કચ્છનો કાર્તિકેય/અહમ્મદાબાદમાં નિવાસ

← બન્ધુમિલન અને ગુપ્તધન ભંડાર કચ્છનો કાર્તિકેય
અહમ્મદાબાદમાં નિવાસ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા →



ષષ્ટ પરિચ્છેદ
અહમ્મદાબાદમાં નિવાસ

અલૈયાજીએ દિલ્લી દરવાજા પાસેના એક ઐકાંતિક ભાગમાં એક ઉત્તમ આગાર ખેંગારજીના નિવાસમાટે ભાડે રાખીને પોતાના અનુચરદ્વારા સર્વ આવશ્યકીય વસ્તુઓ ત્યાં મોકલીને યોગ્ય વ્યવસ્થા કરાવી રાખી હતી અને એક રસોઈઆને તથા બે અનુચરોને તેમ જ બે ત્રણ સુંદર દાસીઓને પણ તેણે નોકરીમાં રાખી લીધાં હતાં. જે વેળાયે ખેંગારજી તથા સાયબજી તેમના નિવાસમાટે રખાયેલા એ આગારમાં આવી પહોંચ્યા, તે વેળાયે જાણે તેમનો ત્યાં કેટલાંક વર્ષોથી નિવાસ હોયની ! એવા પ્રકારની સર્વ યોગ્ય વ્યવસ્થા તેમના જોવામાં આવી. એ આગારમાં નીચેના ભાગમાં ચાર વિશાળ ખંડો હતા. એમાંના એક ખંડમાં બેસવા ઊઠવાની તથા જો કોઈ અતિથિ અથવા સદ્‌ગૃરહસ્થ મળવામાટે આવે તો તેને બેસાડીને તેનો યોગ્ય સત્કાર કરી શકાય, એવી ગોઠવણ કરવામાં આવી હતી; બીજા ખંડમાં શયનમંદિરની રચના હતી, તૃતીય ખંડમાં ભોજનમાટે બેસવાનાં સાધનો રખાયાં હતાં અને ચોથા ખંડમાં કોઠાર હતો. એ ઉપરાંત ઉપરના ભાગમાં મોટા બે ઓરડા હતા અને તે જો ખેંગારજીનાં પત્ની ત્યાં આવે, તો અંતઃપુર તરીકેના ઉપયોગમાટે રાખવામાં આવ્યો હતો. એ આગારના વિશાળ આંગણામાં એક તરફ એક મોટું રસોડું હતું, બીજી તરફ દાસદાસીઓના નિવાસ માટેની ઓરડીઓ હતી અને ત્રીજી તરફ અશ્વ ઇત્યાદિને બાંધવામાટેનો તબેલો પણ હતો. એ આગાર અમદાવાદના એક ધનાઢ્ય વૈશ્યે અમદાવાદમાં આવતા કેટલાક માંડલિક રાજાઓ તથા જાગીરદારોના ઉતારા માટે બંધાવ્યો હતો અને તેથી જ તેમાં આવા પ્રકારની સર્વ સગવડો કરેલી હતી. આંગણાના પાછળના ભાગમાં એક કૂવો પણ હતો એટલે પાણીની પણ તાણ પડે તેમ નહોતું. ખેંગારજી તથા સાયબાજી આ સર્વ વ્યવસ્થાને જોઇને અત્યંત પ્રસન્ન થયા અને પરમાત્માના નામેાચ્ચાર સહિત તેમણે પોતાના એ નવીન નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો. તે દિવસ અને તે રાત્રિનો સમય તો તેમણે ત્યાં જ વીતાડ્યો અને બીજે દિવસે મધ્યાહ્ન ભોજન તથા વામકુક્ષી કર્યા પછી તેઓ નદી પાર છચ્છરને મળવામાટે પગે ચાલતા જ ગયા.

