કંકાવટી/મંડળ ૧/૧૩. શીતળા સાતમ
← ૧૨. નાગ પાંચમ | કંકાવટી શીતળા સાતમ ઝવેરચંદ મેઘાણી |
૧૪. શ્રાવણિયો સોમવાર → |
શીતળા સાતમ
દેરાણી-જેઠાણી હતાં.
શ્રાવણ માસ આવ્યો છે, અંધારી છઠ આવી છે. દેરાણીએ તો આખો દી રાંધ રાંધ કર્યું છે. સાંજ પડી ત્યાં તો એ થાકીને લોથપોથ થઈ ગઈ, રાતે ને રાતે શીતળા સાતમના ચૂલા ઠારવાના છે.
લે ને, થોડીક વાર દીકરાને ધવરાવી લઉં; પછી ચૂલો ઠારી લઈશ: એમ વિચારીને દેરાણીએ તો દીકરાને ખોળામાં લીધો છે. બાઈ તો થાકીપાકી હતી એટલે એને તો ઝોલાં આવ્યાં. ધવરાવતાં ધવરાવતાં એની તો આંખ મળી ગઈ છે. ચૂલામાં તો બળતા અંગારા રહી ગયા છે.
અધરાત થઈ ત્યાં તો શીતળા માતા આવ્યાં છે. આવીને જ્યાં ચૂલામાં આળોટવા જાય ત્યાં તો માતાજી આખે ડિલે દાઝ્યાં છે.
નિસાસો નાખી ને માતાજી તો ચાલ્યાં ગયાં છે.
સવાર પડ્યું ને જ્યાં બાઈ જુએ ત્યાં તો પડખામાં છોકરો શિંગડું થઈને પડ્યો છે. માતાજીના નિસાસા લાગ્યા છે. છોકરાંનું મડદું લઈને બાઈ તો ચાલી નીકળી છે. ચાલતી ચાલતી એ તો માતાજીને ગોતે છે.
હાલતી હાલતી જાય છે. ત્યાં તો ગોંદરે ગાય મળી છે. ગાય કહે કે, "બાઈ તું ક્યાં જાય છે ?"
"જાઉં છું તો શીતળા માતાને ગોતવા. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે."
"ત્યારે તો, બાઈ મારો યે સંદેશો લેતી જાઈશ ? મારું કોઈ ધણી ધોરી કાં નહિ ? આ વાછડો મારાં આંચળ કરડી જાય છે."
"સારું જ તો બાઈ !"
એમ કહીને બાઈ તો હાલી જાય છે. બાઈને તો નદી મળી છે. નદી કહે: "બાઈ, બાઈ, જરાક મારો ઓવાળ કાઢી જા ને."
બાઈએ તો વાંકી વળીને નદીનો ઓવાળ કાઢ્યો છે. નદીનાં પાણી તો વહેતાં થયાં છે. ત્યાંથી હાલતી હાલતી બાઈ આગળ જાય છે, ત્યાં એક કઠિયારો પીપળો કાપે છે, ભાળીને બાઈ બોલી છે : "અરે ભાઈ, આજ શીતળા માતાનું પરબ, ને તું પીપળો કાપછ ? એનાં કરતાં બાવળ કાપ ને !"
એમ કહીને બાઈએ તો કઠિયારાને પીપળેથી ઉતારી બાવળે બેસાડ્યો છે ને પોતે હાલતી થાય છે.
રસ્તામાં બાઈને તળાવડી મળી છે. બેય તળાવડીઓ સેંજળ ભરી છે. આનું પાણી આમાં જાય છે ને આનું પાણી આમાં જાય છે. સામસામાં બેયના પાણી ઠલવાય છે. પણ કોઈ પંખીડુંય એનું પાણી બોટતું નથી.
તળાવડી પૂછે છે કે "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ ?"
બાઈ કહે કે "મારો છોકરો ભડથું થઈ ગયો છે, તે હું જાઉં છું શીતળા માતાને ગોતવા."
"ત્યારે તો, બાઈ બેન, અમારો યે સંદેશો શીતળામાને પૂછતી આવીશ ? અમે તે આવાં શાં પાપ કર્યાં હશે કે અમારાં મોતી જેવાં પાણી ભર્યાં છે તો ય એમાંથી કોઈ છાપવું યે પીતું નથી ? કોઈ પંખીડુંય કાં ચાંચ બોળતું નથી ?"
"સારું જ તો બેન, પૂછતી આવીશ."
એમ કહીને બાઈ તો આગળ ચાલી છે. ચાલતાં ચાલતાં માર્ગે એક મગરમચ્છ પડ્યો છે. મગરમચ્છ તો વેળુમાં પડ્યો પડ્યો લોચે છે. એનાં જીવને તો ક્યાંય ગોઠતું નથી. બાઈને ભાળીને મગરમચ્છ બોલ્યો છે કે "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ?"
બાઈ તો કહે છે કે "બેન, હું શીતળા માને ગોતવા જાઉં છું. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે."
