કંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત

← ૨૪. ધનુર્માસ કંકાવટી
૨૫. ધર્મરાજાનું વ્રત
ઝવેરચંદ મેઘાણી
૨૬. અગતાની વાત →


ધર્મ રાજાનું વ્રત


[ખીસર (મકરસક્રાંતિ)ના દિવસથી આ વ્રત કરાય છે. હોંકારો દેનાર, પ્રત્યેક વાક્યના વિરામે 'ધરમ રાજા' 'ધરમ રાજા' કહે છે. છ મહિના સુધી નાહીધોઈને વાર્તા કહેવાય છે.]

ક રાજાની કુંવરી હતાં.

એનાં મરતક આવ્યાં.

મરીને એ તો ધરમ રાજાના દરબારમાં ગયાં.

ધરમ રાજા ! ધરમ રાજા ! લેખાં લ્યો.

લેખાં લેવાય નહિ, કે' છે.

અરે મહારાજ ! વ્રત કર્યાં વરતુલા કર્યાં,

ધરમ કર્યું, નીમ કર્યું;

માટે લેખાં લ્યો ને લ્યો.

સંધાં વ્રત કર્યાં; પણ મારું વ્રત ન કર્યું,

માટે લેખાં નહિ લેવાય.

છ મહિનાની આવરદા દ્યો, તો તમારું વ્રત કરવા જાઉં.

છ મહિનાની આવરદા દ‌ઉં ને તમે પાછાં ન આવો તો ?

કે', મહારાજ, હું પાછી આવીશ ને આવીશ.

બાઈના હાથમાં તો ધરમરાજાએ લીલા પીળા લેખ લખી દીધા.

કે', મહારાજ, છ મહિનાનું વ્રત કરીને તમારા વ્રતનું ઊજવણું શું ?

સોનાનો કુંભ, સોનાની દીવી, સોનાનો સૂંડલો, સોનાનું કોડિયું, સવા માણું સાચાં મોતી, સાચી ખાલ, સરગ-નીસરણી ને સાખીઓ: એટલાં વાનાં.

હું તો, મહારાજ, કરીશ. હું તો રાજાની કુંવરી છું,પણ ગરીબ સરીબ શી રીતે કરશે ?

ગરીબ સરીબને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂંડલો, ત્રાંબાનું કોડિયું, સવા માણું જાર, સાચી ખોટી ખાલ : એટલાં વાનાં.

કે' જાવ જાવ, બાઈનું ખોળિયું બાળી દેશે. મરતલોકમાં મેલી આવો.

મરતલોકમાં બાનું મડદું પડ્યું છે. બાનો ભાઈ એને બાળવાની તૈયારી કરી રહ્યો છે. ત્યાં તો બાનો જમણા પગનો અંગૂઠો હલ્યો છે.

બાનો ભાઈ કહે છે, હમણાં ખમો. બાને જીવ આવ્યો, બાને જીવ આવ્યો.

ત્યાં તો બા આળસ મરડી બેઠાં થયાં છે.

બા બા, તમને બહુ નીંદર આવી ગઈ ? આવડું તો શાનું ઘારણ વળી ગયું ?

બા કહે, ના રે ભાઈ, મને નીંદર નહોતી આવી ગઈ, ઘારણેય નહોતું વળી ગયું. હું તો છ મહિનાનું ધરમરાજાનું વ્રત કરવા આવી છું.

બાએ તો હાથમાં લીલાપીળા લેખ બતાવ્યા. ભાઈએ તો સાચું માન્યું.

સવારમાં નાહી ધોઈ, હાથમાં ચોખા લઈ, બા તો ભાઈ પાસે ગયાં.

ભાઈ ભાઈ, મારી વાર્તા સાંભળો.

ભાઈ કે' બા હું વાર્તા સાંભળવા નવરો નથી. મારે ડેલીએ જાવું, દરબાર જાવું.

બેનને તો તે દી અપવાસ પડ્યો છે.

બીજે દી નાહીધોઈ, હાથમાં ચોખા લઈ, બા તો ભાભી પાસે ગયાં છે.

ભાભી ! ભાભી ! મારી વાર્તા સાંભળો !

ભાભી કે' તું તો કાલાંકુલબાં કરતી રહી. મારે નવરાઈ નથી. મારે નાનાં છોકરાં હંગાવવાં-મુતરાવવાં, મારે ખાવા દેવું, પીવા દેવું. મારે નવરાઈ નથી.

બેનને તો બે અપવાસ પડ્યા છે.

નાહીધોઈ, ચોખા લઈ, ત્રીજે દી બા તો પડોશણ પાસે ગયાં છે.

પડોશણ, પડોશણ, વાર્તા સાંભળ.

પડોશણ કે' મારે શેઢે જાવું. સીમાડે જાવું, ખેતર જાવું, પાદર જાવું; હું નવરી નથી.

