આ તે શી માથાફોડ !/૪૬. નાહકનું શું કામ ?

← ૪૫. બીડી છાની કેમ પીધી ? આ તે શી માથાફોડ !
૪૬. નાહકનું શું કામ ?
ગિજુભાઈ બધેકા
૪૭. કઈ બચલી સારી ? →


: ૬ :
નાહકનું શું કામ ?

૧.

એક જણ મને જોઇ નાની બે વરસની છોકરીને કહે: “લો, નમસ્કાર કરો; નમસ્કાર કરો. કરો, કરો, કરો !” નાની છોકરીના હાથ જોડી નમસ્કાર કરાવ્યા. છોકરીને કંઇ લેવાદેવા ન હતી. મને થયું: “નાહકનું શું કામ ?”

૨.

હું દેવદર્શને ગયેલો. બાએ છોકરીને કહ્યું: “જે જે કરો બેટા, જે જે કરો !” છોકરી તો દીવા જોતી હતી. છોકરીના હાથ પકડી બાએ જે જે કરાવ્યા. છોકરીએ નમીને જે જે કર્યા. બા ખુશી થઇ. મને થયું: “નાહકનું શું કામ ?”

૩.

રસ્તામાં જતાં મેં બાપ-દીકરાને જોયા. સામે એક મિત્ર મળ્યો. બાપે દીકરાને કહ્યું: “સલામ ભરો ભાઇ, ભાઇને સલામ. સલામ. સલામ. સલામ. અરે આમ સલામ !” છોકરાને ગમ્યું નહિ પણ તેણે સલામ ભરી. તેનો હાથ ઢીલો હતો; મોં ઊતરી ગયું હતું. મને થયું: “નાહકનું શું કામ ?”

૪.

હું એક ભાઇને ત્યાં મળવા ગયો. ભાઇની પાસે તેની દીકરી બેઠી હતી. નાની મજાની હતી. મેં તેની સામે મોં મલકાવી જોયું. બાપે કહ્યું: “દીકરા, શ્લોક બોલો જોઇએ ? ઓલ્યો મૂકં વાળો.” દીકરી મારી લાકડી સાથે રમતી હતી. બાપા કહે: “બોલો બેટા, બોલો. પછી આપણે ટીકડી ખાવી છે ના ?” દીકરી શ્લોક બોલી ગઇ. મને થયું: “નાહકનું શું કામ ?”

૫.

હું એક વૈદને ત્યાં દવા લેવા ગયો. વૈદે દીકરાનાં વખાણ કરી કહ્યું: “આને અત્યારથી દવાની કેવી સરસ ઓળખ છે !” વૈદે દીકરાની સામે જોઇ કહ્યું: “બેટા, કોયદાનની શીશી લાવો.” દીકરો કૂતરા સાથે રમતો હતો. વૈદે કહ્યું: “લાવો છો કે ભા! જો આ ભાઇ કહેશે, દવા ઓળખતાં નથી આવડતું. તને તો આવડે છે, ખરુંના ?” દીકરો ક્વીનાઇનને બદલે સોડાની બાટલી લાવ્યો. બાપે કહ્યું: “આ ક્વીનાઇન છે ? જો તો બેટા, ઉતાવળમાં ભૂલી ગયો, ખરું ?” દીકરો ક્વીનાઇન લઇ આવ્યો, બાપે કહ્યું: “શાબાશ, ખરો !” મને થયું: “આ બધું નાહકનું શું કામ ?”

૬.

રામચંદ્રને ત્યાં જઇ ચડ્યો. રામચંદ્રે દીકરાને બોલાવી ઓળખાણ કરાવીને કહ્યું: “પેલું નવું ગાયન ગા જોઇએ ?” છોકરાને ગાવું ન ગમ્યું. તે ઊભો રહ્યો. રામચંદ્ર કહે: “કેમ, ગા ને ? આ તો કાકા છે.”

મેં કહ્યું: “જવા દ્યો ને ! રમવા દ્યો.”

રામચંદ્ર કહે: “અરે ! એ તો હમણાં ગાશે. સુંદર ગાય છે !”

છોકરે ગાયું નહિ. રામચંદ્ર કહે: “કેમ રે, ગાય છે કે ? આ શું ? મોટાનું માનતો નથી.”

મેં કહ્યું: “જવા દ્યોને, છોકરાં છે.”

રામચંદ્ર ખિજાઇ ગયા. છોકરાને લગાવી દીધી. “માનતો નથી ?” છોકરે ગાવાને બદલે રુદન કર્યું. મને થયું: “આ નાહકનું શું કામ ?”

૭.

એક સંસ્કારી દેખાતા કુટુંબનો મને અનુભવ થયો. હું બેઠો હતો ને વાત કરતો હતો એટલામાં બાળકો આવ્યાં. તેમના ખોળામાં ફૂલો હતાં. માને હોંશ થઇ આવી કે મને બાળકો ફૂલો આપે. તેણે કહ્યું: “બેટાં, થોડાં ફૂલો ભાઇને તો આપ !”

“ના બા, મારે એનો હાર કરવો છે;”

બા કહે: “પણ બેટા, મેહમાન આવે તેને આપણે ના ન પાડીએ. તારા બાપાએ તને શું શીખવ્યું છે ? જો આપ તો ! જશી તું પહેલાં આપીશ, કે વિનુ તું ?”

વિનુ દોડ્યો ને તેણે જશી પહેલાં ફૂલો આપ્યાં.

મને થયું: “આ નાહકનું શું કામ ?”

૮.

વરસાદ હતો ને હું મારા બાળકને લઇ ને ફરવા નીકળેલો. રસ્તામાં વરસાદ પડ્યો ને અમે ભીંજાયા. નજીકનાં મિત્રને ઘેર ગયા. ભીંજાયેલ કપડે બાળકને જોઇ સવિતાબેનને થયું કે પોતાના બાબુનાં ચોરણી ને ખમીસ તે આપે. તેમણે તે પેટીમાંથી કાઢ્યાં ત્યાં તેમનો મહેન્દ્ર આવ્યો.

“બા, એ તો મારાં છે. મારે પહેરવા છે.”

“તેં તો પહેરેલાં છે.”

“એ મારાં છે. મારે પહેરવાં છે.”

“પણ તારે તો ઘણાં છે.”

“આ મારે જોવે છે.”

“ના રે ભાઇ, એમ તે થાય કે ? જો એ કેવુ ભૂંડું લાગે છે ? આપણે આ ભાઇ ને આપવું જોઇએ ના ?”

“ના, મારે નથી દેવાં.”

બાએ કંટાળીને ઘરમાંથી માણસ બોલાવ્યું ને કહ્યું: “આને જરા લઇ લેજો.” ને રડવાના અવાજ સાથે મહેન્દ્ર બહાર !

મને થયું: “પણ આ નાહકનું શું કામ ?”