કચ્છનો કાર્તિકેય/યુવરાજ જન્મતિથિ મહોત્સવ

કચ્છનો કાર્તિકેય
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
૧૯૨૨


કચ્છનો કાર્તિકેય
અથવા
જાડેજા વીર ખેંગાર

પ્રથમ ખંડ–સંધ્યા

પ્રથમ પરિચ્છેદ
યુવરાજજન્મતિથિમહોત્સવ

આપણે કચ્છના ઈતિહાસમાંના જે સમયની એક વિશિષ્ટ ધટનાનું પ્રસ્તુત નવલકથામાં સવિસ્તર વર્ણન કરવાનું છે, તે સમયમાં કચ્છ દેશની રાજધાની લાખ્યાર વિયરાની રચના તે સમયના આર્યાવર્તનાં સર્વ નગરો કરતાં વધારે ઉત્તમ કરવામાં આવી હતી. નગરનો વિસ્તાર તો થોડો હતો, પણ તેની શોભા વિશેષ હતી. એ નગર બે ચોરસ માઈલના વિસ્તારમાં વસેલું હતું, એટલે એ ગોળ ચક્રાકાર નહિ, કિન્તુ ચતુષ્કોણ હતું, અને તે ચારે ખૂણે નગરનો એકસરખો આકાર કરવામાં આવ્યો હતો. એ નગરમાંનાં ગૃહોની રચના એવી તો દક્ષતાથી કરાયેલી હતી કે સંધ્યાસમયે વનમાંથી ચરીને પાછી વળેલી ગાયો પોતાના નિત્યના નિવાસસ્થાનને પણ ભૂલી જતી હતી. પ્રત્યેક ગૃહના અગ્રભાગમાં સભાસદન સમાન એક વિશાળ ઓરડો જુદો રાખેલો જોવામાં આવતો હતો. પ્રત્યેક ગૃહ એક જ માળનું અને અગાસીવાળું કરેલું હતું તેમ જ તે ગૃહોના નીચેના ઓટલાઓનો આકાર પણ બહુ જ મનોહર દેખાતો હતો. બધાં ગૃહો પાષાણ તથા ચૂનાનાં જ બાંધેલાં હતાં તેમ જ ભીંત પણ ચૂનાથી ધોળાયેલી હતી. પ્રત્યેક ગુહમાં સ્વચ્છતા એવી તો સરસ રાખવામાં આવતી હતી કે, જો ભીંત આદિપર મક્ષિકા બેસે તો તે પણ લપસી જાય. ભીંતોનો આદર્શ શ્વેત દુગ્ધ સમાન દેખાતો હતો. ભીંતોપર દેશની પુરાતન પદ્ધતિ પ્રમાણે નાના પ્રકારનાં ચિત્રો ચિત્રવામાં આવ્યાં હતાં અને તે અતિશય રમણીયતાનો ભાસ કરાવતાં હતાં. ઘરોની ભીંતો એવી તો મજબૂત ચણેલી હતી અને તેમાં પાષાણો એવા તો મજબૂત બેસાડેલા હતા કે નગરને દુર્ગવડે રક્ષિત કરવાની આવશ્યકતા પણ ટળી ગઈ હતી. નગરને છેડે જેટલાં ઘરો હતાં, તે બધાંની પછીતો નગરના બાહ્ય ભાગમાં પડેલી હતી અને તેમણે દુર્ગનું સ્વરૂપ ધારણ કરેલું હોવાથી જાણે તે ચતુષ્કોણ દુર્ગમ દુર્ગ જ હોયની ! એવો જ જોનારને ભ્રમ થઈ જતો હતો. ઘરોમાં બારી અને બારણાં અસ્સલ મલબારી સાગનાં જ નાખવામાં આવ્યાં હતાં અને તેમનાપર સોનેરી પીળો રંગ ચઢાવેલ હોવાથી જાણે તે સુવર્ણનાં જ બનાવેલાં હોયની ! એ જ આભાસ થતો હતો. ઘરોની ભીંતોનો સ્વાભાવિક કિલ્લો બની ગયેલો હોવાથી નગરનાં ચાર દ્વારા મેહરાબવાળાં બનાવેલાં હતાં અને તેમાં પ્રત્યેક વેળાએ ચોકીદાર સિપાહીઓ બેઠેલા જોવામાં આવતા હતા. નગરના મધ્યભાગમાં તે સમયના રાજા જામ હમ્મીરનું સભાસદન દૃષ્ટિગોચર થતું હતું અને તેની રચના એવી કરાયેલી હતી કે તેને જોતાંની સાથે કોઈ પણ પ્રેક્ષક પ્રથમ દૃષ્ટિએ જ આનંદમાં લીન થઈ જતો હતો. ઘણી જ ઉત્તમ કારીગરીથી બાંધેલા એક સુંદર સરોવરના મધ્યભાગમાં થોડોક બેટ જેવો શુષ્ક ભૂમિભાગ રાખેલો હતો અને તેમાં સભાસદન બાંધવામાં આવ્યું હતું. ચાર દિશાએ જવા આવવા માટેના ચાર પાષાણ માર્ગો કાઢેલા હતા અને તે માર્ગો એવા તો સરળ હતા કે નગર બહાર જવાના માર્ગો પણ ત્યાંથી સ્પષ્ટ દેખાતા હતા. સભાસદનમાંના સભાસ્થાનની રચના એવી તો અદ્‌ભુત કરવામાં આવી હતી કે જાણે ઇન્દ્રના નિવાસ માટે સાક્ષાત્ વિશ્વકર્માએ જ એની રચના કરી હોયની ! એવી જ કલ્પના થતી હતી. આસપાસ વિસ્તરેલા સરોવરમાં સ્વચ્છ સલિલ સદોદિત ભરેલું જ રહેતું હતું. એ સરોવરના તીરે વળી એક ઉપવન પણ કરવામાં આવ્યું હતું અને તેમાંનાં વિવિધ પ્રકારનાં પુષ્પોના સ્પર્શથી સુગંધિત થયેલા મન્દ મન્દ વાયુની લહરીઓનો સ્પર્શ શરીરને સંતોષદાયક થતો હતો-એથી સર્વ શારીરિક ઉપદ્રવોનો લય થતો હતો અને અંતઃકરણમાં પણ આનંદની ભાવના વ્યાપતી હતી.