બાને તો ત્રણ અપવાસ પડ્યા છે.

ભાઈને તો ડેલીએ ખબર પડ્યા કે, બાને તો ત્રણ ત્રણ અપવાસ પડ્યા છે. કોઈ વાર્તા નથી સાંભળતું.

પછી ભાઈએ બૂંગિયો ઢોલ વગડાવ્યો છે કે કોઈ ભૂખ્યું ? કોઈ ભૂખ્યું ?

શંકરને દેરે એક ડોશી પૂજા કરતી'તી, એ કહે કે ભાઈ, હું ભૂખી છું.

ભૂખ્યાં હો તો છ મહિના બાની વાર્તા સાંભળો. હું પાંચ રૂપિયાનો દરમાયો દઈશ.

બા વાર્તા કહે છે. ડોશી વાર્તા સાંભળે છે. છ મહિના પૂરા થયા છે. બાએ તો વ્રતનું ઉજવણું કર્યું છે.

બાને તો વેમાન તેડવા આવ્યાં છે.

બા કે' હું તો આવું. પણ મારી સાંભળનારીયે આવે.

વેમાન તો પાછાં ગયાં છે. જઈને ધરમરાજાને કે' છે કે બા તો વાર્તાની સાંભળનારીનેય સાથે આણવાનું કહે છે.

"કે' ભાઈ જાવ જાવ, વાર્તાની સાંભળનારીનેય સાથે લઈ આવો.

બા તો વેમાનમાં બેસીને હાલી નીકળ્યાં છે. ભાઈ-ભોજાઈ બાને પગે લાગે છે.

બા આશરવાદ આપે છે કે દૂધે ન્હાવ ને પૂતરે ફળો ! લીલી તમારી વાડિયું વધો !

એટલું કહીને બા હાલી નીકળ્યાં છે. આઘેરેક જાય ત્યાં અઘોર વન આવ્યાં છે. અરેરે, મારી રાજા-દેઈ છે, અંધારે કેમ કરીને હાલું ?

જમ કે' છે જો બેન, તમે વહેતા જળમાં દીવા મેક્યા હોય, તો પોકારો. દીવા આવશે ને અજવાળાં થઈ જાશે.

બાએ તો દીવા પોકાર્યા છે, કે મેં તો ઘણા દીવા વહેતા જળમાં મેક્યા છે.

પોકારે ત્યાં તો અજવાળાં થઈ ગયાં છે. ઝાડવે ઝાડવે દીવડા પેટાઈ ગયા છે. અંજવાળે અંજવાળે બા તો હાલી નીકળ્યાં છે.

આઘેરાંક જાય, ત્યાં તો ગોખરુના કાંટા આવ્યા છે. અરેરે ! આ ગોખરુમાં કેમ કરી હલાશે ? મારી રાજા-દેઈ છે.

જમ કે' છે, જો બેન, તમે મોજડીનાં દાન દીધાં હોય તો પોકારો.

મેં તો ઘણી મોજડી દીધી છે.

એમ પોકાર્યું ત્યાં તો મોજડી આવીને પડી છે. એ પહેરીને બા તો હાલી નીકળ્યાં છે.

આઘેરાંક જાય ત્યાં લોહીપરુની નદિયું આવી છે.

અરેરે, આ લોહીપરુની નદિયુંમાં મારાથી કેમ હલાશે ? મારી તો રાજા-દેઈ છે.

જમ કે' છે, જો બેન, ગાયુંનાં દાન દીધા હોય તો પોકારો.

બા કહે કે મેં તો ઘણી ગાયું દીધી છે. ત્યાં તો માથે ચૂંદડી ને મોડિયો, ગળે ટોકરી ને પગે ઝાંઝર, એવી ઘમઘમતી ગા' આવીને ઊભી રહી છે. બા તો પૂછડે વળગીને લોહીપરુની નદી ઊતરી ગયાં છે.

આઘેરાંક જાય ત્યાં તો લોઢાના થંભ ધખે છે. થંભ જોઈને બા તો થરેરી ગયાં છે.

અરેરે ! આ થંભ મારાથી કેમ થોભાશે ? મારી તો રાજા-દેઈ છે !

જમ કે' છે, જો બેન, તમે ફાળિયાંનાં દાન દીધાં હોય તો પોકારો.

ફાળિયાનાં દાન તો મેં ઘણાં દીધાં છે.

ત્યાં તો ફાળિયાં બાને ડિલે વીંટાઈ ગયા છે. બા થંભ થોભીને હાલી નીકળ્યાં છે.

આઘેરાંક જાય ત્યાં તો મોટા મોટા ડુંગરા આવ્યા છે. જોઈને બા થરેરી ગયાં છે.

જમ કે' છે, બા, સરગ-નિસરણી ને સાખિયો દીધો હોય તો પોકારો !

