આ તે શી માથાફોડ !/૪૦. શિક્ષકના અભિપ્રાયો

← ૩૯. દેખે તેવું કરે આ તે શી માથાફોડ !
૪૦. શિક્ષકના અભિપ્રાયો
ગિજુભાઈ બધેકા
૪૧. સરસ ઉકેલ →


: ૪૦ :
શિક્ષકોના અભિપ્રાયો

શાળાના શિક્ષકોનો અભિપ્રાય :—

“ચંદુ સૌથી હોશિયાર છે. કાયમ તે પહેલો રહે છે. ચંદુ શાંત અને શરમાળ છે. તેને કોઈની સાથે કદી પણ કજ્યો થતો જ નથી. તે અદબ રાખે છે; કહ્યું કરે છે; તેની આંખમાં શરમ છે. ઠપકો સહન કરવા કરતાં તે દોષ જ નહિ કરે.”

શાળાના કસરત-શિક્ષકનો અભિપ્રાય :—

“ચંદુ બિલકુલ કમતાકાત. રમતમાં સાવ છેલ્લો. છોકરી જેવો બીકણ. મસ્તામસ્તી ને ખેલંખેલાથી સદૈવ દૂર. ડરપોક, બીકથી કામ કરે તેવો, જરાક કહીએ ત્યાં રડી પડે તેવો.”

કયો અભિપ્રાય સાચો હશે ?

શાળાના કસરત-શિક્ષકનો અભિપ્રાય:—

“રમુનું ભણવામાં ચિત્ત નથી. છેલ્લો નંબર શોભાવે છે. ઘૂસણિયો, ધમાલિયો, રોજ બેપાંચ ફરિયાદો તો હોય જ છે. મનમાં આવે તે કામ કરે. હુકમ ઉપાડવો આકરો પડે. ઠપકો સહન કરે પણ ધાર્યું કરે. બુદ્ધિમાં મીંડું.”

કસરત-શિક્ષકનો અભિપ્રાય :—

“રમુ પહેલવાન છે; પ્રાણવાન છે. સૌથી જબરો ખેલાડી. ચતુર, સમયસૂચક, નીડર, હુકમબરાબર ઉઠવે. ઠપકામાં આવે જ નહિ, ટંટાફિસાદ પતાવવામાં એક્કો. તોફાનીને પાંશરા કરે તેવો !”

કયો અભિપ્રાય સાચો હશે ?