← રાજ્યભિષેક અને કૃતજ્ઞતા કચ્છનો કાર્તિકેય
ઉપસંહાર
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨


ઉપસંહાર

ગુજરાતની રાજધાની અહમ્મદાબાદ નગર જોઈ આવ્યા પછી રાવશ્રી ખેંગારજીની એવી ઇચ્છા થઈ હતી કે, કચ્છમાં પણ જો એવાં મોટાં નગરો વસી જાય, તો સારું; અને એ ઇચ્છાથી તેણે સંવત્ ૧૬૦૨ ના માર્ગશીર્ષ માસની કૃષ્ણ અષ્ટમી અને રવિવારને દિવસે અંજારનું તોરણ બાંધ્યું હતું; કારણ કે, ત્યાં એક વિશાળ નગર વસાવવાનો અને તેને પોતાની રાજધાની કરવાનો તેનો વિચાર હતો; પરંતુ એ યોજના હજી તો ચાલતી હતી તેવામાં ત્રણેક વર્ષ પછી તે ફરતો ફરતો કચ્છમાંના એક પર્વત પાસે આવી પહોંચ્યો. તે પર્વતમાં એક દેવાંશીય ભુજંગ વસતો હતો અને તેથી તે પર્વત 'ભુજંગ પર્વત' અથવા 'ભુજિયા ડુંગર'ના નામથી ઓળખાતો હતો. એ પર્વતની તળેટીમાં હમીર નામનો એક રબારી પોતાની આથ સહિત રહેતો હતો, તેણે એક તળાવડી ખોદી હતી અને તે તળાવડી 'હમીરાઈ' નામથી ઓળખાતી હતી; તેની પાસે જંદો નામક એક ફકીર પોતાની જગ્યાની આસપાસ કોટ ચણાવીને રહેતો હતો એટલે તે કોટ 'જંદાનો કોટ' કહેવાતો તેમ જ ત્યાં પબુરાઈ નામની એક બીજી પણ તળાવડી હતી. આ સ્થાન કચ્છ દેશના મધ્ય ભાગમાં હોવાથી અને ભુજિયા ડુંગરપર જો કિલ્લો બંધાય, તો શત્રુઓના આઘાતથી બચવાનું સારું સાધન થઈ પડે તેમ હોવાથી જો અહીં રાજધાની થાય, તો વધારે સારું; એવો હજી તો ખેંગાર વિચાર કરતો હતો એટલામાં ત્યાં તેણે એક સસલાને કૂતરા સામે ઘૂરકતો જોયો અને તેથી એ સ્થાનને વીરભૂમિ જાણીને સંવત્ ૧૬૦૫ ના માર્ગશીર્ષ માસની શુકલા ષષ્ઠીને દિવસે શુભ મુહૂર્તમાં એક નગરની સ્થાપના કરી અને તેનું નામ ભુજંગ નગર રાખી તેને પોતાની રાજધાનીનું નગર બનાવ્યું. રા ખેંગાર હવે ભુજમાં જ વસવા લાગ્યો અને તેથી તે નગરની ઉત્તરોત્તર ઉન્નતિ થતી ગઈ. તે નગરના નામનો અપભ્રંશ થતાં તે નગર 'ભુજ' નામથી ઓળખાવા લાગ્યું કે જે નામ અદ્યાપિ કાયમ છે અને અદ્યાપિ એ જ રાજધાની છે. અંજાર નગરની પણ ઉન્નતિ તો થઈ, પણ રાજધાની ભુજ થવાથી તે દ્વિતીય નગર ગણાયું. રાજધાની ભુજ થવાથી રાવશ્રીએ લાખિયાર વિયરો નામક જૂની રાજધાની ચારણોને દાનમાં આપી દીધી. એ પછી એકત્રીસ વર્ષે એટલે કે સંવત્ ૧૬૩૬ માં રાવશ્રીએ માઘ માસની કૃષ્ણ એકાદશીને દિવસે લુહાણા જાતિના ઠક્કર ટોપણદ્વારા રાયપર બંદર વસાવ્યું કે જે અત્યારે 'માંડવી બંદર' નામથી વિશ્વવિખ્યાત છે.

