ઊલટ સમાવ્યો સૂલટમાં
ગંગાસતીના ભજનો ઊલટ સમાવ્યો સૂલટમાં ગંગાસતી |
ઊલટ સમાવ્યો સૂલટમાં
ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે ... ઉલટ.
આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે,
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે ... ઉલટ.
અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે ... ઉલટ.
અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે ... ઉલટ.