ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર/સ્ત્રી કેળવણી માટે વિદ્યાસાગરનો પ્રયાસ
← વિદ્યાસાગરની સાહિત્ય સેવા | ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્ત્રી કેળવણી માટે વિદ્યાસાગરનો પ્રયાસ શિવપ્રસાદ દલપતરામ પંડિત |
વિધવા વિવાહનો પ્રચાર → |
પ્રકરણ ૬ ઠ્ઠું.
સ્ત્રી કેળવણી માટે વિદ્યાસાગરનો પ્રયાસ.
સ્ત્રીજાતિ તરફ વિદ્યાસાગરની વિશેષ ભક્તિ હતી, એ એમના મહાન્ પુરષાતનનું એક પ્રધાન લક્ષણ હતું. આપણે સાધારણ લોકો સ્ત્રીજાતિ તરફ ઈર્ષાખોર હોઈએ છીએ. અબળા સ્ત્રીઓના સુખ તથા સ્વતંત્રતાની હિલચાલ આપણે માટે એક હાસ્યનો વિષય થઈ પડે છે. આપણી ક્ષુદ્રતા અને બાયલાપણાનાં બીજાં લક્ષણો ભેગું આ પણ એક છે
પરન્તુ વિદ્યાસાગરના હૃદયમાં સ્ત્રીજાતી તરફ સ્નેહ તથા ભક્તિનાં બી બાલ્યાવસ્થામાંથીજ રોપાયાં હતાં. બાલ્યાવસ્થામાં જ્ય્હારે એ કલકતામાં જગદુર્લભ બાબુના ઘરમાં, ત્હેમના આશ્રય નીચે રહેતા હતા, તે સમયે એ બાબુસાહેબની બ્હેન રાઈમણી ત્હેમના ઉપર ઘણો હેતભાવ રાખતી હતી. એ દયાળુ બાઈ સંબંધી વિદ્યાસાગર આત્મચરિતમાં જે લખે છે તે ઉતાર્યા વગર ચાલે એમ નથી. “રાઈમણીનો અદ્ભૂત સ્નેહ અને કાળજી હું કદાપિ વિસરી શકીશ નહીં. ત્હેમનો એકનો એક પુત્ર ગોપાળચન્દ્ર મ્હારો સમવયી હતો. પુત્ર ઉપર જનનીનો જેટલો સ્નેહ તથા કાળજી જોઈએ, તેથી વધારે સ્નેહ અને દેખરેખ ગોપાળયન્દ્ર ઉપર રાઈમણી રાખતાં એમ સંશય નથી, પણ મ્હારો દૃઢ વિશ્વાસ છે, કે સ્નેહ અને કાળજીના સંબંધમાં મ્હારામાં અને ગોપાળચન્દ્રમાં રાઇમણી જરાપણ ભેદભાવ રાખતાં નહીં. સારાંશ એ, કે સ્નેહ, દયા, સૌજન્ય, નિઃસ્વાર્થતા, સદ્વિચાર, આદિ ગુણોમાં રાઈમણીની બરાબરી કરે એવી સ્ત્રી મ્હેં આજ પર્યન્ત જોઈ નથી. એ દયામયી સૌમ્ય મૂર્તિ મ્હારા હૃદયમાં દેવીની મૂર્તિ પેઠે પ્રતિષ્ઠિત થઈને વિરાજમાન છે. પ્રસંગવશ એમની વાત નીકળતાં, ત્હેમના અપ્રતિમ ગુણોનું કીર્તન કરતાં કરતાં મ્હારાથી અશ્રુપાત કર્યા વગર રહેવાતું નથી. હું સ્ત્રીજાતિનો પક્ષપાતી છું. એમ ઘણા લોકો ટીકા કરે છે. મ્હને લાગે છે, કે એમની એ ટીકા અસંગત નથી. જે માણસે રાઈમણીના સ્નેહ, દયા, સૌજન્ય આદિનો અનુભવ કર્યો છે, અને જે ત્હેમના સધળા ગુણોનાં ફળ ભોગવી ચુક્યો છે, તે મનુષ્ય સ્ત્રીજાતિનો પક્ષપાતી નહોય, તો એના જેવો કૃતઘ્ન પામર આ ભૂમંડળમાં બીજું કોઈ નથી.”
