કચ્છનો કાર્તિકેય/પ્રાર્થના કે પ્રપંચ

← કમાબાઈના લગ્ન કચ્છનો કાર્તિકેય
પ્રાર્થના કે પ્રપંચ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ →


ચતુર્થ પરિચ્છેદ
પ્રાર્થના કે પ્રપંચ?

જામ રાવળ યુવરાજ શ્રી ખેંગારજીના જન્મતિથિમહોત્સવપ્રસંગે લાખિયાર વિયરામાં આવ્યો હતો, તે અત્યાર સૂધી ત્યાં જ હતો અને અચાનક પ્રાપ્ત થયેલા રાજકુમારી કમાબાઇના લગ્ન સમારંભમાં પણ તેણે એવા તો ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો કે જામ હમ્મીરનો તેનામાં પૂર્વે જે ભાવ અને વિશ્વાસ હતો, તેમાં અત્યારે બમણો વધારો થઈ ગયો હતો. તે જામ રાવળને પોતાના જીવ કે પ્રાણ સમાન માનવા લાગ્યો હતો. જામ હમ્મીર ગત પરિચ્છેદમાં વર્ણવેલી ઘટનાને બીજે દિવસે પ્રભાતમાં પોતાના મહાલયમાંના એક એકાંત સ્થાનમાં પુત્રીવિયોગ તથા પ્રિયતમા રાજબાની અસ્વસ્થતાથી ઉદ્‌ભવેલી ચિન્તામાં નિમગ્ન થઈને બેઠો હતો એટલામાં એક સેવકે આવીને જણાવ્યું કેઃ "મહારાજાધિરાજ, શ્રીમાન્ જામ રાવળ આપના દર્શનમાટે પધારેલા છે."

"જાઓ તેમને સત્વર લઈ આવો. એમનું આગમન અત્યારે યોગ્ય સમયે થયેલું છે. એમની સાથે વાર્ત્તાલાપ કરવાથી થોડા વખતને માટે ચિન્તા દૂર થતાં મનને શાંતિ મળશે," જામ હમ્મીરે કહ્યું. સેવક ચાલ્યો ગયો અને અલ્પ સમયમાં જામ રાવળ ત્યાં આવી લાગ્યો. હમ્મીરજીને વડિલ બન્ધુ તરીકે નમન કરી પોતાના આસને બેઠા પછી રાવળે વિનયથી પૂછ્યું કે: "કેમ બાવા, તબીયત તો સારી છેને ?”

"પ્રકૃતિ કાંઈક અસ્વસ્થ છે, પણ તમારા આવવાથી આશા છે કે, તેમાં કાંઇક સુધારો થશે," હમ્મીરજીએ કહ્યું.

"મહારાજ, જો આજ્ઞા હોય, તો એક પ્રાર્થના કરું." રાવળે પૂછ્યું,

"એમાં આજ્ઞાની શી અગત્ય છે વારુ ? જે કહેવું હોય તે આનંદથી કહો. સંકોચની કશી પણ આવશ્યકતા નથી," હમ્મીરજીએ સભ્યતા અને ઉદારતાથી ઉત્તર આપ્યું.

"જે વેળાએ આપણા વડિલો અને આપણે પોતે કુસંપના કારણથી પરસ્પર લડ્યા કરતા હતા, તે વેળાએ આવી જ વિપુલ સંપત્તિ અને સત્તા હોવા છતાં ઉભય પક્ષને કેટલી બધી ચિન્તા અને પીડા ભોગવવી પડતી હતી, એનું તો આપને સ્મરણ હોવું જ જોઈએ. અને આજે કુસંપનો નાશ કરી સંપની સ્થાપના કરવાથી આપણે કેવું અલૌકિક સ્વર્ગીય સુખ અનુભવીએ છીએ, એનો પણ આપને પ્રત્યક્ષ અનુભવ મળી ચૂક્યો છે, એટલે એ વિષયના વિશેષ વિવેચનની અગત્ય નથી જ. આપણે એકમત અને અનન્યભાવથી પરમેશ્વરની પ્રાર્થના કરવી જોઈએ કે, સદા સર્વદા આપણો આ સંપ આપણા વંશજોમાં પણ એવો ને એવો જ ટકી રહે," જામ રાવળે યોગ્ય અને પ્રશંસનીય ઉદ્દગાર કાઢ્યા.

"તથાસ્તુ." જામ હમ્મીરે અત્યંત હર્ષસહિત તેનાં વચનોને અનુમોદન આપતાં એ ઉદ્દગાર કાઢ્યો.

