્ષરો લગાડવાની સાવ સામાન્ય પ્રથા એની સમજમાં હતી.
“એ તો નામદાર કોર્ટ, હું ઉપલી અદાલતમાં બતાવી આપીશ કે બાઈ અજવાળીને આવી સાડીની ભેટ આપનાર કોણ હોઈ શકે. હાલ તરત તો આપ કોન્સ્ટેબલ કાંથડની તેમ જ પંચની આ ટુકડાઓ વિશેની શાહેદી જો સ્વીકારી શકતા હો, તો આ અદાલત પૂરતું મારું કાર્ય ખતમ થાય છે.”
રામભાઈના રામ રમી ગયા હતા. જેને પોતે દુશ્મન પાડોશીઓનો ભોગ થઈ પડેલી નિરપરાધી બાલ-સખી માનીને મુકદ્દમો હાથમાં લીધો હતો, તે અજવાળી બનાવટી નીવડી : તોપણ કોને ખબર, આ સાડીના ટુકડાઓનું પણ કશુંક તરકટ હશે, અથવા સાચોસાચ એ અજવાળીને જડ્યો હશે, એવી બાકી રહેલી આસ્થા એકઠી કરીને એણે કહ્યું : “બાઈ અજવાળી, ઉતાવળ ન કર ! ફરી વિચાર કરી જો, યાદ કર, તને આ ટુકડો ક્યાંથી જડેલો ? બહુ વિચાર કરીને વેણ ઉચ્ચારજે હો બાઈ, બધો આધાર તારા જવાબ ઉપર રહે છે.”
“તમે શા સાટુ મારી વાંસે પડ્યા છો ?” અજવાળીના લમણા પરના વાળ જીવ પર આવી ગયેલી શાહુડીનાં પિછોળિયાં જેવા ખડા થઈ ગયા. એણે કપાળ કૂટ્યું : “તમે બધા મારી માને ખાઈ ગયા, તોય ધરાણા નથી ? મને કાંઈ પૂછો મા, મને ખબર નથી.”
એટલું કહીને અજવાળી ભાંગી પડી. એ બેસી ગઈ. એને શાંતિથી બેસવા દેવાનો હુકમ આપીને શિવરાજે પંચોને તપાયા. કાંથડ હવાલદારની ફરી તપારા કરી, અને આખરે શિવરાજે ત્યાં ને ત્યાં બેસીને મુકદ્દમો ઉપલી અદાલતમાં ‘સેશન્સ કમિટ’ કરવાનો ફેંસલો લખ્યો ને સંભળાવી દીધો.
અદાલત વીખરાઈ. ઊંચે કે આજુબાજુ જોયા વગર શિવરાજ ચેમ્બરમાં પેસી ગયો. અજવાળીને જેલમાં લઈ ગયા.
આ નવા ફૂટેલા ફણગાની તારીફ કરતા, ‘દોઢડાહ્યો’ કહીને રામભાઈની મશ્કરી હાંકતા, કાંથડ પગીને ‘બહાદરિયો’ કહેતા અને કેટલાક ચડસૂડા તો રાજકોટ પાછા આ કેસ સાંભળવા જવાની વેતરણ કરતા અદાલતનો ઓરડો ખાલી કરી ગયા.
“બંદા તો રાજકોટ ઊપડવાના.”
"ત્યાં દારૂબારૂ પીશું ને અંજુડીનો કેસ સાંભળશું – ખરી લે’ર તો હવે ત્યાં જામશે.”
“ત્યાં તો ગોરો જડજ બેસશે. આ છોકરડા ડિપોટી જેવી ઢીલાઈ એ નહીં રાખે. ઠબકારી દેશે પંદરેક વરસની ટીપ !”
“ઈને રાંડને તો ફાંસીએ ચડાવવી જોવે.”
“બાયડિયું પણ કેવી ડાકણ્યું બની છે ! કળજગ પણ કેવો હળાબોળ આવ્યો છે !”
