કલ્યાણિકા/ટિપ્પણ
← દૂરની ઘંટડી | કલ્યાણિકા ટિપ્પણ અરદેશર ખબરદાર |
સૂચિ → |
ટિપ્પણ
કવિએ કલ્યાણ સાધવા માટેની આ ભજનમાળા પાંચ ખંડ પાડેલા છે. ઝંખના, આવરણ, સાધન, પ્રકાશ અને આનંદ; અને એ પાંચે ખંડનાં ભજનો એક જ દોરામાં પરોવેલાં છે. ભક્તિમાર્ગ પર ચઢેલા માનસનો વિકાસ એમાં ક્રમેક્રમે સાધતો પ્રત્યક્ષ થાય છે.
પૃષ્ઠ ૩. થાળની ભેટ. વિવિધતાને વિચિત્રતાથી ભરેલા વિશ્વમાંથી તીર્થે તીર્થે ભટકીને બધામાંથી અમૃતરસ લઈને પ્રભુને ધરાવવા માટે કવિ થાળ તૈયાર કરે છે. કાશી જેવાં અનેક તીર્થોથી પવિત્ર જળ ભરી લાવતા કાવડિયા સાધુની જેમ આ કવિની થાળમાં પણ અનેક અમૃતરસ ભરેલા છે.
કડી ૪. વેદના રૂપી અમૃતવડે જામેલો આંખમાંથી ઝરતો હ્રદયકમળનો રસ-એ મારું અમૃત તત્ત્વ છે, અને વિશ્વમાં બીજે સ્થળે એ જડે એમ નથી. જગતની વેદનાના અનુભવે આર્દ્ર બનેલા હૈયાનો રસ-ભક્તિભાવ-એને કવિ પોતાના જીવનનું અમર તત્ત્વ-ઈશ્વરને ભેટ ધરવા યોગ્ય ગણાવે છે.
પૃષ્ઠ ૫. અમૃત તૃષા. જગતના દુઃખમય અનુભવોને લીધે દિલમાં દાહ ઊઠ્યો છે. તેને મટાડે એવા અમૃતની તીવ્ર ઉત્કંઠા પ્રદર્શિત કરે કવિ સંતોને ઈશ્વરના ભક્તોને પોતાની સાથે લેવા વિનવે છે.
કડી ૪ - કારણ કે પાર્થિવ જળથી સંતોષાય એવી અમારી તૃષા નથી. કોણ જાણે શાથી આ બળતી ને બાળતી પૃથ્વી પર અમે આવી પડ્યા છીએ ! અર્થાત્ બાહ્ય જગતની વસ્તુઓ આત્માની તૃષા સંતોષી શકે એમ નથી.
કડી ૫ - એ અમૃત - નિર્વાણ, મોક્ષ, ઈશ્વરસાન્નિધ્ય, પ્રભુકૃપાનાં અમૃત- માટેની તરસની પીડા ઘણી સખ્ત છે. આખું જીવન વેદનાભરપૂર-બળતા રણ જેવું લાગે છે. કવિ સંતો ને ભક્તો પાસે માગણી કરે છે કે આ એક જીવનની નહિ પણ ભવેભવની તૃષા મટાડે-જીવનનાં અંતિમધ્યેયનો સાક્ષાત્કાર કરાવે-એવું અમૃત મને કોઈ મેળવી આપો.
પૃષ્ઠ છ. પ્રભુપ્રેમના પાગલ અમે પ્રભુ પ્રેમમાં ઘેલા બની ગયા છીએ. બીજી કોઈ વસ્તુમાં અમારું ચિત્ત ચોંટતું નથી.
કડી ૨ - જગતનો ત્યાગ કરનારા સંન્યાસી શરીરે ભસ્મ ચોળે છે. અમે ઈશ્વરના પ્રેમમાં એટલા મસ્ત થઈ ગયા છીએ કે અમે બાહ્ય જગત બાળીને તેની રાખ અમારા શરીર પર ચોળી છે, અર્થાત્ જગતના બાહ્ય પદાર્થમાં અમને જરા રસ રહ્યો નથી. અમારી સર્વ વૃત્તિઓ કેવળ ઈશ્વર તરફ જ વળી છે.
કડી ૬. જગતરૂપી વસ્ત્ર અમારે શા કામનું છે ? એ પહેરવાથી તો ઉલટું અમારું શરીર મેલું બને. અમને તો એ વસ્ત્રના પહેરનાર-પ્રભુ-તરફ પ્રેમ છે. જગતની ઉપાધિમાં પડવાથી અમારો આત્મા હીન બને. અમને તો જગતના સર્જકને ચાલક તરફ જ પ્રીતિ છે. પ્રેમી પ્રિયાનાં વસ્ત્રો નથી જોતો, એને તો પ્રિયાનાં જ દર્શન કરવાં હોય છે, તેમ અમારે ઈશ્વરકૃત જગત નથી જોઈતું, પણ જગત્કર્તા ઈશ્વર જ જોઈએ છે.
કડી ૮. હદ્દ છોડીને એટલે આ સાન્ત જગત તજીને અમે બેહદમાં-અનન્તમાં-પ્રભુમયતામાં-ગયા. એ અનુભવ વર્ણવી શકાય એવો નથી. તમે ડાહ્યાં હો, દુનીયાદારીનાં માણસ હો, તો અમારા જેવા ઈશ્વર પાછળ પાગલ બનેલાઓના સાથમાં ન આવશો.
પૃષ્ઠ ૯. રસરેલ सर्वं खल्विदं ब्रह्म - આ બધું જ બ્રહ્મ છે. એનાથી ભિન્ન એવું કંઈ જ નથી. જે જે દેખાય છે તે સર્વની પાછળ એક જ અખંડ આત્મતત્ત્વ રહેલું છે.