"ત્યારે તો બાઈ, મારો યે સંદેશો પૂછતી આવજે ને ! મેં તો ઓલે ભવ એવાં શાં પાપ કર્યાં હશે કે આ વેળુમાં લોચ્યાં જ કરું છું ? મારા જીવને ક્યાંય જંપ કેમ નથી વળતો ?"
"સારું જ તો ભાઈ, પૂછતી આવીશ !"
એમ કહીને બાઈ તો આગળ હાલી છે. હાલતાં હાલતાં એને તો એક સાંઢ્ય મળી છે. સાંઢણીને ગળે તો ઘંટીનું પડ બાંધ્યું છે. બાઈને ભાળીને સાંઢણી તો પૂછે છે કે, "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ ?"
"બાઈ તો કહે છે કે, "બેન, હું શીતળા માને ગોતવા જાઉં છું. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે."
"ત્યારે તો બાઈ, મારો યે સંદેશો પૂછતી આવીશ ? મેં તે ઓલે ભવ શાં પાપ કર્યાં હશે, કે મારે ગળે આ ઘંટીનું પડ બંધાણું છે ! ને હું બાર ગાઉમાં રખડું છું તો યે મારો ધણીધોરી કાં ન મળે ?"
"સારું જ તો બેન, પૂછતી આવીશ !" એમ કહીને બાઈ તો આગળ ચાલી છે. જાતાં જાતાં એને તો આંબો મળ્યો છે. આંબો તો પૂછે છે કે "બાઈ બાઈ બેન, તું ક્યાં જાછ !"
"હું તો જાઉં છું શીતળા માને ગોતવા."
"ત્યારે તો બાઈ, મારો યે સંદેશો પૂછતી આવીજે ને ! આ મારું સવા સવા શેરનું ફળ : નાળિયેર નાળિયેર જેવડી કેરીઓ ટીંગાય; તો ય એની ચીર પણ કોઈ ચાખે નહિ. એવાં તે મારાં શાં પાપ હશે ?"
"સારું જ તો ભાઈ, તારો સંદેશો ય પૂછતી આવીશ !"
વળી આગળ જાય ત્યાં તો માર્ગે બે પાડા વઢે છે. કોઈથી છોડાવ્યા છૂટે જ નહિ; વઢતા વઢતા લોહીઝાણ થઈ ગયા છે પાડા કહે કે "બાઈ બાઈ બેન, અમારો યે સંદેશો શીતળામાને પૂછતી આવજે ને ! અમે તે ઓલે ભવ શાં પાપ કર્યાં હશે કે બારેય પો’ર ને બત્રીસેય ઘડી બાધ્યા જ કરીએ છીએ ?”
“સારું, બાઈ !”
એમ કહીને બાઈ તો હાલી જાય છે. ત્યાં તો બોરડીને થડ શીતળા માતા પડ્યાં પડ્યાં લોચે છે. માતાજી પૂછે છે કે “બાઈ બાઈ બેન, ક્યાં જાછ ?”
“હું તો જાઉં છું શીતળા માને ગોતવા. મારો તો છોકરો ભડથું થઈ ગયો છે.”
“બાઈ, શીતળાને તું દીઠ્યે ઓળખ કે ત્રૂઠ્યે ?”
“ના રે, બાઈ દીઠ્યે ના ઓળખું કે ત્રૂઠ્યે ઓળખું !”
“ત્યારે બાઈ મારું માથું જોતી જા ને ?”
“લ્યો ને માડી, મારે તો મોડા ભેળું મોડું !”
“લાવ તારો છોકરો મારા ખોળામાં.”
માતાજીએ તો છોકરો પોતાના ખોળામાં લીધો છે. બાઈ તો શીતળા માનું માથું જોવા મંડી છે. જેમ જેમ માથું જોવે છે તેમ તેમ છોકરો પણ સળવળતો જાય છે. માથું જોવાઈ રહ્યું એટલે માતાજીએ તો કહ્યું છે કે “ બેન, તારું પેટ ઠરજો ! આ લે, આ છોકરો ધવરાવ.”
જ્યાં બાઈ છોકરાને હાથમાં લે ત્યાં તો છોકરો સજીવન દેખ્યો છે.
આ તો શીતળા માતા પોતે જ લાગે છે. એમાં સમજીને બાઈ તો પગે પડી છે. તળાવડીનો સંદેશો પૂછ્યો છે.
માતાજી બોલ્યાં કે “એ બેય જણીઓ ઓલ્યે ભવ દેરાણી-જેઠાણી હતી; એને ઘર તો દૂઝાણાંવાઝાણાં હતાં. તોય બે જણી ખાટી છાશ મોળી છાશ ભેળવીને પાડોશીને દેતી’તી. એટલે આ ભવ તળાવડિયું સરજી છે. પણ એનાં પાણી કોઈ ચાખતું યે નથી. હવે તું જઈને છાપવું ભરી એનું પાણી પીજે એટલે સહુ પીવા માંડશે.”
બાઈએ તો મગરમચ્છનો સંદેશો પૂછ્યો છે.