"પરંતુ એ સંપને વધારવાના એક પ્રથમ ચિન્હ તરીકે આપ જો એક વાર મારા ધામમાં પધારીને મારી ગુહભૂમિને પવિત્ર કરશો, તો હું મને પોતાને બહુ જ કૃતકૃત્ય થયેલો માનીશ અને આપનો અત્યંત આભારી થઈશ. હું આપનો આજ્ઞાંકિત છું એટલે જો આજ્ઞા કરો તો આગળથી જ મારે ગામ જઈ મેહમાનદારીની બધી તૈયારીઓ કરાવવા માંડું." પ્રસંગ જોઈને જામ રાવળે એકાએક એ પ્રમાણેની માગણી કરી.

થોડોક વિચાર કરીને જામ હમ્મીરજીએ જણાવ્યું કેઃ "રાવળજી, ખોટું લગાડશો નહિ; કારણ કે, હાલ તરતોરત આવી શકાય તેમ નથી. એક તો અત્યારે પુત્રીના વિયોગથી મારું ચિત્ત અસ્વસ્થ છે અને વળી તેની માતાના હૃદયમાં ભયંકર આઘાત થયો છે, એટલે આવી સ્થિતિમાં મેહમાનદારીનો શો ઉપભોગ લઈ શકાશે ?" હમ્મી૨જીએ યોગ્ય કારણ દર્શાવ્યું.

રાવળનું મુખ નિસ્તેજ થઈ ગયું; પણ પુનઃ તે પોતાના મતનું સમર્થન કરતો કહેવા લાગ્યો કેઃ "પૂજ્ય: બંધો, જ્યારે પ્રકૃતિ અસ્વસ્થ હોય અને મનશ્ચિન્તાનું પ્રાબલ્ય થયેલું હોય, તે વેળાએ પ્રવાસ અને સ્થાન પરિવર્તન આનંદના ઉત્પાદક હેતુ થઈ પડે છે. એ દૃષ્ટિથી વિચાર કરતાં પણ જો આપ મારે ત્યાં પધારશો, તો એક પંથને દો કાજ જેવું થશે, આપના ચિત્તને કાંઈક સ્વસ્થતા મળશે અને આપના સત્કારમાટેની મારી લાંબા સમયની આશા પરિપૂર્ણ થશે."

"રાવળજી, અત્યારે વિશેષ આગ્રહ ન કરો તો વધારે સારું; કારણ કે, હાલ તરત મારાથી આવી શકાય તેમ છે જ નહિ." હમ્મીરજીએ કાંઈક મલિન મુદ્રાથી એ ઉત્તર આપ્યું.

"આપના આ ઉત્તરથી મને તો એમ જ લાગે છે કે, આપનો હજી મારામાં પૂર્ણ વિશ્વાસ બંધાયો નથી. મારા મનમાં તો આપ વિશે હવે કશો પણ સંશય રહ્યો જ નથી. આપ આટલો બધો સંદેહ શાનો રાખો છો વારુ ? મને તો હવે આપે પોતાના એક પુત્ર જેવો જ જાણવો જોઈએ. મારી એવી ધારણા છે કેઃ "અદ્યાપિ મારા વિશે આપનું મન શંકાશીલ છે," રાવળે નિરાશાદર્શક અને ઉપાલંભરૂપ ઉદ્‌ગાર કાઢ્યા.

"તમારી એ ધારણા ભૂલભરેલી છે. મારો તમારામાં પૂર્ણ વિશ્વાસ છે," હમ્મીરજીએ શુદ્ધ અંતઃકરણ અને નિષ્કપટતાથી કહ્યું.

"જો એમ જ હોય, તો મારી પ્રાર્થનાને માન્ય કરી એક વાર મારા ગ્રામમાં પધારીને મારા ગૃહને પાવન કરો; એટલે હું જાણું કે, આપને મારામાં ખરેખરો વિશ્વાસ છે," જામ રાવળે પુનઃ આગ્રહ પૂર્વક પ્રાર્થના કરી.

"હું તમારા ગ્રામમાં અને તમારે ઘેર આવું, એ મને યોગ્ય નથી લાગતું," હમ્મીરજીએ તેના અત્યાગ્રહને જોઈ હવે કાંઇક શંકાશીલ મુદ્રાથી કહ્યું.