કડી ૨. એકતાની ભાવનાના રસે આખી ખલક-દુનિયા ભીંજાઈ રહી છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભિન્નતા રહી નથી. આંખ ભલે કરોડ છે પણ તે એક જ તેજનું ગ્રહણ કરે છે, તેવી રીતે દુનિયામાં દેખાય છે કરોડ જુદી જુદી વસ્તુએ પણ તે સર્વની પાછળ રહેલું તત્ત્વ તો એક જ છે.
કડી ૯. એ બ્રહ્મ રસમાં-આત્મૈક્યભાવના રસમાં જે પૂરેપૂરા ડૂબી ગયા અર્થાત્ જેને એનો સંપૂર્ણ રીતે અનુભવ થયો તે જ આ સંસારને તરી ગયા.
કડી ૧૦. દેહને લીધે 'મારું તારું' આદિ ભેદભાવ પ્રવર્તે છે. એ દેહાભિમાન ખસેડીને જુઓ તો માલુમ પડશે કે આ બધું જ બ્રહ્મસ્વરૂપ છે. અને એ અનુભવ થયા પછી કોણ કોનાથી જુદું રહી શકશે ?
પૃષ્ઠ ૧૦. આત્માનો સગો અંગનાં એટલે કે પાર્થિવ સંબંધનાં સગાંઓ દૂર છે કે પાસે છે તે પણ મારાથી પરખાતું નથી. તું જ મારા આત્માનો સગો છે અને મારું હૃદય તારું જ સગપણ કબૂલ કરે છે. તું મને મૂકીને ક્યાંય નહિ જાય એવી મને ખાતરી છે.
કડી ૨. માટીનું બનેલું સ્થૂળ શરીર ને રેતીનાં બન્યાં હોય એવાં જૂઠાં સગાંવહાલાંઓમાં વિશ્વાસ રાખીને આખી દુનિયા ભ્રમણામાં પડી છે કારણ કે જેની આંખને હૃદયના ચેતનનો પ્રકાશ નથી સાંપડ્યો, અર્થાત્ જેને આધ્યાત્મિક દૃષ્ટિ નથી મળી, તેને તું શી રીતે દેખાવાનો હતો ?
કડી ૩. શુક્લ પક્ષમાં ચન્દ્રનું તેજ ખીલે છે, પણ અમાસ આવ્યે ચન્દ્રિકાનો પ્રકાશ જતો રહે છે ને દુનિયામાં અંધકાર ફેલાય છે; કારણ કે ચન્દ્રનું તેજ એ તેના આત્માનું પોતાનું તેજ નથી. એ તો પરતેજે પ્રકાશે છે. તે જ રીતે સગાંવહાલાંઓ એ આત્માનાં સાચાં સગાંવહાલાં નથી. એમની માયામમતા જૂઠી હોય છે. આત્માનો સાચો સગો તો ઈશ્વર જ છે.
પૃષ્ઠ ૧૨. દર્શનની ઝંખના ઈશ્વરના દર્શનની ઝંખના કવિના હૃદયમાં જાગે છે ને એ એને સર્વત્ર ઢૂંઢે છે. હૃદયમાં ભાવનો સમુદ્ર ઉભરાય છે.આકાશને અડે એટલાં ઊંચાં મોજાં એમાં આવે છે પણ છેવટે તો એ મોજાંઓ કૂદી કૂદીને કિનારે અટકે છે. ઈશ્વરનાં દર્શન થતાં નથી. વીજળીની પાંખ પર ચઢીને આકાશને સૃષ્ટિ એ ખોળી વળે છે.સૂર્યચન્દ્રની પીઠ પર બેસીને કિરણે કિરણ ઢૂંઢી વળે છે. સ્વર્ગ ને પાતાળના ભેદ ખોલે છે. તારા, ઉષા, સન્દ્યા, ઈન્દ્રધનુષ, રાત, દિવસ ઈત્યાદિમાં ઈશ્વરને શોધવા કવિ મથે છે પણ એમાં સંપૂર્ણ દર્શન થતાં નથી.
કડી ૭. એ ઈશ્વર અંદર હશે કે બહાર છુપાયો હશે ? એનો આકાર કેવો હશે ?મારામાં ને તારામાં સર્વત્ર એ જ રહેલો છે, તો એના જુદા આકરની ક્લ્પના શી રીતે કરવી ? એ તો આપણી આંખની કીકીમાં જ વસ્યો છે. એ દૃશ્ય નથી પણ દ્રષ્ટા પોતે જ છે. એને ક્યાં જોવા જવો ? મારી કીકીનાં દ્વાર કોઈ ખોલો, અર્થાત્ આત્માની દૃષ્ટિ ઉઘાડો તો એનાં દર્શન થશે.
પૃષ્ઠ ૧૬. છુપામણાં મારો પ્રભુ સંતાઈ ગયો છે. એને ક્યાં શોધું ? નીચે, પૃત્વી પર લીલાના - માયાના - અનેક પડદા પડ્યા છે. ઉપર, આકાશમાં અસંખ્ય તારાઓનું ટોળું જામ્યું છે. એ સર્વમાં મારો પ્રભુ ક્યાંક સંતાઈ રહ્યો છે. દશે દિશાની દોર બનાવી હું ઊંચા આભને હીંડોળું છું. આ બાજુ વાદળો ને પેલી તરફ તારાઓ: બન્ને વચ્ચે મારું ભોળું હૃદય ઝોલાં ખાય છે. મારો પ્રભુ જડતો નથી ને જીંદગી મને નીરસ ભાસે છે. કોઈ સંત પુરુષ મને માર્ગ બતાવો, કારણ કે બ્રહ્માંડ ગમે તેટલું મોટું હશે પણ પ્રેમ આગળ એનો વિસ્તાર કંઈ વિસાતમાં નથી. આ મહાવિશાળ વિશ્વમાં છુપાએલી વસ્તુને પ્રેમ તરત પકડી શકે છે. "પ્રેમના તંતમાં સંત ઝાલે."