સરગ-નિસરણી ને સાખિયા તો મેં ઘણા દીધાં છે.

ત્યાં તો સાખિયો મંડાઈ ગયો છે. બા ચડીને હાલી નીકળ્યાં છે.

આઘેરાંક જાય ત્યાં સાંઢડાનાં વન આવ્યાં છે. સાંઢડા આડા ફરે છે.

જમ કે' છે, બા, ખીહરને[૧] દી ખડના ભરોટા ઉલાળ્યા હોય તો પોકારો.

ખીહરને દી મેં ખડના ભરોટા ઘણાય ઉલાળ્યા છે.

ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે, સાંઢડા ખાવા રહ્યા છે, બા હાલ્યાં ગયાં છે.

આઘેરાંક જાય ત્યાં કૂતરાંનાં વન આવ્યાં છે.

અરેરે ! મારી રાજા દેઈ છે. કૂતરાં તો ફાડી જ ખાશે. આમાં કેમ હલાશે ?

જમ કે' છે, બા, જો ખીહરને દી કૂતરાને રોટલા નાખ્યા હોય તો પોકારો.

બા કે' મેં ખીહરને દી ઘણાય રોટલા નાખ્યા છે.

ત્યાં તો રોટલા આવ્યા છે. કૂતરાં ખાતાં રહ્યાં છે, ને બા હાલી નીકળ્યાં છે.

આઘેરાંક જાય ત્યાં તો કાગડાં-ગરજાંનું વન આવ્યું છે.

અરેરે ! આમાં મારી શી ગતિ થાશે ? મારી રાજાદેઈ છે.

જમ કે' છે, જો બા, સોળ સરાદ નાખ્યાં હોય તો પોકારો.

બા કે' મેં તો બહુ જ સોળ સરાદ નાખ્યાં છે.

ત્યાં તો ખીર ને રોટલી પડી છે. કાગડાં ગરજાં ખાતા રહ્યાં છે, ને બા હાલી નીકળ્યાં છે.

બા ધરમરાજા પાસે પહોંચ્યા છે. ધરમરાજા ! લેખાં લ્યો. લેખાં લ્યો.

ધરમરાજાએ તો લેખાં લીધાં છે. સાત ભંડારોની કૂંચી સોંપી છે. કહ્યું છે કે છ ભંડાર ઉઘાડજો. સાતમો ઉઘાડશો મા.

બા તો પહેલો ભંડાર ઉઘાડે છે ત્યાં મગ ને ચોખા જોયા છે.

બીજો ભંડાર ઉઘાડે ત્યાં ઘ‌ઉં ને જવ ભર્યા છે.

ત્રીજો ભંડાર ઉઘાડે ત્યાં નકરાં વાસણ ભર્યાં છે.

ચોથો ભંડાર ઉઘાડે ત્યાં વસ્તર ભર્યાં છે. પાંચમો ભંડાર ઉઘાડે ત્યાં સાચાં મોતી ભર્યાં છે.

છઠ્ઠો ભંડાર ઉઘાડે ત્યાં સોનામોરું ભરિયું છે.

બા કહે છે, ઓહો ! ધનદોલતનો પાર નથી. ખાશું, પીશું ને આનંદ કરશું. ધનદોલત વાવરશું. પણ આ સાતમા ભંડારમાં શું હશે ?

ધરમરાજાએ ના પાડી'તી તો ય બાએ તો સાતમો ભંડાર ઉઘાડ્યો છે. ઉઘાડીનેં જુઓ ત્યાં તો કુંભી-કંડ છે, ને કુંભી-કંડમાં ભાઈ-ભોજાઈ ડબકાં ખાય છે.

ઓહો ! મારાં ભાઈ-ભોજાઈએ શાં પાપ કર્યાં હશે ?

બા તો ધરમરાજા પાસે જાય છે. કહે છે કે મારાં ભાઈ-ભોજાઈને લોહીપરુના કંડમાંથી કાઢો. એણે શાં પાપ કર્યાં હશે તે કંડમાં પડ્યાં.

ધરમરાજા કે' છે, ઈ તો નીસરે નહિ.

ના મહારાજ ! કાઢો તો જ હા નીકર ના !

ધરમરાજા કે' છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે.

પછી બાએ સોનાની ઝારી લઈ જળનું ટીપું મેલ્યું છે. ભાઈ-ભોજાઈ તો બહાર નીકળ્યાં છે. એ તો બાને પગે લાગે છે. કહે છે કે બા, તું તો સકળની ! તેં તાર્યા અમને.

હે માબાપ ! એને તાર્યા એમ સહુને તારજે !

  1. ખીહર (મકરસક્રાંતિ)ને દહાડે ગામના સર્વ પશુઓને જાહેર સ્થળોમાં ઘાસ નાખવાનો રિવાજ છે.