નગરના બહિર્ભાગમાં ચતુર્દિશાએ ચાર સરોવરો જોવામાં આવતાં હતાં. એ સરોવરો બહુ જ સુન્દર અને મનોહર હતાં તથા તેમના તીરપ્રદેશમાં મનોહર ઉદ્યાનોનો વિસ્તાર હોવાથી ત્યાંની મનોરંજકતા અવર્ણનીય થયેલી હતી. પ્રત્યેક ઉદ્યાનમાં એક એક મહાલય પણ કરવામાં આવ્યા હતા અને કોઈ કોઈ વાર રાજા પોતે આવીને તેમાં પોતાનો નિવાસ કરતો હતો. જ્યારે વર્ષાકાળ હોય, તે વેળાએ તો એ તળાવોમાં વર્ષાનું પાણી જ ભરાતું હતું, પરંતુ જો વૃષ્ટિનો અભાવ હોય, તો પાસેના હબાય પર્વતમાંથી એક નાળું કાઢેલું હોવાથી સરોવરમાં પાણીની કોઈ કાળે પણ ખોટ પડતી નહોતી.

ખેતીવાડીમાટે પણ રાજભંડારમાંથી કણબીઓને નાણાંની સારી રકમ આપવાની ગોઠવણ કરવામાં આવી હતી; એટલે સાધારણ કરતાં ધાન્યનો પાક વધારે પ્રમાણમાં થતો હતો. અત્યારે જેવી રીતે ખેડુતો વાણિયાઓ પાસેથી નાણાં ઉધાર લે છે અને પછીથી તેના વ્યાજમાં ને વ્યાજમાં જ તણાઈ જાય છે –અર્થાત્ કોઈ કાળે ઋણમાંથી મુક્ત થતા જ નથી; એ રીતિ તે સમયમાં પણ હતી. પરંતુ એ રીતિને અત્યન્ત હાનિકારક જાણીને જામ હમ્મીરજીએ કણબીઓને નાણાં ધીરવાનું એક જૂદું ખાતું રાખેલું હતું અને તે ખાતામાંથી અમુક શર્તે અમુક રકમ પ્રત્યેક ખેડુતને આપવી, એવો કાયદો કરવામાં આવ્યો હતો. એથી ધનધાન્યની વૃદ્ધિ થતાં દેશમાં પ્રજા પણ વધવા લાગી અને પરદેશમાં એ દેશની કીર્ત્તિનો વિસ્તાર થતાં કચ્છાધીશ જામ હમ્મીરની કીર્ત્તિપતાકા સર્વત્ર ફરકતી દૃષ્ટિગોચર થવા લાગી.

