આ તે શી માથાફોડ !/૩૮. કોઈની દાઝ બાળક ઉપર
← ૩૭. એક પ્રસંગ | આ તે શી માથાફોડ ! ૩૮. કોઈની દાઝ બાળક ઉપર ગિજુભાઈ બધેકા |
૩૯. દેખે તેવું કરે → |
કોઈની દાઝ બાળક ઉપર
કમુની બા પાડોશણ સાથે વાતે વળગે ને શાક દાઝે, કમુ પાસે આવીને પૂછે: “આજે કેરી મગાવી છે?”
બા કહે છે : “રાંડ આઘી ખસને ! આ શાક બળી ગયું. આખો દિ' કેરી, કેરી ને કેરી !” ધબ્બો ખાઈ રડતી રડતી કમુ બહાર જાય છે.
ચંપાની નણંદ બે દિવસ પિયર આવે. નણંદ એટલે ચંપાને મન આડખીલી. ચંપાનું કર્યું નણંદને ન ગમે ને નણંદનું કર્યું ચંપાને ન ગમે.
ચંપા વહેલી નાહીને માથું ઓળે. નણંદ કહેશે: “આ શા હેવા, અત્યારમાં ઊઠીને ટાપટીપ !” ચંપા ધૂંધવાય.
દાળ ઓરતાં ચંપાના હાથ દાઝ્યા વિજુ રમતી રમતી આવે ને કહે: “બા, આજે મને માથું ઓળી દઈશ ? તને સારું આવડે છે. ફઈને નથી આવડતું.” ચંપા દાઝ ઉતારે: “આઘી મરને ! અત્યારમાં માથું કયાં ઓળું ? તારી ફઈને ક્યાં ગમે છે ? ખસ આઘી. આ દાઝી ગઈ છું. એ જોતી નથી ?” વિજુ વીલે મોઢે પાછી જાય.
રમેશ ઘરમાં આવીને દિલુને કહે : “અરે સાંભળ્યું કે ? આજે બે મહેમાન છે. હું શીખંડ લેવા જાઉં છું. તું પૂરી કરી નાખ.”
દિલુ પાછળથી બબડે છે : “આજ સવારનું માથું ચડ્યું છે ને ઠીક નથી, ને વળી મહેમાન ક્યાં આણ્યા ? વળી બે વાગે જમીને રેલે જાવું છે.”
દિલુ ધૂંવાપૂંવા થતી ધમપછાડા કરતી લોટ ચાળે છે. નંદુ આવે છે; કહે છે : “બા, તને લોટ ચળાવું ? મને આંક આપને ?”
દિલુ કહે : “કોરે ખસે છે કે નહિ ? મારી સમજજે. આ આટલી ઊતાવળ છે એમાં તું ડાહી થવા આવી ! ત્યાં તારા બાપને ક્યાં ખબર છે કે એમ તે ઝટપટ કેમ થતું હતું !”
નંદુ હળવેક દઈને મોં પાડી બહાર ગઈ.
આજે દુકાનના હિસાબ ગણવામાં છગનલાલની ભૂલ થઈ ને શેઠ તેને વઢ્યા. છગનલાલ ઘેર આવી ચિડાતા ચિડાતા ફરતા હતા. બબુ આવીને કહે : “બાપા, આજે પાગલો પા કરોને ?”
બાપા કહે : “આજે તારી બા પાસે જા; હું કામમાં છું.”
બબુ કહે: “કામમાં ક્યાં છો ? ફરો છો તે રમાડોને ?”
છગનલાલ આંખ લાલ કરીને ઘૂરક્યા : “એલી બબુડી, શું બોલી ? બોલતાં આવડે છે કે નઈ ? ચાલ ચાલી જા, પાગલો પા નથી કરવો. જો એમ ફરી વાર બોલી છે તો !”
બબુ ડરતી ડરતી ઘરમાં ભાગી ગઈ.
હમણાં જ રમણીકલાલ પર મિત્રનો તીખો તમતમતો કાગા આવ્યો. વાંચીને ચિડાયેલા મોઢે મનમાં મિત્રને ભાંડતા રમણીકલાલ ઓસરીમાં આંટા મારે છે. ચંદુ રમતો રમતો આવીને કહે છે: “બાપુ ! ફરવા ચાલોને ? વખત થઈ ગયો.”
બાપુ કહે : “હમણાં વયો જા. આજે નહિ.”
ચંદુ કહે : “બાપા ચાલોને ? હું ને બેન ક્યારનાં કપડાં પહેરી તૈયાર છીએ. આજે બેન્ડ છે.” રમણિક જરા ખીજ્યો. કહે: “અરે, આને ઘરમાં બોલવાને ? મને ગડબડ કરે છે.”
ઘરમાંથી જવાબ મળ્યો : “હું કામમાં છું. તમે એને ફરવા લઈ જાઓ, એ ક્યારનાં તૈયાર થયાં છે. “
છોકરાં કહે : “બાપુ ચાલોને ? બા પણ કહે છે કે ફરવા જાઓ-”
રમણીક ભભક્યો : “બસ જાઓ, નથી જવું આજે ફરવા ! રોજ ને રોજ વળી ફરવાનું શું ? જાઓ ભાગો !”
છોકરાં ખાસિયાણાં પડી પાછાં ગયાં.
‘માધુરી’ માસિક ઉઘાડીને જુએ તો તેમાં પોતાના પુસ્તકનું અવલોકન. તંત્રીએ તેમાં કડક ટીકા કરેલી. ચંદ્રશેખરનો પિત્તો ઊછળ્યો. મનમાં બબડ્યો: “બસ, લોકોને સમાલોચના જ કરતાં નથી આવડતી. ગમે તેવો ભાંગરો વાટે છે.” પોતે જવાબ આપવાનો વિચાર કરતો કરતો કાગળ પેન્સિલ લઈને બેસે છે.
લીલીએ હસતાં હસતાં આવી ચંદ્રના હાથમાં ચાર આઠ ગુલો નાખ્યાં ને બોલી: “ભાઈ, ઓલી ચિત્રની ચોપડી ઉતારી આપોને ?”
ચંદ્ર કહે : “હમણાં જા; મારે લખવું છે.”
લીલી કહે : “ઉતારી આપોને બાપુ? મારે ચિત્ર જોવાં છે.”
ચંદ્ર કહે : “ત્યાં ક્યાં ચિત્રની ચોપડી છે ? ક્યાંક બીજે પડી હશે; પછી વાત.” લીલી કહે : “એ દેખાય બાપુ જરાક ઊભા થઈને આપોને ?”
ચંદ્રશેખરનું મન અવલોકનનો જવાબ આપવામાં હતું. તેણે ભ્રમર ચડાવીને કહ્યું “લીલી, હમણાં જાય છે કે નહિ ? મારે લખવું છે.”
લીલી કહે : “બાપુ, આપીને લખોને ?”
ચંદ્રશેખરે નાક ચડાવ્યું ને તાણીને બોલ્યો : “લીલી, જાય છે કે તારી બા પાસે ? મારી ઓફિસમાંથી વઈ જા.”
લીલી કહે : “બાપુ...”
ચંદ્ર કહે : “લીલી ! અરે છો કે રસોડામાં ? આ લીલીને બોલાવે છે કે ? નાહકની માથું ફોડાવે છે. લીલી, જવું છે કે નહિ ? ઝાલીને બહાર મૂકી દઈશ હો !”
લીલી ચીમળાતી ચીમળાતી ચંદ્રશેખર સામે રોષથી જોતી જોતી બહાર ચાલી ગઈ.