“અરે, સગા ધણીને કાચ ખવરાવીને મારી નાખે છે; તો બે વાસાનું છોકરું તે ઈને શું વા’લું લાગે ?”
“આમાં તો ફાંસી થવી જ જોવે, હો ભાઈ ! નીકર આ તો આપડી બાડિયું-બોનું-દીકરિયુંમાં પણ બગાડો પેસી જવાનો.”
“ભૈ, આને તો નાકકાન કાપીને અવળા ગધાડે—”
“અરે, ભોંમાં જ જીવતી ભંડારવી જોવે.”
“ઈ વેળા તો ગઈ, બાપા ! સરકારે આપડી બાયડિયુંનો તો મનખ્યો જ બગાડી દીધો ને ! નીકર મોરુકી વેળામાં તો ધગધગતી કોશ લઈને…”
“એલા હાલો હોટલમાં ચા પીયેં. મજો આવશે.”
એવી વાતો કરતા દસેક મજૂરો-ખેડૂતોનું ટોળું ‘શ્રી હાટકેશ્વર સુખશાંતિગૃહ’ને ઓટે ચડ્યું.
ખાલી થતી અદાલતમાં છેલ્લે છેલ્લે બે જણાં બાકી હતાં : એક હતો વકીલ રામભાઈ. એના હાથે કેસનાં કાગળિયાનું દફતર બાંધતા હતા. કાગળિયાં સરખાં થતાં નહોતાં. દફતર બરાબર બંધાતું નહોતું. ગાંઠ સીધી વળતી નહોતી. ભૂલ — ભયાનક ભૂલ કેવી ગંભીર ભૂલ થઈ ગઈ ! પોતાના અસીલને નિષ્કલંક કરવા જતાં પોતે જ પોતાના હાથ કેવા કાળા કર્યા ! રાજકોટના ગોરા સેશન્સ જજને સૌ કોઈ ઓળખતું હતું. એની આબરૂ ‘હેગિંગ જજ’ તરીકેની હતી. ફાંસીએ ચડાવવાનો એ શોખીન હતો. બાળહત્યાના કિસ્સામાં એનો ન્યાયદંડ યમદંડ જ બની જતો. અને લોકો… લોકો હવે મને પીંખી ખાશે.
બહાર નીકળતાં એણે સરસ્વતીને નિહાળી — તરાપ મારવા પર આવેલી વિકરાળ સિંહણ સરખી. એ નીકળી ગયો. સરસ્વતીને પણ પટાવાળો બંગલા તરફ લઈ ગયો. બંગલાનો માર્ગ મૂકીને સરસ્વતીએ જેલની પગદંડી પકડી. પટાવાળાને એણે સાથે લીધો. જેલરની ઓફિસે જઈ એણે કહ્યું : “બાઈ અજવાળીને મારે મળવું છે.”
“કેમ ?”
“એના બચાવ માટે મારે મહેનત કરવી છે.”
જેલરે અજવાળીને અંદરથી બોલાવવા મોકલી. ગુનેગારો પર કડકાઈ બતાવનારા ખાસ કરીને ઓરત અપરાધીઓની તો વિશેષ કડક ખબર લઈ નાખનારા — મોટા ‘ડિપોટી’ પોલીસમાં તેમ જ જેલખાતામાં વધુ માનીતા હતા. એવા સન્માનિત અધિકારીની આ પુત્રી જેલની પાડોશમાં જ નાનેથી મોટી થઈ હતી, જેલરોની લાડીલી હતી. એને આવી મુલાકાતની ના કોણ પાડી શકે ?
