આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે નરસિંહ મહેતા |
[આ પદ ઝારીના ચાર પદો માંનું એક છે. કહેવાય છે કે એક રાત્રે ભજન કીર્તન કરતાં નરસિંહ મહેતાને તરસ લાગી અને તેમણે તેમની સગી રતનબાઈને બોલાવી. તે રતનબાઈ ઝારીમાં પાણી લઈને આવી, ત્યારે તેમને રતનબાઈમાં મોહિની સ્વરૂપ શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમણે જે ચાર પદો લખ્યા તે 'ઝારીના પદો' તરીકે ઓળખાય છે.] |
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ ન્યાળોરે. ટેક.
બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવીરે,
ત્રણ લોકનું તેજ તારુણી, એ તો છબિ છબિલે બનાવીરે. એને.
ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે;
સાળુડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. એને.
વાસ પુર્યો એણે વૃન્દાવન માં, ગોવરધન થકી આવેરે;
એ નારીની જાત કોઈ જાણે, તેનો ફેરો ફાવે રે. એને.
કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગીધારી રે,
બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. એને.
અંતર હેત પોતાનું જાણી, એ તો આવે છે અંતરજામીરે.
વ્યભિચાર મૂકી જુઓ વિચારી, એતો નરસૈંતાચો સ્વામીરે. એને.
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ નિહાળો રે. - ટેક
બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે,
ત્રણ લોકમાં નહીં રે તારુણી, આવડું રૂપ ક્યાંથી લાવી રે? - આ.૧
દર્શન કરતા દુઃખડા ભાજે, સ્પર્શે પાતક જાયે રે,
એ નારીની જાતને જાણે તેને આવામન નહીં થાય રે. - આ.૨
ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે,
સાળિડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. - આ.૩
એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યાં, તાંડવ નૃત્યને જાણે રે,
જળની ઝારી જુગતે ઝાલી, મારા મંદિરિયામાં માણે રે. - આ.૪
કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગિરિધારી રે,
બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. - આ.૫
વાસ કરે વૃન્દાવન માંહે, હમણા ગોકુળથી આવે રે,
નરસૈયાના સ્વામીને જોજો, એ તો નયણામાં ને હ જણાવે રે. - આ.૬