← શિવરાજ અપરાધી
દેવનારાયણસિંહ
ઝવેરચંદ મેઘાણી
વકીલાતને પંથે →


૨. દેવનારાયણસિંહ

સુજાનગઢને સ્ટેશને આગગાડી આવીને ઊભી રહી ત્યારે શિવરાજે પિતાને ઊભેલા જોયા. જોતાં જ, ઘઉંની વાડી પરથી વહી જતી પવનલહેરખીના જેવી એક ધ્રુજારી એના શરીર પર થઈને ચાલી ગઈ.

બાપુના માથા પર સફેદ સાફો હતો : મોંએ કાબરી મૂછોનો જથ્થો હતો. ગળાબંધ કોલરનો કાળો લાંબો ડગલો, બાપુના ધિંગા પગને ઢાંકતી, નહીં બહુ પોચી તેમ નહીં તસતસતી એવી સુરવાળ પર ઝૂલતો, બાપુના કદાવર દેહને દીપાવતો હતો. બાપુના હાથમાં એક લાકડી હતી.

રેલવેનું સ્ટેશન એવા એક જ આદમીની હાજરીથી પણ ઘણી વાર શોભીતું બને છે. દેવનારાયણસિંહ સ્ટેશન પર કોઈક જ વાર આવતા. પણ રોજ રોજ આવે તો કેવું સારું, એમ આખા સ્ટેશન-સ્ટાફને થતું. રેલવે પર એની કશી સત્તા નહોતી, છતાં એની હાજરીની સૌ અદબ કરતા. આવતી ગાડીના એન્જિનમાંથી ખ્રિસ્તી ડ્રાઈવરે પણ એને સલામ કરી હતી.

સત્તાનું સિંહાસન આત્માના પ્રતાપની અંદર છે.

શિવરાજે ગાડીમાંથી ઊતરી પોતાનું બિસ્તર ને એક ટૂંક નીચે ખેંચ્યાં. પટાવાળાએ દોડીને એને મદદ આપી. પિતા તો જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા રહ્યા. એમણે પટાવાળો હોવા છતાં પુત્રને તેનો સામાન ઉતારતો અટકાવ્યો નહીં. શિવરાજ બીતાં બીતો નજીક આવીને જરા નમ્યો. દેવનારાયણસિંહનો હાથ પુત્રના માથા પર મુકાઈને પાછો ઊઠી ગયો. ઘેરા રવે પિતાજીએ ફક્ત એટલું જ કહ્યું : “ચા… લો !”

સલામોનો મોહ પણ ન રહ્યો હોય, તેમ કંટાળો પણ ન આવ્યો હોય, તેવી અદાથી સૌની સલામ ઝીલતા એ ઘોડાગાડી પર ચડ્યા. શિવરાજને ઇશારત કરી પોતાની બાજુમાં આવી જવા કહ્યું. ગાડીને પોતે જ હાંકી. શિવરાજ પિતાના લગામધારી હાથનાં ધિંગા આંગળાં પર વાળના ગુચ્છ જોતો રહ્યો. ઘેર પહોંચતાં સુધી આખી વાટ પિતાએ એક શબ્દ પણ પૂછ્યો નહીં તેમ તિરસ્કાર પણ બતાવ્યો નહીં. આખે રસ્તે એ બેઉ ઘોડાને શાંતિપૂર્વક હાંકી ગયા. વચ્ચે કૂતરું કે બકરું આવે ત્યારે જલદ ઘોડાઓને પોતે ગંભીર નાદે માત્ર એટલો જ વારણ-શબ્દ સંભળાવતા : “ધીરા, બેટા ! ધીરા, બાપા !”

ગામની બહાર એક નાની વાડી હતી. વાડીમાં બેઠા ઘાટનો એક બંગલો હતો. બંગલાના દરવાજાની કમાન પર અક્ષરો કોતરેલા હતા : “કારભારી-નિવાસ”.

સુજાનગઢ ત્રીજા વર્ગનું રજવાડું હતું. દેવનારાયણસિંહ મરહૂમ દરબારના દશ વર્ષ સુધી કારભારી હતા, ને મરહૂમના મૃત્યુ પછી સરકાર તરફથી નિમાયેલા એડ્‌મિનિસ્ટ્રટર હતા. મરહૂમ દરબારનો કુમાર હજુ ઘોડિયામાં હતો.

