← જેલની ઇસ્પિતાલે અપરાધી
એક પગલું આગળ
ઝવેરચંદ મેઘાણી
દયા આવે છે →


૩૦.એક પગલું આગળ

જન્સીની પુનર્ઘટનાના એ દિવસો હતા. ચાર સિવિલ સ્ટેશનો નીકળીને બે બનતાં હતાં. પ્રચંડ કોઈ આગ લાગી હોય તેટલા વેગથી એજન્સી પોતાની વધારાની બે છાવણીઓને સમેટી રહી હતી. એના આલેશાન બંગલા પાણીને મૂલે વેચાણ થઈ નિકાલ પામતા હતા. એની એક છાવણી ઉપરથી તો એ જમીનના મૂળ માલિક રાજવીએ એકેએક પથ્થર પણ ઉઠાવી જઈને જમીન જેવી સપાટ સોંપી હતી તેવી પાછી સુપરત કરવા એજન્સી પાસે માગણી કરી હતી. માંદલી, બેપરવાહ અને જરૂર જણાય તો એ બેહૂદી માગણી કરનાર રાજાસાહેબને બેપાંચ વર્ષના હવાફેર પર યુરોપ મોકલાવી દઈ શકનાર આગ્રહી એજન્સી આ રાજાની માગણીને પહોંચી વળવા છાવણીના પાયાથી લઈ છાપરાના કાટવળા પર્યંતનું ઈમારતી કામ ઉતારી લેવા પણ ચીવટ કરતી હતી.

એકલી ઇમારતો જ સમેટાતી નહોતી, એજન્સીનો રજવાડાં પરનો કાબૂ પણ પોતાની જાતને સંકેલી લેતો હતો. સોરઠમાં માણેલી સૂબાગીરીનો આવો સ્વૈચ્છિક ત્યાગ ગોરાઓ શા માટે કરતા હતા ? – કોઈ સમજતું નહોતું. છતાં એ ત્યાગ સ્વૈચ્છિક હતો, સૂબાગીરીના વૈભવોનું એ મરજિયાત વિસર્જન હતું. અંગ્રેજોને એ વાતનો ઓરતો નહોતો. દેશી જનોની તવારીખ એથી ઊલટી બનતી આવી છે. નાગરોનું કારભારું બાહ્મણોના હાથમાં, બ્રાહ્મણોનું વાણિયાના, કે વાણિયાનું ગરાસિયાના હાથમાં ચાલ્યું જતું હોય ત્યારે એક પક્ષે સત્યાનાશ વળી ગયાનો શોક અને બીજે પક્ષે કંસારનાં આંધણ — એવી પ્રણાલી કાઠિયાવાડને, એજન્સીને, પ્રત્યેક રજવાડાને ક્યાં અજાણી છે ?

મૂંગે મોંએ ચાલી રહેલા આવા એક મહાન પરિવર્તનની રંગભૂમિ પર શિવરાજનું પાત્ર ક્યાં ઊભેલું હતું ? — રાજકોટના પોલિટિકલ સેક્રેટરીની કચેરીમાં, આધેડ વયના ગોરા પોલિટિકલ અફસરે એ સહેજ શામળા જુવાનની જોડે હાથ મિલાવી સામી ખુરસી પર બેસાર્યો ને તેની મુખમુદ્રા બારીકીથી તપાસી.

“મેં તમને પહેલી જ વાર જોયા. તમારાં જજમેન્ટ મારા વાંચવામાં આવ્યાં હતાં. મને લાગ્યા જ કરતું કે તેમાં યુવાનીની લાગણીઓની છાંટ છે છતાં મેં તમને આટલા બધા જુવાન નહોતા માન્યા.”

“આપ મને અભિનંદન આપો છે કે ઉપાલંભ, એ હું નથી સમજતો.” શિવરાજે સહેજ મોં મલકાવીને ટકોર કરી.

“બંને, અથવા બેમાંથી એકેય નહીં.”

શિવરાજ ચૂપ રહ્યો. સેક્રેટરીએ આ મુલાકાતનો મર્મ સમજાવ્યો :

“શાસનમાં વયનું ઠરેલપણું પણ અનિવાર્ય છે.”

“તમારા એક વખતના રાષ્ટ્રપ્રધાન વિલિયમ પીટનું વય…”

“પણ તે તો કારોબારી વહીવટમાં.” ગોરો સેક્રેટરી શિવરાજના વાક્યને અધૂરેથી કાપીને શિવરાજને માત કરી રહ્યો : “ઇન્સાફના આસન ઉપર ઉંમરનું ઠરેલપણું અનિવાર્ય છે. કારણ કે ઇન્સાફનો કાંટો રસાયણશાળાનાં અતિ સૂક્ષ્મ દ્રવ્યો તોળવાના કાંટા જેવો છે. લાગણી અથવા આવેશની જરી જેવી ફૂંક પણ એને હલાવી નાખે.”

શિવરાજ પાસે આનો કોઈ ઉત્તર નહોતો.

