કંકાવટી/મંડળ ૧/૧૭. પુરુષોત્તમ માસ

← ૧૬. કાંઠા ગોર્ય કંકાવટી
૧૭. પુરુષોત્તમ માસ
ઝવેરચંદ મેઘાણી
૧૮. ધરો આઠમ →


પુરુષોત્તમ માસ


[આ વાર્તા કહેવાનો લહેકો તદ્દન જુદો પડી જાય છે. આરોહ-અવરોહ પલટી જાય છે.]

ગોર અને ગોરાણી હતાં પુરુષોત્તમ માસ આવ્યો.

ગોર ગોર, અમને પુરુષોત્તમ માસ નવરાવો. પુરુષોત્તમ માસ કેમ નવાય ?

સવારના પો'રમાં વે'લું ઊઠવું : ગંગા જમના નદી કહાવે છે એમાં નાવું : નાઈ કારવીને કાંઠા ગોર્યની પૂજા કરવી : એક ટાણું ભોજન કરવું : ભોંય પથારી કરવી : પીપળાની પૂજા કરવી : તુળસીની પૂજા કરવી : દીવાનાં દર્શન કરવાં.

ગોર ગોરાણી તો નત્ય ઊઠીને ના'ય છે. કાંઠા ગોર્યની પૂજા કરે છે, પીપળાની પૂજા કરે છે. દીવાનાં દર્શન કરે છે. એક ટાણું આહાર કરે છે.ભોંય પથારી કરે છે.

સાત કોટડીએ માયા હતી. બધી વાતે સુખ હતું. પણ ગોરાણીને પેટ જણ્યું નહોતું.

ગોરાણીએ નિસાસો નાખીને કહ્યું કે, "ઘેર નાની વહુ હોય તો કેવું સારું ! નિરાંતે નાઈએ ધોઈએ."

"અરે ગોરાણી, ગાંડાં થયાં ? દીકરા વિનાની તે વહુ ક્યાંથી આવે ?"

"આવે તો ય લાવો ને ન આવે તો ય લાવો. લાવો ને લાવો !"

"ઠીક, ત્યારે ઢેબરાં કરી નાખો."

ગોરાણીએ તો ઢેબરાં કરીને ભાતું બંધાવ્યું છે. ગોરે તો સોનામહોરનો ખડિયો ભર્યો છે. હાથમાં પોથી લીધી છે. લઈને ગોર તો દીકરાની વહુ ગોતવા નીકળ્યા છે.

એક ગામ મેલ્યું. બીજું ગામ મેલ્યું. ત્રીજા ગામને પાદર જાય ત્યાં તો તેવતેવડી છોકરીઓને ઘોલકી ઘોલકી રમતી ભાળી છે. એમાં એક છોકરી બોલી છેઃ "બાપુ ! મારી ઘોલકી કોઈ બગાડશો મા; મેં કોઈનું નથી બગાડ્યું."

આવી વાણી સાંભળીને તો ગોરના મનમાં થયું છે કે છોકરી કેવી ગુણિયલ લાગે છે ! ગોર તો એને પૂછે છે : "બેટા, તું કોની દીકરી છો ?"

"હું ફલાણા પંડ્યાની દીકરી. ચાલો મારે ઘરે. મારા બાપા બહાર ગયા છે."

છોકરી તો ગોરને ઘેર તેડી ગઈ છે. દાતણ ને પાણી દીધાં છે; નાવણની કૂંડી દીધી છે. એણે તો કાંઈ મહેમાનગતી માંડી છે !

છોકરીના બાપા ઘેર આવ્યા છે. મહેમાનને તો હેતપ્રીતે મળ્યા છે. આવવાનું કારણ પૂછ્યું છે.

ગોર કહેઃ "મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. એને સારુ કન્યા જોવા નીકળ્યો છું. તમારી કન્યા મારે હૈયે વસી ગઈ છે."

કન્યાના તો ત્યાં બોલ બોલાણા છે ને ચાંદલા થયા છે.