બંગલાને દરવાજે એક બુઢ્ઢો ચાઉસ બેઠો હતો, તે ધીમેથી ઊભો થયો. એણે શિવરાજની સામે આંખો પર છાજલી કરીને જોયું; એટલું જ કહ્યું : “આ ગયે, ભાઈ ? શુકર ખુદાકી !”

બંગલાની પરસાળ પર એક બીજો ડોસો ઊભો હતો. એણે શિવરાજને શરીરથી રેલવેના એન્જિનની કોલસીની કણીઓ ઝટકારી નાખી. શિવરાજને એ એક બાજુના ઓરડામાં લઈ ગયો.

દેવનારાયણસિંહે લાંબો ડગલો ઉતારી ટૂંકો ગરમ કોટ પહેર્યો; સાફો ઉતારી નાખીને એક ઊંચી, ગુચ્છાદાર કાળી ટોપી ઓઢી લીધી; અને પોતાના છેલ્લાં ત્રીશ વર્ષના સાથી જેવા જીવતા મોટા મેજ પર પિત્તળના લૅમ્પની જ્યોત સતેજ કરી. એમની આંખો નીચે જે પુસ્તક હતું તેની અંદર જગતની જુદી જુદી અદાલતોમાં ચાલેલા સંખ્યાબંધ વિચિત્ર મુકદ્દમાની કથાઓ હતી. પગ ઉપર પગ ચડાવીને સહેજ ઢળતી પીઠે એમણે પુસ્તક વાંચવા માંડ્યું. પોણા ભાગનાં પાનાં વાંચેલી બાજુએ નીકળી ગયાં હતાં તે છતાં પુસ્તક જાણે હજી એ જ કલાકે પાર્સલમાંથી નવુંનકોર કાઢ્યું હશે તેવું લાગે. દેવનારાયણસિંહના હાથ એ પુસ્તકને, સુંવાળા સસલાને પકડનાર કોઈ સાધુની અદાથી ઝાલી રહ્યા હતા.

આખા બંગલામાં અન્ય કોઈ માનવી નહોતું; છતાં અંદરની શાંતિ એ કોણ જાણે કેમ પણ નિર્જનતાની ઉદાસ શાંતિ નહોતી. કોઈક ભર્યું કુટુંબ જાણે સૂતું હતું એવો ત્યાં ભાસ હતો. હમણાં જ જાણે કોઈક બહાર બેસવા ગયેલાં ઘરવાસીઓ કિલકિલાટ કરતાં આવી પહોંચશે !

છતાં ખરી વાત તો એ જ હતી કે ઘર નિર્જન હતું. એ નિર્જનતાની કથા પણ કાંઈ લાંબી નથી. કથા આમ હતી :

દેવનારાયણસિંહે પોતાના નોકરી-પત્રકમાં ‘પુરબિયા રજપૂત’ એવી જાત લખાવી હતી. જુવાન ઉંમરે એ કાઠિયાવાડમાં એક મદ્રાસી ડેપ્યુટી પોલિટિકલ એજન્ટની સાથે ઘરના નોકર તરીકે આવ્યો હતો. ડેપ્યુટી સાહેબ ઘરભંગ હતા — ને એકાકી હતા. દેવનારાયણ જ એમનો જીવન-વિશ્રામ હતો. દેવનારાયણના હાથની બનાવેલી સિવાય કોઈ પણ બીજી ચા ડેપ્યુટી પીતા નહોતા. દેવનારાયણે ડેપ્યુટીને હિંદી શીખવ્યું. ને ડેપ્યુટીએ આ જુવાન પુરબિયાને પોતાના અંગ્રેજી જ્ઞાનની ગુરુદક્ષિણા આપી.

“દેવનારાયણ” મદ્રાસી ડેપ્યુટી એકાન્ત ભણવા બેસતી વેળા કહેતા : “હું વિલાયતમાં વસી આવ્યો છતાં જૂના જમાનાનો માણસ જ રહી ગયો છું; એટલે હું જે કંઈ કરું તે મશ્કરી ન માનતો.” એમ બોલીને એ દેવનારાયણને પગે શિર નમાવતા, ને બોલતા કે “आचार्य देवो भव !”

એક જ વર્ષને અંતે સાહેબે દેવનારાયણને કાઠિયાવાડની જુદી જુદી ઑફિસોમાં તાલીમ લેવા બહાર કાઢ્યો. પાંચેક વર્ષ રહ્યા તે દરમિયાન એને ‘લોઅર-હાયર’ ખાતાની પરીક્ષાઓ પોતે શ્રમ લઈને પસાર કરાવી, પોતાનો શિરસ્તેદાર બનાવ્યો. ને પછી એક દિવસ સાહેબે એના માટે એક નાના તાલુકા પર સરકારી કામદાર તરીકે નિમણૂક મેળવી આપી.

