આ દશ આ દશ પીપળો
અજ્ઞાત



આ દશ આ દશ પીપળો

આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
દાદા કાનજીભાઈ વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો

ભૂલજો અમ કેરી માયા
મનડાં વાળીને રહેજો
સસરાના લાંબા ઘૂંઘટા
સાસુને પાહોલે પડજો

જેઠ દેખીને ઝીણાં બોલજો
જેઠાણીના વાદ ન વદજો
નાનો દેરીડો લાડકો
એનાં તે હસવાં ખમજો

નાની નણંદ જાશે સાસરે
એનાં માથાં રે ગૂંથજો
માથાં ગૂંથીને સેંથાં પૂરજો
એને સાસરે વળાવજો

આ દશ આ દશ પીપળો
આ દશ દાદાનાં ખેતર
માતા કાશીબેન વળામણે
દિકરી ડાહ્યાં થઈને રહેજો