કચ્છનો કાર્તિકેય/ભીષણયુદ્ધ અની વિજયલાભ

← કેટલાક વિઘ્નો કચ્છનો કાર્તિકેય
ભીષણયુદ્ધ અની વિજયલાભ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨
રાજ્યભિષેક અને કૃતજ્ઞતા →


દ્વાદશ પરિચ્છેદ
ભીષણ યુદ્ધ અને વિજયલાભ !

ખેંગારજી પોતાના સૈન્યના અગ્રભાગમાં વીરવેષમાં શાસ્ત્રાસ્ત્ર ધારીને ઊભો હતો અને જામ રાવળ પણ પોતાના સૈન્યના અગ્રભાગમાં તેવા જ સ્વરૂપમાં ઊભેલો દૃષ્ટિગોચર થતો હતો. ખેંગારજીએ જામ રાવળને તિરસ્કારદર્શક સ્વરથી કહ્યું કે: “ક્ષત્રિયકુલકલંક, વિશ્વાસઘાતક અને કુટુંબનાશક નીચ જામ રાવળ, આજે તું શું મોઢું લઈને રણાંગણમાં મારા સમક્ષ શસ્ત્રાસ્ત્ર ધારીને યુદ્ધ કરવા માટે આવ્યો છે, એની કલ્પના કરી શકાતી નથી ! એક ચાંડાલ પણ જે વિશ્વાસઘાતકતા ન કરે, તે વિશ્વાસઘાતકતા ક્ષત્રિય હોવા છતાં તે કરી છે એટલે કે, મારા પિતાશ્રીને તેં વિશ્વાસઘાતથી પોતાના ગૃહમાં બોલાવીને માર્યો છે; અમારા પ્રાણ લેવા માટે પણ તું તારાથી બની શકે તેટલા પ્રયત્ન કરી ચૂક્યો છે અને આજે પાછો અમારી સાથે લડવા આવ્યો છે. પણ નહિ, હવે આ કચ્છદેશનું રાજ્ય તારા ભાગ્યમાં લખાયેલું નથી; કારણ કે, જે પરમાત્માએ આજસુધી જીવસટોસટનાં અનેક સંકટમાંથી અમને બચાવ્યા છે, તે જ પરમાત્મા આજના યુદ્ધમાં પણ વિજય અમને જ અપાવશે અને તારા ભાગમાં પરાજય આવશે, એ નિશ્ચિત છે. હજી પણ જો તારી પ્રાણને રક્ષવાની અને પશ્ચાત્તાપથી પોતાના જીવનને સુધારવાની ઈચ્છા હોય, તો તારા અપરાધોની નિષ્કપટ અંતઃકરણથી ક્ષમા માગીને અને દાંતમાં તુણ રાખીને પરાજયને સ્વીકારી આ કચ્છ દેશમાંથી ચાલ્યો જા; નહિ તો આ યુદ્ધભૂમિમાં આજે તારો સંહાર થઈ જશે અને પછાત્તાપવડે ઈશ્વરની ક્ષમા મેળવવાનો પ્રસંગ પણ તારા હાથમાંથી સદાને માટે ચાલ્યો જશે. બોલ, શો વિચાર છે? નમવાથી તારો ઉદ્ધાર છે અને શસ્ત્રને હસ્તમાં ધારવાથી તારો સંહાર છે! ”

“મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું છે અને તમને જે યોગ્ય લાગ્યું છે તે તમોએ કરી બતાવ્યું છે એટલે હવે વીતેલી વાર્તાઓને સંભારવાથી તમને કે મને કશો પણ લાભ થવાનો નથી. અત્યારે આપણે રણભૂમિમાં ઊભા છીએ એટલે યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ એ જ કેવળ આપણો ધર્મ છે; આ જમાનાનો ખાધેલો જામ રાવળ તમારા જેવા કાલના જન્મેલા બાળકોની ક્ષમા માગીને તથા પરાજય સ્વીકારીને વિશ્વમાં પોતાની શાશ્વત અપકીર્તિને વિસ્તારશે, એવી આશા તમારે સ્વપ્નમાં પણ ન રાખવી. તમને બાળક જાણીને તમારી અનેક ધૃષ્ટતાઓને હું સહન કરી ગયો છું એટલે તમે વધારે મદમાં આવી ગયા છો, તો આજે મારે તમને તમારી એ ધૃષ્ટતાઓની સામટી શિક્ષા આપવી જ જોઈએ. હું આજે મારા કફનને માથાપર બાંધીને જ તમારી સાથે લડવા આવ્યો છું; અર્થાત્ કાં તો તમારાં મરણ થતાં મારો વિજય થશે અને કાં તો મારો સંહાર થઈ જશે. મારું મરણ થાય તેની મને જરા પણ ચિન્તા નથી; માટે, ખેંચો તલ્વાર અને થાઓ યુદ્ધ માટે તૈયાર !” જામ રાવળે પણ પોતાની કરડાકીનો એ શબ્દોથી ઘણો જ સારો પરિચય કરાવ્યો.

"વારુ, પણ કુટિલ કાકા, તમારે ઘેર અમારી કાકીમાટે સતી થવાની વ્યવસ્થા કરતા આવ્યા છો કે કેમ ? જો તે વ્યવસ્થા ન કરી હોય, તો અહીંથી ચિતા ખડકવાને પ્રથમ કાષ્ટ મોકલી આપો કે જેથી તમારી પાછળ આવતાં તેમને વિલંબ ન થાય !” સાયબજીએ જામ રાવળને ઉદ્દેશીને મર્મવેધક શબ્દો ઉચ્ચાર્યા.

સાયબજીના આ શબ્દો જ રાવળની છાતીમાં બાણ જેવા લાગ્યા અને તેથી તે દાંત હોઠ ચાવતો ક્રોધથી કહેવા લાગ્યો કે: "ભત્રીજા, તારી કાકીની ચિતા તૈયાર કરાવવાને બદલે તમે બંન્ને ભાઈએ જે ઝાલી વહુઓને પરણી આવ્યા છો, તેમની ચિતા ખડકાવવાની તૈયારી કરવા માંડો; કારણ કે, નહિ તો તેમને આજન્મ વિધવાવેષમાં જ રહેવું પડશે.” "મારા વીર સેનાપતિ અને વીર સૈનિકો, યુદ્ધ માટે તૈયાર થાઓ અને તમારી વીરતા, સ્વામિનિષ્ઠા તથા નિર્ભયતાનો આજે વિશ્વને પરિચય કરાવો.” ખેંગારજીએ પોતાના સૈન્યને યુદ્ધ માટેની સૂચના આપી દીધી.

“શ્રી ખેંગારજીનો જય ! શ્રી રાવ સાહેબનો જય ! ” સૈનિકોએ ગગનભેદક ધ્વનિથી ખેંગારજીનો જયનાદ કર્યો.