ગોર કહે, "હવે વિવા પણ સાથોસાથ કરી નાખવો છે. અમારું ગઢપણ છે. કાયાના કાંઈ ભરોસા નથી. અમારે તો પુરુષોત્તમ માસ નહાવો છે."

"અરે વેવાઈરાજ ! વર વિના કન્યા કોની સાથે ફેરા ફરે ?"

"ત્રણ ફેરા આ પોથી સાથે ફરે. ને ચોથો ફેરો દીકરો કાશીએથી ભણીને આવશે ત્યારે ફેરવી લેશું."

ચાર કળશાની ચોરી ચીતરી છે. આલાલીલા વાંસ વઢાવ્યા છે. એમ કરી ત્રણ ફેરા પોથી સાથે ફેરવ્યા છે. ગોર તો વહુને તેડી ચાલી નીકળ્યા છે.ઘેર આવે ત્યાં વહુનાં રૂપ અને ગુણ દેખીને સાસુ તો ગાંડાં ગાંડાં થઈ ગયાં છે.

ગામ આખામાં તો વાતો થઈ રહી છે કે "જો તો બાઈ ! દીકરા વિનાની વહુ આવી ! વાંઝિયાને ઘેર વહુ આવી ! કાંઈ લખમી જેવી વહુ આવી."

વહુને વાસીદું વાળવા દેવાય નહિ, એટલે રોજ સવારે સાસુ વેલાં વેલાં ઊઠીને વાસીદું વાળી નાખે છે. પછી સાસુ સસરો નિરાંતે પુરુષોત્તમ માસ ના'વા ચાલ્યાં જાય છે. પાછાં આવે ત્યાં તો વહુ લખમી ભોજન રાંધીને સાસુ સસરાને જમાડે છે.

મારા સ્વામીનાથ કાશીએથી ક્યારે ભણી આવે ! ક્યારે ભણીને આવે ! એવી વાટ જોતી વહુને તો ક્યાંય આનંદ માતો નથી.

એક દી તો સાસુ મોડાં ઊઠ્યાં છે. ઝપટ ના'વા ચાલ્યાં જાય છે. વાંસેથી વહુએ તો વાસીદું વાળ્યું છે. વાળીને તો ઉકરડે નાખવા જાય છે.

સૂંડલો ઠલવીને વહુ પાછી વળે ત્યાં તો પાડોશણ બાઈઓ વાતો કરે છે : "જોયું બાઈયું ! દીકરા વિનાની વહુ કેવું ઘરનું કામ કરે છે ! ઓહોહો ! વાંઝિયાંને ઘેર કાંઈ વહુ આવી ! કાંઈ વહુ આવી !"

પાડોશણો તો સામસામી તાળીઓ દઈને હસે છે. સાંભળીને તો વહુ થંભી ગઈ છે. પૂછે છે : "બાઈયું બેન્યું, આમ કેમ બોલો છો ? મારા સ્વામીનાથ તો કાશીએ ભણવા ગયા છે ને !"

"અરેરે બાઈ, સ્વામીનાથ કેવા, ને કેવી કાશી ! એ તો વાંઝિયાં મૂવાં છે. એ તો તને ભોળવીને લાવ્યાં છે !"

વહુનો તો આનંદ ઊડી ગયો છે. રાંધવા બેઠી ત્યાં દાળ દુણાઈ ગઈ છે, ચોખા કાચા રહી ગયા છે, શાક દાઝી ગયું છે, રોટલી બળી ગ ઈ છે. દાઝ્યું-દવજ્યું રાંધ્યું છે. સાસુ સસરો ના'ઈને આવ્યાં પણ વહુ એ તો પોતિયાં યે લીધાં નથી. કળશા યે ભરી દીધાં નથી. પાટલા યે નાખ્યા નથી ને ભાણાં યે પીરસ્યાં નથી.

ઘેર આવીને ગોર ગોરાણી જમવા બેસે ત્યાં તો રાંધણું બગડેલું જોયું. વહુના મોઢા ઉપર તો મશ ઢળેલી ભાળી.