“વારુ !” ગોરાએ હસીને કહ્યું, “તમારા પિતાને હું ઓળખું — તમારા ને એના દીદારમાં હું અદલ મળતાપણું જોઈ રહ્યો છું. એના જેવી ખામોશી તમારામાં જલદી ખીલી ઊઠશે એમ મને ભાસે છે. ઉપરાંત, આજે તો અમે એક મોટા દેશવ્યાપી અખતરાનું જોખમ ખેડવા નિર્ણય કર્યો છે. આ બેઉ પ્રાંતના સંયુક્ત વિભાગના પહેલા દરજ્જાના ન્યાયાધિકારીનું પદ તમે સાચવી શકશો ?”

“મને શ્રદ્ધા છે.”

“બીજી વાત,” અને આંહીં સેક્રેટરીના આધેડ મોં પર પણ ગલ પડ્યા, “પરણ્યા છો ?”

“નહીં.”

“સંભવ છે ?”

“તુરતમાં.”

“કોની જોડે ? ઓહ, હાં, યાદ આવ્યું : ડેપ્યુટી મિ. પંડિતનાં પુત્રી મિસ સરસ્વતી જોડે.”

“ડેપ્યુટીની દીકરી છે એટલા માટે જ નહીં.”

“ત્યારે ?”

“એના દેહપ્રાણના સૌંદર્યને માટે.”

“વારુ ! વારુ !” આધેડ ગોરો આ યુવાનની બેવકૂફી પર રમૂજ પામ્યો. “જેમ બને તેમ જલદી પતાવો. ન્યાયાધિકારીના પદ પર સારા લગ્નની એક ઊંડી અસર પડે છે.”

“તમારા આશીર્વાદ.”

“તમે તમારે સ્થાને જ રહેજો, હું ખબર આપીશ. આ નિમણૂકની વાત હમણાં કોઈને કહેવાની નથી.” એટલું કહ્યા પછી એણે ઉમેરો કર્યો : “કોઈને નહીં, અર્થાત્‌ એક સિવાય કોઈને નહીં, હાં કે ?”

પોતાને પોલિટિકલ સેક્રેટરીએ રાજકોટમાં રોકાવાનું કહ્યું એ ભાવતી વાત બની. સ્ટેશનેથી પોતે સીધેસીધો જ આ મુલાકાત પતાવવા ગયો હતો. ઓચિંતા જઈને ઊભા રહી સરસ્વતીના પેટમાં મીઠો ધ્રાસકો પાડવો હતો, તેથી ખબર નહોતા આપ્યા. સાંજ પડી ગઈ હતી. સરસ્વતીના પિતાનું મકાન વસ્તી બહાર એકાંતે જ હતું. પોતે પગે ચાલતો ગયો. રસ્તે આસોપાલવનાં ઘી-ઝબોળ્યાં જેવાં પાંદડાં અને ભાલે વારણાં લેતાં હતાં. ગુલમોરનાં ઝાડ એના પગ પાસે ફૂલોના ખૂમચા પાથરતાં હતાં, પ્રીતિના પંથ, કોણે કહ્યું, દોહ્યલા હતા ? ઉગ્રભાગીને માટે તો મખમલે જ છાયેલા એ માર્ગો હતા.

લપાતો લપાતો એ દરવાજામાં પ્રવેશ્યો. આગળના ભાગમાં ન દેખાતી સરસ્વતી પાછળના ચોગાનમાં બેઠી હશે : આંખો પર હાથ દાબી દેવાની મજા આવશે : ગુપચુપ દરવાજાની આગળી ભીડીને અંદર આગળ વધ્યો.

બંગલાની પાસે જતાં જ કોઈ ઝાડના ઝુંડમાંથી ઊભું થયું ? એના હાથમાં મેંદી કાપવાની મોટી કાતર હતી. કાતર ઉગામતો જ એ સામે આવી ઘૂરકવા લાગ્યો. પૂછ્યું : “કુણ છો ?”

“સાહેબ છે ?"

“પણ છાનામાના કેમ આવો છો ? જાવ, સાહેબ નથી.” પોતે જ સાહેબ બન્યો.

“બાઈ છે ?”

“નથી.”

“ક્યાં ગયાં છે ?”

“કાંપમાં.”

“કેટલું રોકાશે ?”

“પંદર દા’ડા.”

‘કાંપ’ શબ્દ સાંભળ્યો ત્યારે શિવરાજને ભાન થયું : સબ-જજને પંદર દિવસ રાજકોટ અને પંદર દિવસ કેમ્પમાં મુકામ નાખવાનો હુકમ હતો.

રાત્રિવાસ શિવરાજે એક મિત્રને ઘેર લીધો. વળતો આખો દિવસ એણે અહીંતહીં, અનાથઆશ્રમોમાં, વનિતા વિશ્રામમાં ને ઇસ્પિતાલમાં ભટક્યા કર્યું. તે પછીની અરધી રાત સુધી સરસ્વતીને કાગળ જ લખ્યા કર્યો ?

