આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૫. મસાલા

← ૪. ખોરાક આરોગ્યની ચાવી
૫. મસાલા
મોહનદાસ કરમચંદ ગાંધી
૬. ચા, કૉફી, કોકો →


૫. મસાલા

ખોરાકનું વિવેચન કરતાં મેં મસાલા વિશે કશું કહ્યું નથી. નિમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નિમક વિના સામાન્ય માણસ કાંઈ ખાઈ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્યકતા છે. તેમાં નિમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્યંત જરૂરી એક ક્ષાર નિમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છૂટું ખાવાને સ્થાન આપ્યું છે.

પણ જેની સામાન્યપણે આવશ્યકતા નથી એવા અનેક મસાલા સ્વાદને ખાતર અને પાચનશક્તિ વધારવાને ખાતર લેવામાં આવે છે. જેવા કે મરચાં (લીલાં ને સૂકાં), મરી, હળદર, ઘાણાજીરૂ, રાઈ, મેથી, હિંગ ઇત્યાદિ.

આને વિશે મારો અભિપ્રાય પચાસ વર્ષના જાત અનુભવ ઉપર બંધાયેલો છે કે, આમાંના એકેયની શરીરને પૂર્ણ રીતે આરોગ્યવાન રાખવા સારુ આવશ્કતા નથી. જેની પાચનશક્તિ છેક નબળી થઈ ગઈ હોય તેને, કેવળ ઔષધરૂપે, નિશ્ચિત મુદતને સારુ તે ધારેલી માત્રામાં લેવાં પડે તો ભલે લે. પણ સ્વાદને સારુ તો તેનો આગ્રહપૂર્વક નિષેધ ગણવો જોઈએ. મસાલામાત્ર, નિમક પણ, અનાજ શાકના સ્વાભાવિક રસને હણે છે. જેની જીભ બગડી નથી તેને સ્વાભાવિક રસમાં જે સ્વાદ આવે છે તે મસાલા ને નિમક નાખ્યા પછી નથી આવતો. તેથી જ મેં નિમક લેવું હોય તો ઉપરથી લેવાનું સૂચવ્યું છે. મરચું તો હોજરીને અને મોંને બાળે છે. જેને મરચાંની આદત નથી તે પ્રથમ તો મરચું ખાઈ જ નહીં શકે. ઘણાંના મોઢાં આવી ગયેલાં મેં જોયાં છે. અને એક માણસ, જેને મરચાંનો અત્યંત શોખ હતો તેનું તો મરચાંએ ભરજુવાનીમાં મોત આણ્યું . દક્ષિણ આફ્રિકાના હબસી મસાલાને અડકી જ નહીં શકે. હળદરનો રંગ ખોરાકમાં તેઓ નહીં સાંખી શકે. અંગ્રેજો આપણા મસાલા નથી લેતા.