“મારી નોકરીનું આખરી કામ આજે પૂરું થયું છે.” એટલું કહીને ડેપ્યુટીસાહેબ તે રાતે સૂતા. સવારે ઊઠ્યા ત્યારે એના શરીરમાં સાઠ વર્ષની જૈફી ભરાઈ બેઠી હતી. પેન્શન પર ઊતરીને એણે મદ્રાસ તરફ ચાલ્યા જવાની તૈયારી કરી. છેલ્લો સંદેશો પોતે આપવા લાગ્યા :

“દેવનારાયણ, હવે આ સૌરાષ્ટ્ર જ તારી સ્વભૂમિ બની છે. એ ભૂમિને જ તું તારી સંપૂર્ણ સ્વભૂમિ બનાવી લેજે. આ ધરતીનો લોહી-સંબંધ તને એક જવાંમર્દ ઓલાદનું દાન આપશે. મારી મૃત પત્નીને મેં વચન ન આપ્યું હોત તો હું પણ આંહીં નવું લગ્ન કરત.”

ડેપ્યુટીને ખબર નહોતી : જુવાન દેવનારાયણસિંહના પહોળા સીના ઉપર ક્યારનીય એક સોરઠિયાણી પોતાનો માળો બાંધી રહી હતી.

એ એક બ્રાહ્મણી હતી. ન્યાતે એને હડકાયા કૂતરાની માફક હાંકી કાઢી હતી. એણે એના વરને પૂરો જોયા પહેલાં જ ખોયો હતો. રંડાપો પાળવાની બીજી બધી વાતોને વશ થયા છતાં કેશ મૂંડાવવાની એણે ના પાડી હતી. એ કયા ગામથી આવી હતી તેની જાણ કોઈને નહોતી. ડેપ્યુટીસાહેબને ઘેર એ કોળણ બનીને કામ કરવા રહી હતી. બીજી બાજુ દેવનારાયણસિંહને આર્યસમાજના સંસ્કારોના છાંટા ઊડ્યા હતા.

કપૂર કોળણે જ્યારે નર્મદા બ્રાહ્મણી તરીકે પોતાની જાતને દેવનારાયણ પાસે એકાન્તે પ્રકટ કરી, ત્યારે દેવનારાયણે એનાં આંસુ લૂછ્યાં — ને લગ્નની તૈયારી બતાવી.

આજે વિદાય થતા ડેપ્યુટીસાહેબને ચરણે પડી દેવનારાયણસિંહે નર્મદા બ્રાહ્મણીનો હાથ ઝાલ્યો. કોઈ આ લગ્નનું નામ ન લઈ શકે તે માટે ડેપ્યુટીએ દેવનારાયણ-નર્મદાનાં લગ્ન જાહેર ‘ટી-પાર્ટી’થી જડબેસલાખ કર્યા.

લગ્નને આઠ વર્ષ વીત્યાં ત્યારે શિવરાજ જન્મ્યો. ધરતી અને મેઘના મિલનમાંથી જેવું ઝરણું ફૂટે તેવો જ શિવરાજ પ્રસવ્યો; અને તે પછી બારેક મહિને નર્મદાએ સ્વામીનું ખોળામાં સૂતેલું શિર પંપાળને પંપાળતે પૂછ્યું : “મા છે ?”

“હતી તો ખરી; પણ છેલ્લો કાગળ દસ વર્ષો પર જ મળેલો.”

“તપાસ ન કરાવો ?”

“કેમ ?”

“મને બહુ હોંશ થાય છે.”

“શાની ?”

“સાસુજીને ચરણે પડી આ શિવરાજના માથે આશિષ માગવાની.”

દેવનારાયણસિંહે દેશના ગામડા પર કાગળ લખ્યો. ખબર આપ્યા કે, હું લગ્ન કરીને આવું છું, મારી માતાને ખબર દેજો.

ઉત્તર હિંદના એક નાનકડા ગામડામાં જ્યારે બેલગાડીનો એકો ભાડે કરીને પચીસ ગાઉના પંથને અંતે દેવનારાયણસિંહ દાખલ થયા ત્યારે સંધ્યાકાળ હતો.

“કાઠિયાવાડની ભંગડીને દેવનારાયણ પરણી લાવ્યો છે.” એવું જ્ઞાન ગામમાં ફેલાઈ ગયું.