“તમારી આંખો આડા હાથ ભીડીને મને ઊભેલો જોત તો તમારો માળી મારા માથા પર જ એની તોતિંગ કાતર ઝીંકી દેત, તો અત્યારે હું પથારીવશ હોત, ને તમે મારી પરિચર્યા કરતાં હોત. આજની અધરાતના બેહાલ કરતાં એ પથારીવશ સ્થિતિ કેટલી વધુ સારી હોત !

“મને લાગ્યું કે તમે કૂતરો રાખવાને બદલે જ ઠીક આવો અડબંગ માળી રાખ્યો, જે બેઉ ફરજો બજાવી શકે.

“આંહીં જ્યાં લખી રહ્યો છું તેની નજીક જ અનાથઆશ્રમનું મકાન છે. ઊંઘવાની તૈયારી કરતાં બાળકો પાસે પ્રાર્થના ગવરાવાય છે. એ પ્રાર્થનામાં સ્વરો નથી, સંગીત નથી, પ્રાણ નથી. કેટલાંક થાકેલાં બાળકો, પોતે જેને જીવનમાં કદી પિછાન્યો નથી તેવા પ્રભુની ખુશામદ કરતાં કરતાં કંટાળતાં હશે, ને જેનો ખોળો હંમેશાં મળી શકે છે તેવી નીંદરનું પ્રત્યક્ષ દર્શન ન મળવા છતાંય એને ઈશ્વરથી પણ કોઈ વધુ મહિમાવંતી શક્તિ માનતાં હશે.

“ને મારી બીજી જ બાજુ, થોડે દૂર, મહિલાઆશ્રમ છે. ત્યાંથી પણ સૂવા પૂર્વેની પ્રાર્થના સંભળાય છે. ગમે તેમ, પણ એ તો તમારા સ્ત્રીઓના કંઠ: એમાં મીઠાશ વહે છે, એથીય કંઈક વધુ એમાંનો કોઈ કોઈ સ્વર તો જાણે જુદો પડી, નાસી છૂટી, આ અનાથાલયની આસપાસ ભ્રમણ કરી રહેલો લાગે છે. અનાથ વનિતાઓ, ને અનાથ બાળકો : જગતમાં એથી કોઈ વધુ કરુણ દૃશ્ય નથી. કોને ખબર છે, એમાંની કઈ અનાથિનીએ કોરું ઝબલું પહેરાવીને રસ્તે રઝળતું મૂકેલું કોઈ બાળ આ આશ્રમમાં નહીં હોય ? કોઈ તો છ-છ બાર-બાર મહિનાની સજા ભોગવી આવી હશે. કોઈ ફરી ફરી ભાગી જઈ પાછી પુરુષને ફંદે ફસાતી હશે, વળી ફરીથી જણેલા જીવને કાં રડતું છોડી દેતી હશે, અથવા ગળે ચીપ દઈ દેતી હશે !

“એવી માતાઓના સૂનકાર હૈયામાંથી ઊઠતા આ મીઠા શોર મને આપણા કાયદાની વિચિત્રતા પર વિચાર કરતો કરે છે. ને મને થાય છે, કે એ જ કાયદાની ત્રાજૂડીમાં મારે પણ અનેક નિરપરાધી ઓરતોને કોઈક વાર તોળવાનું આવશે. ઘડીભર થાય છે કે કાયદાનો માર્ગ છોડી દઉં. બીક લાગે છે કે કાં હું કેવળ આ કાયદારૂપી જરી-પુરાણા ધૂની સત્તાધીશોના કારોબારી હુકમોનો ઉઠાવનારો એક યંત્રમય માનવી બની જઈશ, અથવા એ ત્રાજવું મારા દુર્બળ હાથમાં હંમેશાં પૂજતું-કંપતું રહેશે.

“એક જ આશા અને એક જ આધાર છે કે મારી બાજુમાં તું ખડી થઈ જઈશ — મને તું યંત્ર બની જવા ન દેજે. મને તું કાયદા ઉપર રાજ કરતી માનવતા તો શીખવજે. સ્ત્રીજાતિ પ્રત્યે મારું મન આટલું કૂણું થયું તે તો જાણે કે આપણી બીજી વારની પિછાન પછી જ; તે પૂર્વે મને સ્પષ્ટ ખ્યાલો નહોતા. હતા કેવળ ભણકાર — પચીસ વર્ષોની ભૂતકાળ-ગુફામાંથી ચાલ્યા આવતા વાયુના રુદન જેવા — જેનું મોં પણ યાદ નથી તે જનેતાના પ્રેમના.

