આ તે શી માથાફોડ !/૪૨. ઠીક લ્યો ત્યારે !
← ૪૧. સરસ ઉકેલ | આ તે શી માથાફોડ ! ૪૨. ઠીક લ્યો ત્યારે ! ગિજુભાઈ બધેકા |
૪૩. બતાવે તો ? → |
: ૪૨ :
ઠીક લ્યો ત્યારે !
❊
ઠીક લ્યો ત્યારે !
“બાપા, મારે તમારી હારે આવવું છે.”
“ના ભાઈ, ત્યાં તારું કામ નથી.”
“એં... એં... અમને લઈ જાઓ.”
“પણ તું અહીં જ રહે. જો, હું તારે માટે ટીકડી લાવીશ.”
“ના, અમારે તો તમારી હારે આવવું છે.”
“ઠીક લ્યો ત્યો; અરધેથી પાછા આવજો.”
બાપ-બેટો આગળ ચાલ્યા.
“બાપા, મને તેડોને ? હું થાકી ગયો.”
“ના ભાઈ, હું તેડવાનો નથી.”
“એં...એં... મને તેડો; મને તેડો.”
“જો તારે આવવું હોય તો ચાલ, નહિતર પાછો જા.”
“એં...એં... મને તેડો; મારા પગ દુ:ખે છે.”
“ઠીક લ્યો ત્યારે; થોડીક વાર તેડીશ.”
“આ ઠીક લ્યો.” એ આપણાં અવિચાર અને નબળાઈ છે. બાળક આવાં માબાપ પાસે લાધું ભાળે છે, ને આપણી નબળાઈ જાણ્યા પછી તેનો લાભ ઉઠાવે છે. માટે આપણે પ્રથમથી જ વિચારીને હા કે ના પાડીએ, ને તેને દૃઢતાથી વળગી રહીએ. ભલે બાળક રડે કે ઊંધું પડી જાય, પણ તે એક જ વાર બનશે.