રાવળે પણ એવી જ રીતે પોતાના સૈનિકોને યુદ્ધમાટેનો સંકેત કરી દીધો અને તેથી જોતજોતાંમાં ઉભય પક્ષના સૈનિકોના કોષમાંથી નીકળેલી અસિઓ સૂર્યનાં કિરણોના સંમેલનથી ચમચમ ચમકવા લાગી. યુદ્ધનો આરંભ થયો અને નરશોણિતથી ધરા રક્તષર્ણા થવા લાગી. સૈનિકોના જયનાદ, રણદુંદુભિના નાદ તથા ચારણોના શૌર્યવર્ધક કાવ્યનાદથી ગગનમંડળી નિનાદિત થવા લાગ્યો; રણચંડીને યથેચ્છ નરમાંસ તથા નરરક્તનો ભક્ષ મળવા લાગ્યો; ગૃધ્ર, શૃગાલ તથા વાયસ ઇત્યાદિ પોતાની ઊજાણીના સમયને આવેલો જોઈને પુલકિત થવા લાગ્યાં; સૈનિકોના ભૂમિપર થતા પદાઘાતથી તથા અશ્વોના ચાલનથી ધૂળ એટલી બધી ઉડવા લાગી કે જાણે ત્યાં મેઘોની ઘટા છવાયલી હોયની એ જ ભાસ થવા લાગ્યો અને સૂર્યની પ્રભા અદૃશ્ય થઈ ગઈ ! સૂર્યોદયના આરંભ સાથે આજના એ યુદ્ધનો પણ આરંભ થયો હતો એટલે સૂર્યનારાયણે મધ્યાહ્નસમયે જ્યારે પૂર્ણ પ્રચંડતાને ધારી લીધી, તે વેળા એ યુદ્ધ પણ જાણે પ્રચંડતાના વિષયમાં સૂર્યનારાયણની સ્પર્ધા કરતું હોયની ! તદ્વત્ પૂર્ણ પ્રચંડતાની સીમાપર આવી પહોંચ્યું. નરરક્તની ત્યાં નદી વહન કરવા લાગી અને તેમાં મૃત સૈનિકોનાં શરીરોના હસ્ત, પદ, મસ્તક, ઉદર અને જંધા આદિ ભિન્ન ભિન્ન અવયવો તરતા અને અન્ય સૈનિકોના પદાઘાતથી ઇતસ્તતઃ ઉછળતા દેખાવા લાગ્યા. મહાબીભત્સ તથા ભયાનક દૃશ્યનો ત્યાં વિસ્તાર થયો. સંધ્યાકાળ થતાં સુધીમાં જામ રાવળના સૈન્યનો એકચતુર્થાંશ ભાગ અવશિષ્ટ રહ્યો અને ત્રણચતુર્થાશ ભાગનો સંહાર થઈ ગયો. ખેંગારજીના સૈનિકો અધિક અનુભવી હોવાથી તથા તેમની પાસે ઉત્તમ પ્રકારનાં શસ્ત્રો હોવાથી તેમનો નાશ બહુ જ અલ્પ પરિમાણમાં થયો હતો અને તેથી જો બીજા દિવસના યુદ્ધમાં જામ રાવળ સામો આવે, તો તેના પરાજય લખાઈ ચૂક્યો હતો. સંધ્યાકાળ થતાં મૃત સૈનિકાના અગ્નિદાહ તથા ભૂમિદાહની વ્યવસ્થા કરવામાટે તેમ જ પરાપૂર્વના શિષ્ટાચારને અનુસરીને ઉભય પક્ષની સંમતિથી યુદ્ધ બંધ રાખવામાં આવ્યું અને એવી શર્ત કરવામાં આવી કે, બીજે દિવસે ખેંગારજી તથા જામ રાવળે દ્વંદ્વ યુદ્ધ કરીને પોતપોતાના ભાગ્યની પરીક્ષા કરી લેવી અને સૈનિકોનો અકારણ સંહાર ન કરાવવો. આ શર્ત જામ રાવળની ઈચ્છાથી કરવામાં આવી હતી; કારણ કે, જામ રાવળ પાસે જોઈએ તેટલું સૈન્ય નહોતું. પરંતુ ખેંગારજીની પોતાના બાહુબળમાં અને પરમાત્માની સત્યપ્રિયતામાં અચળ શ્રદ્ધા હોવાથી શત્રુની એ ઈચ્છાનો પણ તેણે આનન્દથી અંગીકાર કરી લીધો અને ત્યાર પછી ઉભય પક્ષના નેતા તથા સૈનિકો મૃત સૈનિકોની અંત્યેષ્ટિ ક્રિયા, ઘવાયલાઓની શુશ્રષા, ભોજન તથા વિશ્રાંતિ આદિમાટે પોતપોતાના શિબિરમાં ચાલ્યા ગયા.