સ્ત્રીજાતિના સ્નેહ, દયા તથા સૌજન્યથી બેનસિબ રહેલા હત્ભાગી આપણામાંથી કેટલા થોડા જણ હશે ! પણ ક્ષુદ્ર, પામર, હૃદયનો સ્વભાવજ એવો હોય છે, કે જેટલો ત્હેના ઉપર વગર માગ્યે ઉપકાર કરવામાં આવે છે, તેટલોજ એ વધારે કૃતઘ્ની નીવડે છે. જે કાંઈ સ્હેલાઈથી મળે છે ત્હેને એ પોતાનો હક્ક સમજે છે; પોતાની તરફથી જે આપવાનું હોય છે તે સહજમાં ભુલી જાય છે. આપણે પણ સંસારમાં ઘણી વખત રાઈમણીને જોઈએ છી, અને જ્ય્હારે એ સેવા કરવા આવે છે ત્ય્હારે ત્હેમની બધી સેવા ચાકરી અને પ્રીતિને બેપરવાઈથી સ્વીકારીને ત્હેમના ઉપર મ્હોટો ઉપકાર કરીએ છીએ. એ જ્ય્હારે ચરણે પૂજા કરવા આવે છે ત્ય્હારે આપણે આપણા પંક-કલંકિત પદયુગલ વગર સંકોચે લાંબા કરીને, અત્યંત નિર્લજ બનીને, પોતાને ખરેખરા નરદેવ સ્વરૂપ માનીને, નારી સંપ્રદાયની પૂજા ગ્રહણ કરવાને પોતાને અધિકારી માનીએ છીએ. પણુ એ બધી સેવિકા, પૂજારણો અબળાઓના દુઃખ મોચન અને સુખ સ્વાસ્થ્યની યોજનાઓ ઘડતી વખતે આપણા જેવા મર્ત્ય દેવોની લુંભકર્ણની ઊંછ જરાપણ ઉડતી નથી. ત્હેનું કારણ એ છે, કે આપણે એમ માની લીધું છે કે સ્ત્રીજાતિ પાસે આપણા સુખ વૈભવને માટે સેવા કરાવવી, એ આપણો હક્ક છે તેથી એ સેવાને આપણાં હૃદયમાં પ્રવેશ કરાવી કૃતજ્ઞતા પ્રગટા કરવાનો તથા યથાશક્તિ ત્હેનો બદલો વાળવાનો આપણને વિચારજ નથી નથી આવતો.
પણ વિદ્યાસાગર મહાશય આપણા જેવા પામર મનુષ્યથી ઘણી ઊંચી પંક્તિના હતા. ત્હેમણે સ્ત્રીજાતિ ઉપરનો અનુરાગ પોતાનાં કાર્યો વડે સ્પષ્ટ રીત્યે બતાવી આપ્યો છે.
પ્રાથમિક કન્યા કેળવણીને માટે વિદ્યાસાગરે શો પ્રયત્ન કર્યો હતો ત્હેનું કાંઈક સૂચન આગલા પ્રકરણમાં થઈ ચુક્યું છે. લે. ગવર્નરની સૂચના મૂજબ એમણે બંગાળાનાં કેટલાક જીલ્લાઓમાં ઘણા ઉત્સાહ પૂર્વક કન્યાશાળાઓ સ્થાપી હતી. પણ એની લેખીત મંજૂરી મળે એ અગાઉ ડાઇરેક્ટર યંગસાહેબ સાથે એમને અણબનાવ થયો. ડાઇરેક્ટર સાહેબે બિલ ના મંજૂર કર્યું. લે. ગવર્નર સાહેબે કહ્યું, કે મ્હારા ઉપર કાયદાસર ફરિયાદી કરવાથી એ રૂપિયા ત્હમને મળી શકશે. પણ એમણે કહ્યું, કે સાહેબ આજ સૂધી કોઇના ઉપર ફરિયાદી નથી કરી તો આપના ઉ૫ર કેવી રીતે કરૂં ? એ ખર્ચ હું મ્હારા ઘરમાંથી જ આપીશ.