"યોગ્ય નથી લાગતું એનો હેતુ એ જ કે, આપનો મારામાં અવિશ્વાસ છે. પણ ભદ્રભૂપાલ, આપની શંકા અનુચિત છે. હું આશાપુરા માતાજીના શપથ લઈને કહું છું કે, હું કોઈ પણ પ્રકારના પ્રપંચ અથવા દગો કરીશ નહિ. જો હું પ્રપંચ કરું તો મારો રૌરવ નરકમાં નિવાસ થાઓ ! આટલો બધો આગ્રહ માત્ર હું એટલામાટે જ કરું છું કે, એક તો આપના ચરણસ્પર્શથી મારું ધામ અને ગૃહ પવિત્ર થાય અને બીજું, આપણા હવે પછીના વંશજો તથા ભાયાતો આપણા આવા પરસ્પર પ્રેમભાવને અને એક બીજાને ત્યાં આવવા જવાના સંબંધને જોઈ ઉદાહરણ લઈને એનું અનુકરણ કરતાં શીખે. એ વિના આમાં મારો બીજો કોઈ પણ પ્રકારનો આશય સમાયલો નથી. માત્ર એક જ વાર કૃપા કરીને પધારો. આપે પોતાના મનમાં સંશયને લેશ માત્ર પણ સ્થાન આપવું નહિ," રાવળે જિહ્વાના અગ્રભાગમાંથી અમૃતની ધારા વર્ષાવતાં કહ્યું.

"બહુ સારું ત્યારે હું તમારા ગ્રામમાં આવીશ અને તમારા સત્કારનો સાનંદ સ્વીકાર કરીશ," રાવળનાં નમ્રતાયુક્ત વચનો સાંભળીને ભોળા જામ હમ્મીરજીએ કોઈ પણ પ્રકારનો દીર્ઘ વિચાર કર્યા વિના ત્વરિત એ પ્રમાણેનું વચન આપી દીધું.

"અત્યંત ઉપકાર થયો. વારુ ત્યારે હવે જો આજ્ઞા હોય, તો હું અત્યારે જ પ્રયાણ કરી જાઉં અને ત્યાં મેહમાનદારીની બધી તૈયારીઓ કરી રાખું. આપ બે દિવસ પછી જ પધારજો એટલે આપને કોઇ પણ પ્રકારની અવ્યવસ્થાની પીડા ભોગવવી ન પડે," રાવળે કહ્યું.

"ભલે પધારો; હું પરમ દિવસે અહીંથી નીકળીશ," હમ્મીરજીએ આજ્ઞા આપી. જામ રાવળ મનમાં હર્ષિત થતો ઉતાવળે પગલે ત્યાંથી ચાલ્યો ગયો.

જામ રાવળના ગયા પછી તરત જ ત્યાં જામ હમ્મીરજીની પટરાણી આવી લાગી. અત્યારે તેણે સાદાં વસ્ત્ર અને અલ્પ ભૂષણો ધારણ કરેલાં હોવા છતાં નૈસર્ગિક સૌન્દર્ય અને પતિવ્રત્યના તેજવડે તે સતીનો પ્રભાવ કાંઈક અલૌકિક જેવો જ દેખાતો હતો. રાણીને આવેલી જોઈ જામ હમ્મીરજીએ તરત આતુરતાથી પ્રશ્ન કર્યો કે; "કેમ રાણી, અત્યારે શા કારણથી અહીં આવવાનો શ્રમ લેવો પડ્યો ?"

"પ્રાણનાથને એ જણાવવામાટે કે, રાજબાની પ્રકૃતિમાં સુધારો થતો જાય છે અને હવે વધારે ચિન્તા રાખવા જેવું નથી, એવા સમાચાર તેમના મહેલમાંથી અત્યારે દાસી લઈ આવી છે," રાણીએ વિનયથી કહ્યું.

"પોતાની સોક્યમાટે પણ આવી સારી લાગણી ધરાવનાર જો કોઈ સ્ત્રી મારા જોવામાં આવી હોય, તો તે તમે જ છો." રાજાએ આશ્ચર્ય દર્શાવીને કહ્યું.

"રાજબા આપની રખાયત છે, એટલે જો કે મારી સોક્ય તો ન જ કહેવાય; પણ ધારો કે, એ સોક્ય છે, તો પણ જે મારા પ્રાણનાથને પ્રિય હોય, તે મને પણ પ્રિય હોવી જ જોઈએ, અર્થાત્ રાજબામાટે હું જે લાગણી ધરાવું છું, તેમાં હું કાંઈ પણ વિશેષ કરતી નથી. વળી એના માટે મારા મનમાં વિશેષ લાગણી થવાનું કારણ એ છે કે, રખાયત હોવા છતાં એક રાણી કરતાં પણ એ અધિક વિનયવતી અને સદ્‌ગુણવતી છે," રાણીએ પોતાના મોભાને છાજે તેવાં વચન ઉચ્ચાર્યા.

"ધન્ય છે, રાણી, તમારી સદ્‌ભાવનાને અને ધન્ય છે તમારા અપ્રતિમ પતિપ્રેમને ! સ્ત્રી મળજો તો તમારા જેવી જ મળજો," એમ કહીને હમ્મીરજીએ આગળ વધીને જણાવ્યું કે: "રાજબાની પ્રકૃતિમાં સુધારો થવાના સમાચાર મળ્યા એ સારું જ થયું. એક ચિન્તા દૂર થઈ. રાવળને ત્યાં મહેમાનદારીની સારી મઝા લઈ શકાશે."