પૃષ્ઠ ૧૮. સત્યની શોધ કવિ ઈશ્વરને કહે છે, આખા સંસારમાં તારું સત્ય હું ક્યાં જઈને શોધી કાઢું ?
કડી ૪. કોઈક ખાણમાં રત્ન છુપાઈ રહ્યું હોય, કોઈ પત્થરની અગ્નિ છુપાઈ રહ્યો હોય, એમ તારું સત્ય છુપાઈ રહ્યું છે. हिरण्मयेन पात्रेण सस्यस्यापि हितं मुखम् । સુવર્ણના પાત્રથી સત્યનું મુખ ઢંકાઈ ગયું છે. બધે અંધારું છવાઈ ગયું છે, ત્યાં હૈયાંને કોણ ઉધાડી શકશે ?
કડી ૫-૬. કોઈક શરમાતી સુન્દરી પેઠે વીજળી ઝબકીને છુપાઈ જાય છે. 'આ રહી' એમ આંખ કહે છે પણ વીજળી તો જતી રહે છે ને પાછળ અંધારું રહી જાય છે. એમ તારા સત્યનો ઝબકાર કોઈક વાર જણાય છે પણ તેનું હું ગ્રહણ કરી શકું તે પહેલાં તે અલોપ થઈ જાય છે. હું એને શોધવા જાઉં છું ને એ ત્યાંથી છટકી જાય છે. હું હાથ વડે પકડું છું, પણ મારો હાથ ખાલીને ખાલી રહે છે. શું આખરે યુગેયુગથી આ જ પ્રણાલી - પદ્ધતિ - ચાલુ રહેવાની છે?
કડી ૮. પણ મારી શોધ છેક નકામી તો નહિ જ નીવડે. હારતું હારતું પણ મારું હૃદય લડત ચાલુ રાખશે. સત્યની શોધમાં આડે આવતાં વિધ્નો સામે એ ઝઘડશે અને પછી દિવ્ય દિશાનાં -આધ્યાત્મિક રહસ્યનાં પડો ધીરે ધીરે ઊઘડશે, અને પછી તો "હે હરિ" એમ માત્ર "હરિ" નામનો ઉચ્ચાર કરતાં જ તું તુરત મને તેમાં જ જડી આવશે !
પૃષ્ઠ ૯. દિશાસૂચન. સંત પુરુષ વગરનો પ્રભુનો માર્ગ કોઈ બતાવી શકે એમ નથી. ભલે લાખો પુસ્તકો પઢો પણ અનુબવી સંતો વગર એ માર્ગના કોઈ ભોમિયા થઈ શકે એમ નથી. જગતના માર્ગ કરતાં એ માર્ગ ઘણો વિચિત્ર અને અટપટો છે.
કડી ૨. દુનિયામાં નદી સમુદ્રને મળવા દો ડે છે, પણ આ માર્ગમાં તો સમુદ્ર નદીને મળવા દોડે છે, નદી પહાડ -પોતાનાં જ્ન્મસ્થાનને મળવા ઈચ્છે છે ને પર્વત પાતાળને પકડવા આતુર બને છે. અર્થાત્ માયાને લીધે અનેક પ્રકારનાં નામ ને રૂપના ભેદ વડે વિલસી રહેલો જીવાત્મા બધા ભેદભાવ મટાડી એક પરમાત્મ તત્ત્વમાં વિલીન થવા માગે છે, પણ વચ્ચે આડી દિવાલ ઊભી છે - અનેક અંતરાયો આવે છે, ને સંત પુરૂષ વિના એ અંતરાયો શી રીતે ઓળંગવા તે કોઈ બતાવી શકે તેમ નથી.
કડી ૬. વાદળાં ગગનને ઘેરી લે અને અંધારું ઘોર બને ત્યાં એક સૂર્ય વિના તો એ વાદળ પર ઈન્દ્રધનુષ્યનો ચમત્કાર કોણ બતાવશે ?
પૃષ્ઠ ૯. પ્રભુની સ્નેહઠગાઈ. પ્રભુ જગતરૂપી રમકડું આગળ ધરીને પોતે છુપાઈ રહે છે. જગતની અનેક લીલા ને લાલચોમાં બધા લોભાઈને પ્રભુને પકડી શકતા નથી. પણ મારે જગતનું કામ નથી; મારે તો તારું જ કામ છે.
કડી ૬-૭. તેં રચેલી માયાના લટકે બધાં મોહ પામે છે. હું પણ માણસ છું એટલે ઘડીભર એનાથી ખેંચાઈ જાઉં છું. આ દુનિયાનાં સુખ વિલાસ વગેરેનાં આકર્ષણે બંધાઈ તને ભૂલી જાઉં છું. પણ ત્યાં તારો સાદ સંભળાતાં-તારી મદદ ખડી થતાં ભૂલમાં પડેલો મારો આત્મા ફરી જાગૃત થાય છે ને હું સમજું છું કે આ જગત દેખાય છે તે તું નથી, એમાં તારી અનેક પ્રતિમૂર્તિ -નકલો છે, પણ તારું સાચું સ્વરૂપ નથી. તારાં પ્રતિબિમ્બો છે - પણ મૂળ બિમ્બ તો બીજે જ છુપાયું છે. એવું તારું જગત મારે નથી જોઇતું. જેમ કોઈ મનુષ્ય બાળકને રમકડાં આપી પોતે સંતાઈ રહે તેમ તું મને જગતના વિવિધ પદાર્થો રૂપી રમકડાં આપી સંતાઈ રહ્યો છે. મારે શું આખી જીંદગી આવાં રમકડાંથી રમીને જ સંતોષ માનવો ? અમારે તારા વિયોગે રડવું રહ્યું, ને તું તો સંતાઈને જોયા કરે છે ! તું નવાંનવાં રમકડાં આપે છે પણ તે ભાંગી નહીં જાય ? આ ક્ષણભંગુર જગતના પદાર્થો ક્ષણજીવી જ રહેવાના. આવી તારી પ્રેમભરી બનાવટ શાશ્વત - હંમેશની - છે. પણ મારે એવું જગત નથી જોઈતું.
