એકતારો/નવાં કલેવર ધરો હંસલા
< એકતારો
← શબદના સોદાગરોની જાય ચાલી વણઝાર જી | એકતારો નવાં કલેવર ધરો હંસલા ઝવેરચંદ મેઘાણી |
વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી → |
નવાં કલેવર ધરો હંસલા ! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ સાફ ચદરિયાં ધરો
હંસલા ! નવાં કલેવર ધરો !—૧.
મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો;
કણ સાટે છો ચુગો કાંકરી, કુડનાં બી નવ ચરો
હંસલા ! નવાં કલેવર ધરો !—ર.
ગગન–તારલે અડવા ઊડતાં પૃથ્વીથી ય તું ટળ્યો;
ઘૂમે સીમાડા સાત આભના, ધરણી નવ પરહરો
હંસલા ! નવાં કલેવર ધરો !—૩.
અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો ?
આપણ દીઠાં અસત ઘણેરા, નીરખ્યાનો શો બરો !
હંસલા ! નવાં કલેવર ધરો !—૪.
રાત પડી તેને પરોડ સમજી ભ્રમિત બ્હાર નીસર્યો,
હવે હિંમતમાં રહો જી રૂદિયા ! અનહદમાં સંચરો
હંસલા ! નવાં કલેવર ધરો !—૫.