આ તે શી માથાફોડ !/૧૧૨. માબાપો બોલે છે
← ૧૧૧. હરગિજ નહિ | આ તે શી માથાફોડ ! ૧૧૨. માબાપો બોલે છે ગિજુભાઈ બધેકા |
૧૧૩. મારી અસર → |
માબાપો બોલે છે
“હાય હાય ! એને કંઈક થઈ જશે તો ?”
“એ, દાદરો પડી જશે તો ?”
“એ, આગબોટ ડૂબી જશે તો ?”
“એ, રેલ્વે અથડાઈ જશે તો ?”
“એ, એને કૂતરું કરડશે તો ?”
“એ, બિલાડી નહોર ભરી જશે તો ?”
“હાય હાય ! ત્યાંથી સાપ નીકળશે તો ?”
“એ, રસ્તે કો‘ક મળશે ને લૂંટી લેશે તો ?”
“એ ભીંત પડી જશે તો ?”
“એ, ઊના પાણીથી દાઝી જવાશે તો ?”
માબાપો વારંવાર આવા બીકના ઉદ્ગારો કાઢે છે. વર્ષો સુધી એની આસપાસ આવું કશું બનતું નથી ને આગળ બન્યું પણ નથી હોતું. છતાં આ ‘હાય હાય’ અને ‘એ..એ...’ તો ચાલ્યા જ કરે છે. નાનાં બાળકો સહેજે ડરવા લાગે છે. મનમાં થયા કરે છે : “હાય હાય ! ક્યાંક પડી જઈશ તો ? ક્યાંક દાઝી જઈશ તો ? ક્યાંક મરી જઈશ તો ?” કંઈ બનતું નથી અને છતાં બીકથી રોજ બીધા જ કરવું પડે છે. બનાવ બન્યા પછી તે એટલો બિહામણો લાગતો નથી અને હોતો પણ નથી. પણ સૌથી પહેલી બીક તો પોતાની જ છે. સૌથી ભયંકર દુઃખ તો બીક લાગવાની પહેલાંનું છે.