પૃષ્ઠ ૨૫. પ્રભુનો જ સાથ મારે સ્વર્ગ જોઈતું નથી, મારે તો પ્રભુ ! ફક્ત તારો સાથ જોઈએ છે. તરા વિના બીજું સર્વ ઊણું ને અધુરૂં છે.
કડી ૪. વરસાદનાં થોડાંક બુંદ પડે કે કમોસમમાં માવઠું થાય તેથી જેમ પાક નીપજતો નથી, તેમ સ્વર્ગ મળ્યે મારા અંતરની આશા સંપૂર્ણ રીતે સંતોષાય એમ નથી. હું તો તારી કૃપાની ભરપૂર હેલીઓ વાંછું છું.
કડી ૬. સમુદ્રમાં મોતી પાકે એવું તારું નૂર છે. હું નાના સરખા બિન્દુ જેવો છું - પણ એ સિન્ધુનું - દરિયાનું બિન્દુ છું. એટલે આપણા બંનેનું પોત એક જ છે. બંનેમાં એક જ મૂળ તત્વ રહેલું છે. માટે મને તારો જ સાથ જોઈએ છે.
પૃષ્ઠ ૨૯. તલાવડી દૂધે ભરી રે વિશ્વરૂપી આ તલાવડી શુદ્ધ ચેતનરૂપી દૂધથી ભરેલી છે ને પુણ્યકૃત્યરૂપી મોતી વડે એની પાળ બાંધી છે. ત્યાં ઉચ્ચ પ્રદેશનો હંસ, ઈશ્વરનો અંશભૂત જીવાત્મા, આવીને દૂધ ને મોતી છોડીને લીલી શેવાળ ચરે છે, અર્થાત્ આધ્યાત્મિક તત્ત્વથી વિમુખ થઈ સંસારના બાહ્ય પદાર્થોમાં રચ્યોપચ્યો રહે છે. એ તળાવે દૂધ ને મોતીનો ચરો ચરવા ચંદા ને તારા આવે છે.
કડી ૪-૫. સૂરજ દાદાની દીકરી ઉષા પૂર્વને રોજ આ તલાવડી પર આવે છે. એમાં નાહીને પોતાના વાળે મોતી પરોવે છે ને જગત પર જાતજાતના રંગો પાથરે છે. દિનને કરનારા સૂર્યનાં કિરાણ રૂપી હંસો દશે દિશાથી ઊડતા ઊડતા આવે છે ને એના દુધ વડે પોતાના શરીરને ઉજ્જવલ બનાવે છે, ને યથેચ્છ મોતીનો ચારો ચરે છે.
કડી ૭-૮. હે ઉચ્ચ પ્રદેશના વાસી હંસલા, પ્રભુના અંશરૂપ જીવાત્મા, તારે તે જગતના વિષયોરૂપી શેવાળ ચરવાની હોય ? એમાં તો કંઈ તત્ત્વ નથી. તારાં ખરેખરાં ભક્ષ્ય-ખોરાક તો આ રસે ભર્યાં મોતી ને દૂધ છે. તું કેવળ સુધામય અર્થાત્ અમૃત તત્ત્વથી બનેલો છે, તારું તેજ અપાર્થિવ છે. માટે તું જ્ઞાન-ચેતનરૂપી દુધ ઝીલીને પુણ્યકૃત્યરૂપી મોતીનો ચારો ચરી એના દિવ્ય તેજથી દીપતો આધ્યાત્મિકતાના ઉચ્ચ પંથે ઊડ્યો જા.
પૃષ્ઠ ૩૨. દિવ્ય પ્રતિબંધ મારી પાસે અનેક પ્રકારની સંપત્તિ છે, તોયે પગલે પગલે મને અંતરાયો કેમ નડે છે?
કડી ૨-૩. મારે માટે આ અનંત ને ઊંડું આકાશ ઊડવા માટે છે. છતાં દિશાના છેડા જોઇ હું ડરી શા માટે જાઉં છું? હૃદયમાં ઊંડેઊંડે અદ્ભુત આશા રહેલી છે, પણ એના તંતુ તૂટી કેમ જાય છે?અલૌકિક સ્વપ્નોમાં હું રમી રહું છું, તો પણ નસીબમાં આખરે મારે આ પૃથ્વીની ધૂળ જ કેમ રહે છે ? મારા મુખ પર સુંદર સ્મિત ફરકી રહે છે, છતાં હૈયામાં આ કયા કાંટા ભોંકાય છે ? અર્થાત્ હું શુદ્ધ, મુક્ત સ્વતંત્ર આત્મતત્ત્વ છું, છતાં આ જડ જગતનાં બંધનો મને કેમ બાંધી રહ્યાં છે ?