ત્રીજે દિવસે ખેંગારજીએ શુક્રવારની ગુજરીમાંથી બે સારા અશ્વો ખરીદી લીધા અને ત્યાર પછી જ્યારે પણ ખૈંગારજી, સાયબજી તથા રણમલ્લનો ભત્રીજો નદીપાર જતા હતા, ત્યારે અશ્વારુઢ થઈને જ જતા હતા અને ખેંગારજી તથા સાયબજીનાં પ્રભાવશાલી તથા તેજસ્વી મુખમંડળોને જોઇને અહમ્મદાબાદ નગરનાં લોકો-સ્ત્રીઓ તથા પુરુષો-આશ્ચર્યચકિત તથા સ્તબ્ધ થઈ જતાં હતાં. ખેંગારજી તથા સાયબજીએ તેમનો હાલ તરત અહમ્મદાબાદમાં ગુપ્ત નિવાસ હોવાથી ઈન્દ્રસિહ અને ચંદ્રસિંહ એવાં બીજાં નામો ધારણ કરી લીધાં હતાં અને તેથી ત્યાંનાં લોકો તેમને એ નામોથી જ ઓળખતાં હતાં.

ખેંગારજીએ સારા કારીગર સૂતારોને બોલાવી ચાર મોટા મંજૂષ (મજૂસ) તૈયાર કરાવી લીધા. પછી કાપાલિકના ગુપ્ત ધનભંડારને નિત્ય અલ્પ પ્રમાણમાં લઈ આવવાના કાર્યનો આરંભ કરી દીધો. નિત્ય ત્રણ મનુષ્ય પોતાના અશ્વના ખુજિનમાં ભરીને સુવર્ણમુદ્રા, રજતમુદ્રા તથા અલંકારો લાવતા હોવાથી આઠ દશ દિવસમાં તો સર્વ સંપત્તિ અહમ્મદાબાદમાંના તેમના આગારમાં આવી ગઈ અને ત્યાર પછી મહાદેવની અર્ધમૂર્તિ તથા અષ્ટભુજા દેવીની લઘુ મૂર્તિને પણ તેમના પર માટીનું લેપન કરીને માટીની મૂર્તિઓ તરીકે તેઓ ઉપડાવી લાવ્યા. તંત્રવિદ્યા તથા મંત્રવિદ્યાના પુસ્તકો પણ ત્યાં આવી ગયાં; માત્ર એટલું જ નહિ, પણ કાપાલિકાની કેટલીક અન્ય વસ્તુઓ પણ ખેંગારજીના આગારમાં વિરાજવા લાગી. રણમલ્લનો ઉંટ ૫ણ નગરમાં આવી ગયો હતો એટલે હવે નદી પારના કાપાલિકના સ્થાનમાં તો માત્ર છચ્છર અને રણમલ્લ એ બે જણ જ ખાકી બાવા પ્રમાણે ખાઈ પીને પડ્યા રહેતા હતા.

એક દિવસ ખેંગારજીએ છચ્છરને કહ્યું કેઃ "છચ્છર ભાઈ, હવે આ સ્થાનમાં તમે શામાટે પડ્યા રહ્યા છો. વારુ ? કારણ કે, આપણા કાર્યની તો ક્યારનીયે સમાપ્તિ થઈ ચૂકી છે એટલે હવે તમો તથા રણમલ્લભાઈ પણ નગરમાં આવીને અમારી સાથે જ રહો, તો વધારે સારું; કારણ કે, અમને તમારા વિના ત્યાં જરા પણ ગમતું નથી, આ શિવાલય અને કાપાલિકની આ પર્ણકુટી એ કાંઈ આપણું સદાનું નિવાસસ્થાન નથી અને તેથી આ પર્ણકુટીમાં આવીને ભલે ભૂતો નાચતાં, એની ચિંતા આપણે શામાટે રાખવી જોઈએ ?"