બચાવ ? કઈ જાતનો બચાવ સરરવતી આ ખેડુ-કન્યા અજવાળીને માટે ગોતતી હતી ! એણે જેલર જોડે વાતો કરી. જેલરે એને કહ્યું :
“સુનિયે. બાઈસાહેબ ! લડકીને ખૂન કિયા હૈ. કોઈ શક નહીં. સબ લોગ જાનતે હૈ. દસ મહિનામે લડકી ક્યા માલૂમ કિધર ચલ ગઈ થી. ઔર સબ લોગ જાનતે હૈ કિ ઉસી રાતકો દૂસરા કૌન શખસ ભાગ ગયા થા.”
“હું એ જ વાત આ છોકરીના બચાવમાં લાવીશ. એ બોલતી નથી. એને ફસાવનાર કોઈક સફેદ પુરુષ જ આ હત્યાનો – જો હત્યા થઈ જ હોય તો — પહેલો ગુનેગાર છે.”
“મગર અદાલત ઉસકો નહીં પકડ સકતી.”
“પણ અદાલતને જો ખબર પડે, કે બાઈ ખરેખર ફસાઈ ગઈ હતી, ને એણે પોતાની શરમ છુપાવવા માટે, બલકે એ પુરુષને પણ બચાવવા માટે, બાળકને પતાવી દીધું હોય, તો અદાલત દયા કરે કે નહીં ? નામની જ સજા આપીને જતી કરે કે નહીં ?”
“હાં, વો ઠીક હૈ. ઉસ હરામીકા નામ નિકલાઈયે, મિસ પંડિત ! ગોડ વિલ હેલ્પ યુ.” (ઈશ્વર તમને સહાય કરશે.)
અજવાળી હજુ તો હમણાં જ પોતાની તુરંગમાં ગઈ હતી. એ માથાં પટકતી હતી. શાપો અને ગાળો એના મોંને ગંધવી રહ્યાં હતાં. એ ન આવી. જેલરને વિનંતી કરીને સરસ્વતી જ અંદર ઓરતોની બરાકમાં પહોંચી. અજવાળી એકલી હતી. એને જોતાં જ અજવાળીએ વધુ રોષે ભરાઈ પોતાની લટો ખેંચી. ચીસો પાડી પાડી એણે કહ્યું : “મારી પાછળ વાઘ-દીપડાઓ શા સાટુ પડ્યા છે ? મને ખાઈ જવી હોય તો ઝટ હવે ફાડી ખાવને ! મને રિબાવી રિબાવીને શીદ મારા લોચા તોડો છો ?”
ખેતરોમાં અને પાડોશીઓની જીભ પર જેટલી ગાળો એણે સાંભળી હતી, તે તમામનો ગુપ્ત સંઘરો કરી રાખનાર એ સ્ત્રીહૃદય આજે જાણે સાપ-વીંછીથી ભરેલા હાંડલાની પેઠે ફૂટી પડ્યું. સરસ્વતીએ પણ જીવનમાં પહેલી જ વાર આ અપશબ્દોનો કોશ સાંભળ્યો. એ અબોલ જ રહી. અજવાળીનો અપશબ્દ-કોશ ખૂટી ગયા પછી એનાં આંસુની સરોવર-પાળ ભેદાઈ. એ ચોધાર રડી ઊઠી. એના હૈયાનો હિમ-ડુંગર ઓગળીને વહેતિયાણ ઝરણું બન્યો, ત્યારે એ દુશ્મનોને પણ દયામણી લાગે તેવી બની ગઈ. એની આંખો મીંચાઈ ગઈ હતી. એકાએક એને ગાલે કંઈક સુંવાળો સ્પર્શ થયો. એ સરસ્વતીનો હાથ હતો. લવન્ડરે મહેકતા રૂમાલે સરસ્વતી અજવાળીના ગાલો લૂછતી હતી ને કહેતી હતી : “બહેન, શાંત થા. હું તને સતાવવા નથી આવી.”
“મારી માનું શું થયું ? ઈણે પછડાટી ખાધી’તી ને ?”
“એને લોકો શાંત પાડીને ઘેરે પડોંચાડી આવ્યા છે. બહેન, ચિંતા ન કર.”