એવી એ સર્વ પ્રકારના વૈભવ અને સર્વ પ્રકારની ઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર કચ્છરાજધાનીમાં આજે એક વિશિષ્ટ અને અપૂર્વ આનંદનો રંગ જોવામાં આવતો હતો. સર્વ પુરુષો નવીન વસ્ત્રો ધારણ કરીને ફરતા હતા અને સ્ત્રીઓ સોળ શ્રૃંગાર સજી હર્ષગીત ગાતી હતી. પ્રજાવત્સલ રાજા જામ હમ્મીરના કિંવા યુવરાજ રાજકુમાર ખેંગારજીની જન્મતિથિના મહોત્સવનો આજે શુભ દિવસ હોવાથી પ્રજાના મનમાં આનંદનો આવો અપૂર્વ ઉમળકો આવે, એ સર્વથા સ્વાભાવિક જ હતું. દરબારગઢમાં તો વળી એથી પણ અધિક આનંદનો વિસ્તાર થયેલો હતો અને અંતઃપુરમાંનો આનંદ તો સર્વથા અવર્ણનીય જ હતો. નગરમાંનાં સર્વ ગ્રહો તોરણોવડે શ્રૃંગારાયલાં હતાં અને અંતઃપુર તથા સભાસદનને પણ તોરણ તથા ધ્વજાપતાકાથી મંડિત કરવામાં આવ્યાં હતાં. અત્યારે આપણે સભાસદનમાંના એક વિશિષ્ટ દૃશ્યનું અવલોકન કરવાનું છે.

યુવરાજના જન્મદિવસમહોત્સવના શુભ પ્રસંગે આજે પ્રભાતમાં જ એક સભા ભરવામાં આવી હતી અને તેમાં જામ હમ્મીરજીના ભાયાતો, અન્ય સબંધીઓ, કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકો અને જમીનદારો આદિ કુમારનું દીર્ઘાયુષ્ય ઈચ્છવાને; તેમ જ કવિજનો તથા ભાટ અને ચારણો કુમારને આશીર્વાદ આપવાને ઉપસ્થિત થયા હતા. રાજાના સંબંધિજનોમાં જામ રાવળ સર્વથી મુખ્ય હતો. નાના પ્રકારના વસ્ત્રાલંકારમંડિત એ વિવિધ પુરુષોથી ઉભરાઈ જતી સભામાં થોડી વાર પછી મહારાજ જામ હમ્મીર પોતાના ચાર કુમાર-અલૈયાજી, ખેંગારજી, સાયબજી અને રાયબજી–સહિત આવી લાગ્યા અને સિંહાસને વિરાજ્યા. એ વેળાએ મહારાજા અને સર્વ કુમારોએ મૂલ્યવાન્ વસ્ત્રાભૂષણો ધારણ કર્યા હતાં, પરંતુ તેમાં પણ ખેંગારજીનાં વસ્ત્રાભૂણો સર્વ કરતાં ઉત્તમ હતાં, અને તેની તેજસ્વિતા પણ અપૂર્વ દેખાતી હતી. કુમારોવડે ઘેરાયલો સિંહાસનસ્થ રાજા નક્ષત્રોના મધ્યમાં શોભતા નિશાનાથ ચંદ્ર સમાન શોભવા લાગ્યો.

અહીં જણાવવું જોઈએ કે ખેંગારજી જામ હમ્મીરજીનો પ્રથમ કુમાર ન હોવા છતાં એને પ્રથમ પુત્ર કિંવા યુવરાજ તરીકે ઓળખાવવાનું કારણ એ કે, અલૈયાજી જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં રખાયતનો પુત્ર હતો અને ખેંગારજી રાણીજાયો કુમાર હોવાથી હમ્મીરજી પછી સિંહાસનનો સ્વામી એ જ થવાનો હતો. એ ખેંગારજી પછી પણ જામ હમ્મીરની રાણીના પેટે સાયબાજી અને રાયબજી નામના બીજા પણ બે પુત્રો અવતર્યાં હતા અને કમાબાઈ નામક એક રાજકુમારી પણ હતી; પરંતુ તે રખાયતની પુત્રી હતી. એ પાંચ સંતાનોમાંનાં અલૈયાજી તથા કમાબાઈ વિના સર્વના જન્મોત્સવપ્રસંગે જામ રાવળ જામ હમ્મીરજીને ત્યાં આવી ગયો હતો અને પ્રત્યેક વેળાએ પોતાની ઘણી જ સારી લાગણી બતાવી હતી એટલે જામ હમ્મીરનો રાવળમાં અતિશય વિશ્વાસ અને અનિવાર્ય પ્રેમ બંધાયો હતો. જામ હમ્મીરે આસને વિરાજવા પછી સૌમ્ય મુદ્રા, ગંભીર વાણી અને આનંદદર્શક ભાવથી સર્વ સભાજનોને ઉદ્દેશીને કહ્યું કે;—

