આ તે શી માથાફોડ !/૭૬. જરા વિચાર કર્યો હોત તો ?

← ૭૫. બાપુ આ તે શી માથાફોડ !
૬. જરા વિચાર કર્યો હોત તો ?
ગિજુભાઈ બધેકા
૭૭. આ છોકરો કોનો છે  ? →


: ૭૬ :
જરા વિચાર કર્યો હોત તો ?

કોઇએ મને કહ્યું કે બાબુએ ચીમની ફોડી, ને સાંભળતા વેંત મારો પિત્તો ઉછળ્યો.

સાફળો ઊઠ્યો ને બાબુને બે તમાચા લગાવી દીધા.

બાબુ હેતબાઈ જ ગયો. પહેલાંતો તે કંઈ બોલે જ ન શક્યો; અને પછી તે ખૂબખૂબા રડવા લાગ્યો.

પણ મને ખબર પડી કે ચીમની તો ગઈ કાલે સાફ કરતા એની બા વડે તૂટી હતી.

મને ઘણો પસ્તાવો થયો. મેં બાબુને પાસે બોલાવ્યો ને મૂંગા મૂંગા પંપાળ્યો; બાબુ ડુસકાં ભરતો હતો; તે મારી પાસેથી દૂર ગયો અને વધારે રડ્યો.

×××

ચંદ્રા હીંડોળેથી પડી ને ચીસ નાખી રડાવા લાગી. ઘરમાંથી એની બા એ બૂમો પાડી: “એ રતિયા, પાછી એને પછડી કે ?”

સાંભળતાં જ હું વાંચતો હતો એ ચોપડી રતિયા ઉપર ફેંકી ને તેને માથામાં જોરથી લાગી. તે રડતો રડતો બેસી ગયો.

ચંદ્રાએ થોડી વારે કહ્યું: “બાપુ, રતુભાઈએ મને નહોતી પછાડી. એ તો હું સરી પડી હતી. રતુભાઈને શું કામ માર્યો ?”

મને ખૂબ લાગી આવ્યું. રતુને મેં પાસે બોલાવ્યો પણ તે મારી પાસે આવ્યો જ નહિ. તેણે ક્યાંઈ સુધી રડ્યા કર્યું; મારી સામે પણ ન જોયું.

×××

ઘરમાં બાબી અને જીવન દોડાદોડ કરતાં હતાં. હું વાંચવાના ઓરડામાં બેઠો હતો. મેં એની બાને બોલતા સાંભળી: “અરે, આ તે હવે કેમ ખમાય ?”

સાંભળીને હું બહાર આવ્યો તો ઘરમાં દૂધ ઢોળાયેલ હતું ને છોકરાની બા સાફ કરતી હતી. મારો મિજાજ ગયો. જોરથી ઘાંટો પાડીને છોકરાંને બોલાવ્યાં: "આમ આવો, તોફાની !" છોકરાં સમજ્યા નહિ કે કોણ જાણે, પણ તેઓ તો ઘરમાંથી ફળિયામાં દોડતાં હતાં. મેં ત્યાં જઈ તેમને એક એક લગાવી દીધી ને વાંચવાના ખંડ તરફ પાછો વળ્યો. મારા કાન પર બન્નેના રડાવાનો અવાજ આવતો હતો.

દૂધ લેતી એની બા બોલી: "શું કામ એમને નકામાં માર્યાં ? દૂધ તો બિલાડીએ ઢોળ્યું હતું. એ તો બિચારા એન હાંકવા દોડ્યાં હતા."

હું ખસિયાણો પડી ગયો. છોકરાઓને શું મોઢું બતાવવું ? તેઓ મારી પાસે રાત સુધી આવ્યાં જ નહિ. હું તેમની પાસે જઈ શક્યો નહિ !

×××

નલિની અને નાનુ એના ઓરડામાં રમતાં હતાં. હું બાજુની ઓરડીમાં લખતો હતો. એકાએક નલિનીએ ચીસ પાડી. હું ભડક્યો ને ત્યાં દોડ્યો. વગર તપાસે નાનુનો કાન ખેંચી થપાટ લગાવી. "આટલી નાની છોડીને રડાવે છે ? હજી સમજતો નથી ?" પણ ત્યં તો નલિની હસી પડી. એ કહી: " કાકા ! એ તો અમે ગમ્મ્ત કરીએ છીએ; મને કોઈએ નથી રડાવી."

મને ભાગતાં ભોં ભારે થઈ પડી. રડતી કરડી આંખે મેં નાનુ મારી સામે જોઈ રહ્યો. મને મારી જાતને ધિક્કારવાનું મન થયું. નાનુ તે દિવસથી મારી ઓરડીની બાજુમાં રમતો નથી.

ઘરમાંથી આવીને એણે કહ્યું: “આને કંઈ કહેવું છે ? મારું કહ્યું તો કરતો નથી ને ઊલટા જવાબ આપે છે. ચંપક મને તો ગાંઠતો જ નથી ! “

મારી લગામ ખસી ગઈ ને ચંપકને બેં ચખાડી દીધી. “કેમ અલ્યા, શું સમજે છે ?”