"મહારાજ, આ સ્થાન આપણું નિવાસસ્થાન છે એમ ધારીને અથવા તો આ પર્ણકુટીની શી અવસ્થા થશે એવી ચિન્તાથી હું આ સ્થાનમાં પડ્યો રહ્યો છું, એમ જો આપ ધારતા હો, તો એમ ધારવામાં આ૫ની ભૂલ થાય છે. હું અહીં જ પડ્યો રહ્યો છું એનું કારણ માત્ર એટલું જ છે કે ચાંડાલ જામ રાવળનો સ્વભાવ અત્યંત નીચ હોવાથી તે હજી પણ આપને અને સાયબજીને શોધી કાઢવાના અને બની શકે તો પકડી મગાવવાના અને નહિ તો બારોબાર આપ ઉભય ભ્રાતાઓના જીવનો નાશ કરાવી નાખવાના પોતાના પ્રયત્નમાં અટક્યો હશે અને શાંત થઈને બેઠો હશે, એવી મારી માન્યતા નથી; અર્થાત્ કદાચિત્ તેના ગુપ્ત દૂતો આપનો પત્તો મેળવવાને અહમ્મદાબાદમાં પણ આવી પહોંચશે, એવો મારા મનમાં દૃઢ તથા નિશ્ચયાત્મક સંશય રહ્યા કરે છે. હવે જો મારો એ સંશય સત્ય સિદ્ધ થાય અને જામ રાવળનો કોઈ ગુપ્ત દૂત અહીં આવી લાગે, તો કચ્છમાંથી અમદાવાદમાં આવનાર મનુષ્યમાટે અમદાવાદ નગરમાં પ્રવેશ કરવામાટેનો બહુધા આજ માર્ગ હોવાથી કચ્છનો કોઇ પણ મનુષ્ય આવશે, તો તે મારા ઓળખવામાં આવી જશે અને જો તે કોઈ દુષ્ટ વાસનાથી આવ્યો હશે અને તેની દુષ્ટ વાસના મારા જાણવામાં આવશે, તો તેની તે વાસનાને વ્યવહારમાં યોજાતી આપણાથી અટકાવી શકાશે, આવી ધારણાથી જ હું અહીં છાવણી નાખીને પડ્યો છું અને કોઈ મને ઓળખી ન શકે એટલામાટે આવતી કાલથી મારા વેષમાં પણ પરિવર્તન કરીને મારો ખાકી બાવાના રૂપમાં ફેરવાઈ જવાનો વિચાર છે; માત્ર એટલું જ નહિ, પણ હું ધીમે ધીમે આ સ્થાન વિશે લોકોના મનમાં જે ભય છે તે ભયને દૂર હટાવીશ, અહીં બાવા ફકીરોનો અડ્ડો કરીને ભાંગ, ગાંજા, અફીણ તથા તંબાકુ ઇત્યાદિનું સદાવ્રત માંડીશ અને પ્રવાસીઓને રાતવાસો કે દિવસવાસો કરવાની સગવડો કરી આપીશ એટલે આ સ્થાન પણ એક ધર્મશાળા અથવા મુસાફિરખાનાના રુપમાં ફેરવાઈ જશે અને તેથી જે પ્રવાસી અહીં નહિ આવતો હોય, તે પણ આનન્દથી આવશે. મારી યોજના આ પ્રમાણેની છે અને મને આશા છે કે મારી આ યોજના આપને પણ અવશ્ય યોગ્ય લાગવી જ જોઈએ." છચ્છરબૂટાએ પોતાના નિર્જન સ્થાનમાંના નિવાસનાં યોગ્ય કારણો દર્શાવ્યાં અને ત્યાર પછી તે ખેંગારજીના ઉત્તરની આતુરતાથી પ્રતીક્ષા કરવા લાગ્યો.