“હર ઘડી હું પોલિટિકલ સેક્રેટરીના સંદેશાની રાહ જોઉં છું. તારો… શું કહું… ?… મોટોમસ ન્યાયાધિકારી બની જવાની તૈયારીમાં છે. આ નાનકડા માથા પર મોટું બોથાલું બંધ કેમ બેસશે ? બીજું તો ઠીક, પણ છતી જુવાનીએ ય ન્યાયાધિકારનું પ્રૌઢત્વ ધારણ કરવાનો ત્રાસ કેટલો મોટો ! પછી આપણે તો ચોવીસે કલાક સાહેબ-સાહેબડી જ બની રહેવાનું ને ? છૂટથી, સ્વચ્છંદે, મોકળાં, મન ફાવે ત્યાં ભમવું, પાંચીકા વીણવા, પતંગિયાં રમાડવાં, પક્ષીઓના ચાળા પાડવા, ને તને ઊંચે ઉપાડી ફેરફુદરડી ફેરવી ધરતી પર પડતી મૂકવી, એ હક તો જતો રહેશે ને ? લોકોના જોતાં દાંત પણ નહીં કઢાય, તને ઘુસ્તો પણ નહીં લગાવાય, લોકોની જોડે મેળામાં નહીં ઘૂમાઘૂમ થાય. ને કાઠિયાવાડ જોવાના કોડ ક્યાંથી પૂરા થશે ?

“ફિકર નહીં. છ મહિનાની લાંબી રજાનો હક થશે, પછી મોટરમાં ચડી, જુદે જ વેશે આપણે કાઠિયાવાડ ઘૂમવા નીકળી પડશું. ને પછી હું તને બતાવીશ કે કઠિયાવાડના પુરાતન શૂરવીરો-પ્રેમીજનોની ખુમારી તું મારી આંખોમાં વારંવાર જોઈ રહે છે તે મેં ક્યાંથી મેળવી છે.

“હું તને બતાવીશ એ પાંચાલના ગઢ ભીમોરા ને ભોંયરગઢ; ગીરની હિરણ્ય નદી અને પ્રેમભગ્ન ભૂતનો માંગડો ડુંગર; તને બતાવીશ ખંભાતી કુમારિકા લોડણનાં લોહીએ નહાયેલી સોળ વર્ષના કિશોર ખીમરાની રાવલ ગામને પાદરે હજુય ઊભેલી ખાંભી; તને દેખાડીશ હોથલનો કનરા ડુંગર, ને રાણકદેવીને ઠપકે ખડેડી ખાંગો થયેલો ગિરનાર. — ને હવે કેટલી વાર છે? આ અસ્થિરતા ક્યારે પૂરી થશે ? તું જલદી નક્કી કરજે. આજ સુધી બાપુજી હતા. ને હું એનો રઝળુ છોકરો હતો. હવે મારું છોકરપણું પૂરું થયું. બાપુના બે બૂઢા નોકરો ઘરમાં નાની વયની વિધવા સ્ત્રીઓ જેવા — અરે, ગાય વગરના વાછરું જેવા — સૂનમૂન પડ્યા છે. મારું રઝળપણું હવે મીઠાશ આપતું નથી.

“પણ હું ઘરમાં જઈને એકલો શી રીતે ઊભો રહું ? પગમાં હિંમત નથી.”

પત્ર પૂરો કરીને, પરબીડિયામાં બીડતાં બીડતાં શિવરાજ હસતો હતો : આખરે પુરુષ જ સ્ત્રી પાસે વધુ લાચાર છે ને !

ત્રીજે દિવસે કાંપમાંથી સરસ્વતીનો જવાબ આવ્યો. અક્ષરો ચીપેલા હતા. લખાણ ઠીક ઠીક લાંબું હતું :

“સ્ત્રીઓનાં દુઃખોની આટલી ઊંડી ઓળખાણ તમારામાં ક્યાંથી આવી ? મને તો મારો ભૂતકાળ યાદ આવે છે. નારી-સ્વાતંત્ર્યનાં પોકળ બણગાં ફૂંકનારાઓ મને મળ્યા હતા. તેમને સ્ત્રીની સ્વતંત્રતા નહોતી જોઈતી; પારકી પરાધીનતામાંથી ખેસવીને તેઓ એકલા સ્ત્રીનો કબજો લેવા ઈચ્છનારા હતા.

“તમારા હાથમાં ન્યાયની ત્રાજૂડી આવી છે. ન્યાય જ્યારે જ્યારે નારીના ઉપર કઠોર દંડનું મણીકું મૂકો, ત્યારે તમે તમારી લાગણીને સામે છાબડે ચડાવજો. હથ ધૃજશે તો સ્ત્રીને પલ્લે ડાંડી નમશે.

“તમે મને ક્યાં ક્યાં લઈ જશો ? મારે તો ક્યાંય ભમવાનું રહ્યું નથી. સોરઠનો રસ તો હું તમારા એકલામાંથી જ પી લઈશ.

“અને સ્ત્રી તો બીજું શું ઈચ્છે ? એ એક જ વાત ઈચ્છે : પોતાના દેહપ્રાણ ઉપર સાચા પુરુષનો પરિપૂર્ણ કબજો.

“એ કબજો લેવા તમારા તમામ ઉમળકાની ફોજ લઈને જ્યારે આવી પહોંચશો ત્યારે હું કબજે થવા તૈયાર રહીશ.