ચંપક બોલ્યો નહિ. આંખમાં આંસુ આવ્યાં. ર્તે બહાર ચાલ્યો ગયો. ચંપક મોટો હતો ને સમજુ હતો.

બીજે દિવસ તે મારી પાસે આવ્યો ને ખુલાસો કર્યો કે એની બાનું કહેવું તદ્દન અતિશયોક્તિ ભરેલું હતું. પોતે કહ્યું કરતો જ હતો, પણ બાને બહુ અધીર આવી ગઈ હતી.

મને ચંપકની માફી માગવાનું મન થયું પણ ન બની શક્યું મારા મનને ઘણું દર્દ થયું.

જીવી ને રસુ ને વસુ કૂંડીમાં નાવા પડેલાં. અરધો એક કલાકથી પડેલાં હશે. પણ હું ગામમાંથી આવ્યો ને એની બાએ કહ્યું: “આ ક્યારના બે કલાકથી નહાય છે ને નીકળવાનું કહું છું પણ નીકળતાં નથી.”

મેં કહ્યું: “ચાલો, નીકળી જાઓ ઝટ ! ઝટ નીકળો.:

પણ છોકરાંઓ નહાવાની મજામાં હતાં. મને ગુસ્સો આવ્યો. મગજ તપ્યું ને મેં તેમને ખેંચી ખેંચીને બહાર કાઢ્યાં ને ધક્કા મારીને દૂર કર્યાં. તેમનાં બાવડાં વીંઝી નાખ્યાં.

તેઓ હસતાં હતાં તેનાં રડતાં થઈ ગયાં.

કોઈએ કહ્યું : “ભાઈ, એ બિચારાં હમણાં જ નહાવા પડ્યાં પડ્યાં હતાં, ને આ તો ઉનાળો છે. જીવી વહુને તો એવી વધારીને બોલવાની ટેવ જ પડી છે.”

મારું મોં પડી ગયું. મને થયું ખરેખર ભૂલ થઈ. મેં છોકરાંને કહ્યું: “કાલે ખૂબ નહાજો”

તેઓએ કહ્યું : “નથી નહાવું અમારે”

મને થયું: “ઠીક વાણીનો પ્રહાર થયો.”

ઓફિસમાંથી આવું છું તો વિનુએ મારી લાલ શાહી વાપરી નાખેલી. એનાથી એણે ભીંત પર લીંટા કાઢેલા; કાળી શાહીથી એણે મોં ઉપર ચાંદલા કર્યા હતા, ને લૂગડાં ને હાથ બગાડેલા હતા. એ દેખાવ જોઈ મારો ગુસ્સો ફાટી નીકળ્યો. “વિનુડા ! આમ, આવ, હરામખોર ! આ ભીંત બગાડી, મોઢું બગાડ્યું; આ શું કર્યું ?”

વિનુ નાસવા ગયો પણ ત્યાં તો મેં એને બૂટ સુદ્ધાં ઘરમાં જઈ પકડ્યો ને ત્રણ ચાર સોટીઓ લગવી દીધી. વિનુ ખૂબ રડ્યો. વાળુ પણ ન કર્યું; એમ ને એમ સૂઈ ગયો. રાતમાં તે રડી ઊઠ્યો ને રડતાં રડતાં બોલ્યો, “બાપાજી મારો મા; એ બાપાજી મારો મા.”

હું છાપું વાંચતતો બેઠો જ હતો. મારા દિલમાં કારી ઘા લાગ્યો. શા માટે મેં એને માર્યો ? કેવી કરુણાજનક ચીસ છે ! મેં વિનુને પંપાળ્યો; પાણી પાવા પ્યાલો ધર્યો, પણ આંખ ઉઘાડી મને દેખી મોં ફેરવી ગયો. એની બા એ પાણી આપ્યું ત્યારે પીધું.

મને થયું હું ખરેખર રાક્ષસ બની ગયો હતો. એણે એટલી શાહી બગાડી એમાં મેં એનું કેટલું બગાડ્યું ?

હું ચિત્રોની એક ચોપડી જોતો હતો. નાનો રસિક હસતો હસતો આવ્યો ને ચોપડી ખેંચી કહે: “બા બોલાવે છે, ચાલો, ઝટ બોલાવે છે.”

ચોપડી ખેંચાઈને ચિત્ર ફાટ્યું હું ચિડાઈ ગયો. મેં કહ્યું: “ જા નથી આવતો, કેવો જંગલી છે.”

રસિક રડતો રડતો નાસી જ ગયો. એની બા પાસે જઈને રડી ઊઠ્યો ને રડતો રડતો એના ખોળામાં સૂઈ ગયો.

બાએ મને ન જ બોલાવ્યો; એણે મારી ધમકીનો અવાજ સાંભળ્યો હશે.

હું મોડેથી રસોડામાં ગયો. રસિક ઊંઘતો હતો; એની બાનું મોં પડી ગયું હતું. રસિકના ગાલ પરના આસુંના લીટા સુકાઈ ગયેલા તગતગતા હતા.

મને શરમ આવી ગઈ. મન થયું: “ચિત્ર ફાટ્યું તે તો ફાટ્યું જ હતું, પણ આ બાળકના ગાલનું ચુત્ર કાઢી એની કોઈ વાર્તા લખે તો ?”