એ ચાર જીલ્લામાં થઈને લગભગ પચાસ કન્યાશાળાઓ હતી. દરેક કન્યાશાળામાં બે પંડિત અને એક દાસી નોકર હતાં. એમના પગાર ઉપરાંત બીજું પણ ખર્ચ હતું. કન્યાશાળામાં ફી બિલકુલ લેવાતી નહોતી. ઉલટું, ભણવાનાં પુસ્તકો, કાગળ, પેનસિલ, સ્લેટ પેન, વગેરે બધું નિશાળમાંથી મળતું. આટલું બધું ખર્ચ એમણે પોતાની જવાબદારી ઉપર ઉપાડી લીધું. કરજ કરીને પણ આ કાન્યાશાળાઓ એ નીભાવતા હતા. એમના અંગ્રેજ મિત્રો પણ આ કાર્યમાં એમને ઘણી મારી મદદ આપતા હતા. ત્હેમાં સર સેસિલ બિડનનું નામ ખાસ ઉલ્લેખ યોગ્ય છે. એ સાહેબ દર મહિને ૫૫) રૂપિયા કન્યાશાળાના ખર્ચ માટે વિદ્યાસાગર ઉપર મોકલી આપતા હતાં, આ ઉપરાંત, એમણે પોતાની જન્મભૂમિ વીરસિંહમાં ૫ણ એક કન્યાશાળા, સ્થાપી હતી. તેનું ખર્ચ દર મહિને ઓછામાં ઓછું વીસ રૂપિયાનું થતું તે પણ પોતાના ગજવામાંથી આપતા હતા.
પ્રાથમિક કેળવણીના એ જેટલા હિમાયતી હતા તેટલાજ ઊંચી કેળવણીના પણ હતા. એ વખતના વાઇસરૉયની સભાના સભાસદ મિસ્ટર જે. ઇ. ડી. બેથ્યૂન સાહેબ ભારત લલનાઓના પણ હિતૈષી હતા. ભારત લલનાઓ માટેની ત્હેમની શુભેચ્છ અને એ શુભેચ્છાઓ પૂર્ણ કરવાને માટે જોઈતી ખંતની ત્હેમનામા કમી નહોતી. હજારો રૂપિયાનો પગાર મળાતો હતો. મ્હોટા ગવર્નર જનરલ સાહેબની વ્યવસ્થાપક સભાના સભાસદ હતા, પણ એમનો સ્વભાવ ઘણોજ સરળ હતો. ન્હાના છોકરાંની સાથે પણ એ એવી સાદાઈથી પ્રેમ પૂર્વક વાતચિત કરતા કે એ બાળકોનાં મનમાં જરા પણ સંકોચ નહોતો આવતો. જાણે પોતાના કોઈ સગાંસંબંધી જોડે વાત કરતાં હોય એવી રીત્યે નિષ્કપટતાથી બાળકો એમની સાથે વાતો કરતા. ત્હેમણે બંગાળી કન્યાઓને ઊંચું શિક્ષણ અપવાની હિલચાલ ઉપાડી. પણ જ્ય્હાં સૂધી આ દેશનોજ કોઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થ એમની પીઠ ઠોકનાર ન હોય ત્ય્હાં સૂધી એ કાર્ય બરોબર રીત્યે ઉપાડી શકાશે નહીં એમ એમને લાગ્યું. એવા ગૃહસ્થ પણ મળી આવ્યા. બંગ કન્યાઓના કલ્યાણને નિમિત્તે બેથ્યૂન સાહેબનો અને વિદ્યાસાગરનો મેળાપ થયો. એજ અરસામાં વિદ્યાસાગર મહાશયે હુગલી, ઢાકા, કૃષ્ણનગર અને હિન્દુ કૉલેજના સિનિયર ડિપાર્ટામેન્ટના વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે વિદ્યાર્થીઓ પાસે ‘સ્ત્રી કેળવણીની આવશ્યકતા’ એ વિષય ઉપર નિબંધ લખાવ્યો હતો અને સર્વોત્કૃષ્ટ નિબંધ લખનારને સોનાનો ચાંદ આપ્યો હતો. આ ઇનામ વિદ્યાસાગરે બેથ્યૂન સાહેબના હાથે અપાવ્યું હતું. અબે વેથ્યૂન સાહેબે એ મેળાવડામાં સ્ત્રી સંબંધી એક જુસ્સાદાર ભાષણ આપ્યું હતું. આ પ્રમાણે સ્ત્રી કેળવણીની હિલચાલ કરતાં, અને ત્હેને માટે અનેક સ્થળે અંગ્રેજી અને બંગાળી નિશાળો સ્થાપતાં, વિદ્યાસાગર અને બેથ્યૂન ઘાડા સમાગમમાં આવ્યા, અને એ મિત્રતા જીંદગીના છેલ્લા દિવસ સુધી વધતી જ ગઈ.