કેટલીક વાર વિચાર કર્યા પછી ખેંગારજીને છચ્છરના ત્યાં જ રહેવાનાં એ કારણો યોગ્ય જણાયાં અને તેથી તેણે કહ્યું કે: "છચ્છર ભાઈ, ધન્ય છે તમારી ચાણક્યબુદ્ધિને અને ધન્ય છે તમારી અખંડ સ્વામિનિષ્ઠાને ! કેવળ અમો ઉભય ભ્રાતાઓના કલ્યાણમાટે જ એક બાવાના વેષમાં તમો આ સ્થાનમાં રહેવા માગો છો એટલે મારાથી એમાટેની ના પાડી શકાય તેમ નથી. અસ્તુ: તમો અહીં રહેશો, તો અમો પણ નિત્ય એક વાર અહીં આવીને તમારા દર્શનનો લાભ લીધા કરીશું અને તમને જે કાંઈ આવશ્યકતા હશે તે પૂરી કર્યા કરીશું. કોઈ પણ વસ્તુમાટે મુંઝાશો નહિ અને લેશ માત્ર પણ દુ:ખ ભોગવશો નહિ; કારણ કે, પરમેશ્વરે આપણને અનાયાસ સર્વ સાધનો મેળવી આપ્યાં છે એટલે પરમાત્મામાં શ્રદ્ધા રાખીને આપણી યોગ્યતા તથા પદવી પ્રમાણે વર્તવું એ જ આપણું કર્તવ્ય છે."

અસ્તુઃ એ પછીના પાંચ સાત દિવસો તો એમના એમ વીતી ગયા; પરંતુ ત્યાર પછી એવા ઉદ્દેશહીન તથા વ્યવસાયહીન જીવનનો ખેંગારજીને કંટાળો આવવા લાગ્યો અને તેથી તેણે પોતાના બંધુ સાયબજીને એક દિવસ કહ્યું કે: "ભાઈ, આપણે ક્ષત્રિય રાજાના કુમારો હોવાથી આવી રીતે ઘરમાં ને ઘરમાં હાથ પગ બાંધીને બેસી રહીએ અથવા તે નગરમાં આંટા માર્યા કરીએ, એ તે આપણા માટે યોગ્ય ન જ કહેવાય. અર્થાત્‌ અચાનક આપણે આ અહમ્મદાબાદ જેવા ગુજરાતના પાટનગરમાં આવ્યા છીએ, તો અહીંથી જે કાંઈ પણ વિદ્યા અને કળા આપણને પ્રાપ્ત થવાનો સંભવ હોય, તે ક્ષત્રિયોચિત વિદ્યા અને કળાની પ્રાપ્તિનો ઉચિત પ્રયત્ન આપણે કરવો જોઈએ. તેમ જ મૃગયા, શસ્ત્રાસ્ત્રસંચાલન, શરસંધાન અને મલ્લવિદ્યા આદિના અભ્યાસની પણ વૃદ્ધિ કરવી જોઈએ; કારણ કે, ભવિષ્યમાં આપણા શિરપર યુદ્ધ, રાજ્યશાસન તથા પ્રજપાલન ઇત્યાદિ પ્રસંગો આવવાના છે અને તેથી જો આ વીરવિદ્યામાં આપણે નિષ્ણાત થયેલા ન હોઈએ, તો તે પ્રસંગોમાંથી નિર્વિધ્ન અને યોગ્યતા પૂર્વક પાર ન પડી શકીએ, એ સર્વથા સ્વાભાવિક જ છે. મારા સાંભળવામાં આવ્યું છે કે સુલ્તાને બોલાવેલા જેસલમેરના ભટ્ટી નામક રાજપૂત જાતિના જયચંદ્ર તથા દેવચંદ્ર નામક બે મલ્લારાજોનો એક અખાડો અમદાવાદમાં છે અને ત્યાં તે બન્ને મલ્લબંધુઓ પોતાના શિષ્યોને મલ્લવિદ્યાનાં ભિન્ન ભિન્ન અંગોનું બહુ જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપે છે એટલે મારો પણ એવો વિચાર થયો છે કે આપણે તે મલ્લોના શિષ્ય થઈને તેમના અખાડામાં પ્રવેશ કરીએ અને ત્યાં તેમની વિદ્યાનો પદ્ધતિપુર:સર અભ્યાસ કરવા માંડીએ. મલ્લવિધાના અભ્યાસ ઉપરાંત આપણને જે અવકાશનો સમય મળશે તેનો આપણે મૃગયા આદિમાં વ્યય કરીશું અને તેથી આપણી શૂરતા તથા વીરતાનો નિત્ય વિશેષ અને વિશેષ વિકાસ થતો રહેશે. સુલ્તાન બેગડાના દરબારમાં આપણો માનપૂર્વક સત્કાર થાય તે પ્રસંગ ક્યારે આવશે, એને કશો નિશ્ચય ન હોવાથી મળેલા સમયનો સદુપયોગ કરી લેવો, એ જ આપણી બુદ્ધિમત્તા છે."

