ઇબ્રાહીમકાકા
ઇબ્રાહીમકાકા મહાદેવ હરિભાઈ દેસાઈ |
ઇબ્રાહીમકાકા
મહાદેવ હરિભાઈ દેસાઈ
હું ખેડુતનો દીકરો છું; જો કે હું મારી ચોપડીઓમાં મશગૂલ રહું છું અને મેં કદી જાતે હળ નથી ચલાવ્યું. મારા પિતા સંસ્કૃતના મોટા પંડિતા હતા. પણ એમને તો ખેતી સારી પણ આવડતી. અમારા ઘરની નજીક એક મુસલમાન રહેતા હતા. તેમનું નામ ઇબ્રાહીમ હતું. તે જાતે વણકર છતાં ખેતી કરીને ગુજરાન મેળવતા. મારા પિતાનું અને એમનું ખેતર પણ જોડાજોડ હતાં. તેથી અમે ઘણે ભાગે નિકટના સહવાસમાં રહેતા. અમે છોકરાઓ આ ભલા મુસલમાનને ઇબ્રાહીમકાકા કહેતા. કેમ કે મારા પિતાને એ મિત્ર ભાઈ જેવા હતા.
ઇબ્રાહીમકાકા અમારા પર ઘણો પ્યાર કરતા; પેટના દીકરા કરતાં અમ મિત્રના ઘર પર તે વઘારે વહાલ રાખતા. તે ઘર્મનિષ્ઠ મુસલમાન હતા, અને અમારા વિઘિનિષેઘો સંભાળવાની અમે પરવા કરીએ એના કરતાં તે વઘારે કરતા. કેમકે દરેકે પોતાપોતાના નિયમો બરાબર સાચવવા જોઈએ, એવી તેમની ધર્મનિષ્ઠા હતી.
ઘણી વાર ખેતરમાં મોલ પાકવા આવ્યા હોય તે વખતે, મારા પિતા અને ઇબ્રાહીમકાકા એકબીજાના ખેતરની વારાફરતી સંભાળ રાખતા અને એ રીતે ઘણો વખત અને ખરચ બચાવતા. અમે છોકરાં ઘણી વાર પરોઢિયે ખેતરમાં જતાં, ત્યાં ઇબ્રાહીમકાકા કુમળી કાકડીઓથી અમારાં ગજવાં ભરી દેતા અને પોતાના ખેતરમાંથી સુંદર તરબૂચ કાઢીને અમને આપતા. અમે રોજ ખેતરમાં જઈએ ત્યારે ઇબ્રાહીમકાકાને બૂમ પાડીને કહેતાકહેતા: ‘ઇબ્રાહીમકાકા, ઊંઘો છો કે જાગો છો?’ એટલે એ ભલા ડોસા ફળ લઇને અમને આપવા આવતા. મારા પિતા પણ અમારા ખેતરમાંથી સારામાં સારાં તડબૂચ કાઢીને ઇબ્રાહીમકાકાને મોકલે.