આજના યુદ્ધના પરિણામને જોઇને જામ રાવળનો નિશ્ચય થઈ ગયો કે: “માતા આશાપુરાના વચનનો અનાદર કરીને ખેંગારજી સાથે મેં યુદ્ધ કર્યું, એ મારી મોટામાં મોટી ભૂલ થઈ છે અને માતાનું વચન મિથ્યા થવાનું નથી. એ આજના યુદ્ધના પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે. અર્થાત્ હવે કચ્છના રાજ્યનો ઉપભોગ મારા ભાગ્યમાં લખાયલો જ નથી એટલે વિનાકારણ યુદ્ધમાં પ્રાણાહુતિ આપવી એ ઈષ્ટ નથી. હવે તો મારામાટે એ જ ઈષ્ટ છે કે, ખેંગારજીનાં ચરણોમાં મસ્તક નમાવી પરાજ્યને સ્વીકારી અપરાધની ક્ષમા માગીને કચ્છ દેશનો ત્યાગ કરવો અને માતાજીની આજ્ઞા પ્રમાણે સમુદ્રને સામે કાંઠે જઈને ભાગ્યપરીક્ષાનો પ્રયત્ન કરવો; કારણ કે, ત્યાં મારા ભાગ્યનો ઉદય થશે, એવું માતાજીનું કથન હોવાથી ત્યાં માતાજી મને અવશ્ય સહાયતા આપશે. ખેંગારજી શરણાગતનો સંહાર કદાપિ કરવાનો નથી એટલે અધિક ભય રાખવાની કશી પણ આવશ્યકતા નથી..” આવા પ્રકારનો હૃદયમાં નિર્ધાર કરીને જામ રાવળ, હવે યુદ્ધની પ્રવૃત્તિની આવશ્યકતા ન હોવાથી, પરમ શાંતિથી નિદ્રાવક્ષ થયો.

એ જ રાતે ખેંગારજીને વળી એક અન્ય ચમત્કારનો સાક્ષાત્કાર થયો. ખેંગારજી પોતાના તંબૂમાં નિદ્રાવશ થયો હતો એવામાં તેને એક વિલક્ષણ તથા અદભુત સ્વપ્ન લાધ્યું અને તે સ્વપ્નમાં દેવી આશાપૂર્ણા તેને દર્શન દઈને કહેવા લાગી કે:

" में तो खेंगा तो त्रुठी, रुठ्ठी रावर जाम;
डिन्ना में तोके मिडे, कच्छ घराजा गाम"

અર્થાત્ “હે ખેંગાર, હું તારાપર ત્રુઠી છું એટલે કે પ્રસન્ન થઈ છું અને જામ રાવળપર રૂઠી છું એટલે કે કોપાયમાન થઈ છું. (આજથી) મેં તને આ કચ્છદેશની ભૂમિનાં સર્વ ગ્રામો આપી દીધા છે !” “અર્થાત્ આ દેશનું રાજ્ય હવે તારે જ ભોગવવાનું છે !” આટલું વચન કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ અને તત્કાળ ખેંગારજીની નિદ્રાનો પણ લોપ થયો. રાવ ખેંગારજીએ સાયબજીને જગાડ્યો અને છચ્છર તો તેમની રક્ષામાટે જાગતો જ બેઠો હતો એટલે ખેંગારજીએ પોતાના અદ્‌ભુત સ્વપ્નની કથા તેમને કહી સંભળાવીને પછી પૂછ્યું કે: "રાવળનું બળ ક્ષીણ થઈ ગયેલું હોવાથી આવતી કાલના યુદ્ધમાં તે આપણી સામે ટકી શકે તેમ નથી; તો જો તે આવતી કાલે આપણા હસ્તથી પરાજિત થાય, તો તેને મારી નાખવો કે ઉદારતાથી તેના અપરાધોની ક્ષમા આપીને જીવતો જ આ દેશમાંથી હાંકી કાઢવો? તેનાપર માતાજીનો કોપ થઈ ચૂક્યો છે એટલે હવે તે કોઈ પણ પ્રકારે આ દેશમાં તો સ્થિર થઈ શકવાનો નથી જ; તે પછી એ જ તેને સંપૂર્ણ શિક્ષા મળી છે, એમ માનીને તેનાપ્રતિ ઉદારતા શામાટે ન દર્શાવવી વારુ?”