કડી ૫. મારે પગલે પગલે તારા દિવ્ય પાશો-તારી માયાનાં અલૌકિક બંધનો રહ્યાં છે, તેમ છતાં મારો આત્મા પોતાની પાંખ વીંઝે છે. ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઊડવા એ પ્રયત્ન કરી રહ્યો છે. તારા ગગનમાં પ્રેમના પાવક પ્રજળે છે, છતાં આ કઇ શક્તિ મારી આંખને ઢાંકી રહી છે ? ઈશ્વરનો પ્રેમ પ્રવાહ અખંડ વહી રહ્યો છે, છતાં માયા મનુષ્યની દૃષ્ટિને આવરી રહી છે.
પૃષ્ઠ ૩૪. કમળતલાવડીનો હંસલો કમલોથી ભરેલી તલાવડી આગળ હંસ ઊભો રહ્યો છે. કમલો પર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ને હંસ પોતાની પાંખ બીડી તલાવની, કમલની ને ભ્રમરની સુદરતા પર મુગ્ધ થઇ ઊભો રહ્યો છે.
કડી ૪. પણ આ સર્વ સૌન્દર્ય ક્ષણજીવી છે. એક ઘડીમાં મનને મોહ પમાડી એ ઊડી જાય છે. પણ હંસ આંખ મીંચી ઊભો રહ્યો છે તેને ખબર નથી કે આ સુંદરતા ક્યાં સુધી ટકશે ? પાર્થિવ વિષયોની મોહિનીથી મુગ્ધ બનેલો જીવ જાણતો નથી કે એ સૌ ક્યાં સુધી ટકશે ?
કડી ૬. કમળતલવડી પર ઊભા રહેલા હંસ ! પાર્થિવ વિષયોના આકર્ષણમાં ભમી રહેલા જીવાત્મા ! તારી આંખો ખોલ, સાચું જ્ઞાન મેળવ ! ભલે ભમરા કમળ પર ગુંજારવ કરે, વિષયી જીવો વિષયોમાં ભલે અટવાય. તે તારી પાંખ શા માટે બીડી રાખી છે ? તું ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશનો પ્રવાસી છે. તું તારે ઊડ્યો જા !
પૃષ્ઠ ૩૯. દેવનો મોક્ષ મેં મારા મંદિરમાં દેવને સોનાના સિંહાસન પર પધરાવ્યા, મોંઘાં મોંઘાં ફૂલો એને ચઢાવ્યાં, ધૂપ ધરાવ્યા, દરરોજ એની પૂજા અર્ચના કરી. પણ મારું મંદિર તૂટી ગયું ને દેવ જતા રહ્યા ! બાહ્ય ઉપચારોથી પ્રભુ પકડી શકાતા નથી. એને તો સાચા હૃદયની ભક્તિ જોઈએ છે. આત્મા-પરમાત્માનું સાટું તો અંતરનું છે, તેને બહારની પૂજા કેમ સિદ્ધ કરે ?
પૃષ્ઠ ૪૦. પ્રભુની પ્રીત ઈશ્વર જોડે પ્રીત બાંધવી એ સહેલી વાત નથી. એ કાર્ય તો માથું મૂકી કરવા જેવું વિકટ છે.
કડી ૩.એ કાંઈ મોજમજા કરવાનું સ્થાન નથી, પણ પ્રેમનું પવિત્ર મંદિર છે. માથું કાપીને જે પહેલાં આંગણામાં મૂકે તેને જ એ પ્રેમમંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર મળે છે. અર્થાત્ હુંપદ તજી, અહંભાવ ભૂલીને જે કેવળ તન્મય થઈ જાય તેના જ હૃદયમાં પ્રભુ પ્રત્યે સાચો પ્રેમભાવ પ્રકટે છે.
પૃષ્ઠ ૪૨. મનબંધન મારું મન અત્યંત ચંચળ છે. એને તારા તરફ હું શી રીતે વાળું ? એને તો અનેક વિષયોમાં ભમવાની ટેવ પડી ગઈ છે. ઊંડી ઈન્દ્રજાળ-માયાવી રચના-હોય એવું એ છે. એને હું શી રીતે સ્થિર બનાવું ?
કડી ૬ એને હું લાડ કેમ લડાવું ? ભમતા ઢોરને જેમ ખીલે બાંધી તાળું મારવું પડે છે તેમ એ સત્યંત ચંચળ મનને હું ઈશ્વરરૂપી ખીલે બાંધી ભક્તિરૂપી તાળું મારું તો જ એ તારા તરફ સ્થિરભાવે વળેલું રહેશે.
પૃષ્ઠ ૪૪. ઉરની ભરતી કડી ૧ - ૨ હે ઈશ્વર, હું તને મારા મનમાં શી રીતે રમાડું ? મારૂં મન તારી પ્રત્યે શી રીતે વાળું ? મારા શરીરમાં ને મનમાં ખૂબ બળપૂર્વક માયાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. જરા પણ જગા તારે માટે બાકી રહી નથી. તેમાં તારું ગાન કરી આનંદ પામવા મને સહેજ પણ અવકાશ મળતો નથી. પહેલાં તો માયા મારા પ્રેમનું પાત્ર-પ્રિયતમા-બનીને મારા મનમાં પેઠી ને હવે એણે મારું આખું જીવન કબજે કરી લીધું છે.
કડી ૪ - ૫ આ જગતમાં જે ભિન્ન ભિન્ન પદાર્થો દેખાય છે તે નામ તથા રૂપને લીધે જુદા જુદા દેખાય છે. તત્ત્વ તો સૌની પાછળ એક જ છે. એ નામ રૂપની વ્યાખ્યા કરવા, એનાં લક્ષણો પકડવા, તું હુંરૂપે અર્થાત્ માનવી સ્વરૂપે જગતમાં આવ્યો. एकोऽहं बहु स्याम़ હું એક છું તે અનેકરૂપે થાઉં, એવી ઈચ્છા કરી તું જ જુદા જુદા સ્વરૂપે જગતમાં આવ્યો. પણ એ નામ ને રૂપ-સંસારના પદાર્થો-મનના માયારૂપી કૂવામાં જઈને બંધાઈ પડ્યાં. પણ હૃદયમાં હું ભક્તિભાવની એવી જબરી ભરતી ચઢાવું ને તારી લગની એવી લગાડું કે માયા ધીરે ધીરે મનમાંથી હટતી જશે ને મન હાલ માયામય છે તે પછી હરિમય થઈ રહેશે.