“અત્યારે તો આંહીં અમારા જૂના બંગલાના — અને હવે તો તમારા બની ગયેલા બંગલાના — ચોગાનમાં તમારા સ્વાગતની સજાવટ થઈ રહી છે. આંહીંના લોકો તમને મૂંઝવી નાખવા ઘેલા બન્યા છે. મને તો એમના પર દાઝ ચડે છે.”

આઠ જ દિવસમાં એ સ્વાગતનો સમારંભ આવી પહોંચ્યો. શિવરાજ પોલિટિકલ સેક્રેટરી પાસેથી પૂરી સમજ લઈને પાછો વળ્યો છે : એકાદ વર્ષમાં તૈયાર થઈ જજો. તમારે તમારા પિતાનું સ્થાન સંભાળવા સુજાનગઢમાં નિમાવાનું છે. દરબાર હજુ બાર વર્ષના છે. દૂબળા અને ચસકેલ ભેજાના છે. કદાચ વિલાયત લઈ જવા પડશે. એટલે પૂરાં આઠેક વર્ષ સુધી તો ત્યાંનો વહીવટ તમને સોંપાશે, તમને પચાસ હજાર પ્રજાજનોનાં જાનમાલ સોંપાશે : તૈયારી કરવા માંડો.

નમણી સાંજ હતી, એથીય વધુ નમણી સરસ્વતી હતી. હંમેશ ઉઘાડે માથે રહેનારી અને અંબોડે ગુલાબનો ગોટો ચડાવનારી સરસ્વતીએ આજ સાંજરે પૂરે માથે સાડી ઓઢી લીધી છે. મેદની મળી છે. સુજાનગઢનાં ને કાંપનાં નરનાર ટોળે વળ્યાં છે. સભા ચાલે છે, ભાષણો થાય છે. બુઢ્‌ઢા ને જુવાનો એક જ વાત વારંવાર ઉથલાવીને સંભળાવે છે : અમને ન્યાયમૂર્તિ મળેલા છે, લાલચોમાં ન લપટાય તેવા; અરે, ખુદ પોતે અપરાધી હોય તો પોતાની જાતને પણ જતી ન કરે તેવા; ગરીબોના બેલી.

“અને સ્ત્રીઓના સગા વીર,” એક શિક્ષિત સન્નારી બોલી ઊઠી, “પુરુષો, તમે હવે ચેતજો. ઘરને છાને ખૂણે પણ જો જુલમ કરશોને, જો રાતી આંખ કાઢશોને, તો શિવરાજસાહેબને અમે કાળી રાતે પણ જગાડી શકશું.”

શિવરાજ જવાબ વાળવા ઊઠ્યો. એના ટાંટિયા થરથરતા હતા. એણે શબ્દોની શોધ કરતે કરતે હાથની બંને હથેળીઓ ચોળ્યા કરી. હાથ પાણી પાણી થતા હતા. અદાલતમાં વકીલો-પક્ષકારોને સમજાવતી વખતે જેની જીભ જરીકે થોથરાતી નહોતી તે જ શું આ માણસ ! શબ્દો એને જડતા નહોતા.

“હું — હું — વધુ તો કહેવા માગતો નથી. ઈન્સાફના પંથ મેં હજુ પૂરા જોયા નથી. સ્ત્રીઓની દુનિયાથી તો હું હજુ છેક અજાણ છું—”

આંહીં એની ને સરસ્વતીની મીટેમીટ એક થઈ. એ જાણે કે મહામહેનતે હસ્યો : “મને એક જ વાતની ખબર છે મારા બાપુજીને પગલે પગલે હું ઇન્સાફને માર્ગે ચાલ્યા કરીશ — પછી એ માર્ગે ચાહે તે આવો !”

“બસ, બસ, એટલું જ અમારે સાંભળવું હતું.” એક પ્રજાજને તાળીઓ પાડી. એના હજાર પડઘા એકાકાર બનીને સામેની એક ઊંચી દીવાલમાં અથડાયા.

એ દીવાલ શાની હતી ? એ કાળો કોટ હતો.

આખા પ્રાંતની જબરદસ્ત જેલની એ પાછળી દીવાલ હતી.

દીવાલની અંદરના ભાગમાં, એ જ ઠેકાણે, ઓરત-કેદીઓની તુરંગો હતી. એમાંની એક તુરંગમાં અજવાળી બેઠી હતી. દીવાલને બારી કે બાકોરું કશું જ નહોતું. આંખો વગરના, નાકકાન વગરના, કોઈ અજાજૂડ અજગરનો જાણે એ ઈતિહાસકાળની પૂર્વેનો કોઈ અવતાર હતો.