"અરે વહુ દીકરા ! આજ અણોસરાં શેણે છો ?"

"આજ તો, બાઈજી, હું વાસીદું નાખવા ગઈ'તી. ત્યાં પાડોશ્યણું હસતી'તી. મેં પૂછ્યું કે કેમ હસો છો ? તો કહે કે તારાં સાસુ-સસરાને તો દીકરો જ નથી."

"સારું બાપા ! જે કહેનાર હશે તેને નહિ હોય. મારો પુરુષોત્તમ દીકરો કાશીએ ભણવા ગયો છે."

સાસુ-સસરાએ તો વહુને રીઝવવા સાત ભંડારની કૂંચીઓ સોંપી છે. 'લ્યો વહુ દીકરા! છ ભંડારા ઉઘાડજો; પણ સાતમો ભંડારો ઉઘાડશો મા !'

પહેલો ભંડારો ઉઘાડ્યો છે ત્યાં તો અન્ન-વસતર દીઠાં છે.

બીજા ઓરડામાં વાસણ-કૂસણ દીઠાં છે.

ત્રીજામાં સોનાં-રૂપાં દીઠાં છે.

ચોથામાં હીરા-મોતી દીઠાં છે.

પાંચમામાં નીલમ-માણેક દીઠાં છે.

છઠ્ઠામાં પોખરાજ ને પરવાળાં દીઠાં છે.

પણ સાતમો ઓરડો ઉઘાડવાની સાસુએ ના પાડી છે. એવું તે એમાં શું હશે ? વહુનું મન તો વાર્યું રહેતું નથી. સાતમો ઓરડો ઉઘાડે ત્યાં તો આ હા હા હા! આ કોણ ?

પીળાં પીતાંબર પહેર્યાં છે.
લાલ ચાખડીએ ચડ્યા છે.
મોર મુગુટ ને છત્તર ધર્યાં છે.
હાથમાં પુસ્તકને પાનાં છે.
કંચનવરણી તો કાયા છે.

ડાબે ખંભે જનોઈ પડી છે.
કપાળે ચંદનની આડ્ય કરેલી છે.
ઘીના દીવાની જ્યોતો બળે છે.

બાઈ તો ઘૂમટો કાઢીને ઊભી રહી ગઈ છે. એના મોમાંથી તો વાચા ફૂટતી નથી.

પાટલે બેઠેલો પુરુષ બોલે છે કે "હે સતી ! તમે આંહીં શું કામે આવ્યાં ? શા માટે આ ઓરડો ઉઘાડ્યો ? બીડી દો, ઝટ બીડી દો, મારાં માબાપનાં વ્રત ભાંગશે. બહાર પધારો. માબાપ આવશે અને આપણને લજ્જા લાગશે."

બાઈ તો પૂછે છે કે "હવે તમે કે'દી બહાર નીકળશો ? બા-બાપાએ કપટ કરીને મને શીદને કહ્યું કે તમે કાશીએ ગયા છો ? બોલો, હવે કે'દી બહાર નીકળશો ?"

"જાઓ સતી ! હવનને ટાણે હું બહાર નીકળીશ."

બાઈએ તો ઊજમે ઊજમે સાત ભંડારા વાસી દીધા છે. ફૂલ જેવું રાંધ્યું છે.

ત્યાં તો સાસુ સસરો ઘેર આવ્યાં છે. બાઈએ તો પોતિયાં લીધાં છે.કળશા ભરી દીધા છે. પાટલા ઢાળી દીધા છે. ભાણાં પીરસી દીધાં છે ને રૂડી રીતે જમાડ્યાં જુઠાડ્યાં છે.

વહુને તો હરખાળી ભાળીને સાસુ સમજ્યાં કે સાત ભંડારની કૂંચીઓ દીધાંથી વહુ રીઝ્યાં છે.

એમ કરતાં કરતાં તો અમાસ આડા ચાર દી રહ્યા છે.

વહુ કહે છે કે "બાઈજી, બાઈજી, જગન આદરો."