"રાવળને ત્યાં મેહમાનદારી શી અને મઝા કેવી ?" રાણી એ સાશંક મુદ્રાથી પ્રશ્ન કર્યો.

"હું પરમ દિવસે બાડે જવામાટે અહીંથી પ્રયાણ કરવાનો છું: કારણ કે, રાવળના આમંત્રણનો સ્વીકાર કરી મેં ત્યાં જવામાટેનું તેને અત્યારે જ વચન આપ્યું છે. એ ભલો ભાઈ ઘણા દિવસથી આગ્રહ કર્યા કરતો હતો, એટલે કહ્યું, ચલો એના મનને પણ સંતોષ આપીએ.” હમ્મીરજીએ ભોળા ભાવથી ઉત્તર આપ્યું.

"મારા ભોળા રાજા, આપે રાવળને ભલો ધારીને એકદમ તેના આમંત્રણનો સ્વીકાર કરી લીધો અને તેને ત્યાં જવાનું વચન આપ્યું, એ આપની એક ઘણી જ મોટી ભૂલ થઈ છે. આપ પોતે ભોળા અને ભલા છો એટલે બધાને પોતાના જેવા જ માનો છો; પણ બધા આપના જેવા નિષ્કપટ અને સત્યશીલ હોતા નથી, એ નિશ્ચયપૂર્વક માનજો. જામ રાવળ મહાકપટી અને મેંઢો છે અને તેના આ પ્રયત્નમાં અવશ્ય મને તો કાંઈ પણ પ્રપંચની છટા જ દેખાય છે. આપ ત્યાં જાઓ, એમાટે મારી તો લેશ માત્ર પણ અનુમતિ નથી. પછી તો જેવો આપનો વિચાર," રાણીએ યોગ્ય ઉપદેશ આપ્યો.

"મનોદેવિ, પ્રથમ મારા મનમાં પણ એવા સંશયનો ઉદ્‌ભવ થયો હતો, પરંતુ જામ રાવળના આજ સુધીના વર્તનનો વિચાર કરતાં અને તેના શપથ સાંભળતાં મારા એ સંશયને લોપ થયો અને તેના વચનમાં વિશ્વાસ રાખીને મેં વચન આપી દીધું. એટલે હવે તો કોઈ પણ રીતે મારા વચનનું મારે પાલન કરવું જ જોઈએ," હમ્મીરજીએ કહ્યું.

"પરંતુ જ્યાં પોતાની પ્રાણહાનિનો સંભવ હોય, ત્યાં પણ વચનનું પાલન કરીને કાળના મુખમાં જવું એ કયા પ્રકારની નીતિ કહેવાય વારુ ?" રાણીએ પ્રતિવાદ કર્યો.

"જે વેળાએ એવો પ્રસંગ આવશે, તે વેળાએ જોઈ લેવાશે. અત્યારે જ ભાવિ ભયની શંકાથી વચનપર પાણી ફેરવી દેવું, એ મારા જેવા એક વચનશીલ રાજા માટે યોગ્ય કાર્ય ન કહેવાય," હમ્મીરજીએ પોતાના મતનું પુનઃ સમર્થન કર્યું.

આ સંવાદ ચાલતો હતો એટલામાં ભૂધરશાહ પ્રધાન ત્યાં અચાનક આવી લાગ્યો અને નમન કરીને જરાક દૂર બેઠો. અહીં જણાવવું જોઈએ કે, જો કે રાજાના અન્તઃપુરમાં અન્ય પુરુષને આવવાનો કઠિન પ્રતિબંધ હતો, પરંતુ ભૂધરશાહ અત્યંત વિશ્વાસપાત્ર, નિર્વિકાર અને વૃદ્ધ પ્રધાન હોવાથી કેવળ તેના માટે જ એવી આજ્ઞા હતી કે, તે તેની ઇચ્છામાં આવે તે વેળાએ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિના અંતઃપુરમાં આવી શકે; એટલું જ નહિ, પણ રાણીઓ તેને ધર્મપિતા કહીને બોલાવતી હતી અને તેથી તેની લાજ કાઢતી કે તેનાથી મુખ છુપાવતી નહોતી. પોતાના આસને બેસીને ભૂધરશાહે રાણીને ઉદ્દેશીને જે પ્રથમ પ્રશ્ન કર્યો તે એ હતો કેઃ "કેમ બાસાહેબ, અત્યારે મહારાજા સાથે શો સંવાદ ચાલી રહ્યો છે ? કોઈ રાજ્યવિષયક ચર્ચા તો નથીને ?"