પણ દીવાલની પાસે પારકા બોલનો પડઘો ઝીલી શકે તેટલું કલેજું હતું. એણે સિપાઈઓની પરેડના, કેદીઓના જંજીર-ખણકાટોના, મુકાદમોના હાકોટાના, તોફાની બંદીવાનનાં ઢીંઢાં ફાડતી સોટીઓના અને ઓરત-કેદીઓની કોઈ કોઈ વારની કાળી ચીસોના પડઘા ઝીલ્યા હતા.

આજે એ દીવાલે જુદા જ પડઘાનો ખૂમચો ભરી લીધો :

“મારા બાપુજીને પગલે પગલે હું ઈન્સાફને માર્ગે ચાલીશ — પછી એ માર્ગે ચાહે તે આવો !”

“ચાહે તે આવો !”

— અજવાળીને ખબર હતી કે આ પડઘા કોના મુખબોલના છે ? અજવાળી જાણતી હતી કે તાળીઓના નાદ કોના નામ પર લહેરાય છે ? અજવાળીને કશી જ ગમ નહોતી. પાણીનું એક ગટકૂડું. પેશાબ-ઝાડે જવાનું એક કુંડૂ. પહેરેગીરના એકસૂરીલા કદમો, કોઈ કોઈ તુરંગના તાળામાં ચેપાઈને ચીંકાર કરતી ચાવીઓ, અને વાતાવરણ ના ખાઉખાઉકાર — અજવાળીની સૃષ્ટિનાં એ સર્વ સંગાથી હતાં.

સભા વિસર્જન થઈ. શિવરાજ સરસ્વતીના પિતા મિ. પંડિતને ઉતારે ગ્યો, સરસ્વતીએ પૂછ્યું: “બોલતી વખતે તમારા ગળામાં સોસ કેમ પડતો હતો ? ચહેરો શા માટે સાવ સુક્કો ને નિસ્તેજ પડી ગયો હતો ?”

“કોણ જાણે કેમ, પણ હું જાણે કે મને પોતાને જ ફાંસીની સજા ફરમાવી રહ્યો હોઉંને, એવા મારા શબ્દો લાગતા હતા.”

“વાહ ! ગંડુ નહીં તો ! એવું તે બોલાય ? આવે મંગળ પ્રસંગે એવા વિચારો કેમ આવ્યા ?”

“ખબર નથી પડતી.”

જેલના બુરજ પર એ જ મિનિટે ડંકા પડ્યા. એક કૂતરું રડ્યું અને ચોથનો ચંદ્ર ઓલવાયો.

“આંહીં અમારી જોડે જ રાત ગાળશોને ?” સરસ્વતીના પિતા પંડિતસાહેબે શિવરાજને પૂછી જોયું. સરસ્વતીના દિલમાં શરમની પાંદડીઓ પડી ગઈ. પોતે અંદર ચાલી ગઈ. એને બીક હતી કે બાપુજી કદાચ મારો પણ મત પૂછશે. બાપુજીને દુનિયાદારીનું કશું ભાન નથી !

“આંહીં એ ન રોકાય તો જ સારું.” સરસ્વતીનાં ગાત્રો ડરની અસરમાં રેબઝેબ થતાં હતાં.

શિવરાજે પંડિતસાહેબની ક્ષમા માગી “સુજાનગઢ જ જઈશ. ત્યાં બે બુઢ્‌ઢા નોકરો એકલા પડ્યા છે. એની સંભાળ લઈને કાલે પાછો આવીને અહીં જ જમીશ.”

“હા આવજો — જો કબજિયાતનો રોગ હોય તો !”

“કેમ ?”

“સરસ્વતીની રસોઈમાં મીઠું હજુ જુલાબ લેવા જેટલા જથ્થામાં નખાય છે. કેમ સરસ્વતી, ખરું ને ?”

શિવરાજ કદાચ રોકાઈ પડશે એ બીકે ધ્રૂજતી સરસ્વતીએ પાછળની બારીએથી જોયું કે શિવરાજ ગાડીમાં બેઠો, ને એના શિરસ્તેદારે એક નેતરની સુંદર પીળી છાબડીમાં બાંધેલાં અર્ધફૂલસ્કેપ કાગળિયાંનો થોકડો સાહેબની સામેની બેઠક પર મુકાવી દીધો.

“આ શું ?” શિવરાજે પૂછ્યું.

“આવતી કાલે લેવાના મુકદમાના પેપર્સ છે, સાહેબ ! આપને વાંચીને પછી સુનાવણીમાં બેસવાનો રસ આવશે.”

“વારુ.”

ગાડી ચાલી. સુજાનગઢ જવાની સડકની ડાબી બાજુએ અજવાળીની માનું ઘર આવ્યું. જમણી બાજુ અરધોક ગાઉ પરથી એણે ગોઝારા કોઠાની છાયાકૃતિ સૂર્યાસ્તની દિશામાં દીઠી. બોક્સ પર બેઠેલા કોચમેને પોતાની જોડમાં બેઠેલા સાથીને ગોઝારા કોઠા પ્રત્યે મૂંગી આંગળી ચીંધી. શિવરાજનું ધ્યાન, કોણ જાણે કેમ પણ, એ કાગળિયાંની થપ્પી ફરતી બાંધેલી લોહી વરણી ચામડાની પટી પર જ ચોંટી રહ્યું. અજવાળીનું ખોરડું ગયું તેની એને સરત ન રહી.

