આ તે શી માથાફોડ !/૪૮. શું કામ ?
← ૪૭. કઈ બચલી સારી ? | આ તે શી માથાફોડ ! ૪૮. શું કામ ? ગિજુભાઈ બધેકા |
૪૯. પણ હું ના પાડું છું ના ! → |
શું કામ ?
બાએ મને કાઢી મૂકી. શું કામ મને કાઢી મૂકી ? હું તો એને કહેવા ગઇ હતી કે કાચ મને જડ્યો. એમ કહેવા ન જવાય ?
બાપા મને વઢ્યા. શું કામ મને વઢ્યા ? હું તો બતવવા ગઇ'તી કે શાહીથી ચિતર કેવાં કર્યાં છે. બાપુને બતાવવા ન જવાય ?
બાએ મને મારી. શું કામ મને મારી ? હું સાબુના ફીણ કરતી'તી. રાતાપીળા રંગ જોતી'તી. રાતાપીળા રંગ ન જોવા ?
બાપાએ મને પાપી કીધો. શું કામ મને એવો કીધો ? કેવું સરસ પતંગિયું હતું ! હું તો એમને બતાવવા ગયો હતો. પાપી એટલે શું હશે ?
બાએ મને બાયલો કીધો. શું કામ મને બાયલો કીધો ? બંગડી મેં પહેરી જોઇ; જોયું કે કેવી લાગે છે. સરસ લાગતી હતી. પણ બંગડી પહેર્યે બાયલો કેમ ?
બાપાએ મને મૂરખો કીધો. શું કામ મને મૂરખો કીધો ? ન ગમ્યું તો ન ગાયું. પરાણે કાંઇ ગમે ? ને મૂરખ એટલે ન ગાનાર ?
ભાઇએ મને ધક્કો માર્યો. શું કામ એણે ધક્કો માર્યો ? મેં એટલું પૂછયું કે ચાલને ભાઇ રમીએ. ન રમે તો કાંઇ નહિ, પણ એમાં ધક્કો શું કામ મારે ?
બેન કહે ખસ આઘી. શું કામ મને ખસ કહે છે ? હું તો ત્યાં ઊભી હતી; કીડીઓને જોતી હતી. મારે ક્યાંઇ જવું નો'તું. શું કામ મને ખસ કીધું ?