માતાજી તો બોલ્યાં છે કે “ઈ હતો ઓલે ભવ વેદવાન બામણ : ચારેય વેદ મોઢે કર્યા’તા. પણ એણે કોઈને વેદ સંભળાવ્યા નહિ. એટલે આ ભવ મરીને મગરમચ્છ સરજયો છે. વિદ્યા કોઠામાં સમાઈ જઈને સડસડે છે. એટલે એ પડ્યો પડ્યો લોચે છે. હવે તું જઈને એના કાનમાં વેણ કહેજે એટલે એ લોચતો મટી જાશે.”
બાઈ એ તો ઘંટીના પડવાળી સાંઢડીનો સંદેશો કહ્યો છે.
માતાજી તો બોલ્યાં છે, “ઈ હતી ઓલે ભવ એક બાયડી. એને ઘેર ઘંટી હતી. પણ કોઈને ઘંટીએ દળવા દેતી નહોતી. એટલે મરીને સાંઢડી સરજી છે. ઘંટીનું પડ ગળે બાંધ્યું છે ને બાર ગાઉમાં ભમ્યા કરે છે. હવે તું જઈને એને હાથ અડાડજે. એટલે ઘંટીનું પડ વછૂટી જાશે.”
બાઈ એ તો આંબાની વાત પૂછી છે.
માતાજી તો બોલ્યાં છે કે “ઈ આંબો ઓલે ભવે વાંઝિયો હતો. બહુ માયાવાળો હતો, પણ બેન્યું-દીકરિયુંને કાંઈ દીધું નહિ, એટલે આ ભવ મરીને આંબો સરજયો છે, ને એનાં ફળ કોઈ ખાતું નથી. હવે તું જઈને એની ચીર ચાખજે. એની હેઠળથી માયાના સાત ચરુ કાઢી લેજે. એટલે સહુ એની કેરિયું ખાશે.”
બાઈ એ તો બે પાડાની વાત પૂછી છે.
માતાજી કહે “ઈ બે જણા ઓલે ભવ ગામના પટેલિયા હતા. બાધી બાધીને આ ભાવે પાડા સરજ્યા છે. તું જઈને હાથ અડાડીશ ત્યાં બેયનો છુટકારો થઈ જશે.”
બાઈ તો માતાજીને પગે પડીને હાલી નીકળી છે. માર્ગે દૂધ જેવો દીકરો રમાડતી જાય છે.
માર્ગે પાડા મળ્યા તેને હાથ અડાડ્યો ત્યાં તો બેયનો છુટકારો થઈ ગયો છે.
આગળ હાલી ત્યાં આંબો મળ્યો છે. આંબાને કહે, “ભાઈ, તું જરા ઊંચો થા એટલે તારી હેઠળથી સોનાના ચરુ કાઢી લઉં.”
આંબો ઊંચો થયો છે. બાઈએ તો સોનાના સાત ચરુ કાઢ્યા છે, આંબાનું ફળ ચાખ્યું છે, એટલે સૌ પંખીડાં આવીને આંબાની ડાળે બેસી જાય છે.
માયા લઈને બાઈ તો હાલી જાય છે. સાંઢડી મળી છે. એને ગળે હાથ અડાડ્યો ત્યાં ઘંટીનું પડ વછૂટી ગયું છે.
વળી આગળ હાલી ત્યાં મગરમચ્છ પડ્યો પડ્યો લોચે છે. જઈને એના કાનમાં વેણ કીધું છે. મગરમચ્છને તો તરત કોઠામાં ટાઢક વળી છે.
વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ-પંખી પણ પાણી પીતાં થયાં છે.
પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે.
ઘેર જાય ત્યાં જેઠાણીની આંખ ફાટી ગઈ છે. આહાહાહા ! નભાઈને જીવતો દીકરો : માયાની હેડ્યું હાલી આવે : ગા આવે : આ તે શાં કોત્યક ! એણે દેરાણીને વાત પૂછી છે. સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક ! હવે પોર સાતમા આવવા દે.
વળતે વરસે તો સાતમ આવી છે . જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજી એ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે.
ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે “બાઈ બાઈ, ક્યાં જાછ ?”
“જાઉં છું શીતળાને ગોતવા.”
“બાઈ, શીતળા માને તું દીઠ્યે ઓળખ, કે ત્રૂઠ્યે ?”
“દીઠ્યે ઓળખું, દીઠ્યે. ત્રૂઠ્યે વળી શું ?”
“ત્યારે, બાઈ, મારો સંદેશો લેતી જઈશ ?”
“તારો સંદેશો ને સાંઈ ! જા ને રાંડ નવરી ! જોતી નથી ? મારો તો છોકરો ભડથું થઈ ગયો છે” એમાં તાડૂકીને બાઈ તો હાલી જાય છે. તળાવડીને, સાંઢડીને, મગરમચ્છને, આંબાને સૌને તાડૂકીને જવાબ આપે છે. ક્યાંય એને શીતળા મા મળતાં નથી.
ચારેય સીમાડા ભમીને સાંજ પડ્યે બાઈ તો ઘેર આવી. છોકરો તો ભડથું જ રહ્યો છે.