સુજાનગઢના બંગલામાં પેસતાં જ એણે બુઢ્‌ઢા ચાઊસને પૂછી જોયું : “માલુજીને કેમ છે ?”

“બુખાર હૈ.”

“કેટલોક ?”

“થોરા ! બિલકુલ કમતી, હાં સા’બ !”

પોતે માલુજીના ખાટલા પાસે ગયો. માલુજી ઘેનમાં હતા : શિવરાજે ઊંઘ સમજી લીધી.

“આરામ છે ? ઊંઘે છે ? તો તો ઊંઘવા દો, ચાઊસ !”

“હાં સા’બ.”

સૂવાના ઓરડા તરફ જતાં જતાં બાજુના ઓરડામાં, પિતાના લખવાના મેજ પર, પેલી નેતરની છાબડી પડી હતી એમાંનાં કાગળિયાંની થપ્પીના લાલ પટા પર શિવરાજની નજર ગઈ. ગાડીવાળાએ ત્યાં સાચવીને મૂકી હતી.

સૂતાં પહેલાં વાંચી તો જોઉં — એમ વિચારીને શિવરાજ મેજ પર બેઠો. દોરી ખોલી અને પહેલી જ ફાઈલ હાથમાં લીધી. તેના ઉપરના શબ્દો જોઈ ચમક્યો :

સરકાર વિ. બાઈ અજવાળી વાઘા.
બાળહત્યા બાબત. કમિટ કરવાનો કેસ.

અક્ષરો પર શિવરાજની નજર સ્થિર ન રહી શકી. અક્ષરો અક્ષર મટી ગયા; એમાંથી આંખો, મોં, હાથ, પગ વગેરે માનવાકૃતિનાં અંગો રચાવા લાગ્યાં. ‘બાળહત્યા’ શબ્દ ભાષામાં બહુ સહેલાઈથી પેસી ગયો છે. પણ બધી જ આંખો એને એટલી સહેલાઈથી વાંચી નથી શકતી.

અજવાળી વાઘા : એ જ એ જ : એણે બાળહત્યા કરી ! શિવરાજના પ્રાણનું તળિયું સળવળ્યું. આજ દસ મહિનાથી એ ભયની ભૂતાવળ પોતે મનની ઊંડી બખોલોમાં જોયા કરી હતી. એને પલે પલે અસ્વસ્થ બનાવનાર એ એક જ ફફડાટ હતો. ગઈ સાંજની જાહેર સભામાં એના શબ્દો કંઠમાં આવીને પાછા વળી ગયા હતા તે આ ભયના જ ભણકારને આભારી હતું. અજવાળી આવી પણ ગઈ ? એનો મુકદ્દમો શું મારે ચલાવવાનો છે ?

એણે પિતાના મેજ પર માતાની તસવીર દેખી. એ ઊઠી ગયો; સૂવાના ઓરડા તરફ ચાલ્યો. એની આંખે તમ્મર આવ્યાં. ઉંબરમાં જ એના શરીરે પડતું મેલ્યું. ધબકારો બહાર સંભળાયો. ચાઊસ અને રસોઈયો દોડતા આવ્યા. અચેતન શિવરાજને ઉપાડી પથારીમાં સુવરાવ્યો. દાક્તર આવ્યા, દવા કરી.

“કશું નથી; માનસિક થાક છે.” કહીને એણે અર્ધજાગ્રત શિવરાજને હિંમત આપી.

“સૂઈ જવું છે, દાક્તર !” શિવરાજે એટલું કહીને પડખું ફેરવ્યું. અને દાક્તરે એના કપાળ પર હાથ ફેરવીને કહ્યું : પંદર દિવસ સુધી પૂરો આરામ લેવો પડશે.”

કાંપમાં ખબર પહોંચ્યા. પંડિતસાહેબ અને સરસ્વતી હાજર થયાં.

“આપણે બધાંએ જઈને એની હવા નથી બગાડવી, બેટા ! તું એકલી જ જઈ આવ.” એમ કહી પંડિતસાહેબ બહારના રૂમમાં જ બેઠા.

ઓરડામાં પહેલું પ્રવેશ્યું સરસ્વતીનું હાસ્ય ને પાછળ સરસ્વતીના શરીરે પગ મૂક્યો, એવું હરકોઈને લાગે. સૂતેલા શિવરાજનું થાકેલું સ્મિત એના કદમોમાં વેરાયું. સરસ્વતી સામી ખુરશીમાં બેસી રહી, કશું બોલી નહીં. એની અબોલ દશા એક સંકેત એમ બની. માણસો ત્યાંથી હટીને ધીરે ધીરે બહાર નીકળી ગયા.

“કેમ છે ?” સરસ્વતીએ પૂછ્યું.