"આજે અત્યારે એવા પ્રકારની એક ચર્ચા ચાલી રહી છે કે જેની સાથે રાજ્યના, મારા અને મહારાજાના પોતાના હિતાહિતને પણ નિકટ સંબંધ રહેલો છે. ભોળા રાજાએ જામ રાવળના આમંત્રણને માન્ય કરી પરમ દિવસે બાડે જવાનો નિશ્ચય કર્યો છે." રાણીએ કહ્યું,

"એમાં મેં અયોગ્ય શું કર્યું છે વારુ ?" હમ્મીરજીએ ભૂધરશાહને આતુરતાથી પૂછ્યું. આ પ્રશ્ન પૂછવામાં રાજાનો એ હેતુ હતો કે, પ્રધાન અવશ્ય તેને અનુકુળ થઈ પડે તેવો અભિપ્રાય આપશે અને તેથી તેના મતને પુષ્ટિ મળશે. પરંતુ હમ્મીરજી પોતાની એ ધારણામાં નિષ્ફળ થયો અને તેને ભૂધરશાહ તરફથી કેવળ મૌનાવલંબન વિના બીજું કાંઈ પણ ઉત્તર મળી શક્યું નહિ. આવી પરિસ્થિતિને જોઇને રાજાએ રાણીને પૂછ્યું કેઃ "કેમ રાણી, તમારા ધર્મપિતા ઉત્તર કેમ નથી આપતા વારુ ?"

"એમના આમ નિરુત્તર રહેવાનું કારણ તો પછીથી જણાશે, પણ હું આપને હવે છેલ્લી વાર પૂછું છું કે આપ બાડે જવા વિના તો નથી જ રહેવાના ને ? પોતાના હઠને નથી જ છોડવાના ને ?" રાણીએ કહ્યું.

"એ વિશે પુનઃ પુનઃ પૂછવાનું શું કારણ છે? સિંહગમન, પુરુષવચન, કેળ ફળે એક વાર !" હમ્મીરજીએ ઉત્તર આપ્યું.

"જ્યારે આપનો એ જ હઠ છે, તો હું સ્પષ્ટતાથી જ કહી દઉં છું કે, આપને પોતાના પ્રાણનો ગમે તેવો ઉપયોગ કરવાની પૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં મારા સૌભાગ્યનો સંહાર કરવાનો કે મારા પુત્રોને પિતૃહીન કરી નાખવાનો લેશ માત્ર પણ અધિકાર નથી. હું આપની અર્ધાંગના છું અને તેથી મારી સંમતિ વિના અપાયલું આપનું વચન અર્ધવચન છે. અર્થાત્ ત્યાં આપને જવા દેવા કે ન જવા દેવા, એની અર્ધ સત્તા મારા હાથમાં છે અને મારી સત્તાને ગમે તે રીતે ઉપયોગ કરવાની મને પૂર્ણ સ્વતંત્રતા છે. કેમ ધર્મપિતા, હું અયોગ્ય તો નથી બોલતી ને ?" રાણીએ વિચિત્ર વાદ ઉપસ્થિત કરીને પ્રધાનનો અભિપ્રાય પૂછ્યો.

"યોગ્ય કથનને મારાથી અયોગ્ય કેમ કરીને કહી શકાય વારુ ?" પ્રધાને રાણી અનુકૂલ અભિપ્રાય આપ્યો.

"પ્રધાનજી, તમે પણ ચાલતી ગાડીમાં બેસી ગયા કે ?" હમ્મીરજીએ કટાક્ષપૂર્વક કહ્યું.

"મહારાજનું જેમાં હિત સમાયેલું હોય, તેવો જ અભિપ્રાય આપવો એ પ્રધાનનો પરમ ધર્મ છે," ભૂધરશાહે વિનયથી કહ્યું.

"ત્યારે પ્રધાનજી, તમારો આંતરિક અભિપ્રાય શું છે વારુ ?" હમ્મીરજીએ આગ્રહપૂર્વક પૂછ્યું.

"મારો તો એજ અભિપ્રાય છે કે આવી રીતે રાવળજીના ગામમાં જવું સારું નથી. ગમે તેવો શાંત પણ સર્પ છે-રાવળ આપણો પુરાણો શત્રુ છે. મને તો અવશ્ય કાંઈ પણ પ્રપંચનો જ આમાં રંગ દેખાય છે. રાવળ મહાકપટી છે અને આપ એક ભોળા રાજા છો. નદી, નખવાળાં પશુ, શૃંગધારી પશુ, શસ્ત્રધારી મનુષ્ય, સ્ત્રીજન અને પ્રતિસ્પર્ધી રાજામાં વિશ્વાસ ન જ રાખવો એવી નીતિશાસ્ત્રની આજ્ઞા છે, એ અવશ્ય આપે સ્મરણમાં રાખવું જોઈએ. આપ સુજ્ઞ હોવાથી આપને વિશેષ શું કહેવાનું હોય વારુ ?" ભૂધરશાહે એક રાજનીતિજ્ઞ પ્રધાનના મુખમાંથી નીકળવો જોઈએ તેવો યોગ્ય ઉપદેશ આપતાં કહ્યું.