"જ્યેષ્ઠ ભ્રાતા, આપનો આ અભિપ્રાય સર્વથા માન્ય કરવા યોગ્ય અને પ્રસંગોચિત હોવાથી એમાટેની મારાથી ના પાડી શકાય તેમ છે જ નહિ અને વળી આપની આજ્ઞાને સર્વદા માન આપીને વર્તવું એ જ મારો ધર્મ હોવાથી એ દૃષ્ટિથી જોતાં ૫ણ આપની આજ્ઞાનો મારાથી અનાદર કરી શકાય તેમ નથી. ભલે આપની ઇચ્છા હશે, તે વેળાયે આપણે તે મલ્લોના અખાડામાં ચાલીશું અને તેમના શિષ્ય થઈને મલ્લવિદ્યાના અભ્યાસનો આરંભ કરીશું." સાયબજીએ અત્યંત વિનયપૂર્વક જ્યેષ્ઠ ભ્રાતાની ઈચ્છાને અનુમોદન આપી દીધું.

બીજે જ દિવસે ખેંગારજી તથા સાયબજી મલ્લરાજ જયચંદ્ર તથા દેવચંદ્ર પાસે જઈ વિધિપૂર્વક તેમના શિષ્ય થઈને તેમની મલ્લવિદ્યાશાળામાં પ્રવિષ્ટ થયા અને નિત્ય નિયમપૂર્વક ત્યાં જઈને મલ્લવિદ્યાનાં ભિન્ન ભિન્ન અંગોનો અભ્યાસ કરવા લાગ્યા. એ વિદ્યાના અભ્યાસમાં તેમણે પોતાની બુદ્ધિની એવી તો તીવ્રતા તથા તીક્ષ્ણતા બતાવવા માંડી કે ગુરુ એક દાવ બતાવે તે બીજા પાંચ દાવ તેઓ પોતાની બુદ્ધિથી જ શોધી કાઢતા હતા અને અન્ય સાધારણ વિધાર્થી જેટલું શિક્ષણ એક માસમાં પણ ન મેળવી શકે તેટલું શિક્ષણ તેઓ માત્ર એક દિવસમાં જ મેળવી લેતા હતા. લગભગ છ કે સાત માસ જેટલા અલ્પ કાલાવધિમાં તેઓ અસિચાલન, ગદાચાલન, શરસંધાન, નાલિકાચાલન, ખડ્‌ગચક્ર, ભાલાબાજી, મલ્લયુદ્ધ, અશ્વવિદ્યા, શબ્દવેધ અને પ્રમાણવેધ આદિમાં એટલાબધા નિષ્ણાત થઈ ગયા કે સર્વત્ર તેમની બુદ્ધિમત્તા તથા બલિષ્ટતાની પ્રશંસા થવા લાગી અને આવા તેજસ્વી, પ્રતિભાશાળી તથા કુલીન શિષ્યોના યોગે તેમના વિદ્યાદાતા ગુરૂજનોનું પણ સર્વત્ર આગળ કરતાં સોગણું વધારે ગૌરવ થવા લાગ્યું. આપણામાં એક એવી કહેવત પ્રચલિત છે કેઃ 'બાપ અચ્છા તો બેટે કાવ; ઓર બેટા અચ્છા તો બાપે લા'વ !' અર્થાત્‌ જો પિતા સારો હોય, તો પુત્રને શું ? અને પુત્ર સારો હોય, તો પિતાને તો બહુ જ લ્હાવો છે; કારણ કે, કોઈ વાર એવા બનાવો પણ બને છે કે, પિતા સારો હોવા છતાં જો પુત્ર નઠારો નીવડે છે, તો સારા પિતાના પ્રભાવથી તેના દુર્ગણો ઢંકાતા નથી; પરંતુ પિતા નઠારો હોવા છતાં જો પુત્ર સારો નીવડે છે, તો તે પુત્રના