“તમારું સારું થાવ, બાઈ ! મારી માને મારા વન્યા બીજું કોઈ નથી.”
“હવે જો, બહેન !” સરસ્વતી એને પંપાળવા લાગી, “તું એ સાડીની વાત કાંઈ સમજાવી શકીશ ?”
“મારે કશુંય સમજાવવું નથી, તેમ સમજવું નથી. હું સંધુંય સમજી કરીને બેઠી છું, બાઈ !”
“એમ નહીં. જો બહેન, આંહીના સાહેબને તો તને ઉપલી કોર્ટમાં મોકલ્યા વિના છૂટકો જ નહોતો. એનું જો ચાલત તો એ તને છોડી જ મૂકત, હો બહેન ! એને દોષ દેતી નહીં.”
“એને હું લગરીકે દોષ દેતી નથી. એ બાપડા શું કરે ?”
“ને એણે તને શું કહ્યું, જાણછને, બહેન ? એણે કહ્યું કે તું હવે ઉપલી કોર્ટમાં જઈને સાચેસાચી વાત, આખી જ વાત, એક શબ્દ પણ છુપાવ્યા વિના, કહી દઈશ તો જજને તારી દયા આવશે. તને બેચાર મહિનાની કેદ આપીને જ છોડી મૂકશે.”
આ શબ્દોએ અજવાળીને વધુ શાંત પાડી. અને સરસ્વતીને ભાન નહોતું કે પોતે પોતાના માટે કેવો ઊંડો અતલ કૂપ ગાળી રહી હતી. એણે તો ચલાવ્યું :
“તું સ્ત્રી છે. હુંયે તારા જેવી જ સ્ત્રી છું. આપણે એક જ જાતની છીએ. હું સમજું છું કે તારી-મારી ઉંમરે કોઈક પુરુષ ઉપર આપણું હૈયું એકાએક ઢળી પડે છે. આપણા વિશ્વાસનો પાર રહેતો નથી. પછી છેવટે જ્યારે કાળ-વેળા આવીને ઊભી રહે છે, ત્યારે પુરુષ પરણી લેવાની ના પાડીને ઊભો થઈ રહે છે કાં તો નફટાઈથી ના પાડે છે, અથવા તો એ બાપડાને પરણવાનો માર્ગ જ રહેતો નથી. ને પછી આપણે એ બધું જ છૂપું રાખવાની મહેનત કરીએ છીએ. તારું પણ આમ જ બન્યું હોવું જોઈએ, ખરુંને, બહેન ? તારી જગ્યાએ હું હોઉં તો મારું પણ એવું જ બને, હો બહેન ! કહે, મને તારી સાચી વાત કહે, આમ જ બનેલું ને ?”
“ઈ કાંઈ જ મને પૂછો મા, બાઈ, તમારે પગે પડું છું હું.” અજવાળી પુકારી ઊઠી. તોય સરસ્વતીએ આગળ ચલાવ્યું :
“કોઈ કોઈ વાર તો પોતાના જેટલા જ અપરાધી પુરુષને, પોતાના કરતાંય વધુ એ પાપીને બચાવવા માટે સ્ત્રી પાતક કરી બેસે છે. હજારો સ્ત્રીઓએ આ જગતમાં એમ જ કર્યું છે, બહેન ! અને એ પાપી પુરુષ તો એવી ભલી સ્ત્રીની સિવાઈ ગયેલી જીભની ઓથે મજા કરી રહેલો હોય છે. આવું હોય તો ત્યાં સ્ત્રીએ પોતાની જીભના ટેભા તોડી જ નાખવા જોઈએ – ભલેને પછી એથી ચાહે તેવા ચમરબંધીનો ભવાડો થતો હોય. તારે પણ, બહેન, જો જજની અને લોકોની નજરમાં દયા, કરુણા ઉત્પન્ન કરવી હોય તો એ પુરુષનું પાપ પણ ખુલ્લું કરી નાખવું. તું એ ખુલ્લું કરી નાખીશ ને ?”