આ બન્ને મહાત્માઓએ બીજા કેટલાક ગૃહસ્થોને મદદથી છોકરીઓને માટે એક વિદ્યલયની સ્થાપના કરી અને બેથ્યૂન સાહેબના આગ્રહથી વિદ્યાસાગરને તેનું સેક્રેટરીપણું સ્વીકારવું પડ્યું. એ બન્ને મહાત્માઓ વારંવાર નિશાળ જોવ અજતા અને બેન્થ્યૂન સાહેબ પોતાનાં સરળના સ્વભાવ મૂજબ બાળકીઓ જોડે રમવા પલોટાઈ જતા. પોતે ઘોડો બનીને છોકરીઓને પોતાની પીઠ ઉપર સવાર કરતા, તથા બાળકીઓ છોકરમતને લીધે જે તોફાન કરતી તે બધું સહન કરતા. સાહેબના આવા મળતાવડા સ્વભવને લીધે નિશાળમાં છોકરીઓની સંખ્યા વધવા માંડી, હવે બેથ્યૂન તથા વિદ્યાસાગરે મળીને નિશાળને માટે જુદું મકાન બંધાવવાની તજવીન કરી. બેત્ન્યૂન સાહેબે પોતે મ્હોટી રકમ કહાડી આપી અને એક સુંદર મકાન તૈયાર થઈ ગયું, પ્રારંભમાં તો કન્યાઓ પાસેથી બિલકુલ ફી લેવાતીજ નહી. પાછળથી જુજ ફી દાખલ થઈ છે. પણ શિક્ષકો વગેરેના પગારમાં થતા ખર્ચનો ગણો હિસ્સો બેથ્યૂન સાહેબ પોતેજ આપતા. બેથ્યૂન કૉલેજમાં કન્યાઓની ઘેરથી લઈ જવાને માટે ગાડીઓ રાખેલી હતી, ત્હેની બન્ને બાજુએ વિદ્યાસાગરે આ શાસ્ત્ર વચન લખાવ્યું હતું:―
कन्यापेवम् पालनीया शिक्षणीयाति यत्नत्ः ।
અર્થાત્ કે ‘કેન્યાનું પણ યત્નપૂર્વક પાલન કરવું તથા ત્હેને શિક્ષણ આપવું’. આ શાસ્ત્રવાક્ય લખવાનો ઉદ્દેશ એ હતો કે, એ ગાડીઓ શહેરમાં થઈને જાય ત્યહારે લોકોની આંખ તે તરફ ખેંચાય અને તેઓ સમજે કે સ્ત્રી શિક્ષણ શાસ્ત્રોની આજ્ઞાને અનુકૂળ છે.
ઈ.સ. ૧૮૫૧ માં બેથ્યૂન સાહેબ કેટલાક સદ્ગૃહસ્થોના આગ્રહથી ગંગાની પહેલી પાર પાંચ ગાઉ દૂર આવેલ ગામમાં એક નિશાળ જોવા ગયા હતા. રસ્તમાં વરસાદને લીધે પલળી જવાથી, તથા કેટલોક રસ્તો પગે ચાલવાથી, એમની તબિયત બગડી આવી. મેળાવડામાં ત્હેમણે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તો ખરો પણ એ એમનું છેવટનું કાર્ય હતું. એ દિવસથી એમને સખ્ત તાવ લાગુ પડ્યો અને એ તાવની વેદનામાંજ એમની જીવન લીલા સમાપ્ત થઈ. બેથ્યૂન વિયોગથી સાગર મહાશય એક બાળકની પેઠે રોયા હતા. અને એ પરમપ્રિય મિત્રના મૃત્યુનો ઘા જીંદગી પર્યન્ત ત્હેમના હૃદયમાંથી રૂઝાયો નહોતો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. બેથ્યૂન સાહેબના મૃત્યુથી એ કન્યાશાળાનો બધો ભાર વિદ્યાસાગર ઉપર આવી પડ્યો. બેથ્યૂન સાહેબ પોતાના વિલમાં એ સંસ્થાને માટે પુષ્કળ ધન મુકી ગયા હતા તેથી વિદ્યાસાગરે એ કન્યાશાળાનું નામ ‘હિન્દુબાલિકા વિદ્યાલય’ હતું, ત્હેને બદલે ‘બેથ્યૂન કૉલેજ’ રખાવ્યું. છેવટના વખતમાં વ્યવસ્થાપક મંડળીના સભાસદો સાથે મતભેદ પડવાથી વિદ્યાસાગરે કેક્રેટરીના પદનું રાજીનામું આપ્યું હતું, પણ એ સંસ્થા માટેની ત્હેમની સહાનુભૂતિ તથા પ્રેમ પહેલાંના જેવાંજ કાયમ રહ્યાં હતાં. વખતોવખત એ ડોળીમાં બેસીને કૉલેજમાં જતા અને છોકરીઓને અમૂલ્ય ઉપદેશ તથા સુંદર ઈનામો આપીને ત્હેમનો ઉત્સાહ વધારતા. શ્રીમતી ચન્દ્રકુમારી બસુએ જ્ય્હારે એ કૉલેજમાંથી કલકત્તા યુનિવર્સિટીની એમ. એ. ની પરીક્ષા પહેલ વહેલી પસાર કરી, ત્ય્હારે વિદ્યાસાગરના, હર્ષનો પાર રહ્યો નહોતો. પાસ થયાના ખબર સંભાળતાં વારજ, ઉત્સાહ વર્ધક અભિનંદન ૫ત્ર સાથે એમણે એ સન્નારીને ‘શૅક્સપિયર ગદ્યાવલીની’ એક સુંદર નકલ ભેટ આપી હતી.