પૃષ્ઠ ૪૬ માયાની લગની કડી ૧ હે જીવ ! તારું મન માયા વડે આકર્ષાઈ ગયું છે. પણ આ માયામય જગતની આશા ક્યાં લગી કરવી ? માયા એ જ માતા રૂપે ભેદભાવને જન્માવે છે ને પત્નીરૂપે એ જ માયા તને આકર્ષી રહી છે. આખો સંસાર એ માયાની જ ઉત્પત્તિ છે. એવી એ માયા મોહક અને ઠગારી છે.
કડી ૫ - ૬ ફૂલ તરફ ભમરો ખેંચાય છે, પણ આ મનરૂપી ભમરો તો જેની હયાતી જ નથી એવા આકાશપુષ્પમાં બંધાઈ ગયો છે. જૂઠી માયામાં ગૂંચવાઈ ગયો છે. અને દિવસે પણ એને અંધકાર લાગે છે. આત્માનો પરમ પ્રકાશ છતાં તમોગુણને લીધે અજ્ઞાનના તિમિરમાં એ ગોથાં ખાય છે. જ્યારે આત્મ અને અનાત્મનો, અર્થાત્ ચેતન ને જડનો, સત્યનો ને અસત્યનો ખરો વિવેક થાય, બંને વચ્ચે રહેલો ભેદ પરખાય, ત્યારે સત્ત્વ રજસ ને તમસ એ ત્રણે ગુણની ઉપાધિ છૂટી નિસ્ત્રૈગુણ્યનો પંથ પકડાય ને પદે પદે મુંઝવતી માયાની ભ્રમણામાંથી છૂટકારો પમાય. જન્મ ને મૃત્યુ વચ્ચેનું આ સંસારમાં દેખાતું જીવન એ તો સમુદ્રના મોજાના ફીણ જેવું તત્ત્વહીન ને જૂઠું છે. મીણબત્તીમાં જે પ્રકાશ દેખાય છે તે જ્યોતિ કંઈ મીણ નથી. તું જેને તારી પોતાની માની રહ્યો છે તે જગતની માયા તો જૂઠી છે.
પૃષ્ઠ ૪૮. પડછાયા તું જે આ બાહ્ય ઉપાસના આદિથી દેવ રીઝવવા પ્રયત્ન કરી રહ્યો છે તે ખોટા છે. એ મૂળ વસ્તુ નથી, પણ પડછાયા છે. મનને મોહ પમાડનારી એ જૂઠી માયા છે.
કડી ૨. ધોબી જેમ કપડાંની ગાંસડી ઉપાડી જાય છે પણ એ તો પારકા કપડાં હોય છે એમાં એનું કંઈ હોતું નથી, તેમ તે પણ આ જીંદગીનો જૂઠો ભાર ઊંચકી લાંબી મજલ કાપી ને બળતા રણમાં ચાલ્યો, પણ એમાં સાચું તત્ત્વ કંઈ નથી.
કડી ૫. તત્ત્વચિન્તન ને ફિલસુફીની મિથ્યા વાતો છોડી દે. બહારથી દેખાડવાને ટીલાંટપકાં કર્યાં છે એ ટપકાં નથી, પણ માયાનાં ટપલાં ખાવા જેવું છે. ખોટા ધખારા છે. તે સૌ ભૂંસી નાખ. પળે પળે ફેરવાતી છાયા જૂઠી છે. મૂળ વસ્તુ તો જુદી જ છે, તેમ તારી આ બાહ્ય ઉપાસના પૂજા અર્ચના ફિલસુફી એ સૌ કેવળ ચાળા છે. એ છોડીને સાચો ભક્તિભાવ ગ્રહણ કર.
પૃષ્ઠ ૫૭. માધુરી હે પ્રભુ, તે કેવું માધુર્ય આ જગત પર ઉતાર્યું છે ! રસની કેવી રેલ વહાવી છે ! દશે દિશાને ભરી દેતી તારી કૃપાની ધારા કેવી વરસી રહી છે ! ડોકમાં ગુલાબનાં ઝૂમખાં ઝુલાવતી હોય તેવી ગુલાબી રંગની ઉષા આકાશમાં ઘડીભર ચમકી રહે છે. તેના સૌન્દર્યનું હું પાન કરવા જાઉં છું એટલામાં તો એ સરકી જાય છે. પાછળ સોનેરી ચમરી ચમકાવતો તેજબાલ સૂર્ય પધારે છે. એના સુવર્ણ સમા કિરણોની રજ હું ખોબેખોબે ઝીલવા જાઉં છું પણ મારો ખોબો ખાલી જ રહે છે. લાલ કમળનાં બનાવેલાં તોરણો ટાંગતી સંધ્યા ઘડીભર આકાશમાં આવે છે. એના સૂરો હું અંતરમાં ઝડપી લઉં છું પણ એટલામાં કોણ જાણે એ ક્યાં અદૃશ્ય થઈ જાય છે ! અંતે લાખો ટીલીટપકીનો તારે મઢ્યો સાળુ પહેરી રાત્રિ પધારે છે. એ સાળુ હું હૈયા સરસો ચાંપું છું તો એનાં તીર ભોંકાય છે ને હજીય એ વ્રણોમાંથી-ઘામાંથી રુધિર ઝરે છે ! આ સર્વ વેદના એ તારી જ દીધેલી વિરલ ભેટ છે. એને હું હૃદયમાં સંઘરી રાખું છું ને તારી કૃપા માની આનન્દિત રહું છું.
