અમૃતવર્ષણ
કેશવ હ. શેઠ
(ઢાળ : એક ન્હાનું સરીખું બાળ, રે બ્હેન !
આવ્યું છે આપણે આંગણિયે)



અમૃતવર્ષણ


તીરે તરસ્યાં ઊડે છે પેલાં પંખેરુબાળ,
મેહુલા ! મીઠડું વરસીજા :
તપોવનમાં પંખેરુ ઝંખે હવા હૂંફાળ.
વાદળી ! ઝરમર વરસીજા : તીરે૦

કોકે વીંટી કંટાળીને ઝાડિયો જો,
હાં રે કીધી વેરાનશી વાડિયો જો:

લૂંટી કલ્પલતા, ને ગૂંથી માયાવી જાળ,
મેહુલા ! મીઠડું વરસીજા :
તપોવનમાં પંખેરુ ઝંખે હવા હૂંફાળ.
વાદળી ! ઝરમર વરસીજા : તીરે૦

ફૂટે સ્વાતિ-ફૂવારા ત્હારા સોન્ધુડે જો !
છલકાવી દે ક્યારા અમીબિન્દુડે જો :

પ્રાણપંખેરું ઝંખે મુક્તિમેળો રસાળ,
દૂધડે, દેવદૂત ! વરસી જા:
હાં રે ભારતને ભેખ તપે તપસી ત્રિકાળ:
ભારતિ ! અમૃત વરસીજા : તીરે૦