આ તે શી માથાફોડ !/૪. બાળકની દ્રષ્ટિએ કાગા લઈ ગ્યા !

← ૩. ગજુડો આ તે શી માથાફોડ !
૪. બાળકની દ્રષ્ટિએ કાગા લઈ ગ્યા !
ગિજુભાઈ બધેકા
૫. મારી બાને ખબર ન પડે, હો ! →


: ૪ :
બાળકોની દ્રષ્ટિએ
કાગા લઈ ગ્યા !

રમુ નાની હતી ત્યારે એની બા એની પાસેથી કંઈક લેવું હોય તો લઈ લે અને કહે : "કાગા લઈ ગયા, કાગા લઈ ગ્યા !”

રમુએ 'કાગા લઈ ગ્યા !' એનો અર્થ અનુભવથી શોધી કાઢ્યો હશે.

રમુ ચાર વર્ષની થઈ છે, કમુ બે વરસની છે, કમુ પાસેથી કંઈ લઈ લેવું હોય તો રમુ લઈ લે છે ને કહે છે: "કાગા લઈ ગ્યા, કાગા લઈ ગયા !”

ધીરે ધીરે કમુએ 'કાગા લઈ ગ્યા !'નો અર્થ શોધી કાઢ્યો લાગે છે.

ગઈ કાલે બટેટાં પડ્યાં હતાં. કમુએ બેટેટાંને ફરાકની ખોઈમાં ભર્યા; કોઈ ન દેખે એવી રીતે ઢાંક્યાં. પછી બધાની સામે જોઈને કહેઃ "કાગા લઈ ગ્યા, કાગા લઈ ગ્યા !”

લાગે છે રમુ એની બાથી છેતરાઈ નહિ હોય; કમુ રમુથી છેતરાઈ નથી. 'કાગા લઈ ગ્યા !' એટલે સંતાડી દીધું.

સંતાડી દેવાનો આ પ્રયોગ ગમ્મત ભરેલો છે.