આ તે શી માથાફોડ !/૨૬. નંદુબા કેમ મનાણાં

← ૨૫. ઘડિયાળ ઉઘાડી દ્યોને ? આ તે શી માથાફોડ !
૨૬. નંદુબા કેમ મનાણાં
ગિજુભાઈ બધેકા
૨૭. મોટો શંખ ! →


: ૨૬ :
નંદુબા કેમ મનાણાં

“એલા, આ ખૂણામાં રિસાઈને કોણ બેઠું છે ? આ તો નંદુબા, ખરું કે ? શું થયું બેન ?”

“એને વતાવશો મા. આજ તો ભૂખી ને ભૂખી સૂઈ રહેવા દ્યો. એ રોજ ઉઠીને ચાળા કરે તે કેમ પાલવે ?”

“શું છે ?”

“આ અત્યારે કઢી નથી કરી તો કે કઢી દે. મારે ક્યાંથી કાઢવી ? બે દિ' પહેલાં તાવે હમહમતી હતી ને કહે છાશ દે. હું દઉં તો તમે જ વઢોના ?”

“નંદુ, ચાલ જોઇએ ! મારી સાથે ખાવા બેસીશ કે ?”

“એં...એં...”

“ચાલો ભાઈ, પીરસવા માંડો. જમની તું અહીં બેસ. રઘુ, તું પણ સામે બેસ. છોટુ, તું મારી સામે બેસ.”

બધાં જમવા બેસી ગયાં.

“એલા આજે ખીચડી તો સરસ થઇ છે ! ને આ શાક તો ગળ્યું મજાનું લાગે છે. !”

નંદુ ખૂણામાંથી ઊં ઊં કરતી ઊભી થાય છે. છોકરાંઓ નંદુ સામે જોવા લાગે છે. બાપુ નિશાની કરે છેઃ“ચુપ ! સામે કોઇ જોશો નહિ.”

બાપુઃ “જુઓ, આજે રસ્તામાં ભારે ગમ્મત થઈ. કાલે તાબૂત નીકળવાનો છે ના, તે આજે...”

છોટુઃ “આજે રાતે તાબૂતનું સરઘસ નીકળશે ? આપણે જોવા જશું ?”

જમનીઃ “બાપુ, ચાલોને જોવા જઈએ.”

નંદુઃ નાકઆંખ લૂછતી લૂછતી પાસે આવી પહોંચી હતી.

નંદુઃ “બા ! મને જરાક શાક આપને; બહુ સારું લાગે છે.”