← ૬. પણ મારી બા ને કહે ને ! આ તે શી માથાફોડ !
૭. પાપ લાગે
ગિજુભાઈ બધેકા
૮. પણ...? →


: ૭ :
પાપ લાગે

હજામ અને બબલી વચ્ચે ચાલતી વાતચીત તરફ મારું ધ્યાન એકાએક ગયું. હજામ કહે : “ખોટું બોલીએ તો પાપ લાગે.”
બબલી કહે : “ભલે પાપ લાગે, હું તો ખોટું બોલીશ.”

હજામ કહે : “ન બોલાય; પાપ લાગે.”

બબલી કહે : “એમાં શું થઈ ગયું ? હું તો બોલીશ. ખોટું બોલાય.”

હજામ કહે : “ભાઈ ન બોલાય. ખોટું બોલીએ તો પાપ લાગે.”

બબલી કહે : “ગિજુભાઈ ! ખોટું બોલીએ તો પાપ લાગે ?”

મને કશો ઉત્તર દેવાનું મન ન થયું. હું બોલ્યો નહિ.

બબલીએ હજામને પૂછ્યું : “ખોટું બોલીએ તો મરી જઈએ ?”

હજામ કહે : “ખોટું બોલીએ તો પાપ લાગે.”

બબલી મારા તરફ જોઈને કહે : “ખોટું બોલીએ તો મરી જઈએ ?”

મેં ઉત્તર ન આપ્યો.

બબલી કહે : “પાપ કેવી રીતે લાગે ?”

હજામ કહે : “પાપ લાગે; ખોટું ન બોલાય.”

બબલી કહે : “ત્યારે તો હવે એક વાર પાપ લગાડવું પડશે.”

×××

આપણે હજામને ધાર્મિક શિક્ષણ આપતાં રોકવો ન જોઈએ ?

×××

બીજે દિવસે મેં બબલીને પૂછ્યું : "પાપ કેવી રીતે લગાડીશ ?”

બબલી કહે : "એક વાર ખોટું બોલીશ એટલે પાપ લાગશે.”