અમે ઇબ્રાહીમકાકાના હાથમાંથી કશું ખાતા નહીં અને ભૂલથી પણ એ અમને ખાવા દેતા નહીં. પણ આ નિષેઘ સ્વાભાવિક થઈ ગયેલો અને અમે હિંદુ છીએ ને એ મુસલમાન છે માટે એમ થાય છે, એમ લાગતું નહીં. અમે ચાર ભાઈ હતા; પણ હું સૌથી નાનો, એટલે ઇબ્રાહીમકાકને મારા ઉપર સૌથી વઘારે પ્રેમા હતો. કેરીની મોસમમાં આંબા પર પહેલી કેરી પાકે, તે ઇબ્રાહીમકાકા કપડે વીંટળી રાખે ને ઘીમેથી આવીને મારા ગજવામાં સરકાવી દે. હું કેરી સું ઘી જોઉં અને આનંદમાં આવીને બોલી ઊઠું: ‘ઇબ્રાહીમકાકા,તમે તો બહુ મીઠા છો!’ એમને ગોળ બહુ ભાવતો અને એમના શબ્દોમાં પણ ગોળા જેવી મીઠાશ હતી. તેથી અને તેમને વિનોદમાં ‘મીઠાકાકા’ કહેતા, એટલે તે અમારી પાછળ દોડતા. અમે દૂર નાસી જતા અને પકડાતા નહીં. ઇબ્રાહીમકાકા ઘણી વાર થાળીમાં રોટલો મૂકીને અમારા વાડામાં આવે અને અમને કહે: ‘જા જોઇ આવ તો, તારી બાએ કંઈ સારું શાક કર્યું છે?’ હું મા પાસે દોડી જાઉં અને થાળી ભરીને શાક, અથાણું ને બીજી સારી વાનીઓ લઈ આવું. કાકા એ સ્વાદ્થી ખાય અને ખાઈ રહે એ પહેલાં તો બીજી વારલઈ આવું અને થાળી એમના વાસણમાં ઠાલવી દઉં. આમા હું મારો બાલીશ પ્રેમ એમના પરા વરસાવું તે કેટલીયે વાર એમની આંખ માંથી અશ્રુધારાઓ વહેવા માંડે; પણ કદી એ મને ભેટે નહીં, બચ્ચી તો કરે જ શાના? એ મુસલમાન હતા એનું ભાન મને ભાગ્યે જ હતું; એટ્લે મારા પરનો – બ્રાહ્મણના દીકરા પરનો પ્રેમ તે આ રીતે બતાવતા જ નહીં.
આ રીતે ગાઢ મિત્રતાના વરસો વહી ગયાં અને બ્ંને કુટુંબોનો પ્રેમસંબંઘ વઘતો ચાલ્યો. એ દરમ્યાન મારા પિતાનો સ્વર્ગવાસ થયો. ઇબ્રાહીમકાકા હવે અમારા ઉપર કાકા તરીકેનો સ્નેહ પહેલાં કરતાંયે વઘારે રાખવા લાગ્યા. મારા મોટા ભાઈ હ્ંમેશા એમની સલાહ લેતા અને કાકા વગર આનાકાનીએ સાચી સલાહ આપતા.
એક વાર એવું બન્યું કે, હિંદુઓના ઢોરે મુસલમાનના કબ્રસ્તાનમાં પેસી જઇને ઝાડપાનને નુકશાન કરેલું , તે વિષે ભારે કજિયો ઊભો થયો. અમારા ગામનાં ઢોર ચારનાર ગોવાળના છોકરાઓની બેદરકારીને લીઘે આમ બનેલું. ગામના મુસલમાનો ગુસ્સે ભરાઈને દોડી આવ્યા, ગોવાળના છોકરાને સારી પેઠે ટીપ્યા અને ઢોર હાંકીને ડબ્બામાં પૂરી દીઘાં. છોકરાીસ ખાઈને ઢોરના ધણી પાસે દોડી ગયા. જેમના ઢોર હતાં તે બઘા ડાંગો લઈને લડાઈ કરવાની તૈયારી કરીને નીકળી પડ્યા. આ ખબર વીજળીવેગે ફેલાઈ ગઈ અને આસપાસના સૌ મુસલમાનો લડવાને ને હિંદુને પાંસરા કરવાને ધાઈ આવ્યા. કલાકો સુઘી બોલાચાલી થઈ ને ડાંગો ઉગામાવાની તૈયારી હતી. સમજાવટના પ્રયત્નો બઘા નિષ્ફળ ગયા હતા. મુસલમાન કહેતાહ્તા કે, આ કાંઈ પહેલો બનાવ નથી; ગોવાળના છોકરાઓએ ત્રીજી-ચોથી વાર ઢોર પેસાડ્યા છે, એટલે ફક્તા બેદરકારી છે એમ નહીં કહી શકાય. જોતજોતામાં બંન્ને બાજુએ ડાંગ, પથ્થ્રર, ઈંટો ને જે કંઈ ચીજા હાથમાં આવી તે લઈને સજ્જ થયેલી બે સેનાઓ સામસામી ઊભી રહી.