“મારા ભલા ભાયાતો, સંબંધિજનો, નાગરિકો અને પ્રજાજનો, આજે મારા યુવરાજ ખેંગારજીના જન્મતિથિમહોત્સવપ્રસંગે તમો સર્વને મારા આગારમાં એકત્ર થયેલા જોઈ તમારા મારા પ્રતિના સદ્‌ભાવનું અચાનક સ્મરણ થઈ આવે છે અને તેથી મારો હર્ષ અંતરમાંથી ઉછળીને બહાર નીકળી જાય છે. ખરેખર મને આવા પ્રેમી સંબંધીઓ અને આવી રાજનિષ્ઠ પ્રજા મળી છે, એ મારાં મહાભાગ્ય ! આ કૃપામાટે ઈશ્વરનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે. હું રાજા તો છું; પણ મારી ખરી શોભા અને સત્ય પ્રતિષ્ઠા કેવળ તમારાવડે જ છે. જામ રાવળજી ! તમારો તો મારે ખાસ આભાર માનવો જોઈએ; કારણ કે, કુમારોના જ્યારે જ્યારે પણ જન્મદિવસ આદિ શુભ પ્રસંગો આવે છે, ત્યારે તમે તો ગમે તે પરિશ્રમ વેઠીને આવ્યા વિના રહેતા જ નથી. મારા શિરપર તમારા ઉપકારનો ભાર વધારે અને વધારે ચઢતો જાય છે.”

"કૃપાનાથ, આ શું બોલો છે. રાજા તો ઘણા હોય છે, પણ પ્રજાવત્સલ, ન્યાયી, દાનપરાયણ અને સુશીલ રાજા કોઈક ભાગ્યશાળી પ્રજાને પ્રાપ્ત થાય છે. કચ્છની પ્રજા એવા સદ્‌ગુણમંડિત ભૂપાળને પ્રાપ્ત કરી મહાભાગ્યશાલિની થઈ છે અને સર્વેની ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે, જામ હમ્મીરજી તથા તેમના વંશજોનું રાજ્ય કચ્છમાં યાવચ્ચંદ્રદિવાકરૌ અમર રહો અને તેમના વૈભવની વૃદ્ધિ થયા કરો. હું તો આપનો નિરંતરનો હિતૈષી છું એટલે મારે તો આવા પ્રસંગે અવશ્ય ગમે તેમ કરીને આવવું જ જોઈએ. હું મારું કર્તવ્ય બજાવું છું તેમાં આપે મારો લેશ માત્ર પણ ઉપકાર માનવાનો નથી. આવા પ્રસંગે આપનાં દર્શન અને વાર્ત્તાલાપનો લાભ મળે છે, એ જ મારા પરિશ્રમનો સંપૂર્ણ બદલો છે,” જામ રાવળે અત્યંત નમ્ર ભાવથી એ વિનયયુક્ત વાક્યો ઉચ્ચાર્યા.

"'હીરા મુખસે ના કહે લાખ હમારો મોલ,' તે આનું જ નામ,” હમીરજીએ માર્મિકતાથી કહ્યું.

“કુમાર ખેંગારજી, હું આ વસ્ત્રાલંકારો તમારામાટે ખાસ તૈયાર કરાવીને લાવ્યો છું તે ધારણ કરો અને મારો આશીર્વાદ છે કે, તમે પિતા પ્રમાણે જ ક્ચ્છ દેશનું રાજ્યતંત્ર ચલાવી પ્રજાના પ્રીતિભાજન થાઓ,” જામ રાવળે કુમારને વસ્ત્રાલંકારોની ભેટ આપતાં કહ્યું.

"હું આપના આશીર્વાદને મસ્તકે ચઢાવું છું,” એમ કહીને ખેંગારજીએ આભારદર્શક મુદ્રાથી રાવળની ભેટ સોગાદનો સ્વીકાર કર્યો.

એ પછી અન્ય જનો તરફથી આવેલી ભેટ સોગાદોનો અંગીકાર કરવામાં આવ્યો અને એ વિધિની સમાપ્તિ થતાં કવિજનોને તેમણે રચેલી કવિતાઓ સંભળાવવાની આજ્ઞા કરવામાં આવી. પ્રથમ રૂપસિંહ બારોટે ઉઠીને નિમ્ન કવિતા લલકારી;—

છપ્પય–"હમીર, તું બલવીર, ધીર ગંભીર હિયારો;
દુખિયા ટાળણ ભીર, મીર મરદાંરો; પ્યારો;
તોઘર હુઓ કુમાર, ભાર ઉત્તારણ ભૂકો;
મહાપ્રતાપી ભૂપ, રૂપ સુન્દર તનહૂકો;
બલ યોધ, ક્રોધ ભંજન સુઘડ, ઇહિં સમ ઔર ન હોઈસી;
જામ હમીરા કુળદિવો, જગરો અનુભવ જોઇસી !