* * * * *

જે સમયમાં કચ્છ દેશમાં રાવશ્રી ખેંગારજી ૧ લો રાજ્ય કરતો હતો, તે સમયમાં સિંધુ દેશમાં મીર મીરજા ઇસાખાન રાજ્ય કરતો હતો અને તેના બાંકેખાન તથા ગાજીખાન નામના બે શાહજાદા હતા. ગાજીખાનને તેના પિતાએ ભાગમાં ભૂમિ ન આપવાથી તે સિંધુદેશને ત્યાગીને કચ્છમાં આવ્યો હતો અને રાવશ્રી ખેંગારજીના આશ્રયમાં રહેતો હતો. ખેંગારજીએ તેની સહાયતામાટે પોતાના બંધુ સાયબજીને કેટલાક સૈન્ય સહિત સાથે મોકલ્યો અને મીરજા ઇસાખાનપર એક પત્ર પણ લખી આપ્યું. જતી વેળાયે સાયબજીને તેણે એવી સુચના આપી દીધી કેઃ “જો મીરજા ઇસાખાન મારા પત્રને માન્ય કરી ગાજીખાનને તેના ભાગની ભૂમિ ન આપે, તો યુદ્ધ કરીને પણ તેને તેના ભાગની ભૂમિ અપાવજો અને વિજય મેળવીને જ પાછા આવજો.” સાયબજી તથા ગાજીખાન જ્યારે નગરઠઠ્ઠાની નજદીક પહોંચ્યા, ત્યારે તેમના આવવાના સમાચાર બાંકેખાન અથવા બાકીખાનને મળતાં તે પોતાના વિપુલ સૈન્યને લઈને યુદ્ધમાટે સામો આવી પહોંચ્યો. તેને આવા સમારંભ તથા આડંબરથી આવતો જોઈને સાયબજીએ પોતાના સહચર તથા સહાયક રવાજી તથા મોકળસિંહ પબાજી સાથે એવા પ્રકારનો વિચાર કર્યો કેઃ “જો આપણે બાંકેખાનના એ સૈન્યને મારીને પાછું ભગાવીએ, તો જ આપણી વીરતા!” આવા વિચારથી તે ત્રણ વીરો અમુક પ્રકારની વ્યવસ્થા કરીને રાત્રિના સમયમાં નીકળ્યા, સાયબજીએ કહ્યું કેઃ “હું બાંકેખાનના હાથીની સામે મારા ઘોડાને કુદાવીને તેના કપાળમાં બર્છી મારીશ!” પબાજી બોલ્યો કેઃ “હું તેની પીઠમાં બર્છીનો આઘાત કરીશ!” અને રવાજીએ જણાવ્યું કે: "હું તેના પાસામાં બર્છીનો પ્રહાર કરીશ!” સંકેત અનુસાર તેઓ બાંકેખાનના સૈન્યમાં પેઠા અને સાયબજીએ બાંકેખાનના હાથી સામો ઘોડો કૂદાવી તેના કપાળ ભણી બર્છીને ઉછાળી; પણ એ જ ક્ષણે તેનો ઘોડો ચમકી જવાથી તે બર્છી કપાળમાં લાગવાને બદલે તેની જધામાં લાગી. પબાજીની બર્છી બરાબર તેની પીઠમાં વાગી અને રવાજીની બર્છી તેના પાસામાં કાંઈક છરકતી વાગી. બાંકેખાનપર થયેલા આ અચિંત્ય આક્રમણથી તેના સૈન્યમાં અતિશય ગભરાટ વ્યાપી ગયો અને સૈનિકો પોતાના સ્વામીને સંભાળવાનો પ્રયત્ન કરવા લાગ્યા; એટલામાં તો આપણા ત્રણે કચ્છી વીરો ત્યાંથી છટકીને પોતાના શિબિરમાં નિર્વિઘ્ન આવી પહોંચ્યા. પ્રભાત થતાં મીરજા ઇસાખાને સમાધાન માટે પોતાના દૂતને સાયબજી પાસે મોકલ્યો અને પરસ્પર અનુમતિથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે, નગરઠઠ્ઠા તથા સિંધુદેશની અર્ધભૂમિ બાંકેખાનને આપવાં તથા નસરપુર (શ્રી ઉદેરાલાલનું જન્મસ્થાન) નગર તથા સિંધુ દેશની બાકીની અર્ધભૂમિ ગાજીખાનને આપવાં. એવી રીતે ગાજીખાનને પોતાનો ભાગ મળવાથી તેણે રાયબા બાજારથી કચ્છની સીમા સુધીનો સિંધુદેશનો ભાગ રાવશ્રી ખેંગારજીને તેણે આપેલી સહાયતાના બદલામાં અધાટ લખી આપ્યો હતો. આવી રીતે વિજય મેળવીને સાયબજી ભુજંગ (ભુજ) નગરમાં પાછો આવ્યો અને તેણે ત્યાંનો સર્વ વૃત્તાન્ત પોતાના જ્યેષ્ઠ બંધુને કહી સંભળાવ્યો. તે વૃત્તાંત સાંભળી લીધા પછી ખેંગારજીએ પબાજી તથા રવાજીના શસ્ત્રચાલન કૌશલ્યની પ્રશંસા કરી, પરંતુ સાયબજીને એમ કહ્યું કે: “ભાઈ, તમે જરા ભૂલ્યા ખરા!" ખેંગારજીના આ વચનથી સાયબજીને એટલું બધું માઠું લાગી ગયું કે: "મોટા ભાઈ ગમે તેવી વીરતા બતાવવા છતાં પણ ધન્યવાદ આપે તેમ નથી!" આવી માન્યતાથી તે સદા ઉદાસીન રહેવા લાગ્યો.

