આ તે શી માથાફોડ !/૧૨૪. ચણાનો લોટ
← ૧૨૩. ઓય , એ તો ચુંક આવતી હતી | આ તે શી માથાફોડ ! ૧૨૪. ચણાનો લોટ ગિજુભાઈ બધેકા |
૧૨૫. અથાણું → |
: ૧૨૪ :
ચણાનો લોટ
❊
ચણાનો લોટ
“ચંપા કાકી ! થોડોક ચણાનો લોટ આપોને ? મારી બા મંગાવે છે.”
“તે ચણાનો લોટ તો કાલે જ થઈ રહ્યો. ને દળવા આપ્યો છે તે આવ્યો નથી.”
“પણ કાલે તો મેં તપેલીમાં ભાળ્યો'તો કાકી.”
“તે કાલનો લોટ પડ્યો રહેતો હશે ? ઘર છે તે કાંઈ જોતો હશે કે નહિ ?”
“કીધું નહિ બાપુ, થઈ રહ્યો છે ! નીકર મારે શું કામ ખોટું બોલવું પડે, ને ના પાડવી પડે ?”
રાધા લોટ વિના પાછી ગઈ. જીવીએ બાને પૂછ્યું “હેં બા ! લોટ તો માટલીમાં છે, ને ના કેમ પાડી ? તું બા ભૂલી ગઈ'તી ? ને તું તો બા કહેતી હતી ને કે હું ખોટું તો બોલતી જ નથી ?” “તે ખોટું ન બોલે ત્યારે શું સાચું બોલે ? સાચું બોલીએ તો તો ઘર ખાલી થઈ જાય ના ?”
જીવી થંભી ગઈ ! તેનું પ્રામાણિક મન વ્યવહારનીતિનો આ મહાન પાઠ એકાએક ગળે ઉતારી ન શક્યું.