“મારાથી એ નહીં બને, નહીં જ બને.” અજવાળી ચીસ પાડીને રડી ઊઠી.
“તું રડીશ ના, બહેન ! આ સાહેબ તો બહુ દયાળુ હૃદયના છે. એની પાસે જ કાલે રાજકોટ જતાં પહેલાં પેટ ખોલી નાખ. એ ઉપલી કોર્ટ પર દયા કરવાનું લખશે, એ કેટલા કોમળ હૃદયના…”
“મને શીદ બાળો છો, બાઈ ? મારાથી કોઈનું નામ કદી જ લઈ નહીં શકાય. ભલે મને કટકા કરી નાખે.”
હજુ હમણાં સુધી જેના મોંમાંથી અપશબ્દોનો તેજાબ ઊછળી રહ્યો હતો, તેના જ અંતઃકરણની અંદર ભરેલું ઉદારતાનું અમૃત સરોવર સરસ્વતીએ દીઠું. એક દુર્જન – પણ પોતાનો પુરુષ – તેને બચાવવા આ કુંભારની છોકરી પાંચ-દશ વર્ષની જીવતી કબર-જેલમાં સમાધિ લેવા ખુશી હતી. એક જ વખતનો ઢળેલો સ્નેહ, પુરુષના હૈયાનું એક જ ક્ષણનું ફરેબી પ્રીતિ-દાન, એ પ્રીતિના કરવૈયાની તમામ કુટિલતા કરતાં વધુ પવિત્ર, અતિ ઊંચેરું હતું. અને એ શું ચમત્કાર હતો ? સરસ્વતીએ વિચાર કર્યો : હું પોતે જ એ સ્થિતિમાં શું કરું ? મારો શિવરાજ મને આવો ફરેબ દેનાર નીવડત, તો હું કેવી રીતે વર્તી હોત ?અન્યથા આચરણ કરવાનું સ્ત્રીહૃદયને માટે શક્ય નથી. અજવાળી નામ નહીં આપે. એ દલીલને માર્ગે અજવાળીને મનાવી લેવાનું અશકય હતું.
“કાંઈ નહીં, બહેન !” એણે બીજો માર્ગ અજમાવ્યો, “છો નામ ન લેતી. પણ અદાલતની દયા મેળવવાનો માર્ગ ગ્રહણ કરવામાં શું ખોટું છે ? કોઈ સ્ત્રીને પોતાના બાળકનો જીવ લેવાનું ગમતું નથી. એવું અઘોર કૃત્ય સંજોગો જ કરાવે છે. પુરુષોને ક્યાંથી ખબર હોય, કે કેટલી બીકમાં ને બીકમાં, કેવા ફફડાટો વચ્ચે આવું કૃત્ય કરવું પડતું હશે ! કર્યા વગર, કરવાની ઈચ્છા વગર, અજાણપણે, બીજો કોઈ રસ્તો ન સૂઝવાથી, અરે, અજ્ઞાનથી પણ આ કામ થઈ જતું હશે. આ બધું અદાલતમાં કહ્યું હોય તો ન્યાયાધીશના મનમાં ઘણો મોટો ફેર પડી જાય, બહેન ! ને છોડી મૂકતાંયે વાર પણ ન લાગે.”
“ભલે ત્યારે,” અજવાળીને આ માર્ગે જીવવું વહાલું લાગતાં એ બોલી, “તો ભલે, હું સાચું કબૂલ કરીશ. હા, બાઈ, સાચી વાત છે. મારે છોકરું થ્યું’તું ને મેં જ એને મારી નાખ્યું : પણ બોન, મારો અંતરજામી જાણે છે, મારે ઈને નો’તું મારવું. અત્યારે ઈ જીવતું હોત તો હું એને ધવરાવતી હોત, હો. હું સાચું કહું છું. મારી છાતીમાં કાંઈનું કાંઈ થઈ જાય છે, હો બોન ! પણ હું કોને કહું ? મારે કોઈ કે’વા ઠેકાણું નો’તું ને !”
