કંકાવટી/મંડળ ૨/૩. મુનિવ્રત
< કંકાવટી
← ૨. બીજ માવડી | કંકાવટી ૩. મુનિવ્રત ઝવેરચંદ મેઘાણી |
૪. ગણાગોર → |
મુનિવ્રત
વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે ? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે :
અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલે મુનિવાળા !
કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે :
ઝાલર ઝણકી
કાંસી રણકી
ઊગ્યા તારા
મુનિ મારા
મુનિયાંનાં વ્રત છૂટ્યાં
બોલો મુનિ રામ રામ.