જે મનુષ્ય કપટી અને મેંઢો હોય છે, તે બહુ જ શાંત અને સહનશીલ પણ હોય છે; પરંતુ ભોળા અને સત્યવાદી મનુષ્યનો સ્વભાવ કાંઈક ઉગ્ર અને અસહનશીલ હોય છે, એ એક વિશ્વમાન્ય સત્ય છે. એ પ્રમાણે હમ્મીરજી ભોળો અને સત્યવાદી રાજા હોવાથી કાંઈક ઉગ્ર સ્વભાવનો હતો અને તેથી હવે તે પોતાના ધૈર્યને ત્યાગી સ્વતંત્રતાનું દર્શન કરાવીને કહેવા લાગ્યો કેઃ "હું તો વચન આપી ચૂક્યો છું એટલે હવે ગમે તે થાય, તો પણ ત્યાં જવા વિના મારો છૂટકો જ નથી. જે થવાનું હશે, તે થશે. રાજાનું પોતાનું જ વચન જો વ્યર્થ જાય, તો પછી તે રાજા શાનો કહેવાય ? જો મારું મરણ થવાનું હશે, તો તે કોઈ પણ પ્રકારે થશે જ; તો પછી દગાથી ડરવું શામાટે ? તેમ વળી મારી પાછળ રાજ્ય ચલાવનાર રાજકુમાર પણ છે. જે ખાડો ખોદશે તેજ તેમાં પડશે. માટે મને હવે રોકશો નહિ."

"પ્રાણનાથ, આ સાહસ થાય છે," રાણીએ નેત્રોમાં નીર લાવીને કહ્યું.

"અન્નદાતા, આ એક ભયંકર ભૂલ થાય છે," ભૂધરશાહ પ્રધાને પણ તેવો જ ઉદ્‌ગાર કાઢ્યો.

"સાહસ તો રાજાનું કર્ત્તવ્ય જ છે અને ભૂલ થતી હોય તો વચનના પાલનમાટે એ ભૂલ પણ મને કબૂલ છે. હું મારા વચનથી કદાપિ ટળવાનો નથી," હમ્મીરજીએ અંતિમ નિશ્ચય જણાવી દીધો.

મહારાણીએ એક દીર્ધ નિ:શ્વાસ નાખીને ઉપાય ન ચાલવાથી લાચારીએ મૌનનું અવલંબન કર્યું.

"ત્યારે પ્રધાનજી, આજ અને કાલના દિવસમાં મારા પ્રવાસમાટેની સર્વ તૈયારીઓ કરાવી રાખો; કારણ કે, પરમ દિવસે પ્રભાતમાં જ મારે અહીંથી પ્રયાણ કરવાનું છે," હમ્મીરજીએ પ્રધાનજીને આજ્ઞા આપી.

"જેવી મહારાજાની આજ્ઞા," કહીને પ્રધાન ત્યાંથી ચાલતો થયો.

હમ્મીરજીના હઠની આ વાર્ત્તા જ્યારે રાજ્યના અન્ય શુભેચ્છકોના જાણવામાં આવી, ત્યારે તેમને પણ અતિશય શોક થયો અને તે સર્વેએ રાજાને રાવળને ત્યાં ન જવામાટેનો જ બોધ આપ્યો; પરંતુ હઠીલા રાજાએ કોઇનું વચન માન્યું નહિ. એ તો પ્રસિદ્ધ જ છે કે, સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ એ ત્રણ હઠ ટાળ્યા ટળતા નથી. અર્થાત હમ્મીરજીએ જે હઠ પકડ્યો તે પકડ્યો જ; માત્ર એટલું જ નહિ, પણ સાથે યુવરાજશ્રી ખેંગારજીને તથા દ્વિતીય કુમાર સાહેબજીને પણ લઈ જવાનું નક્કી કર્યું. એથી બધા સરદારો તથા રાણીને બહુ જ માઠું લાગ્યું; પણું ઉપાય શો ? રાજા કોઇનું માને તેમ તો હતું જ નહિ, એટલે કદાચિત્ રાજા તૃતીય કુમારને પણ સાથે લઈ જશે તો ? એવા ભયથી તૃતીય કુમાર રાયબજીને તો તે જ દિવસે રાણીએ પોતાને પિયર મોકલી દીધા અને 'હમ્મીરજી તથા બે કુમારોનું જે થવાનું હશે તે થશે' એ પ્રમાણે ઈશ્વરપર આધાર રાખી સર્વ નિરાશ થઈને બેસી રહ્યાં.