“સમજ કે એ કહેવા ઠેકાણું આજ હું છું. મારી પાસે બધું અંતર ઉઘાડી દે !”
“તમે મને છોડાવી શકશો ? તમારા બાપુને કહેશો ? ઈ રાજકોટમાં મોટા સા’બને ઇમ કે’ કે અંજુડીનું તો ઠીક, પણ ઈની રાંડની માં બઉ દુખિયારી છે…”
“એ હું બધું જ કરીશ; ને મારા બાપુ તો શું, શિવરાજ સાહેબ જ ખરા દયાળુ છે. તારા જેવી ગરીબ ફસાયેલી બાઈઓ ઉપર તો એ પ્રાણ ઓળઘોળ કરે તેવા છે. તું એક વાર આખી જ અથ-ઇતિ કહી નાખ, પછી જોજે ને !”
પછી અજવાળીએ, પાત્રોનાં નામો ફક્ત છુપાવીને, પોતાના પિતાની નિર્દયતાની કાળી મેઘલી રાતથી માંડી છેવટ સુધીની તમામ ઘટનાઓ અખંડિત પ્રવાહ વહેતી કરી. વચ્ચે “હા” “હાં” “પછી ?” એવા બોલ બોલતી સરસ્વતી પ્રત્યેક ઘટનાને પૂરી રીતે સમજવા માટે આતુર પ્રશ્નો પૂછતી હતી. જેલની કાળી દીવાલો પણ સાંભળી જશે એવી બીકે બેઉની રહસ્ય-કથા ભયભીત, ગુસપુસ સ્વરોમાં ચાલતી હતી.
“એના ઘરમાં બીજું કોઈ માનવી ન જાગી ઊઠ્યું ? કોઈએ તને દિવસેય ન ભાળી ?” સરસ્વતીએ એ પુરુષ રામભાઈ જ છે એવી સમજથી પ્રશ્ન કર્યો.
“એ એકલા જ રહેતા; એને કોઈ હતું જ નહીં.”
“તમારા લોકની જાતના હતા ? વેપારી હતા ?”
“ના. ના. વેપારી કે લોકવરણનું મન કાંઈ એવું મોટું હોય ? મને કાંઈ સંઘરે ?”
“ત્યારે કોણ કોઈ વકીલ હતા ? આ રામભાઈ…”
“ના રે બોન, ના. ઈ હોત તો તો આવું શેનું બનત ? ઈને ને અમારે તો પૂરી ઓળખાણ કહેવાય. ઈને ઘરે ગઈ હોત તો ઈની મા ને બેન્યું મને રાતની રાત સાચવી લેત ને !”
“ત્યારે તો એ નહીં, એમ ?”
“ના રે ના, કોણે કહ્યું ?”
“બધા કહે છે. આખું ગામ એમ જ માને છે. લોક બોલે છે કે તું ગઇ તે રાતે એ પણ અદૃશ્ય બન્યા હતા.”
“ઈની મને ખબર નથી. પણ મારા માથે એને નાનેથી જ બૌ હેત હતું, મારો બાપ અમારા હેતને લીધે અને માથે ભડકે બળતો; ને હું મેળે હાલી ગઈ. એથી વહેમાઇને મારા બાપે એના બાપની હારે કજિયો કરેલો, એટલી મને ખબર પડી; ને ઇ કજિયાને કારણે રામભાઈ વયા ગયા હોય તો પરભુ જાણે. બાકી ઇ તો તો નૈ, નૈ લાખ વાતેય નૈ.”
“ત્યારે કોઈ અમલદાર ?”
“મને પૂછવું રે’વા દો, બોન ! એનો બચાડાનો શો ગુનો ? મારે નામ નથી લેવું.”
