આ તે શી માથાફોડ !/૩૪. શું કામ નથી માનતો

← ૩૩. સૂડી વચ્ચે સોપારી આ તે શી માથાફોડ !
૩૪. શું કામ નથી માનતો
ગિજુભાઈ બધેકા
૩૫. ઐસા રખ્ખો →


: ૩૪ :
શું કામ નથી માનતો

“ચંદુ, પાણી લાવને ?”

ચંદુ મૂંઝાઈ ને ઊભો રહ્યો.

“ચંદુ, સાંભળતો નથી ? પાણી લાવવાનું કહ્યું તે ?”

ચંદુ ઊભો ઊભો જોઈ રહ્યો.

“ચંદુ, જતો નથી કે ? રોઝ જેમ ઊભો છે શું ?”

ચંદુ ઘરમાં જઈ પાછો આવ્યો.

“ચંદુ, પાણી ન લાવ્યો કે ? માન્યું નહિ કે ?”

ચંદુ કહે: “બાપુ, નાની માટલી ફૂટી ગઈ છે; પાણિયારે હું અંબાઈ શકતો નથી; બા કળશે ગઈ છે.”

“રમુ, તારું રમકડું રામુને દે જોઈએ ?”

રમુ વિચાર કરતો ઊભો રહ્યો.

“લે ઝટ લાવ તો ? બાલુ કજિયો કરે છે, એને છાનો રાખીએ.”

રમુ કંઈ બોલ્યો નહિ; ઊભો રહ્યો.

“અરે ! રમુ, રમકડું લાવે છે કે નહિ ? ઝટ લાવ. બાલુ રડે છે; જોતો નથી ?”

રમુ ઘરમાં જઈ બેસી રહ્યો.

બાપુએ સાદ પાડ્યો : “રમુ, ક્યાં ગયો ? લાવ્યો કે ? નથી દેવું ? દઈ દે. માને છે કે નહિ ?”

રમુ આવ્યો નહિ. બાપુ ચિડાયા: “રમુડા, આમ આવ; રમકડું લાવ !”

રમુ કહે: “મારી બાએ એને દેવાની ના પાડી છે.”