દોહરો–“સો વર્ષારો હોઈસી, મહાપરાક્રમવાન;
ઇસે ન કોઈ જીતસી, કુલદીપાવન જાન !


સોરઠો–“રાવાંરો યે રાવ, મહારાજપદ લેઇસી;
હમીર, થારો દાવ, લેસી ઇમ રૂપો ભણે!”

રૂપસિંહ બારોટની એ આશીર્વાદાત્મક કવિતાના કથનની સમાપ્તિ થતાં કાનજી ગઢવી ઉઠીને ઉભો થયો અને નીચે પ્રમાણે પોતાની કવિતાનો ઉચ્ચાર કરવા લાગ્યો;—

કવિત–"માંડવીરો મંડન, વિખંડન વૈરી ધરારો,
તોરિ ડારિ બંડન, પ્રચંડ ખંડ જીતસી;
યાદવ કુલતિલક, ભાલરી ભલી ભલક,
ખલકમેં યેહ એક, યોધ હોસી રીતસી;
મહાતેજવાન, બલવાન, રૂપરો નિધાન,
પૂર્વ પુણ્યવાન, અવસાન હોસી પ્રીતસી;
કાનજી ભણે ભવાની સ્થાપસી કચ્છારે માંહિ,
કચ્છરો ભૂપાલ લાલ યુવરાજ કીતસી !

દોહરો–"પચ્છમ હિન્દો પાતસા, અવતરિયો તો ગેહ;
ધન્ય જામ, નરનાહ તું, યામેં નહિ સંદેહ !"

કાનજી ગઢવીની એ યમકવાળી કવિતાના શ્રવણથી સભામાંના શ્રોતાઓના મનમાં અતિશય આનંદ થયો અને તેના બેસી જવા પછી કવીશ્વર કેશવદાસે ઉભા થઈ નીચે પ્રમાણે સભાજનોને પોતાના કાવ્યામૃતનું પાન કરાવ્યું;–

ભુજંગી

"અહો જામ હમ્મીર તું ભૂપ ભારી, મહારાજ રાજાધિરાજા ભયારી;
સદા હી અખંડ પ્રતાપી મહીશા, તું હી ભૂપભૂપા તું હી કચ્છ ઈશા.
બડે ચંદ્રવંશી સદા દાનદાતા, ભયે હો કુમારાહુકે યોગ્ય તાતા;
પ્રકાશ સ્વરૂપી યથા પૂર્ણ ઇન્દુ, તથા યેહ વ્હૈગૌ બડો રાજબિન્દુ.
પ્રજા પ્રીતિધારી મહાસૌખ્યકારી, ધરા જીતિ લેગો બડે શૂર મારી;
ફિરૈગો પ્રદેશા મહાદ્‌ભૂત વેશા, ન આપત્તિ વિપત્તિ ખેદાદિ લેશા.
સદા સુપ્રસન્ના સદા હી વિલાસી, કલા સર્વ ઐહૈં વિના હી પ્રયાસી;
બડો ભાગ્ય યાકો પુરાપુણ્ય ભારી, કરી હૈ તપસ્યા બડી કષ્ટ ધારી.
અબૈ ભાગવૈગો બડે ભોગ ઐસે, ધરા ચક્રવર્ત્તી સુભોગૈ હિ જૈસે;
શતાયૂ બને યે ચિરંજીવ તેરો, પ્રભૂજી કરે સત્ય એ વાક્ય મેરો.

દોહરો-"જીતિ લેયગો વૈરિદલ, સ્વતંત્ર કરહી રાજ;
કેશવકી આશીષ હૈ, પાવૈગો સબ સાજ !"

એ પછી એક કચ્છી બારોટ સભામાં આવીને બેઠો હતો તે ઉઠીને કચ્છી ભાષાની કવિતા બોલતો કહેવા લાગ્યો કે; —

દોહરા– "તૉઘર જામ હમીરજી, અવસર સારો અજ્જ;
હાણે' સાંકે ડીજ તું, તૉજી જાણે લજ્જ.

તૉઘર આયો રતન સે, મું ધરજો સિલધાર;
કચ્છ ધરાજો પાતસા, કેઓ સરજણહાર.
કરે વડો ભગવાન ઈ, ઝિઝો જિયે હી જામ;
થિયે વડો સિલધાર ને, પારે ખલક તમામ.
ધુઆ અસી ધિલનું ઘુરોં, અમર રખે ભગવાન;
સચી ગાલ બારોટ ચૈ, રખજા તેજો ધ્યાન !*"[]

એની પછી એક ગુર્જર કવિ પોતાના કવિત્વનું દર્શન કરાવતો બોલ્યો કે;—

ચોપાઈ–"કહુँ સાંભળો જામ હમીર, મનમાં બહુ રાખો ધીર;
કુમાર આ થાશે ફાંકડો, દેખાશે રૂડો વાંકડો.
મને એમ લાગ્યું છે આજ, કચ્છ ભૂમિનું કરશે રાજ;
બધા ભૂપને એ જીતશે, પણ વિપત્તિ એને વીતશે.
અંતે થાશે એ સરદાર, ભવિષ્ય એ સાચું નિર્ધાર;
માતાજીએ સ્વપ્ને કહ્યું, તેમ આજે બરાબર થયું."