“ખબરદાર, ડોકરી !” પુરબિયા ન્યાતના પટેલોએ એની વૃદ્ધ માતાને ધમકાવી : “દેવનારાયણની છાંય પણ ન લેતી, નીકર તારું મોત બગાડશું.” કોઈની જિંદગીને ન સુધારી શકનારાઓ બીજાનાં મોતને બગાડી શકે છે, એ સાંત્વન આ ઈશ્વરની ધરતી પર ઓછું ન કહેવાય.

માને ઘેરથી જાકારો પામેલા દેવનારાયણે પત્ની અને બાળ સહિત એકો ગામબહાર લીધો. શિવરાજ '‘પાણી ! પાણી !’ કરતો રહ્યો, પણ એકેય ઘર દેવનારાયણને આશરો દેનારું ન મળ્યું.

આખરે રાતવાસો એને ગામના એક કોળીને ઘેર મળ્યો. ને પ્રભાતે કોળીના ઘરને ઘસાઈ ઘસાઈ ગામલોક નીકળ્યાં. તેમણે શિવરાજને ગુચ્છાદાર ભૂરાં લટૂરિયાં ફરકાવતો રમતો દીઠો, ને રૂપરૂપના ભડકા પ્રજ્વલાવતું એક નારીમુખ નીરખ્યું.

તે જ દિવસે ગામના ગૌધણમાં શીતળાના દાણાએ ડોકિયાં કાઢ્યા : તે રાતે એક લીલો તારો આકાશનું અંતર વિદારીને ખરતો ખરતો વિલય પામ્યો : તે દિવસે પુરબિયા પટેલની ભેંસે દોવા ન દીધું : ને તે દિવસે એક વાછડીને વાઘ ઉઠાવી ગયો.

વળતા દિવસની સાંજ પડતી હતી ત્યારે પુરબિયાઓ ડાંગો લઈ લઈને ઓચિંતા તૂટી પડ્યા. દેવનારાયણે કોળીના જે એકઢાળિયામાં વસવાટ કર્યો હતો તે તરફ તેમણે ધસારો કર્યો.

દેવનારાયણને ગમ પડે તે પહેલાં તો ગામલોકો ઘેરી વળ્યાં. દેવનારાયણ એકલો ડાંગ ઘુમાવતો રહ્યો. એને કાને હાકલા પડ્યા કે, “જલા દો વો ડાકિનીકો.”

જોતજોતાંમાં એકઢાળિયાને આગ લાગી, ને તેમાંથી નાસવા જતી નર્મદાને પુરબિયાઓએ પીટી નાખી. એનાં નેત્રો ફાટ્યાં રહ્યાં ત્યારે પુરબિયા ભાગ્યા.

દેવનારાયણે પ્રથમ તો એ સળગવા લાગેલ ઝૂંપડાને ડાંગ મારી ઓલવ્યું, તે પછી પટકાઈ પડેલી પત્નીને ખોળામાં લીધી.

એના છેલ્લા શ્વાસ ખેંચાતા હતા.

“નર્મદા ! મારી નર્મદા ! ધર્મચારિણી !” એનો સાદ ચિરાયો.

નર્મદાની પાંપણોના પટપટાટે એને એના પૌરુષની યાદ દીધી. નર્મદાના ઓલવાતા નેત્ર-દીપકોમાં મીઠો ઠપકો હતો.

“હું આખા ગામને જલાવી દઈશ, નર્મદા !” દેવનારાયણ પુકારી ઊઠ્યો.

“છી-છી-છી—” નર્મદાએ મૃત્યુની એ એક પલમાં પોતાનું તમામ કૌવત સંઘરીને એવા મહાપાપની રામદુવાઈ દીધી : “તમે — શિવને — લઈ કાઠિયા –” એટલું કહી એણે દેહ છોડ્યો.

મરેલા દેહને સ્મશાને ઉઠાવી જવા એક મુસલમાને ગાડું આપ્યું, ને છાણાં એણે સામેના ગામડામાંથી મેળવ્યાં.

નર્મદાની ચિતા-ભસ્મનો ચાંદલો કરીને દેવનારાયણસિંહ શિવરાજ સાથે રાતોરાત ચાલી નીકળ્યો.

કાઠિયાવાડમાં પાછા આવીને એણે ચૂપચાપ પોતાની નોકરી સંભાળી લીધી. પત્નીના અવસાનની સાદી જ વાત કરીને સૌને એણે પટાવી નાખ્યાં.