એજ અરસામાં, એટલે કે છે, ઈ. સ. ૧૮૬૬ માં અબળા હિતૈષિ બાઇ કુમારી કરપેન્ટર વિલાયતથી કલકત્તે આવ્યાં હતાં, ડાઈરેક્ટર એટકિન્સન સાહેબે વિદ્યાસાગર સાથે એમનો પરિચય કરાવ્યો. હિન્દુ અબળાનું હિત બન્નેને હૃદયે એક સરખું હતું, એટલે આ મેળાપથી બન્નેને ઘણો આનંદ થયો, અને થોડાજ સમયમાં બન્નેની વચ્ચે ઘાડી મિત્રતા બંધાઈ. એક દિવસ એવું બન્યું કે, કુમારી કારપેન્ટરના કહેવાથી વિદ્યાસાગર મહાશય ત્હેમની સાથે કોઈ ગામની કન્યાશાળા જોવા જતા હતા. આગલી ગાડીમાં વિદ્યાસાગર મહાશય બેઠા હતા, પાછલી ગાડીમાં મિસ કારપેન્ટર તથા બે અંગ્રેજ અમલદારો હતા. દૈવવશ એવું બન્યું, કે ગાડીને વાળીતી વખતે વિદ્યાસાગરવાળી ગાડી ઊંધી વળી ગઈ, અને વિદ્યાસાગર ઉથલી પડ્યા, તથા પડતાંની સાથેજ બેહોશ થઈ ગયા. પાછળથી મિસ કારપેન્ટરની ગાડી આવી પહોંચી વિદ્યાસાગરની આસપાસ તમાસો જોનારની ઠઠ જામી હતી પણ કોઈ કંઈ ઉપાય કરતું નહોતું. કુમારી કારપેન્ટર એકદમ ગાડીમાંથી ઉતરી પડીને રસ્તામાં બેસીને, ત્હેમનું માથું પોતાના ખોળામાં મુકીને રૂમાલથી પવન નાખવા લાગ્યાં. થોડીવાર પછી વિદ્યાસાગરને ભાન આવ્યું, આ પ્રસંગનું વર્ણન કરતાં વિદ્યાસાગર મહાશયે કહ્યું હતું, કે જ્ય્હારે મ્હને ચેતના થઇ, ત્ય્હારે મને લાગ્યું, કે મારી માતૃ દેવી આવીને મ્હને પોતાના ખોળામાં લઇને બેઠાં છે, અને સ્નેહ પૂર્વક પુત્રની સેવા કરી રહ્યાં છે. આ રીતે એક વખત એ સ્વર્ગ સુખ ભોગવ્યું છે. એ દારૂણ વેદનામાં પણ મિસ કારપેન્ટરનો એ વાત્સલ્ય પ્રેમ પામીને મ્હેં અત્યંત તૃપ્તિ અનુભવી છે.
વિદ્યાસાગર મહાશય જ્ય્હારે આ વાત કરતા હતા ત્યારે ત્હેમના મુખ ઉપરના ભાવમાં તથા અશ્રુજળથી પણ આંખોમાં કૃતજ્ઞતા પૂર્ણ ઊંડી ભક્તિનું ચિત્ર ખડું થતું હતું.
