આવો તો રામરસ પીજીએ
મીરાંબાઈ



આવો તો રામરસ પીજીએ

આવો તો રામરસ પીજીએ
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.
તજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લહાવો લીજીએ ... હો ભાગ્યશાળી.
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દૂર કરી દીજીએ ... હો ભાગ્યશાળી.
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીએ ... હો ભાગ્યશાળી.
રામનામ રીઝીએ, આનંદ લીજીએ,
દુર્જનિયાંથી ન બ્હીજીએ ... હો ભાગ્યશાળી.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીએ ... હો ભાગ્યશાળી.