અંતે નારોપંત નામનો એક દક્ષિણી કવિ પોતાની કવિતાકામિનીના લાવણ્યની છટાને બતાવતો બોલ્યો કે:—

આર્યાગીતિ–"સ્વામી કચ્છ ધરેચા, શ્રીમંત મહાનરાધિનાથ વરા;
સદ્‌ગુણયુક્ત વિચારી, પાલનકર્ત્તા હમીર જામ ખરા.
વીર કુમારીશ્રીચા, જન્મમહોત્સવ સદા સુખદ હોવો;
આણખિ સંતતિ વ્હાવી, સાર્વભૌમરાજતેજ હા પાવો!"†[]

સર્વ કવિઓના બોલી રહ્યા પછી એક સારસ્વત બ્રાહ્મણ કે જે એ જ નગરમાં વસતો હતો, તે જ્યોતિષી હોવાથી કુમાર ખેંગારજીનું વર્ષફળ તૈયાર કરી લાવ્યો હતો, અને તેથી તે ઉઠીને પ્રાર્થના કરતો કહેવા લાગ્યો કે: "અખંડપ્રૌઢપ્રતાપી મહારાજાધિરાજ, હું આજે કુમારશ્રીનું વર્ષફળ કાઢી લાવ્યો છું અને આજની સભામાં મારો તે વર્ષફળપત્રિકા વાંચી સંભળાવવાનો મનોભાવ છે; એટલામાટે મને તે વાંચવાની આજ્ઞા મળવી જોઈએ."

બ્રાહ્મણની એ પ્રાર્થના સાંભળીને હમ્મીરજીએ પોતાના ભૂધરશાહ પ્રધાનને સંકેત કર્યો અને તેથી દક્ષ સચિવ બ્રાહ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યો કેઃ "મહારાજ, આજે આપ આ માંગલિક પ્રસંગે પધાર્યા છો, તો જામ સાહેબની આજ્ઞા છે કે, જે કાંઈ વાંચવાનું હોય તે આનંદથી વાંચો."

"ખમા અન્નદાતાને" કહીને જોશીએ પ્રથમ મીન, મેષ, વરખ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ આદિ બાર રાશિઓનાં નામોનો ઉચ્ચાર કર્યો અને ત્યાર પછી કુંડળીમાંના ગ્રહોનું વિવેચન કરતાં કહ્યું કે: "કુમારના જન્મગ્રહોમાં આયુષ્યના ગ્રહો બલવાન્ તથા સ્વસ્થાને પડેલા હોવાથી તથા એમના હસ્તપાદ આદિની રેષાઓમાં પણ આયુષ્યવૃદ્ધિની સારી રેષાઓ હોવાથી એ કુમાર દિગ્વિજયી થવાના જ, એમાં તે કશી પણ શંકા નથી જ; પરંતુ બહુધા આ વર્ષમાં એમના શિરપર એક ગુપ્ત શત્રુનો આઘાત થવાને સંભવ છે, તેના નિવારણમાટે કાંઈ ઉપાય કરવો જોઈએ."

"તે ઉપાયનું કાર્ય આપને જ સોંપવામાં આવે છે એટલે ગ્રહશાંતિ આદિનો આજથી જ આરંભ કરો; જે ખર્ચ થશે તે રાજભંડારમાંથી આપવામાં આવશે." જામ હમ્મીરે આજ્ઞા કરી.

"જેવી અન્નદાતાની આજ્ઞા," જોશીએ કહ્યું.

સર્વ કવિ, ભાટ, ચારણ તથા બ્રાહ્મણ અને ભિક્ષુકોને તેમની યોગ્યતા પ્રમાણે ઉપહાર, પારિતોષિક, દાન અને ભિક્ષા આદિ આપવાના કાર્યનો આરંભ કરવામાં આવ્યો. એ વિધિ ચાલતો હતો એટલામાં એક ગુપ્ત રાજદૂત સભામાં આવી લાગ્યો અને તેણે રાજાને ત્રણ વાર નમન કરીને પ્રાર્થનાના સ્વરૂપમાં કહ્યું કે: "મહારાજાધિરાજ, હું એક ગુપ્ત સમાચાર લાવ્યો છું અને આપની જોડે ગુપ્ત વાર્ત્તાલાપ કરવાની અગત્ય છે."