**** *

જામ રાવળ કચ્છમાંથી પોતાના ચાર હજાર સૈનિકો સહિત નીકળીને સાત શેરડાના માર્ગે થઈ કટારિયામાં ગયો હતું અને ત્યાંના દેદા અમલદારો પાસેથી તેણે અનાજની મદદ માગી હતી; પરંતુ દેદા અમલદારોએ અનાજને બદલે ધૂળના પોઠિયા સામા મૂક્યા. જામ રાવળે શકુન માનીને મસ્તક નમાવ્યું અને ઉદ્‌ગાર કાઢ્યો કેઃ “આ ભૂમિમાં મારા રાજ્યની સ્થાપના થશે, એમ આજના આ શકુનથી મને સ્પષ્ટ જણાય છે." એ પછી તેણે તત્કાળ ત્યાંથી પ્રયાણ કરીને આમરણની પાસેના દહિસરા નામક સ્થાનમાં મુકામ કર્યો. ત્યાં રહીને તેણે જેઠવા વંશના રાજાઓની ભૂમિને ધીમે ધીમે હસ્તગત કરવાનો વ્યવસાય ચલાવ્યો, કેટલીક ભૂમિનો અધિકાર હાથમાં આવી ગયા પછી ખંભાલિયામાં પોતાના રાજ્યાભિષેકનો મહોત્સવ કર્યો અને પછી જેઠવાના તાબાનું નાગની બંદર લઈને ત્યાં નવાનગર અથવા જામનગર નામક રાજધાનીનું નવીન નગર વસાવવાનો આરંભ કરી દીધો. ગજણના પુત્ર હાલાના વંશમાંનો જામ રાવળ હોવાથી જે ભૂમિ તેના અધિકારમાં આવી હતી તે ભૂમિનું નામ 'હાલા’ના નામથી 'હાલાવાડ' રાખવામાં આવ્યું કે જે રાજ્ય પછીથી 'હાલાવાડ' શબ્દનો અપભ્રંશ થતાં 'હાલાર' નામથી ઓળખાવા લાગ્યું અને તે નામ અદ્યાપિ પ્રચલિત છે. કચ્છના ખેંગારજીએ 'રાવ' પદવી ધારણ કરેલી હતી, એટલે જામ રાવળે 'જામ' પદવી કાયમ રાખી અને તેથી અદ્યાપિ 'હાલાર' અથવા જામનગર રાજ્યના રાજાઓ 'જામસાહેબ'ના નામથી જ ઓળખાય છે.