શિવરાજે વેદનામધુર મોં હલાવ્યું.

“હું નહોતી કહેતી ? કાલની સભાનો થાક છે. તમે બહુ ગંભીર બની જઈને બધી વાતો મન પર લઈ લો છો.”

“કાંઈ નથી. બે દિવસમાં જ ટટાર બની જઈશ.”

“હું રોકાઉં ? બાપુજીને પૂછું ?”

“ના રે ના, નથી જ રોકાવાનું.”

“મારી દયા હવે કેટલાક દિવસ ખાશો ?”

“સાહેબ બન્યો છું એટલે ગુનેગારો પર રહમદિલ તો રહેવું જ જોઈશે ને ?” શિવરાજ હસ્યો.

“હજુ તો વાર છે. હજુ મેં આપસાહેબ ગરીબપરવરનો ગુનો નથી કર્યો.”

“ગુનાનો સંકલ્પ તો કર્યો છે ને ?”

“એ જ ગુનો, એમ ને ?”

“બીજું શું ?”

“જુઓ તો ખૂબી ! ગુનાના ભાગીદાર પોતે તો ન્યાયાસને ચડી ઇન્સાફ તોળવા બેઠા છે !”

આ શબ્દ પણ શિવરાજને દ્વિઅર્થી લાગ્યા. સરસ્વતી શું ભેદ કળી ગઈ હતી ?

“બાપુજીને બોલાવોને અંદર.” શિવરાજે પોતાનું રક્ષણ શોધ્યું.

થોડી વારે પિતાપુત્રી ચાલ્યાં ગયાં. શિવરાજની મનોવસ્થા સચેત થઈ, એટલે ફરી પાછા એના એ તાર કંતાતા થયા. દસ મહિના સુધી તોળાઈ રહેલી ભેખડ જાણે છેક આજે જાતી એના માથા પર ફસકી પડી. અજવાળીએ પાપ કર્યું હશે તે વાત ખરી. પણ પહેલું પાપ કોનું ? પાપની પહેલ કરનારો હું, તે જ ઊઠીને અજવાળી પર ન્યાય તોળવા — ન્યાય તોળવા કદાચ નહીં, કેમ કે આ તો કેસ ઉપલી કોર્ટમાં કમિટ કરવાનો હતો, પણ સાક્ષીપુરાવા સાંભળવા, કેસને કમિટ કરવાને પાત્ર ઠરાવવા, એટલે કે અજવાળીને ઉપલી અદાલતની આંધળી આંખો સામે ફગાવી દેવા — શી રીતે બેસી શકીશ ? બાપુજી જીવતા હોત તો આ મુકદમો કેવી રીતે ચલાવત ? બાપુજીને પગલે ચાલવાની ગઈ કાલની પ્રતિજ્ઞા શું એક તમાશાની વસ્તુમાત્ર હતી ? ‘મારું ગમે તે થાય !’ — એ શબ્દોનો અર્થ શો હતો !

નહીં, નહીં: હું અજવાળીનો કેસ મારા હાથમાં જ નહીં લઉં; હું માંદગીની લાંબી રજા ઉપર ઊતરી જઈશ.

બપોરે શિરસ્તેદાર આવ્યા, તેમને શિવરાજે પોતાની ઈચ્છા જણાવી.

“અરે સાહેબ !” ચશ્માંને કપાળ પર ચડાવીને શિરસ્તેદારે કહ્યું, “આવો ઇન્ટરેસ્ટિંગ કેસ છે, આપને બહુ ગમ્મત પડત.”

“નહીં શિરસ્તેદાર, થાણદારને કહો, એ ચલાવશે.”

શિરસ્તેદારને શિવરાજ બેવકૂફી કરતા જણાયા. આવા ‘ઇન્ટરેસ્ટિંગ’ કેસમાં કેવી ઝબકી ઊઠવાની તક હતી ! સાહેબ તક ગુમાવે છે.

કુંવારા સાહેબ આવા રસિક કિસ્સાની વિગતોને માણવાનો કેવો લાગ ખુએ છે !

શુષ્ક ! વેદિયો ! કુંવારો ખરો ને !

“જેવી મરજી.” કહીને શિરસ્તેદાર ગયા. શિવરાજનું હૃદય જાણે કોઈ અગ્નિજ્વાલામાંથી ઊગર્યું : ઓ પ્રભુ ! ગઈ કાલની મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરવો પડે. મારી જાહેર કર્તવ્યભક્તિ અને અંગત હિતબુદ્ધિ વચ્ચે નકામી અથડામણ ઊભી નહીં થાય. એ બાપડીને પ્રભુ બચાવી લે એ જ મારી તો પ્રાર્થના છે. બાકી તો જેવાં જેના તકદીર ! મારા જ દોષિત હાથે મારે એની બેહાલી કરવી ન પડી. વળી, મારો ન્યાયધર્મ પણ ચૂકવો ન પડ્યો : વાહ પ્રભુ ! કેવી તારી કૃપા !