"કાંઈ અશુભ સમાચાર છે કે?” હમ્મીરજીએ ગંભીરતાથી પૂછ્યું.

"અશુભ તો નથી, પરંતુ ભયંકર છે." ગુપ્ત દૂત બોલ્યો.

"વારુ ત્યારે અત્યારે હવે સભાનું વિસર્જન કરો." રાજાએ આજ્ઞા કરી.

ત્વરિત સર્વ સભાજનો નમન કરીને એક પછી એક ચાલતા થયા. કુમારો પણ મહાલયમાં ચાલ્યા ગયા. જામ રાવળનો જો કે એ ગુપ્ત સમાચારને જાણવાનો તીવ્ર મનોભાવ હતો, તો પણ ત્યાં રહેવું રાજનીતિથી વિરુદ્ધ હોવાથી તેને પણ ઈચ્છા ન હોવા છતાં ત્યાંથી ચાલ્યા જવું પડ્યું. માત્ર મહારાજા જામ હમ્મીરજી, પ્રધાન ભૂધરશાહ અને ગુપ્ત રાજદૂત એ ત્રણ પુરુષો જ ત્યાં રહ્યા. બહારના પહેરેગીરોને કોઈને પણ આજ્ઞા વિના અંદર ન આવવા દેવાની તાકીદ કરીને હમ્મીરજીએ દૂતને પૂછ્યું કેઃ "શા ભયંકર સમાચાર છે ?"

"અન્નદાતા, ગુજરાતનો સુલ્તાન મહમ્મદ બેગડો અમદાવાદથી હાલમાં સિંધ તરફ જાય છે અને તે આપણા દેશમાં થઈને જ જવાનો છે. મારા સાંભળવામાં આવી છે તે વાત જો ખરી હોય, તો તેની આપણી સાથે યુદ્ધ કરવાની પણ કાંઈક ઈચ્છા છે. એટલે જો એવું કાંઈ પણ બને, તો તે વેળાએ શા ઉપાયો યોજવા એના વિચારમાટેનો આપને યોગ્ય સમય મળે એ હેતુથી જીવના જોખમે આ સમાચાર મેં મેળવ્યા છે અને બે દિવસ ખાનપાન વિના પ્રવાસ કરીને આજે હું અહીં આવી પહોંચ્યો છું."

"વફાદારી ખરેખર આવી જ હોવી જોઈએ." જામ હમ્મીરજીએ ધન્યવાદ આપતાં કહ્યું.

"બાવાના આ શબ્દોપર અમારા પ્રાણ ઓવારી નાખવાને પણ અમે તૈયાર છીએ" દૂતે કૃતજ્ઞતા દર્શાવી.

"કેમ પ્રધાનજી, જો આ દૂતના લાવેલા સમાચાર પ્રમાણે જ બધી ઘટના બની આવે, તો એ સુલ્તાનને અહીંથી ટાળવાનો આપણે શો ઉપાય કરવો વારુ ?" હમ્મીરજીએ પ્રધાનને ઉદ્દેશીને પૂછ્યું.

"અત્યારે આપણી પાસે સૈન્ય તથા સત્તાનું એ સુલ્તાન જેટલું બળતો નથી જ એટલે એની સામા યુદ્ધમાં ઉતરવાથી તો સર્વથા હાનિ થવાનો જ સંભવ છે. હાલમાં તો આપણે રાજનીતિના કોઈ અનુકુળ તત્વનું અવલંબન કરીને સમય વીતાડી દેવો જોઈએ," પ્રધાને અભિપ્રાય દર્શાવ્યો.

"ત્યારે હમણાં આપણે કઈ રાજનીતિનો ઉપયોગ કરવો ?" હમ્મીરજીએ અત્યન્ત આતુરતાથી પૂછ્યું.

"રાજર્ષિ શ્રી ભર્તૃહરિએ રાજનીતિની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે:—

'सत्यानृता च परुषा प्रियवादिनी च हिंस्रा दयालुरपि चार्थपरा वदान्या ।
नित्यव्यया प्रचुरनित्यधनागमा चवाराङ्गनेव नृपनीतिरनेकरुपा' ॥'