અસ્તુ: દુષ્ટ મનુષ્ય પોતાની દુષ્ટતાને કદાપિ ત્યાગતો નથી; અર્થાત લીંબડાના રસને અમૃત સાથે મેળવવામાં આવે, તો પણ તેની કડવાશનો લોપ થતો નથી, તેવી રીતે જામ રાવળનો પરાજય થવા છતાં, તેણે ખેંગારજી સાથે વૈરભાવ ન રાખવા માટે બીજી વાર માતાજીના શપથ લીધેલા હોવા છતાં અને પોતાના નવીન રાજ્યની સ્થાપના કર્યા છતાં પણ ખેંગારજી સાથેના તેના વૈરભાવનો લોપ થયો નહોતો અને તેથી તે ખેંગારજીને મારી નાખવાના પ્રયત્નો કર્યા જ કરતો હતો. એક વાર જામ રાવળે પોતાની સભામાં ઇનામનું બીડુ ફેરવીને પોતાની એવી અભિલાષા વ્યક્ત કરી કે: “જે કોઈ પણ કચ્છના અત્યારના રાવ ખેંગારજીને મારી તેનું મસ્તક મારી પાસે લઈ આવશે, તેને હું લખપસા કરીશ; એટલે કે, એક લાખ સિક્કા આપીશ!” બાર મનુષ્યોએ મળીને તે બીડું ઝડપ્યું અને તેઓ કચ્છમાં આવીને રાવશ્રીના નાશનો ઉદ્યોગ કરવા લાગ્યા. એક વાર અચાનક એવો બનાવ બન્યો કે રા ખેંગાર એકલો શિકારે નીકળ્યો હતો તેવામાં તે બાર મારાએ આવીને તેને ઘેરી લીધો; પરંતુ ખેંગાર પોતાના હસ્તમાં નિરંતર ખુલ્લું ખાંડુ રાખતો હોવાથી કટાકટીનો વખત આવેલો જોઈને પટાનો એવો તે ચક્રાકાર પ્રહાર કર્યો કે તેથી તે બારે મારાઓની ખોપરીઓ કાનના ઉપરના ભાગ પાસેથી ઊતરી ગઈ. ત્યાર પછી રાવશ્રીએ તેમનાં શબો પર ચાદર નાખી તે ચાદરને પત્થરથી દબાવીને દરબારમાં આવી સાયબજીને કહ્યું કે “ફલાણા વોંકળામાં એક શિયાળવું મરેલું પડ્યું છે, તેને જોઈ આવો.” સાયબજીએ ત્યાં જઈને જ્યારે બાર મનુષ્યને એક જ રીતે ખોપરી વગરનાં જોયાં, એટલે ખેંગારજી વિષયક તેના ક્રોધનો અંત આવી ગયો અને તેના મુખમાંથી એવો ઉદ્‌ગાર નીકળ્યો કેઃ “જે વીરનર પટાના આવા હાથ જાણતો હોય તે જો જરા ઓઠેરે તો તેથી માઠું લગાડવાનું કાંઈ પણ કારણ નથી!”