સદ્‌ગુણોના યોગે પિતાના દુર્ગુણો ઢંકાઈ જાય છે અને લોકો એમ જ બોલવા માંડે છે કેઃ 'સારા પિતાનો પુત્ર પણ સારો જ થાય છે !' એ જ નિયમ અનુસાર જો શિષ્ય નામાંકિત નીવડે છે, તો તેના યોગે ગુરુની પ્રતિષ્ઠા પણ વધે છે અને એ જ નિયમ અત્યારે એ ગુરુશિષ્યાના સંબંધમાં અક્ષરશઃ સત્ય સિદ્ધ થયેલો જોવામાં આવતો હતો. આવા ઉત્કૃષ્ટ શિષ્યોના યોગે ગુરુઓને અલભ્ય ગૌરવ તથા કીર્તિની પ્રાપ્તિ તો થઈ જ હતી, પરંતુ તે ઉપરાંત વારંવાર ખેંગારજી ગુરુજનોને ધન, કેટલીક અન્ય ઉત્તમ વસ્તુઓ અને કૃતજ્ઞતાદર્શનથી પણ સંતુષ્ટ રાખ્યા કરતો હતો અને તેથી તે ઉભય બંધુઓપર નો ગુરુજનોની અનન્ય કૃપા તથા નિષ્કપટ પ્રીતિ રહે, તો તે સર્વથા સ્વાભાવિક જ હતું.

ખેંગારજીને વિદ્યાના વ્યાસંગમાં પણ અપૂર્વ અનુરાગ હેવાથી બન્ને ભ્રાતાઓએ કેટલાક પંડિતોની મિત્રતા કરીને સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂ ભાષાનો અભ્યાસ પણ કરવા માંડ્યો અને પાંચ કે છ માસ જેટલા અલ્પ કાલાવધિમાં તો તેઓ એ ત્રણે ભાષાઓથી સાધારણત: સારી રીતે પરિચિત થઈ ગયા. ત્યાર પછી તેમણે રાજનીતિ તથા સામાન્ય નીતિના કેટલાક પુરાતન સંસ્કૃત તથા ફારસી ગ્રંથોના અભ્યાસનો આરંભ કરી દીધો.

જો કે પોતાની અતુલરૂપવતી અને સ્નેહમૂર્તિ પત્ની નન્દકુમારીનું ખેંગારજીના હૃદયમાં વારંવાર સ્મરણ થયા કરતું હતું અને તેને પોતાના વચન અનુસાર અમદાવાદમાં બોલાવી લેવાની તેની વારંવાર ઇચ્છા થયા કરતી હતી; છતાં પણ તેના સમાગમમાં જો વિશેષ સમય જશે, તે આ સર્વ વિદ્યાના અભ્યાસમાં વ્યત્યય આવશે, એવા વિચારથી અત્યાર સૂધી નન્દકુમારીને અમદાવાદમાં લાવવાની તેણે કાંઈ પણ ચેષ્ટા કરી નહોતી. પરંતુ વિદ્યાભ્યાસ વિષયક તેનો હેતુ કેટલેક અંશે સફળ થઈ ગયો અને અમદાવાદમાં આવ્યાને લગભગ સવા વર્ષ જેટલો કાળ વીતી ગયો એટલે પછી અર્ધાંગનાનો વિયોગ અસહ્ય લાગવાથી અને ગૃહિણીહીન ગૃહ સ્મશાનતુલ્ય ભાસવાથી ખેંગારજીએ પોતાના શ્વસુર જાલિમસિંહના નામનું એક પત્ર આપીને રણમલ્લના ભત્રીજાને છચ્છર તથા રણમલ્લની અનુમતિથી નન્દકુમારીને લઈ આવવામાટે અમદાવાદથી રવાના કરી દીધા.