બાઈજી કહે, "સારુ બાપુ, તમારી મરજી ! તમારે કરવું છે ને તમારે વાવરવું છે. ભંડારની કૂંચિયું તો તમારી જ પાસે છે."

વહુએ તો દળાવ્યું છે, ભરડાવ્યું છે, ને તૈયાર ટપકે રાંધ્યું છે.

અમાસનો દિવસ આવ્યો છે. વહુ ને સાસુએ ગામમાં નોતરાં દેવા મોકલ્યાં છે. પણ કોઈએ એનાં નોતરાં ઝીલ્યાં નથી. ગામના લોકો વાંઝિયાંનાં ઘરનું ખાવાની ના પાડે છે.

વહુ તો ઘેર આવી છે. બાઈજીને વાત કરી છે.

બાઈજી કહે, "ઠીક ત્યારે, પીપળાને નોતરાં દઈ આવો." વહુ તો સંધાય પીપળાને નોતરાં દઈ આવી છે. એકેય પીપળાને ભૂલી નથી. બધા પીપળાએ એનાં નોતરાં ઝીલ્યાં છે.

સાંજ પડી છે.પીપળાએ તો બામણના વેશ લીધા છે. ડોસીને ઘેર જમવા નીકળ્યા છે.પીળાં પીતાંબર પહેર્યાં છે. હાથમાં લોટા લીધા છે ને સૌ પીપળા મંડપમાં આવ્યા છે.

મંડપમાં તો મનખો માતો નથી.હોમ હવન થાય છે.વેદના મંતર બોલાય છે.આખું ગામ હસે છે કે "આ વાંઝિયાં વરણીમાં દીકરો ક્યાંથી કાઢશે ?"

કોઈ કહે, "મને ખોળે લેશે ! કોઈ કહે કે "ના મને ખોળે લેશે !"

એમ કરતાં તો વખત ભરાઈ ગયો. વહુ દીકરાને પધરાવવાનો સમય થયો છે.

ડોસીને ડોસો તો ઘરમાં સંતાઈ ગયાં છે. કાન આડાં પૂંભડાં દીધાં છે. ગળાટૂંપો ખાવાની તૈયારી કરે છે.

ત્યાં તો વહુ આવી છે કે "કાં બાઈજી, આ શું કરો છો ? તમારા દીકરાને બોલાવો ને !"

સાસુની આંખમાં તો આંસુડાં હાલ્યાં જાય છે. કહે છે કે, "અરેરે બેટા, કોને બોલાવું ?"

વહુ કહે કે "નામ લઈને બોલાવો ને !"

"અરેરે બાપા, કોનું નામ ને કોનું ઠામ?"

"જેનો મહિનો નાવ છો એનું નામ લઈને બોલાવો."

બાઈજી તો રોતાં રોતાં બોલ્યાં છે કે "બેટા પુરુષોત્તમ!"

ત્યાં તો બારણાં ભડભડવા માંડ્યાં છે.

બાઈજી ફરીથી બોલ્યાં છે કે "બેટા પુરુષોત્તમ!"

ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. "ચટાક ! ચટાક !" ચાખડી બોલી છે. અને -


પીળાં પીતાંબર પેર્યાં છે,
લાલ ચાખડીએ ચડ્યા છે,
માથે મોર મુગટ ને છત્તર ધર્યાં છે,
લલાટમાં કેસર ચંદણની આડ્ય છે.
મરક ! મરક ! હસે છે.

એવા પુરુષોત્તમજી અટકતી ચાલે આવીને મંડપમાં આવ્યા છે. બધાં ગીત ગાવા મંડ્યાં છે.

ત્યાં તો શણગાર સજીને વહુ પણ આવ્યાં છે. છેડાછેડી બંધાણી છે. ચોથો ફેરો ફરી રહ્યાં છે. ગામની બાઈડીઓ ગાય છે.

હે પુરુષોત્તમ મા'રાજ, જેવી આની લાજ રાખી એવી સહુની રાખજો !