આ અકસ્માતથી ત્હેમને પાંસળામાં ઘણી સખ્ત ઇજા થઈ હતી. ત્ય્હાર પછી એ હમેશાં પથારીવશ રહ્યા હતા. જોકે વચમાં કોઈ કોઈ વખત એમની પ્રકૃતિ સારી થઈ આવતી તોપણ તેમ જડમૂળથી ગયો નહોતો.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા વિદ્વાન બંગાળી પંડિતના સમાગમાં આવવાથી કુમારી કારપેન્ટરએ સ્ત્રીઓના કલ્યાણને માટેની યોજના ઘડવામાં ઘણી મદદ મળી હશે એતો નિઃસંદેહ છે, ફક્ત એકજ બાબતમાં એમને મિસ કારપેન્ટર સાથે મત ભેદ પડ્યો હતો અને તે સ્ત્રીઓને માટેની નોર્મલ સ્કૂલોની સ્થાપના સંબંધમાં હતે. મિસ કરપેન્ટર એવી સ્કૂલો સ્થાપવા માંગતાં હતાં, ઈશ્વચન્દ્ર ત્હેમના ઉદ્દેશની વિરુદ્ધ નહોતા, પણ હિન્દુ સંસારના પોતાના વિશાળ અનુભવ ઉપરથી એમ માનતા હતા કે કુળવાન હિન્દુઓ પોતાની ઉમર લાયક સ્ત્રીઓને અથવા વિધવાકન્યાઓને ટ્રેઇનિંગ કૉલેજમાં શિક્ષણ લેવા અને ત્ય્હાર બાદ સ્વતંત્ર રૂપે ધંદો કરવાની રજા આપે એ બનવા જોગ નથી. અને જો એમ ન બને તો શંકાસ્પદ ચાલચલણની અથવા હલકા કુટુમ્બની સ્ત્રીઓના હાથમાં ઉછરતી બાળકીઓને સોંપવી એના કરતાં સુયોગ્ય પુરૂષોજ ત્હેમને ભણાવે એ વધારે શ્રેયસ્કર છે.
હાલતો ફીમેલ ટ્રેનીંગ કૉલેજોના પ્રશ્નનો ખુલાસો થઈ મુક્યો છે. એવી સંસ્થાઓ દરેક પ્રાન્તમાં સફળતા પૂર્વક કામ કરે છે. પણ એ સમયે તો વિદ્યાસાગરનો અનુભવ ખરો સાબિત થયો હતો. મિસ કરપેન્ટરના આગ્રહથી સ્થપાયેલી ટ્રેનીંગ કૉલેજ બંગાળની સરકારને થોડા સમયમાં બંધ કરી દેવી પડી હતી.
સ્ત્રી કેળવણી માટેના વિદ્યાસાગરના પ્રયત્ન સંબંધી આ ટુંકુ વૃતાન્ત સમાપ્ત કરતાં અગાઉ હમારે ન્યાયની ખાતર કહેવું પડશે, કે વિદ્યાસાગરના ઉપકારોનો યથાશક્તિ બદલો વાળવામાં બંગાળી સ્ત્રીઓએ પાછી પાની કરી નથી. ત્હેમના મૃત્યુ સમાચાર મળતાંજ બંળાળી લલનાઓએ ત્હેમની સ્મૃતિ કાયમ રાખવા માટે ફંડ એકઠું કરવા માંડ્યું, અને રૂ. ૧૬૭૦ એકઠા કરીને કલકત્તા યુનિવર્સિટીને એ શરતે સોંપ્યા, કે ત્રીજા વર્ગમાંથી ઊંચેનંબરે પાસ થઈને જે હિન્દુ કન્યા એન્ટ્રેન્સ (પ્રવેશિકા) પરીક્ષાને માટે અભ્યાસ કરે, ત્હેને એ રકમના વ્યાજમાંથી બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે. કોણ કહી શકશે કે બંગરમણીઓ તરફનું આ યોગ્ય સ્મારક નહોતું? વિદ્યાસાગર નારી જાતિના પરમ સુહૃદ્ હતા. ત્હેમની સેવાના મ્હોટા કીર્તિ સ્તમ્ભ રૂપ આ સ્મારક સ્ત્રીઓએ સ્થાપ્યું. એ ઉપરથી આપણને કાંઈ ખેદ થતો હોય તો તે એટલોજ કે અનેક રીત્યે ત્હેમના ઉપકારના ઋણ તળે દબાએલા બંગાળી પુરૂષો ત્હેમનું થયેચ્છ સ્મારક આજ પર્યન્ત ઉભું નથી કરી શક્યા.