પૃષ્ઠ ૬૧. જીવનઘાટના ઘા પ્રભુ, તું મને ઘા પર ઘા મારી રહ્યો છે, એક પછી એક વેદના મોકલી રહ્યો છે, પણ એ ઘા મારા જીવનને ઘડી રહ્યા છે-સુધારી રહ્યા છે-એમ માની એને ફૂલ સમા ગણી હું વધાવી લઉં છું. દુઃખાનુભવથી હૃદય આર્દ્ર થઈ ભક્તિભાવે તારા તરફ વળશે એમ માની હું સર્વ વિપત્તિઓને સહર્ષ સ્વીકારી લઉં છું.
કડી ૪ લોખંડ પર કાટ ચઢ્યો હોય છે ત્યારે જેમ કાનસ ફેરવી એ કાટ કાઢી નાખવામાં આવે છે તેમ મારા હૃદય પર લાગેલો માયા વાસના આદિનો કાટ તેં મોકલેલી વિપત્તિરૂપી કાનસ વડે સાફ થઈ રહ્યો છે. વિપત્તિ સહન કરીકરીને મારું હૃદય નિર્મળ થઈ જશે. અને પછી જેમ પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સુવર્ણ બની જાય છે તેમ તારી ભક્તિનો પારસમણિ મારા હૃદયને અડકતાં એ શુદ્ધ સુવર્ણરૂપ અર્થાત્ કેવળ ચૈતન્યરૂપ ઈશ્વરમય થઈ જશે, એવી મને શ્રદ્ધા છે.
પૃષ્ઠ ૬૩. અનુભવ જેને દુઃખનો અનુભવ થયો હોય તે જ દુખિયાની સ્થિતિ સમજી શકે છે. સુખી પુરુષો એની કલ્પના કરી શકતા નથી.
કડી ૩ - ૪ - ૫ જ્યાં છ છ મહિના સુધી રાત રહે છે ને ધ્રૂજાવી નાખે એવી ઠંડી પડે છે ને કોઈ પણ ઉપાયથી તે અટકતી નથી એવા ધ્રુવ પ્રદેશના સંકટનો ખ્યાલ બીજા પ્રદેશમાં રહેનારા લોકોને આવતો નથી. દિલમાં ભડકા ઊઠે છે ને ઉપર આકાશમાં મેઘ ઘોર ગર્જન કરી રહ્યા છે પણ મંદિરમાં ઘંટોનો એટલો અવાજ થઈ રહ્યો છે કે ભક્તોને એનો ખ્યાલ આવી શકતો નથી. અર્થાત્ ઉપાસના આદિ બાહ્ય સાધનોમાં ગૂંચવાએલા ભક્ત હૃદયને પ્રભુના વિરહની વેદનાનો ખ્યાલ આવી શકતો નથી. હે પ્રભુ, તારા પ્રેમની કટારી આજે મારા હૃરદયને વાગી ગઈ છે. બોલીને ન કહી શકાય એવી તારા ભક્તની એ વિરહવેદના તારા સિવાય કોઈ મટાડી શકે એમ નથી.
પૃષ્ઠ ૬૫. પ્રાર્થના કડી ૩ - ૪ માયાના પાશમાં મને બાંધવા જતાં ભક્તિના બંધનમાં બંધાઈ જઈને તું જ મારા હૃદયમાં સપડાઈ ગયો છે. મેં આખરે તારું સાચું સ્વરૂપ ઓળખી લીધું છે. હવે તો હું મુક્ત ન થાઉં ત્યાં સુધી તું પણ છૂટી શકે એમ નથી. વાદળાંઓ વરસી ગયા પછી આકાશ સ્વચ્છ થઈ જાય છે, તેમ દુઃખોને લીધે મારી આંખોમાંથી આંસુ સરી ગયા પછી હવે હૃદય આર્દ્ર થઈ સ્વચ્છ બન્યું છે. હવે હસીને કે રડીને મારે તારી પાસે કંઈ લેવાનું નથી. તારે પણ મારી પાસે કશું માગવાનું રહ્યું નથી. સાચું જ્ઞાન થતાં હવે લેવાદેવાનું કંઈ રહ્યું નહિ.
પૃષ્ઠ ૬૯. લોકદેવની સેવા મનુષ્યો એજ દેવ છે. એ જનતા જનાર્દનની સેવા એ ખરી ઈશ્વરીય સેવા છે. મનુષ્યરૂપે અનેક સ્વરૂપે ઈશ્વર જ વિલસી રહ્યો છે. એ પ્રભુની જીવતી પ્રતિમાઓ છે અર્થાત્ ઈશ્વરના જ અંશભૂત, ઈશ્વરનું જ ચૈતન્ય ધારતી એ વ્યક્તિઓ પાષાણાદિની જડ પ્રતિમા કરતાં વધારે સેવવા યોગ્ય છે.
પૃષ્ઠ ૭૨. પરમાર્થ સંત પુરુષો હંમેશાં પારકાં માટે જીવે છે. એમના શ્વાસોચ્છ્વાસે પરોપકાર કરવાની ઈચ્છા વસી રહેલી હોય છે, બીજાનું ભલું કરવામાં એ પોતાનાં સુખ સગવડનો જરા પણ વિચાર કરતાં નથી. સૂર્ય, તારા, મેઘ, વૃક્ષો, નદીઓ, ચંદનવૃક્ષ એ સર્વે પોતે જાતે ઘસાઈ કષ્ટ વેઠી અગવડ ભોગવી અન્યનું ભલું કરે છે.