**** *

જામ રાવળે હાલારમાં પોતાના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કર્યા પછી પોતાના ભાઈ હરધોળજી (હરધવલ)ને ધ્રોળ ગામ આપ્યું હતું. તે હરધોળજીનો જસોજી નામક કુમાર એક વાર પોતાના સસરા હળવદના રાણા રાયસંગજી સાથે ચોપાટ રમતો બેઠો હતો તેવામાં અતીતોની એક જમાત ગામ બહારના ભાગમાં નગારાં વગાડતી નીકળી. નગારાંનો અવાજ સાંભળીને જસાજીએ પોતાના નોકરને પૂછ્યું કે: "આપણા ગામના પાદરમાં આ નગારાં કોનાં વાગે છે વારુ?” તેના એ પ્રશ્નને સાંભળીને રાયસંગજીએ તેને–પોતાના જમાઈને–પૂછ્યું કે: "બીજા કોઈનાં નગારાં તમારા ગામને પાદર વાગે, તો તમો શું કરો ?” એના ઉત્તરમાં જસાજીએ કહ્યું કેઃ “તે નગારાંપર જોડા મારીને નગારાંને વાગતાં બંધ કરાવીએ.” આ ઉત્તર સાંભળીને રાયસંગજી હળવદ ગયો અને ત્યાંથી વિશાળ સૈન્ય સહિત પાછો આવી તેણે ધ્રોળના પાદરમાં ભીષણ નાદથી નગારાં વગડાવ્યાં. જસાજીએ તે નગારાં પર જોડા મારવા માટે ભીષણ યુદ્ધ કર્યું, તે યુદ્ધમાં ઉભય પક્ષનાં બહુ સૈનિકો કામ આવી ગયાં અને જસાજી પોતે પણ વીરગતિને પામ્યો. મરતાં મરતાં જસાજીએ પોતા પાસે ઊભેલા એક ચારણને માત્ર એટલા શબ્દો જ કહ્યા કેઃ “કૃપા કરીને તું ભુજનગરમાં જઈ સાયબજી હમીરાણીને મારા રામરામ કહેજે.” સાયબજી હમીરાણી એટલે હમીરનો પુત્ર સાયબજી. ચારણે ભુજનગરમાં આવી દરબારમાં સાયબજીને જસાજીના રામરામ કહ્યા અને તેના મરણનો વૃત્તાંત સંભળાવ્યો એટલે તે સાંભળીને ખેંગારજીએ સાયબજીને સંબોધીને કહ્યું કે: “ભાઈ, આ રામરામ નથી, પણ વૈરનો બદલો લેવામાટેની પ્રાર્થના છે; જસાજીએ તમારા વિના પોતાના વૈરનો બદલો શત્રુ પાસેથી લેનાર બીજો કોઈ જોયો નથી અને તેથી જ મરતાં મરતાં તમને રામરામ કહેવડાવ્યા છે; અર્થાત્ હવે તમો રાયસંગજીનો વધ કરી નાખો, એ જ તમારું કર્ત્તવ્ય છે.” જયેષ્ઠ બંધુની આવી આજ્ઞા થતાં જ સાયબજી પોતાના બાહુબળ તથા મચ્છુકાંઠાના દેદાઓની સહાયતામાં વિશ્વાસ રાખીને અલ્પ સૈન્ય સહિત ફૂલ આમરને સાથે લઈ હળવદપર ચઢી ગયો. આ વાર્તાની રાયસંગને જાણ થતાં તે પણ સામો ચઢી આવ્યો અને તેના પરિણામે માળીઆ પાસે એક તુમુલ યુદ્ધ થયું. એ વેળાયે ફૂલ આમરને દેદાઓને બોલાવવામાટે દહિસરે મોકલ્યો હતો, તે ત્યાંથી પાછો આવ્યો નહેાતો અને અહીં તો કાપાકાપીનો વ્યવસાય આરંભાયો; છતાં સાયબજી ઈશ્વરમાં વિશ્વાસ રાખીને એ યુદ્ધમાં મરણીઓ થઈને લડ્યો અને પોતાની પ્રતિષ્ઠા જવા ન દીધી. એ યુદ્ધમાં શત્રુ પક્ષના એક પટાબાજના હાથે સાયબજીના શરીરમાં ઘણા જખ્મ થયા અને તેનો જમણો હાથ પણ કપાઈ ગયો; તેમ છતાં તેણે અનેક મનુષ્યો-શત્રુપક્ષના સૈનિકો-ના પ્રાણ લીધા અને ત્યાર પછી તે પોતે પણ રણમાં પડ્યો. રાયસંગજી રણભૂમિમાં ફરતો ફરતો સાયબજી જ્યાં પડ્યો હતો ત્યાં આવ્યો; અદ્યાપિ સાયબજીના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા નહોતા એટલે પડ્યા પડ્યા જ સાયબજીએ ડાબા હાથથી તેનાપર પોતાના ખાંડાનો ઘા કર્યો અને તેથી રાયસંગજીના બન્ને પગો કપાઈ જતાં તે પણ ભૂમિપર પછડાઈ પડ્યો. તે જેવો પડ્યો કે તત્કાળ પોતાના કપાયેલા હાથની ઠુંઠથી તેને પછાડીને સાયબજી તેની છાતી પર ચઢી બેઠો; પરંતુ હાથમાંથી અતિશય રક્ત નીકળી જવાથી તે વેળાયે જ તેના પ્રાણ તેના શરીરમાંથી નીકળી ગયા અને તે સ્વર્ગના માર્ગનો પ્રવાસી થયો. પછીથી ફૂલ આમર દહિસરાના દેદાઓ સહિત આવી પહોંચ્યો અને તે રાયસંગજીની છાવણીને લૂટી લઈને ભુજનગરમાં પાછો વળી આવ્યો. એ લૂટમાં રાયસંગજીના નગારાની એક જોડ પણ ભુજમાં આવી હતી.