છચ્છર જામ રાવળપ્રતિ અત્યંત ક્રોધ તથા તિરસ્કાર હોવાથી તે તત્કાળ બોલી ઉઠ્યો કેઃ “મારા મનમાં તો એમ જ થાય છે કે, જો જામ રાવળને મારવાનો અને જેવી રીતે ભીમસેને દુ:શાસનના રક્તનું પાન કર્યું હતું, તેવી રીતે જામ રાવળના રક્તનું પાન કરવાનો પ્રસંગ મને પ્રાપ્ત થાય, તો જ હું ધારું કે, આજે મારા માનવજન્મની સાર્થકતા થઈ અને જો એ પ્રસંગ ન મળે, તો આ જીવન વ્યર્થ છે!”

“જ્યેષ્ઠ બંધુ, મારો એવો અભિપ્રાય છે કે જો જામ રાવળ પોતાના પરાજયને સ્વીકારે, આપનાં ચરણોમાં મસ્તક નમાવીને પ્રાણદાન માગે અને આ દેશને સદાને માટે છોડી જવાનું તથા પુનઃ કદાપિ આ દેશમાં ન આવવાનું તેમ જ તે જ્યાં પણ પોતાની નવીન સત્તા જમાવે ત્યાં સદાને માટે આપણા વર્ચસ્વને સ્વીકારવાનું વચન આપે, તો જ તેને જીવતો જવા દેવો અને નહિ તો તેનો સંહાર કરી નાખવો.” સાયબજીએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો.

“મારા પ્રિય બંધુ સાયબજી, તમો વયમાં નાના હોવા છતાં તમારા વિચારો આવા પ્રૌઢ તથા પ્રગલ્ભ છે, એ જોઇને મને અતિશય સંતોષ થાય છે. મારો પણ એવો જ અભિપ્રાય છે કે જ્યારે આપણો શુભ સમય આવ્યો હોય, તે વેળાએ શત્રુ પર પણ ઉપકાર કરવો અને શત્રુને શસ્ત્રાસ્ત્રથી નહિ, પણ ઉપકારના શસ્ત્રથી જ સંહારવો. સત્ય ઉદારતા અને સત્ય વિજયશીલતા એ જ છે. માતાજીએ મને સ્વપ્નમાં એમ પણ જણાવેલું છે કે, જામ રાવળ સામે કાંઠે જઇને સુખી થવાનો છે અને તેના તથા તેના વંશજોના ભાગ્યમાં રાજ્યસુખ લખાયલું છે; અર્થાત્ માતાજીની તેને જીવતો રાખવાની ઈચ્છા હોવા છતાં જો આપણે તેને મારી નાખવાનો પ્રયત્ન કરીએ અને તેથી જો તે પ્રયત્નમાં આપણને યશ ન મળે, તો સામા આપણે અપયશના ભાગી થઈએ. છતાં પણ જો તે પરાજયને સ્વીકારી પોતાના અપરાધની ક્ષમા ન માગે, તો તો ક્ષત્રિયધર્મ અનુસાર આપણાથી તેને જીવતો જવા ન જ દેવાય. હવે જોઈએ કે પ્રભાતમાં શું થાય છે; પ્રભાતમાં જેવો રંગ દેખાશે, તદનુસાર આપણે પણ વર્તીશું. મને તો લાગે છે કે, માતાજી અવશ્ય તેને પણ સદ્‌બુદ્ધિ આપશે અને તે મુખમાં તૃણ ધારણ કરીને આપણા ચરણોમાં મસ્તક નમાવવામાટે આપણી પાસે આવશે." ખેંગારજીએ કહ્યું.

