કલ્યાણિકા/કર્મચરિત્ર
← પરમાર્થ | કલ્યાણિકા કર્મચરિત્ર અરદેશર ખબરદાર |
કર્મનાં પ્રતિબિંબ → |
કર્મચરિત્ર
• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •
બાબા ! છોડ કર્મની છાયા ! કર્મે સહુ રંગાયા ! - (ધ્રુવ)
કર્મે પાપી, કર્મે ધર્મી,
કર્મે રંક ને રાયા;
કર્મ જ સહુને નાચ નચાવે,
કર્મે સહુ બંધાયા :
બાબા ! છોડ કર્મની છાયા ! ૧
કર્મે જડ ચેતનની લીલા,
પળપળ નવનવ માયા;
કર્મ સકળ સુખદુખ પ્રકટાવે,
ભોગી રોગી કાયા :
બાબા ! છોડ કર્મની છાયા ! ૨
કર્મે દાની, માની, જ્ઞાની,
મર્મે નીચ ગણાયા;
કર્મે લાખી, કર્મે ખાખી,
કર્મે મૂરખ ડાહ્યા :
બાબા ! છોડ કર્મની છાયા ! ૩
કર્મે તપ તીરથ ને પૂજા,
કર્મે ત્રિભુવનપાયા ;
કર્મ જ જન્મતણું છે કારાણ;
કર્મે સહુ વાહ્યા !
બાબા ! છોડ કર્મની છાયા ! ૪
કર્મસૂતરના દોરા વણી વણી
આપ જ મહીં ગૂંથાયા;
માયાનો શણગાર સજાવી
મંદિરદેવ સ્થપાયા !
બાબા ! છોડ કર્મની છાયા ! ૫
કર્મ કાળરૂપ સહુને બાઝે,
એમાં સહુ અટવાયા;
કર્મ છૂટ્યે જન્માંતર છૂટે :
અદ્દલ ન રહો અથડાયા !
બાબા ! છોડ કર્મની છાયા ! ૬