કોઈ જંગલઝાડી વીંધતી વીંધતી સરસ્વતી જાણે એક ભમરિયા કૂવાની ભેખડ પર આવી પહોંચી હતી. પોતે જાણે કે એ કૂવાનાં પાતાળ-પાણીને ભાળી તમ્મર અનુભવતી હતી. પાછી વળે તે પહેલાં જ એના પગ હેઠળની માટી સરકી. એનાથી પુછાઈ ગયું : “મારા… એ… કાંઈ… થાય… ?”
અજવાળીએ પોતાનું મોં સરસ્વતીના ખોળામાં દાટી દીધું. સરસ્વતીએ અજવાળીનું મોં ઊંચું કર્યું. એની આંખોના અતલ તલ નિહાળ્યા. એને સમજ પડી ગઈ.
સત્યનું જ્ઞાન લાધ્યું, અનુકંપા ઊખડી ગઈ. નારીપણું પ્રજ્વલિત બન્યું. દયાની દેવીને સ્થાને સ્ત્રી ચડી બેઠી — સરલ, નિર્દોષ, ઠગાયેલી, દગલબાજી અને વિશ્વાસઘાતનો ભોગ થઈ પડેલી, કારમા કો અત્યાચારનો કોળિયો બની ગયેલી સ્ત્રી.
ઓહોહો ! ત્યારે તો આ એક ગંદી, ગંધાતી, રઝળતી, સડેલી ખેડુ-છોકરી એના હૈયા પર મારી પહેલાં ચડી બેઠી હતી ! આ છોકરી શિવરાજના આલિંગનમાં ! આ ગાલો પર શિવરાજના હોઠની સોડમ ! આ ચહેરો શિવરાજનો ચાહેલો ! આ છોકરીએ મારા શિવરાજને વશ કરેલો — આ ધૃણિત, ખેતરોની ભૂંડણે ! એણે એ પ્રેમ જીતવા સરખી કઈ સેવા, કઈ ભક્તિ એવી શિવરાજની ઉઠાવી હતી ? બાપના ત્રાસે ભાગેડું બનેલીને મધ સાંપડી ગયું ? બસ, રસ્તામાં જ શું શિવરાજ એની હડફેટે આવી ગયો ? કશી લાંબી ઉપાસના-આરાધના ન કરવી પડી !
સરસ્વતીની જીભ એના સુકાતા, સળગી જતા હોઠને ભીંજવવા ફરતી હતી. એની આંખો જાણે કારાગૃહની કાળી દીવાલમાં ખૂટી જવા કોઈ ખાડો ખોતરતી હતી. એના મનમાં ‘મારું કે મરું’ ‘મારું કે મરું’ થઈ રહ્યું હતું.
પોતે કેવો અનર્થ કરી બેઠી હતી તેની ગમ અજવાળીને અતિ મોડી પડી. એ સરસ્વતીનો હાથ પકડવા ગઈ. — “મને અડકીશ નહીં !” કહીને સરસ્વતીએ હાથ સંકોડી લીધો. ‘જહાનમમાં જાય અજવાળી ! એનાં કર્યાં છો એ ભોગવે. મારે ને એને શું ?” — એવી લાગણી એના અંતર પર દોડાદોડ કરવા લાગી.
બીજી થોડીક ક્ષણો — અને નારીત્વના ઉન્નત નાદ સંભળાયા. આનો બાપડીનો શો અપરાધ ! એણે જે કર્યું છે તેનાં તો એ બાપડી અત્યારે ફળો ભોગવી રહી છે. એકાદ ઘડીના સુખનો તો એ અત્યારે ભયાનક દંડ ચૂકવી રહી છે. એની વાત તો પતી. પણ મારું શું ? મારી તો તમામ આશા છુંદાઈ ગઈ. મારા પ્રેમનો આંબો સળગી ગયો. હું તો લૂંટાઈ ગઈ !