પ્રભાત થયો અને ખેંગારજીના સૈનિકો યુદ્ધમાટે તત્પર થઈ ગયા; પરંતુ શત્રુપક્ષની સેનાને રણાંગણમાં આવેલી જોવાને બદલે જામ રાવળના તંબૂપર તેમણે સમાધાનસૂચક શ્વેત પતાકાને ઉડતી જોઈ અને એ સમાચાર જ્યારે ખેંગારજીએ સાંભળ્યા એટલે જામ રાવળનો આશય તત્કાળ તેના જાણવામાં આવી ગયો. ખેંગારજીએ પણ પોતાના તંબૂપર સમાધાનના સ્વીકારને સૂચવતી શ્વેત પતાકા ચઢાવવાની પોતાના સૈનિકોને આજ્ઞા આપી દીધી અને તેથી યુદ્ધ હાલ તરત મુલ્તવી રહ્યું.

થોડી વાર પછી જામ રાવળ પોતાના કેટલાક અંગીય અને વિશ્વાસપાત્ર કર્મચારીઓને લઈને શસ્ત્રાસ્ત્ર વિના ખેંગારજીના શિબિરમાં આવ્યો અને તેના આવવાના સમાચાર ખેંગારજીને મળતાં તેણે તેને પોતાના તંબૂમાં બોલાવ્યો. ખેંગારજી તથા સાયબજી એક આસનપર બેઠા હતા; પાસે છચ્છર, રણમલ્લ તથા સેનાપતિ અને અંગરક્ષકો આદિ ઊભા હતા અને ખવાસો 'ખમ્મા ખમ્મા'નો ધ્વનિ કરી રહ્યા હતા; એવામાં જામ રાવળ ત્યાં આવ્યો અને મસ્તકને અવનત કરી હસ્તદૂય જોડીને ખેંગારજી સમક્ષ ઊભો રહ્યો. તેના એક કર્મચારીના હસ્તમાં તેની તલ્વાર હતી તે તેણે ખેંગારજીના ચરણમાં મૂકી દીધી અને એ કૃતિ પરાજયના સ્વીકારને દર્શાવનારી હોવાથી જેવી તેણે તલ્વાર મૂકી કે તરત ખેંગારજીએ પોતાના આસનપરથી ઊઠીને તેને આલિંગન આપ્યું અને ત્યાર પછી માનપૂર્વક તેને પોતાની પાસેના એક આસનપર બેસાડીને ગંભીરતાથી કહેવા માંડ્યું કે:–

"પૂજ્ય કાકા, તમોએ પરાજયનો સ્વીકાર કરી લીધો છે અને તે સાથે આપણા યુદ્ધ તથા વૈરભાવનો અંત આવી ગયો છે. તમોએ અમારા પૂજ્ય પિતાશ્રીનો વિશ્વાસથી ઘાત કર્યો હતો એટલે અમો પણ જો ધારીએ, તો તમારા પ્રાણ લેવાને સમર્થ છીએ; પરંતુ શરણાગતનો સંહાર ક્ષત્રિયધર્મમાં નિષિદ્ધ હોવાથી અમો તમારી હત્યા કરવાના નથી; કારણ કે, એથી અમારા કુળમાં શાશ્વત કલંક લાગવાનો સંભવ છે. તમોએ તો તમારા કુકૃત્યથી તમારા કુળને શાશ્વત કલંકિત કરી દીધું છે, પણ અમારાથી તેમ બની શકે એમ નથી. અમો તમારા સર્વે અપરાધોની તમને ઉદારતાથી ક્ષમા આપીએ છીએ અને તેથી તમો હવે સર્વ પ્રકારે નિર્ભય છો. માત્ર અમારી એટલી આજ્ઞા તમારે પાળવાની છે કે, બે દિવસમાં તમારાં પુત્રકલગ તથા તમારી પોતાની જે કાંઈ મૂળ સંપત્તિ હોય, તે સર્વ લઇને આ કચ્છ રાજ્યમાંથી ચાલ્યા જાઓ અને પુનઃ આ કચ્છદેશમાં કદાપિ આવશો નહિ; તેમ જ જો અન્ય સ્થાનમાં તમો બાહુબળથી કે પછી આશાપૂર્ણા માતાની કૃપાથી રાજ્યની સ્થાપના કરો, તો તે વેળાયે કચ્છના રાવનું તમારા૫ર વર્ચસ્વ છે, એ દર્શાવવામાટે ખાંડું અને પોષાક રાજ્યાભિષેકની વેળાયે અહીથી મંગાવજો. જો અમારી આ આજ્ઞાના પાલનમાં લેશ માત્ર પણ પ્રમાદ કરશો, તો તે વેળાયે નવીન વૈરનો ઉદ્‌ભવ થશે અને અમો તમને ક્યાંય જંપીને બેસવા નહિ દઈએ."