ઇબ્રાહીમકાકા પણ એમના પુત્રપૌત્રાદિ સાથે ત્યાં હતા. એમણે ઝ્ઘડો પતવવાનો ઘણો પ્રયત્ન કરી જોયો પણ તોફાની લોકો ફાવી ગયા હતા. અમારાં ઢોર પણ ડબ્બામાં પુરાયેલાં, એટ્લે મારા ભાઈઓ પણ ત્યાં હતા. સ્ત્રીઓને બાદ કરતાં આખું ગામ ભેગું થયું હતું. સ્ત્રીઓ ઘરે માથાં ફૂટ્યાંની અને હાડ્કાં તૂટ્યાંની વાતો સાંભળવાની રાહ જોઈ રહી હતી. હું નિશાળમાંથી આવીને જોઉં તો તમામ ઘરનાં બારણાં બ્ંઘ થઈ ગયેલાં ને ગામ આખું લડાઈને માટે બહાર નીકળી ગયેલું. મેં ચોપડીઓ ખૂણામાં નાખી દીઘી અને લડાઈની જગાએ દોડી ગયો. મારી નસોમાં લોહી ગરમ થતું હતું ને મને લડવાનો તરવરાટ થઈ રહ્યો હતો. મારી બાએ બૂમ પાડીને મને વાર્યો, પણ મેં માન્યું નહીં; હું જઈને ઊભો રહ્યો. પણ અરે આ શું? ઇબ્રાહીમકાકા એના આખા કુટુંબ સાથે સામાપક્ષમાં હતાં! હું એમની પાસે દોડી ગયો અને આશ્ર્વર્યથી પૂછ્યું ; ‘ઇબ્રાહીમકાકા! તમે ક્યા પક્ષમાં છો – અમારા કે એમના?’ તરત જ ઇબ્રાહીમકાકાએ પોતાના દીકરા પાસેથી એક ડાંગ માગી લીઘી અને મારી પાછળ ચાલ્યા. દીકરાઓને કહ્યું; ‘અનો બાપ મરી ગયો છે, એટલે મારે એના પક્ષમાં રહીને લડવું જોઇએ. તમે બીજી બાજુએ રહેજો.’
ઇબ્રાહીમકાકાને આ રીતે જતાં જોઇને સૌ છક થઈ ગયા. થોડીવાર શાંતિ ફેલાઈ ગઈ;દરેક જણ સ્તબ્ઘ થઈને ઊભું રહ્યું. સૌ શરમાઈ ગયા ને એક પણ શબ્દ બોલ્યા વગર ઘર ભણી ચાલવા લાગ્યા. અમે પણ ઇબ્રાહીમકાકાની પાછળ ઘેર આવ્યા.
આ ચમત્કારનો અર્થ ને તેનો મહિમા એ વખતે હું કળી શક્યો ન હતો, પણ હવે હું કળી શકું છું. ભલા ઇબ્રાહીમકાકા હવે આ ભૂમી પર નથી.પણ હું તેમને કદી પણ ભૂલી શકવાનો નથી. તેમની કબરને હું ઓળખું છું અને તેની સામે જોઈને મેં કેટલીયે વાર આસું લૂછ્યાં છે. કબ્રસ્તાન આગળ થઈને જાઉં છું તે વખતે કેટલીયે વાર નાનપણમાં કહેલા એ શબ્દો મારા મોંમાંથી સરી પડે છે; ‘ઇબ્રાહીમકાકા, ઊંઘો છો કે જાગો છો?’ એ ઊંઘી ગયા છે એમ હું માનતો જ નથી; એ તો જાગતા જ સૂતેલા છે.