આત્મગુંજન
આત્મગુંજન કેશવ હ. શેઠ |
આત્મગુંજન
મેઘલી રાત મહીં ધ્રુવ તણો તારલો
ચમકે ગગનગુહા ભેદી જી રે;
જુગજુગન જોગી શો એકાકી હંસલો;
નિરખે પ્રકાશરેખ એવી જી રે. મેઘલી૦
ઘેરૂં આકાશ ઘેરી ઘેરી વાદળિયો,
નમેરી નિશમહીં મ્હાલવાં જી રે;
ઘનને ઘેરેલ ગોખ રૂપેરી ચાંદલો,
ચમકે તે દિશ મ્હારે ચાલવાં જી રે. મેઘલી૦
ભરતીને ઓટ સ્વલ્પ સિન્ધુના ઉભરા
ડોલતી ને દીઠ દીપદાંડી જી રે;
ભડકાને છાંય-વૃષ્ટિ મધ્ય ગિરિ ગાજતો,
નિગ્રહસમાધિ એમ માંડી જી રે. મેઘલી૦
તૂટો, ઓ આભ ! ખૂટો ધરતીના રસકૂપ
ધીકો દિગન્ત ! કાળવીજે જી રે;
પ્રલયને પૂર સ્વયંનૂર તરે હંસલો,
સનાતન સત્યથી જ ભીંજે જી રે. મેઘલી૦