આ તે શી માથાફોડ !/૮૦. રડતાં જોઉ ત્યારે

← ૭૯. ચંપાને શિક્ષણ આ તે શી માથાફોડ !
૮૦. રડતાં જોઉ ત્યારે
ગિજુભાઈ બધેકા
૮૧. મને ત્યાં જવું નથી ગમતું →


: ૮૦ :
રડતાં જોઉ ત્યારે

જ્યારે હું રડતા બાળકને જોઉં છું ત્યારે મને થાય છે કે “અરે ! આ બાળકને શા માટે રડવું પડે છે ?”

જ્યારે હું રઝળતા બાળકને જોઉં છું ત્યારે મને થાય છે કે “અરે ! કોઈ એને પ્રવૃત્તિ કેમ નથી આપતું ?”

જ્યારે હું કોઈ બાળકને બીજાને ગાળો દેતું ને ઘા મારતું જોઉં છું ત્યારે મને થાય છે કે “આને માટે એકેય ક્રીડાંગણ કેમ નથી ?”

જ્યારે હું કોઈ બાળકને માર ખાતું જોઉં છું ત્યારે મને થાય છે કે “અરે ! આ મારનાર કેવો હિચકારો છે ?”

જ્યારે હું કોઈ બાળકને રસ્તા વચ્ચે જ પેશાબ કરતું, ઝાડે જતું કે થૂંકતું જોઉં છું ત્યારે મને થાય છે કે “અરે ! આ બાળકને સારા સંસ્કાર કોઈ નહિ આપે ?”

જ્યારે હું બાળકને “હાથપગ દોરડી ને પેટ ગાગરડી' ભાળું છું ત્યારે મને થાય છે કે “અરે ! આની કોઈ દવા નહિ કરે ?”

જ્યારે હું બાળકને ગૂમડાં થયેલાં ભાળું છું ત્યારે મને થાય છે કે “અરે ! એને કોઈ સાફ પણ નથી કરતું ?”