ખેંગારજીનાં આ વચનો સાંભળીને જામ રાવળે કહ્યું કે: "મેં જ્યારે હવે મારાં શસ્ત્રોને આપનાં ચરણોમાં મૂકી દીધાં છે અને સર્વથા પરાજયનો સ્વીકાર કરી લીધો છે એટલે પછી આપની આજ્ઞાના પાલનમાં હું ત્રુટિ કરું, એ કદાપિ સંભવે જ નહિ. હું આશાપૂર્ણા માતાજીના શપથ લઈને કહું છું કે, હું હવે ભવિષ્યમાં કદાપિ આપ સાથે વૈરભાવ રાખીશ નહિ અને આપની સર્વે આજ્ઞાઓનું યથાસ્થિત પાલન કરીશ. પરંતુ મારી માત્ર એટલી યાચના છે કે, આ કચ્છ દેશને ત્યાગી જવા પૂર્વે હું જે કાંઈ પણ કોઇને ઇનામ તથા દાન આપી જાઉં, તે ઇનામ તથા દાન તમારે કાયમ રાખવા અને મારા લેખનો અસ્વીકાર કરવો નહિ. આ હું મારી સત્તાથી માગતો નથી, પણ નમ્રતાથી માગી લઉં છું અને આપ ઉદારાત્મા હોવાથી આશા છે કે અવશ્ય ઉદારતાનો પરિચય કરાવશો."

"ભલે, તમારી એ ઇચ્છા પણ મને માન્ય છે." ખેંગારજીએ પોતાની કુલીનતા તથા ઉદારતાનો અપૂર્વ પરિચય કરાવ્યો.

જામ રાવળ ખેંગારજીનો આભાર માનીને પોતાના ગામ બાડામાં ચાલ્યો ગયો અને ત્યાં જઈને તેણે ચારણોને પચાસ ગામ ઇનામમાં લખી આપ્યાં. ખેંગારજીએ અપૂર્વ ઉદારતા તથા વચનશીલતા દર્શાવીને, પોતાની હાનિ હોવા છતાં પણ, તેનાં એ દાનપત્રોને સ્વીકારી તેમનાપર પોતાની મુદ્રા કરી આપી અને તેથી તે ગામો અને ગરાસ અદ્યાપિ ચારણોના વંશજો ભોગવે છે. ત્યાર પછી પોતાના પરિવાર, પોતાની સંપત્તિ તથા ચાર હજાર સૈનિકોને લઈને જામ રાવળ કચ્છમાંથી નૌકામાં બેસીને સમુદ્રના સામે કાંઠે જવામાટે પ્રયાણ કરી ગયો અને તેના પ્રયાણથી કચ્છદેશનો રાજ્યાધિકાર કોઈ પણ પ્રકારના અન્ય વિઘ્ન વિના ખેંગારજીના હસ્તમાં આવી ગયો. ખેંગારજીએ સૈન્ય સહિત લાખિર વિયરાની દિશામાં ગમન કર્યું.

⇚~•~•~•~⇛