એનો ભાવાર્થ એવો થાય છે કે, રાજનીતિ કોઈ વાર કેવળ સત્યનું જ અવલંબન કરી રહે છે, તે કોઈ વાર કેવળ અસત્યતાનું જ સ્વરૂપ બની જાય છે; કોઈ વેળાએ કર્કશા હોય છે, તો કોઈ વાર પ્રિયવાદિની પણ થાય છે; કોઈ વાર ઘાતુક તો કોઈ વાર દયાળુ; કોઈ વાર ધનલોભિની તો કોઈ વાર દાનશીલા તેમ જ નિત્યવ્યયકારિણી અને અત્યંત ધન મેળવનારી એવી રીતે ભૂપાલની નીતિ વેશ્યાનારી પ્રમાણે અનેક રુ૫વાળી હોવાનું કહેલું છે." રાજનીતિની એ પ્રમાણે વ્યાખ્યા કરીને ભૂધરશાહે જણાવ્યું કેઃ "આ પ્રસંગે આપણે આપણી રાજનીતિને સર્વથા પ્રિયવાદિની બનાવી નાખવી જોઇએ. આપણી પોતાની નિર્બળતા બતાવીને તેની સબળતાનો યશોગાન ગાવાં જોઈએ. પોતાની પ્રશંસા સાંભળીને પ્રત્યેક મનુષ્યને એક પ્રકારનો આનંદ થાય છે અને જ્યાં આનંદ થયો, ત્યાં તેનો અર્ધ કોપ તો તે ક્ષણે જ નષ્ટ થઈ જાય છે. આ વેળાએ આપણે બળથી નહિ, કિન્તુ કળથી જ કામ લેવાનું છે. મારી તો આ મંત્રણા છે, પછી તો જેવો મહારાજાધિરાજનો વિચાર," એમ કહીને તે રાજાના ઉત્તરની વાટ જોવા લાગ્યો.

વિચારાન્તે જામ હમ્મીરજીને પણ સંકટને ટાળી દેવાનો એ જ ઉપાય પ્રશસ્ત-યોગ્ય-જણાયો અને તેથી તેણે પોતાના પ્રધાનની મંત્રણાને અનુમતિ આપતાં કહ્યું કેઃ "ભલે જેમ તમને યોગ્ય લાગે તેમ કરજો; તમને એની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે."

"મારાથી થશે ત્યાં લગી તે હું કચ્છ રાજયનું અકલ્યાણ થવા દેવાનો નથી," ભૂધરશાહે કહ્યું.

"મારો તમારા વચન અને કૃત્યમાં પૂર્ણ વિશ્વાસ છે," હમ્મીરજીએ કહ્યું.

**** *

ત્રીજે દિવસે પ્રભાતમાં ગુપ્ત રાજદૂતોએ આવીને સમાચાર આપ્યા કેઃ "અમદાવાદનો સુલતાન મહમ્મદ બેગડો પોતાના વિશાળ સૈન્યસહિત આવીને રાપર પાસેના જંગલમાં છાવણી નાખી પડેલો છે."

હમ્મીરજીએ પોતાના પ્રધાનને, આગળથી કરી રાખેલી મંત્રણા પ્રમાણે, ત્વરિત જ મહમ્મદ બેગડાની છાવણીમાં જવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા પ્રમાણે યોગ્ય ઉપહાર-નજરાણું-લઈને સચિવ ભૂધરશાહ સુલ્તાનની છાવણીમાં જવાને ચાલતો થયો.


—🙔:🙔:🙔:🙔 🙒:🙒:🙒:🙒—

  1. *આ કચ્છી ભાષાની કવિતાનો ભાવાર્થ એ થાય છે કે:-"હે જામ હમ્મીરજી ! આજે મેં તારા ગૃહમાં કુમારને જોયો છે; એટલે પોતાની પ્રતિષ્ઠાને જાણી પિછાનીને અમને જે આપવું હોય તે આપજે. તારા ગૃહમાં જે રત્ન (પુત્રરત્ન) આવ્યું છે, તે મારા ગૃહનો સરદાર છે - અને ઈશ્વરે કચ્છ ધરાનો બાદશાહ કર્યો છે. એ જામ મોટો થાઓ, ઘણું જીવો. મોટો સરદાર થાઓ અને સર્વ જગતને પાળો, અમે હૃદયથી એ જ માગીએ છીએ કે, એને ભગવાન્ અમર રાખે. બારોટ આ સત્ય વાર્ત્તા કહે છે તેને ધ્યાનમાં રાખજો."
  2. †"હે કચ્છ ધરાના સ્વામી, શ્રીમંત, મહાનરાધિનાથ, ઉત્તમ, સદ્‌ગુણયુક્ત, વિચારશીલ અને પાલનકર્ત્તા જામ હમ્મીર ! આ કુમારશ્રીનો જન્મદિનોત્સવ સદા સુખદ થાય, તને અન્ય સંતતિ થાય અને આ કુમાર સાર્વભૌમ રાજાના તેજને પ્રાપ્ત કરે."