આરોગ્યની ચાવી/ભાગ બીજો:૩. આકાશ

← ૨. પાણી આરોગ્યની ચાવી
૩. આકાશ
મોહનદાસ કરમચંદ ગાંધી
૪. તેજ →


૩. આકાશ

આકાશનો જ્ઞાનપૂર્વક ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ છીએ. તેનું જ્ઞાન પણ આપણને ઓછામાં ઓછું છે. આકાશ એટલે અવકાશ કહી શકાય. દિવસનાં વાદળાંનું આવરણ ન હોય ત્યારે આપણે ઊંચે નજર કરીએ તો અત્યંત સ્વચ્છ, સુંદર, આસમાની રંગનો ઘૂમટ જોઈએ છીએ. તેને આપણે આકાશ નામે જાણીએ છીએ. તેનું બીજું નામ જ આસમાન છે ના ? એ ઘૂમટને છેડો જ નથી. એ જેટલું દૂર છે એટલું જ આપણી પાસે છે. આકાશથી આપણે ઘેરાયેલા ન હોઈએ તો ગૂંગળાઈને મરી જઈએ. જ્યાં કંઈ નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે દૂર દૂર આસમાની રંગ જોઈએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, નહીં, તે આપણી અંદર પણ છે. પોલાણમાત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છે કે જે ખાલી દેખાય છે તે હવાથી ભરેલું છે. આપણે હવાને નથી જોઈ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું ક્યાં છે ? એ આકાશમાં જ વિહાર કરે છે ના ? એટલે આકાશ આપણને છોડી જ નથી શકતું. હવાને પંપ વતી ઘણે ભાગે ખેંચી શકાય, પણ આકાશને કોણ ખેંચી શકે ? આકાશને ભરી મૂકીએ છીએ ખરા, પણ તે અનંત હોવાથી તેમાં ગમે તેટલા દેહો હોય તે બધા સમાઈ જાય.

એ આકાશની મદદ આપણે આરોગ્ય જાળવવા ને ખોયું હોય તે મેળવવા સારુ લેવાની છે. હવાની વધારેમાં વધારે જરૂર છે, તેથી તે સર્વવ્યાપક છે. પણ હવા બીજા પદાર્થોની સરખામણીમાં વ્યાપક છે, સ્વતંત્ર રીતે નહીં. ભૌતિકશાસ્ત્ર શીખવે છે કે, પૃથ્વીથી અમુક માઈલ પછી હવા નથી મળતી. એમ કહેવાય છે કે, પૃથ્વીના જીવો જેવા જીવ હવાના આવરણની બહાર હોઈ જ ન શકે. આ વાત બરોબર હો યા ન હો, આપણે તો અહીં એટલું જ જાણવાનું છે કે, જેમ આકાશ અહીં છે તેમ મજકૂર આવરણની બહાર પણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ છે. પછી ભલે શાસ્ત્રીઓ સિદ્ધ કરે કે એ આવરણની ઉપર ઈથર નામનો પદાર્થ છે, અથવા બીજો કોઈ. તે પણ જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.

એવું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશે કરી શકીએ તેટલે અંશે આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદૂર અને અદૂર તત્ત્વની વચ્ચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ. એટલે કે, જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણે ન પહોંચીએ, ભલે કરોડોમાં એક જ પહોંચતો હોય, છતાં એ આદર્શને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તે તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ, ને સંતોષ ભોગવીશું. આ આદર્શને હું છેવટની હદ સુધી રજૂ કરી શકું તો મારે કહેવું જોઈએ કે, આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિશે આપણે તટસ્થ રહીએ. એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કદી ન બનાવીએ. આપણી શક્તિ ને આપણા જ્ઞાન પ્રમાણે તેનો સદુપયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે ઐક્ય સાધવા સારુ કરીએ.

આ વિચારશ્રેણી પ્રમાણે આપણે ઘરબાર, વસ્ત્રાદિના ઉપયોગમાં પુષ્કળ અવકાશ રાખીએ. કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જેવો ગરીબ માણસ તેમાં ગૂંગળાઈ જાય, એ વસ્તુઓનો ઉપયોગ ન સમજે. એને મન તો એ બધાં ધૂળ અને જંતુઓને એકઠાં કરવાનાં ભાજન જણાય. અહીં જે સ્થાનમાં હું વસું છું ત્યાં હું તો ખોવાઈ જ જાઉં છું. તેની ખુરશીઓ, કબાટો, મેજો, આરસીઓ મને ખાવા ધાય છે. તેની કીમતી જાજમો કેવળ ધૂળ એકઠી કરે છે. તે ઝીણા જંતુઓનું ઘર બની છે. એક વખત એક જાજમ ખંખેરવા કાઢી. એક માણસનું એ કામ ન હતું; છ-સાત માણસો વળગ્યા. એમાંથી ઓછામાં ઓછી દસ રતલ ધૂળ તો નીકળી જ હશે. જયારે એ પાછી પોતાની જગ્યાએ આવી ત્યારે તેનો સ્પર્શ જ નવો લાગ્યો. હવે આ જાજમ હંમેશાં કઢાય નહીં, કાઢતાં તેની આવરદા ઘટે ને રોજની મહેનત વધે. આ તો મારો તાજો અનુભવ લખી ગયો. પણ મારા જીવનમાં તો આકાશની સાથે મેળ બાંધવા ખાતર મેં અનેક ઉપાધિઓને ઓછી કરી છે. ઘરની સાદાઈ, વસ્ત્રની સાદાઈ, રહેણીની સાદાઈ. એક શબ્દમાં ને આપણા વિષયને લગતી ભાષામાં કહીએ તો, મેં ઉત્તરોઉત્તર મોકળાશ વધારી, આકાશ સાથેનો સીધો સંબંધ વધાર્યો, અને એમ પણ કહી શકાય કે, જેમ એ સંબંધ વધતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગયું, મારી શાંતિ વધી, સંતોષ વધ્યો, ને ધનેચ્છા સાવ મોળી પડી. જેણે આકાશની સાથે સંબંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે. અંતમાં તો મનુષ્ય એટલાનો જ માલિક બને છે, જેટલાનો તે પ્રતિદિન ઉપયોગ કરી શકે છે ને તે પચાવી શકે છે, એટલે તેના ઉપયોગથી તે આગળ વધે છે. આમ બધાય કરે તો આ આકાશવ્યાપી જગતમાં બધાને સારુ સ્થાન છે ને કોઈને સાંકડનો અનુભવ સરખો નહીં થાય.

તેથી મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઈએ. ભીનાશ કે ટાઢથી બચવા પૂરતું ઢાંકણ ભલે રાખે, એક છત્રી જેવું ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી બધો વખત તેની છત્રી અગણિત તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઊઘડે ત્યારે તે પ્રતિક્ષણ નવું દૃશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં છતાં તેની આંખ અંજાશે નહીં, શીતળતા ભોગવશે. તારાઓનો ભવ્ય સંઘ ફરતો જ દેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.

૧૮-૧૨-‘૪૨

પણ જેમ આપણી આસપાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે. ચામડીમાં રહેલા એક એક છિદ્રમાં, બે છિદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ-અવકાશને આપણે ભરી મૂકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જો આપણે આપણો આહાર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે. આપણને હંમેશાં ખબર નથી હોતી કે ક્યારે વધારે અથવા અયોગ્ય ખવાઈ ગયું છે. તેથી અઠવાડિયે, પખવાડિયે કે સગવડ પડે તેમ અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જાળવી શકાય. પૂરા અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું ખાવાનું છોડી દેશે તોપણ લાભ મેળવશે.