રાયસંગજીને રણક્ષેત્રમાંથી નાગાઓની જમાત ઊપાડી ગઈ અને જ્યારે તે સાજો થયો ત્યારે પાછો હળવદમાં આવ્યો; પરંતુ રણક્ષેત્રમાં તેને મરી ગયેલો માનીને તેની રાણીઓએ ચૂડાકર્મ આદિ કરી નાખેલું હોવાથી અને તે સમયના લોકોના વિચારો વિલક્ષણ પ્રકારના હોવાથી જેનું ચૂડાકર્મ થઈ ગયું છે, તેને જો નગરમાં આવવા દઈશું, તો તેથી સર્વનું અનિષ્ટ થશે!' એમ માનીને તેને કોઈએ ગામમાં પેસવા દીધો નહિ. માત્ર પરમારવંશની તેની એક જ રાણી તેની પાસે જઇને રહી હતી અને તેનાથી જે સંતતિ ઉત્પન્ન થઈ તેવડે જ ઝાલાવંશ આગળ ચાલ્યો હતો.*[].

**** *

એ તો આગળ જણાવેલું જ છે કે, રાવશ્રી ખેંગારજીને ભોજરાજજી તથા ભારમલ્લજી નામક બે કુમાર હતા. એમાંના ભોજરાજજી નામક મોટા કુમારને એક વાર રાયધર હાલાના સહાયક તરીકે રાયધર આમર સામે લડવામાટે મોકલેલો, ત્યાં રાયધર આમરે પોતાનો પરાજય સ્વીકારી ભોજરાજજીનાં ચરણોમાં તલ્વાર મૂકી તેના વર્ચસ્વને શિરસાવંદ્ય કર્યું હતું; પરંતુ એટલામાં સૈનિકો વચ્ચે કાંઈ બોલાચાલી થતાં અચાનક બાણો છૂટ્યા અને તેમાંનો એક બાણ ભોજરાજજીને વાગતાં તેના જીવનનો અંત થઈ ગયો. આ વૃત્તાન્ત રાયબજીના જાણવામાં આવતાં તે આમરની પાછળ પડ્યો અને તેના ભયથી આમર સામે કાંઠે પલાયન કરી ગયો.

