← કડવું-૫૩ ઓખાહરણ
કડવું-૫૪
પ્રેમાનંદ
કડવું-૫૫ →


કડવું ૫૪મું
કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે
રાગ :રામકલી

જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરૂદ્ધે ખોળેજી,
કંઠમાં બાવલડી ઘાલી બાળાજી; દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. (૧).

(ઢાળ)

જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા;
મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. (૧)

લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો;
જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો ? (૨)

નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નર ને નારી;
હાસ્ય વિનોદ કરે ઘણો, લજયાના આણે મારી. (૩)

ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ;
પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દીસે કોઈ. (૪)

અંબુજવરણી આંખલડી ને, ભ્રકૂટી રહી ખમખમી;
રામવાળી વાંકી, વળી વઢવા રહ્યો ટમટમી. (૫)

માળ ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ;
અહો વ્યભિચારી ઉતાર હેઠો , એમ કહે કૌભાંડ. (૬)

અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો મારગ સત્ય;
અસુર સરીખા રિપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ ? (૭)

બાણાસૂરની દીકરી , તેને ઈન્દ્ર ન થાય આળ;
તે રાજકુંવરીની સંગે, તું ચઢીને બેઠો માળ. (૮)

સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત કુળ ને ગામ;
યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ (૯)

અનિરુદ્ધ વળતી બોલિયો, સાંભળો સુભટ માત્ર;
ક્ષત્રિનંદન હું ઇચ્છાએ, આવ્યો બાણનો જમાત્ર. (૧૦)

મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી, ઉતરશે અભિમાન;
જમાત્ર કોનો બાળ કોનો, કોણે દીધું કન્યાદાન ? (૧૧)

અપરાધ પૂરણ ઉતર હેઠો, તને બાણરાયની આણ;
આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. (૧૨)

વિચાર જાણે જીવ્યાને, જો પડ્યો વરાસે ચૂક;
સિંહ તો હાકે ઊઠે, ફણા દીસે છે જાંબુક (૧૩)

બેઉ જણાને જોઈને, પાછો ચાલ્યો કૌભાંડ,
કૌભાંડનું વાયક સાંભળી, બોલ્યો બળીરાજાનો તન. (૧૪)

સાંભળતામાં ચારલાખ યોદ્ધા, મોકલ્યા તત્કાળ;
તે ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ. (૧૫)