ત્રીજે દિવસે પ્રભાતકાળમાં વાહનપર આરૂઢ થઇને રાજા જે વેળાએ દરબાગઢના દ્વારમાંથી બહાર નીકળ્યો, તે વેળાએ છાપરાપરથી એક નળીયું અચાનક નીચે ધસી પડ્યું અને તેના આઘાતવડે તેના માથાપરની પાઘડી પૃથ્વી પર ઊછળી પડી. એ અપશકુનને જોઇને સર્વ કહેવા લાગ્યા કે: "મહારાજ, આ અપશકુન અત્યંત ભયંકર છે, માટે હજી પણ જવાનો વિચાર માંડી વાળો તો ઘણું જ સારું." પણ જેમ જેમ લોકો તેને ન જવામાટેનો વધારે અને વધારે ઉપદેશ આપવા લાગ્યા, તેમ તેમ જવામાટેનો તેનો હઠ વધારે અને વધારે વધતો ગયો. જરાક આગળ ચાલતાં બિલાડી આડી ફરી ગઇ, લાકડાનો ભારો સામો મળ્યો અને એક વિધવા સ્ત્રીનો એકનો એક પુત્ર મરી જવાથી તેણે હૃદયવિદારક આક્રન્દ કરવા માંડ્યો. ઈત્યાદિ અપશકુનોના સમૂહને જોઈને મનમાં તો હમ્મીરજીને પણ એમ ભાસ્યું કેઃ "આ સર્વ ચિન્હો કોઈ પણ ભયંકર અનર્થને સૂચવનારાં તો છે જ, તો પણ હવે પાછા તો વળવું નહિ જ; કારણ કે, કેટલાક લોકોનો એવો પણ અભિપ્રાય છે કે, આ બધા એક પ્રકારના વહેમ માત્ર જ છે. અર્થાત્‌ જે કોઈ પણ અનર્થ થવાનો ન હોય અને વ્યર્થ શંકાવડે મારું વચન મિથ્યા કરીને હમણાં હું ન જાઉં, તો પછી ભવિષ્યમાં મારા વચનમાં કોઈ પણ વિશ્વાસ રાખે નહિ અને આજ સૂધી જે રાવળે મારા પ્રતિ જે આટલો બધો પ્રેમભાવ બતાવ્યો છે, તેના મનમાં પણ ઘણું જ માઠું લાગી જાય. એથી પ્રેમનો સંબંધ ટૂટીને પાછો દ્વેષનો દાવાનળ સળગવા માંડે અને તે પરિણામે ઉભયને હાનિકારક થવા વિના રહે નહિ. ચિન્તા નહિ; જે થવાનું હોય તે થાય, પણ મારે તો જવું જ જોઈએ. પરંતુ કુમારોને સાથે લઈ જવાની કશી પણ આવશ્યકતા નથી," મનમાં એ પ્રમાણેનો વિચાર કરી તેણે કુમારોને ત્યાં જ રહેવાની આજ્ઞા કરી.

રાજહઠનું નાટક એ પ્રમાણે ચાલી રહ્યું હતું એટલામાં હવે બાલહઠના પ્રયોગનો આરંભ થયો. અર્થાત્ કુમારો હઠીલા થઈને કહેવા લાગ્યા કે: "અમે તો કાકાને ઘેર ચાલીશું જ. આપ ત્યાં પધારો અને અમે શામાટે ન આવીએ ?" કારણ કે, કાકાએ જિહ્વામૃતની ધારા એવી તો વહેવડાવી હતી કે તેના પાનથી સર્વ મુગ્ધ થઈ ગયા હતા. રાજાએ અન્તે નિરુપાયથઈને કુમારોને પણ સાથે લીધા અને રાજાની સ્વારી પોતાના માર્ગમાં આગળ વધવા લાગી. રાજાએ કુમારોસહિત જે વેળાએ લાખિયાર વિયરાનો ત્યાગ કર્યો તે વેળાએ વળાવવા આવેલા સર્વ સરદારો અને નાગરિકોનાં નયનોમાંથી અશ્રુના બિન્દુ ખરી પડ્યા.

માર્ગમાં વિંઝાણ ગામ આવ્યું. ત્યાંનો સ્વામી અજાજી હમ્મીરજીનો ભાયાત હોવાથી તેણે જામ હમ્મીરને તથા તેના કુમારોને અતિથિ તરીકે એક રાત પોતાને ત્યાં આગ્રહ કરીને રાખ્યા. રાત્રે શયનવેળાએ અજાજીએ હમ્મીરજીને સ્પષ્ટતાથી કહ્યું કે “આપ રાવળને ત્યાં જાઓ છે, તે સારું નથી કરતા ; કારણ કે, આપ ત્યાંથી પાછા સહીસલામત ઘેર આવો એ આશા રાખવી વ્યર્થ છે. માનો કિંવા ન માનો એ આપની ઇચ્છાને આધીન છે.”