રાવશ્રી ખેંગારજી ૧ લો જેવો શૂરવીર, ધર્મશીલ, ન્યાયપરાયણ અને પ્રજાવત્સલ હતો; તેવો જ સંયમી, એકપત્નીવ્રતધારી, મિતાહારી, વ્યાયામશીલ અને આસ્તિક હોવાથી બહુધા તેને રોગની બાધા તો થતી જ નહોતી; પરંતુ તે સમય યુદ્ધ, અશાંતિ તથા 'બળિયાના બે ભાગ'નો હોવાથી એક કે બીજી ચિન્તા તેના હૃદયમાંથી દૂર થતી નહોતી; તેવામાં વળી તેના સહાયક સુલ્તાન બેગડાનો તથા કમાબાઈનો સ્વર્ગવાસ થયો હતો, સાયબજી જેવો વીરબંધુ રણાંગણમાં વીરગતિને પામ્યો હતો અને અંતે તેના ઉત્તરાધિકારી યુવરાજ ભોજરાજજીનો પણ તેના દેખતાં સ્વર્ગવાસ થયો હતો. અત્યંત વૃદ્ધાવસ્થામાં આવા આઘાતો ભાગ્યે જ સહન કરી શકાય છે; તો પણ ખેંગારજી બહુ જ વિચારશીલ તથા જ્ઞાની હોવાથી અન્ય આઘાતોને તો ધૈર્યથી સહન કરી ગયો હતો; પણ ભોજરાજજીના મરણનો આધાત અસહ્ય થવાથી સંવત્ ૧૬૪૨ ના જયેષ્ઠ માસમાં લગભગ ૯૦ વર્ષની અવસ્થા ભોગવીને અથવા આજના આયુષ્ય પ્રમાણને જોતાં તો 'શતાયુ' થઈને આ અસાર સંસારનો, પોતાનાં પારિવારિક જનો તથા પ્રજાજનોને રોતાં કકળતાં મૂકીને, સદાને માટે ત્યાગ કરી ગયો, કચ્છરાજ્યના નૈશ્ય અંધકારને જે મહાપુરુષે પોતાના વીરત્વ તથા બાહુબળરૂપ દીપકના પ્રકાશથી દૂર કરીને કચ્છદેશને 'ઉષા' – શાંતિપ્રકાશમયી ઉષા – નો સાક્ષાત્કાર કરાવ્યો હતો, તે મહાપુરુષ, તે પ્રાતઃ સ્મરણીય રાવશ્રી ખેંગારજી અથવા કચ્છના કાર્તિકેયના આદર્શ જીવનનો પણ કાળના કરાલ આઘાતથી અસ્ત થઈ ગયો.

આપણામાં એવી એક સર્વસાધારણ કિંવદંતી સર્વત્ર પ્રચલિત છે કે:–

"નામ રહંતાં ઠક્કરાં, નાણાં નહીં રહંત;
કીર્ત્તી કેરાં કોટડાં, પાડ્યાં નહીં પડંત !”

અર્થાત્ જો એ કિંવદંતીમાં કાંઈ પણ સત્યાંશ હશે, તો રાવશ્રી ખેંગારજીએ કીર્ત્તિના તો એવા અભેદ્ય દુર્ગ ચણાવી મૂક્યા છે કે, યાવચ્ચંદ્રદિવાકરૌ તેનું નામ તે કીર્ત્તિના યોગે અમર તથા શાશ્વત રહેવાનું છે અને જો 'कीर्त्तिर्यस्य स जीवति' એ સૂત્રને આપણે સત્ય માનીએ, તો તો તે આજે પણ જીવતો જ છે, એમ જ આપણે સ્વીકારવું પડશે; કારણ કે, તે કીર્ત્તિરૂપે તો સમસ્ત કચ્છદેશના લોકોનાં અંતઃકરણમાં આજે પણ જીવિત છે.

અસ્તુઃ રાવશ્રી ખેંગારજીના યુવરાજ ભોજરાજજીનો અલૈયાજીનામક એક કુમાર હતો અને તેથી કચ્છ રાજ્યના મુકુટ તથા સિંહાસનનો ઉત્તરાધિકારી તે જ હતો, પરંતુ જે વેળાયે તેના પિતા ભોજરાજજી તથા તેના પિતામહ રાવશ્રી ખેંગારજીનો સ્વર્ગવાસ થયો, તે વેળાયે તે અત્યંત અવયસ્ક હોવાથી રાજ્યનો અધિકાર રાવશ્રી ખેંગારજી ૧લાના દ્વિતીય કુમાર ભારમલ્લજીના હસ્તમાં આવ્યું. ભારમલ્લજીને કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના રાજ્ય તથા અગાધ સંપત્તિની પ્રાપ્તિ થયેલી હોવાથી અને તેની ઉદારતા અપૂર્વ હોવાથી ત્યાંના લોકોના મુખમાંથી એવા ઉદ્દગાર નીકળવા લાગ્યા કે 'खट्यो खेंगार ने भोगव्यो भारे' અર્થાત્ 'મેળવ્યું ખેંગારે અને ભોગવ્યું ભારે!”