તે પછીથી સદાને માટે એણે એકલ દશા સ્વીકારી. એક તો એ ઓછાબોલો હતો જ, તેમાં આ મૃત્યુએ એના મોં પર મૌનની ટાઢીબોળ આંગળીઓ મૂકી.

એ મૌને, એ એકલતાએ અને એ સાધુવૃત્તિએ એનામાં નવી શક્તિઓ સીંચી, એનામાં વધુ પ્રભાવ મૂક્યો. પોલિટિકલ એજન્ટોએ એને પ્રિય અધિકારી બનાવ્યો. કડકમાં કડક ગણાતા ગોરા સાહેબો દેવનારાયણસિંહની દેવમૂર્તિ સામે પ્રસન્નભાવે ઢળતા રહ્યા. એનો એક પણ તુમાર પાછો ન ફરતો; એની એક પણ માગણી નકાર ન પામતી.

સુજાનગઢના રાજાનો નવો કુમાર બનાવટી હોવાનું પાકું બનેલું દફતર પણ દેવનારાયણના ખાતરીના બોલ પરથી રદ થયું હતું.

ઇન્સાફની છેલ્લી અપીલ દરબાર પાસે આવતી, અને દરબારનો ન્યાય દેવનારાયણસિંહની જીભને ટેરવે હતો. ‘ન્યાય તો છેવટે કારભારીગાહેબ તોળશે’ એવી પાકી ખાતરીએ એંશી ગામની વસ્તીને ભયમુક્ત કરી હતી.

ને દેવનારાયણસિંહે વિકટમાં વિકટ મુકદ્દમાઓનો ઇન્સાફ રાત્રિએ, જગત સૂઈ ગયા પછી, પોતાના એ જૂના મેજ પર લખ્યો હતો. એમના પ્રત્યેક ચુકાદાને મથાળે અક્કેક નાનો શબ્દ લખાઈને પછી છેકાયો જ હોય, એ શિરસ્તેદારનો કાયમી અનુભવ હતો. એ જાડા છેકાની નીચે શું હતું ? કયો શબ્દ હતો ? કોઈ કળી નહોતું શક્યું. પણ દેવનારાયણસિંહે પોતે તો એકાદ-બે વાર એ છેકેલા નામના મંગળાચરણ વગર ભૂલથી પચીસ પાનાં ઘસડીને લખેલા ચુકાદા પણ ફાડી નાખીને નવેસર લખ્યા હતા. ને એવા નવેસર લખાયેલા ફેંસલાઓનું વલણ જ પલટી જતું, એવી એક વહેમીલી માન્યતા આ વૃદ્ધને વળગી ગઈ હતી.

એક વર્ષની વયથી લઈ શિવરાજને સત્તર વર્ષની જોબન વયે પહોંચાડવામાં દેવનારાયણસિંહને સાચી સહાય બે જણાની હતી — એક ઘરની વ્યવસ્થા કરનાર ખવાસ માલુજીની, ને બીજી ડેલીએ બેઠે બેઠે બુઢ્‌ઢા બનેલા ચાઉસની. ચોથું કોઈ સાથી આ બંગલામાં હતું નહીં.

એવા એકાન્તને ખોળે માલુજીએ બાપ-દીકરાને હાથ વીંછળાવ્યા ને થાળીઓ પીરસી.

“મુરબ્બો ખાશો ?” પિતાએ પુત્રને માત્ર આટલું જ એક વાર પૂછ્યું. પુત્રને જવાબ આપવાની જરૂર નહોતી.

માલુજીએ તરત પૂછ્યું : “પેટ સાફ છે કે ? નીકર અત્યારે નથી આપવો મુરબ્બો.”

“હ-હ-હ-હ !” દેવનારાયણસિંહે મુક્ત કંઠે પ્રેમલ હાસ્ય કર્યું. માલુજીએ મુરબ્બાનું કચોળું શિવરાજ પાસે મૂક્યું.

“આપને આપું ?” માલુજીએ પિતાને પૂછ્યું.

“તો નહીં ! અમસ્તો શું મેં યાદ કર્યો હશે મુરબ્બો !”

“સીધું તો કોઈ દી નહીં માગો ને !”

“કોકને નામે મળતું હોય ત્યાં સુધી શા માટે સીધો તમારો પાડ લેવો ! — “હ-હ-હ-હ !” એમણે ફરી દાંત કાઢ્યા.

“કપાળ મારું ! મારે હાથે તો જશ જ નૈ ને !” કહી માલુજી દૂધના કટોરા ભરવા ગયો.