આ જોને કોઈ ઉભીરે
નરસિંહ મહેતા
રાગ સોરઠ

[આ પદ ઝારીના ચાર પદો માંનું એક છે. કહેવાય છે કે એક રાત્રે ભજન કીર્તન કરતાં નરસિંહ મહેતાને તરસ લાગી અને તેમણે તેમની સગી રતનબાઈને બોલાવી. તે રતનબાઈ ઝારીમાં પાણી લઈને આવી, ત્યારે તેમને રતનબાઈમાં મોહિની સ્વરૂપ શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમણે જે ચાર પદો લખ્યા તે 'ઝારીના પદો' તરીકે ઓળખાય છે.]


આ જોને, કોઈ ઉભીરે, આળસ મોડે.
બાંયે બાજુબંધ બેરખા પુંચી, મનડું મોહ્યું છે એને મોઢે; આ જોને.
ઝાંઝર ઝમકે ને વિંછુવા ઠમકેરે, હિંડે છે વાંકે અંબોડે; આ જોને.
સોવરણ ઝારીને અતિરે સમારીરે, માંહી નીર ગંગોદક તોલે; આ જોને.
નરસૈંયાને પાણી પાવાને કારણ, હરિજી પધાર્યા કોડે; આ જોને.