એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર

એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર
દલપતરામ
છંદ : મનહર



એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર



સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;

ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;

હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;

કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

(દલપત-કાવ્ય : ભાગ ૧; પૃ. ૨૧)