આ તે શા તુજ હાલ, સુરત…
નર્મદ



આ તે શા તુજ હાલ, સુરત…

આ તે શા તુજ હાલ, ‘સુરત સોનાની મૂરત’,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.