એટલામાં અજાજીની રાણી બહાર આવી લાગી અને તે પણ નેત્રોમાં નીર લાવી વિનયપૂર્વક કહેવા લાગી કે: “જો આપ કૃપા કરીને અહીંથી જ પાછા ઘેર જાઓ, તો તો બહુ જ સારું; પણ જો તેમ ન કરવું હોય, તો આ બે કુમારોને તો અહીં જ મૂકતા જાઓ.”

આ વાત હમ્મીરજીએ માન્ય કરી અને કુમારોને ત્યાં રહી જવા માટે સમજાવ્યા. સારા ભાગ્યે આ વખતે કુમારો પણ હઠને ત્યાગી પિતાના એ વચનને માની ગયા; કારણ કે, અજાજીની રાણી તે તેમની સગી માસી થતી હતી એટલે કુમારો કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વિના જ પ્રેમથી ત્યાં રહી ગયા. જે વેળાએ હમ્મીરજી બાડા ગામ તરફ જવાને રવાના થયો, તે વેળાએ તેની સાથે પોતાનાં માત્ર દશ બાર માણસો જ હતાં અને તેમાં એક છચ્છરબૂટો નામનો વૃદ્ધ અનુચર પણ હતો. એ છચ્છરબૂટો ઘણો જ નિમકહલાલ અને સ્વામિનિષ્ઠ હોવાથી અજાજીની રાણીએ જતી વેળાએ ગુપ્ત રીતે તેને કહી મૂક્યું કેઃ “જો દગાફટકાનો જરા પણ રંગ દેખાય, તો તું તરત સાંઢણીપર સ્વાર થઈને અહીં આવી પહોંચજે. તને વધારે ભલામણ કરવાની કાંઈ પણ અગત્ય નથી.”

છચ્છરબૂટાએ અજાજીની રાણીની એ ચેતવણીને હૃદયપટ પર કોતરી રાખી અને રાજાની સ્વારી સુખરૂપ બાડા ગામમાં જઈ પહોંચી. રાવળે તેમને નગર બહારની એક વિશાળ, સુંદર અને શોભાયુક્ત જગ્યામાં ઉતારો આપ્યો, અને હમ્મીરજીનો ઘણો જ આદરસત્કાર કર્યો. માત્ર બે દિવસ જ ત્યાં રહેવાનો જામ હમ્મીરને કરાર હોવાથી પ્રથમ દિવસે જ પોતાના મિષ્ટ ભાષણ અને નમ્ર વર્ત્તતનથી જામ હમ્મીરના મનમાં તેણે એટલો બધો વિશ્વાસ બેસાડી દીધો કે હમ્મીરજીના મનમાં તેની નિષ્કપટતા વિશે લેશ માત્ર પણ સંશય રહ્યો નહિ. તે તો મનમાં એમ જ માનવા લાગ્યો કે: “જે લોકો રાવળજી વિશે શંકાશીલ છે, તેઓ મૂર્ખ છે ! રાવળ જેવો પ્રેમી અને સત્ત્વશીલ બીજો કોઈ પુરુષ આ જગતમાં મળવો અશક્ય છે. સારા અને સુશીલ પુરુષોપર ખોટા આરોપ મૂક્વા એ જાણે આજકાલના સાંસારિક પામર જનોનો એક પરમ ધર્મ જ થઇ પડ્યો છે !”

તે દિવસ વીતી ગયો અને બીજા દિવસના પ્રભાતથી જ મેહમાનદારી  જામ રાવળે મોટી ધામધૂમથી તૈયારીઓ કરવા માંડી. સમસ્ત નગરમાં આનંદ અને ઉત્સવનો રંગ દૃષ્ટિગોચર થવા લાગ્યો અને જયાં ત્યાં જામ હમ્મીરનાં ગુણગાન ગવાતાં કર્ણગોચર થવા લાગ્યાં. એ મેહફિલનો સમારંભ ગામ બહારની વિશાળ છાવણીમાં જ થવાનો હતો.

એ છાવણીમાંના બનાવનું અવલોકન કરવા પહેલાં આપણે કચ્છના ઇતિહાસનું કિચિદ્દ અવલોકન કરીશું : કારણ કે, તેથી જામ રાવળ તથા જામ હમ્મીરજીની જે પૂર્વશત્રુતાનો આપણી કથાનાં અમુક પાત્રોના મુખથી ઉપર ઉલ્લેખ થયેલો છે, તે શત્રુતાનું કારણ આપણા જાણવામાં આવશે અને તેથી આપણી કથાનો હવે પછીનો માર્ગ વધારે સરળ થઈ પડશે.

-🙠 ❀ 🙢-