અશરણ શરણ ભુજ દંડ
અશરણ શરણ ભુજ દંડ પ્રેમાનંદ સ્વામી |
૧૧૮૩
અશરણ શરણ ભુજ દંડ મહારાજના,
ચિહ્ન તેમાં હવે કહું વખાણી;
ભુજામાં છાપનાં ચિહ્ન છે સુંદર,
કોણિયું શ્યામ સુખધામ વાણી... ૧
પોંચાથી ઉપર છાપનાં ચિહ્ન છે,
કાંડા છે કઠણ બળવાન ભારી;
કરભ પર કેશ છે હથેળી રાતિયું,
રાતી રેખા તેમાં ન્યારી ન્યારી... ૨
રાતી છે આંગળિયું રાતા છે નખમણિ,
ઊપડતા તીખા અતિ જોયા જેવા;
એવા જે કરવર ધરત જન શિર પર,
આતુર અભય વરદાન દેવા... ૩
જાનુ પરજંત ભુજ સરસ ગજસૂંઢથી,
ભક્તને ભેટવા ઊભા થાયે;
એવા ઘનશ્યામની ભુજ છબી ઉપરે,
પ્રેમાનંદ તન મન વારી જાયે... ૪