કચ્છદેશમાંથી સિદ્ધપુર આદિ ગુજરાતનાં પવિત્ર સ્થાનની યાત્રામાટે ગુજરાતમાં આવતાં કેટલાંક સ્ત્રી પુરુષ યાત્રાળુઓ અમદાવાદમાં સાભ્રમતીના સ્નાનથી પવિત્ર થવાની તથા રાજધાનીને જોવાની આકાંક્ષાથી અમદાવાદમાં પણ આવતાં હતાં અને સાભ્રમતીના પશ્ચિમતીરપ્રાંતમાં છાવણી નાખીને પડેલા સાધુવેશધારી છચ્છરને તેમના સમાગમનો લાભ મળ્યા કરતો હોવાથી કચ્છદેશમાં વ્યાપેલાં અનાચાર, અત્યાચાર તથા અરાજકતા આદિના દુ:ખદ સમાચાર નિરંતર તેના સાંભળવામાં આવ્યા કરતા હતા અને તેના મુખથી તે સમાચાર જ્યારે ખેંગારજીના સાંભળવામાં આવતા હતા, ત્યારે તેના ક્રોધનો અગ્નિ તેના શરીરમાં નખથી શિખાપર્યન્ત વ્યાપી જતો હતો અને કચ્છદેશની પ્રજાને એ અત્યાચાર તથા અરાજકતામાંથી ઉદ્ઘાર કરવામાટે તેમ જ જામ રાવળ પાસેથી વૈરનો બદલો લેવામાટે તેનું હૃદય અધીર તથા આકુલવ્યાકુલ થઈ જતું હતું; છતાં અદ્યાપિ અનુકૂલ સમય આવેલો ન હોવાથી તેને હાય મારી શાંત થઈને બેસી રહેવું પડતું હતું.

બહુધા વીસ દિવસ પછી રણમલ્લનો ભત્રીજો ખેંગારજીની પત્ની તથા સાયબજીની પત્નીને લઈને નિર્વિઘ્ન અમદાવાદમાં આવી પહોંચ્યો. જાલિમસિંહે પોતાની પુત્રી તથા ભત્રીજીને અમદાવાદ પહોંચાડવામાટે પોતાના વીસેક હથિયારબંધ માણસોને મોકલેલા હોવાથી માર્ગમાં બહુધા વિઘ્ન આવવાનો સંભવ હતો જ નહિ. ઉભય દંપતીઓ પરસ્પર મિલનથી આનંદિત થયાં અને આનન્દવિનોદમાં પોતાનો સમય વીતાડવા લાગ્યાં.

પ્રિય પાઠક તથા પાઠિકાઓ, હવે આપણે એ જોવાનું છે કે જામ રાવળના ખેંગારજી તથા સાયબજીને મારી નાખવામાટેના પ્રયત્નો મંદ પડી ગયા હતા કે કેમ અને ખેંગારજી તથા સાયબજી અમદાવાદમાં સર્વથા નિર્ભય હતા કે કેમ ? આ સ્થિતિનું અવલોકન કરવામાટે હાલ તરત તો એ કુમારોને અમદાવાદમાં મૂકીને આપણે પાછા કચ્છદેશમાં જ પ્રયાણ કરવું પડશે.

⇚~•~•~•~⇛