ભુજ નગરને પોતાની રાજધાની કર્યા પછી રાવશ્રી ખેંગારજી ૧ લો ભુજમાં આવીને વસ્યા હતા, એ તો ઉપર જણાવેલું જ છે; પણ જ્યારે તે ભુજમાં આવ્યો ત્યારે ગોરજી માણેકમેરજીને પણ ત્યાં સાથે લેતો આવ્યો હતો અને ત્યાં પણ તેને એક સુંદર મકાન બંધાવી આપ્યું હતું એટલે અંબાજીની મૂર્તિ તથા સાંગ પણ ત્યાં જ લાવવામાં આવી હતી. ભુજમાં પણ ખેંગારજી નિત્ય પ્રભાતમાં અંબાજીના દર્શન માટે જતો હતો અને સંધ્યાકાળે માણેકમેરજી તેના ખાંડાને ધૂપ કરાવવા માટે દરબારમાં જતા હતા. તે દિવસથી ખાંડાના ધૂપની રૂઢિ ચાલી આવે છે તે અત્યારે પણ કાયમ છે. સિંહનો જેના વડે સંહાર કરાયો હતો તે સાંગ પણ માણેકમેરજીની પોશાળમાં અત્યારે પણ જેમની તેમ પડેલી છે અને ખેંગારજી ૧ લાના વંશજો-કચ્છના રાવ-અત્યારે પણ પ્રત્યેક વિજયાદશમીને દિવસે તેની વિધિપૂર્વક પૂજા કરે છે. ભુજંગ પર્વતમાં વસતા દેવાંશીય ભુજંગના ચમત્કારને રાવશ્રી ખેંગારજી ૧ લાએ પોતાનાં નેત્રોથી જોયો હતો અને તેથી તેની તે ભુજંગમાં પૂજ્યબુદ્ધિ થતાં નાગપંચમી એટલે કે શ્રાવણ માસની શુક્લાપંચમીને દિવસે મહાન્ સમારંભ પૂર્વક તે એ ભુજંગને દુગ્ધપાન કરાવવા માટે – દૂધ ચડાવવામાટે – જતો હતો. તેની એ પદ્ધતિને અનુસરીને અદ્યાપિ કચ્છના સિંહાસન પર વિરાજતા રાવશ્રી પ્રતિવર્ષ નાગપંચમીને દિવસે તે ભુજંગને દૂધ ચઢાવવા માટે ભુજંગ પર્વતપર જાય છે અને તે દિવસે રાવશ્રીની મોટામાં મોટી સવારી નીકળે છે.

રાવશ્રી ખેંગારજી ૧ લાના વંશમાં અદ્યાપિ ખંડ પડ્યો નથી અને તેથી તેના વંશજો એક પછી એક અનુક્રમે કચ્છના સિંહાસનને પોતાની ધર્મસત્તાથી શોભાવતા આવ્યા છે. ભવિષ્યમાં પણ પ્રતાપી રાવશ્રી ખેંગારજી ૧ લાનો વંશ એવી જ રીતે અખંડ તથા શાશ્વત રહે અને તે પ્રાતઃસ્મરણીય મહારાજાના સર્વ વંશજો ધર્મશીલ, ન્યાયપરાયણ, પ્રજાવત્સલ તથા પ્રજાપ્રિય ભૂપાલ થાઓ, એવો શુભ આશીર્વાદ આપીને આપણે હવે અહીં જ વિરમીશું.




સમાપ્ત


  1. * આત્મારામ કેશવજી કૃત 'કચ્છ દેશનો ઇતિહાસ' નામક ગ્રન્થમાં એ રાણી પરમાર વંશની કહી છે, પણ 'બૉમ્બે ગેજેટિયર'ના કાઠિયાવાડ' નામક આઠમા ભાગમાં તે રાણીને વાંવના ચોહાણ અથવા ચહુઆણ વંશની કહેલી છે.