કડી. ૬ માથું મોટું પર્વત જેવું હોય, હંમેશા માથું અક્કડ ને અક્કડ રાખતો હોય, પણ એનું કુળ નીચનું હોય છે; સમુદ્ર જેવા લાંબા પહોળા દેખાવના હોય છે, પણ હ્રદય ભિખારી જેવું હોય છે; વિદ્યાવાન હોય, પણ એ વિદ્યા કોઈને ખપ ન લાગે એવો એનો ઉપયોગ કરતા હોય, હૃદયને સ્મશાન જેવું શૂન્ય બનાવી મૂક્યું હોય; એવા કેવળ સ્વાર્થમાં જ રચ્યાપચ્યા રહેનારા જીવો દુનિયાને શાપ સમાન છે. સંત પુરુષો તો જગતના ભલાને અર્થે જ જીવન ગાળે છે.
પૃષ્ઠ ૭૪. કર્મચરિત્ર કડી ૫. સૂતરના દોરા વની તેનું દોરડું બનાવી જેમ કોઈ માનસ તેમાં ફસાય, તેમ કર્મરૂપી સૂતરને વણીવણી તેનું દોરડું બનાવી આત્મા પોતે જ તેમાં બંધાઈ ગયો છે - જગતની ઉપાધિમાં ફસાઈ ગયો છે. મંદિરમાં દેવની સ્થાપના કરવામાં આવે છે તે પણ માયાની ઉપાધિને લીધે જ. નિર્ગુણ નિરાકાર નિરંજન બ્રહ્મને માયાવિષ્ટ બનાવી તેની સગુણ ઈશ્વર તરીકે ઉપાસના કરવામાં આવે છે, તે જ રીતે કર્માદિના બંધનને લીધે શુદ્ધ મુક્ત આત્મા જીવાત્મા તરીકે નાના પ્રકારના ભેદભવમાં ભમે છે.
પૃષ્ઠ ૭૬. કર્મનાં પ્રતિબિંબ કડી ૧ તું ને તારાં કર્મ એ ભિન્ન વસ્તુ નથી. તારાં કર્મો એ તારા સ્વરૂપનાં જ પ્રતિબિમ્બ છે. જેવો મનુષ્ય તેવાં તેનાં કર્મ, અથવા જેવાં એનાં પૂર્વકર્મ તેવો એ મનુષ્ય. આખી દુનિયા ખોળી વળ. એ જ સંસારનો આકર્ષક અરીસો છે. એમાં સારાં નઠારાં કર્મો દેખાઈ આવે છે.
કડી ૬ આત્માનું શુદ્ધ જ્યોતિર્મયરૂપ છે એવું જો આપણું સ્વરૂપ બને તો કર્મરૂપી પ્રતિબિમ્બ પણ તેવું જ શુદ્ધ જ્યોતિર્મય બનશે. આત્મા-પરમાત્માની સાચી એકતા સધાશે. શાસ્ત્રો અનેક છે પણ એ સર્વનું રહસ્ય આટલું જ છે. આત્મૈક્યના અનુભવની એ સાચી જ્યોતિ મેળવી આ સંસારનાં માયામય કર્મો દૂર કરી નાખ.
પૃષ્ઠ ૭૮. પૂર્ણ જીવનની સુંદરતા હે મન ! તું હંમેશાં તારા પોતાના જ તરંગમાં કેમ રચ્યું પચ્યું રહે છે ? સ્વ સિવાય બીજું તને કેમ સૂઝતું જ નથી ? " હું " એ જ વિશ્વનું સારસર્વસ્વ હોય એમ કેમ માની રહ્યું છે ? હું તું એ ભેદ વિશ્વના જીવનમાં છે જ નહિ. વિશ્વ આખું એક સૂત્રે ગૂંથાએલું છે.
કડી ૩ - ૪ - ૫ વૃક્ષના એક જ અંગમાં સુંદરતા રહેતી નથી. ફૂલ, પાંદડાં, ડાળી વગેરે વૃક્ષના જુદા જુદા ભાગો છે ને તે સર્વ મળીને આખા વૃક્ષને સુંદરતા બક્ષે છે એનો તું દાખલો લે. તું એકલો કંઈ નથી. બિન્દુ એ સમુદ્રનો ભાગ છે, પણ બિન્દુમાં કાંઈ આખો સમુદ્ર સમાતો નથી. તેમ કેવળ તારા અહંમાં આખું વિશ્વ નથી સમાયું. વિશ્વના ચૈતન્ય સાથે એકતા સાધી પૂર્ણ જીવન તું પ્રાપ્ત કરશે તો જ સાચી સુંદરતા તને મળશે. તું કેવળ તારી એકલી જાતમાં રચ્યો પચ્યો રહીશ તો જુદા જુદા પ્રકારનાં બંધનોમાં સપડાઈ જઈશ. એ જાતના જીવનનો મોહ ન રાખ. પણ હું-તુંના ભેદભાવ ભૂલી પૂર્ણ જીવનનો-વિશ્વજીવન સાથે એકતાને ધબકતા જીવનનો અનુભવી થા.
પૃષ્ઠ ૮૦. યોગ હે પ્રભુ, તેં મારો સાથ ક્યારે છોડ્યો છે કે તારો યોગ કરવા, તને પ્રાપ્ત કરવા હું મથું ? તું મારાથી જરા પણ દૂર નથી રહ્યો. અંતરમાં તેમજ બહાર સર્વત્ર તું જ મારામાં વ્યાપ્ત થઈ રહ્યો છે.
કડી ૩ મને પીડા થાય છે તે ખરી રીતે જોતાં પીડા નથી. પણ મારા હૃદયમાં તું પુણ્યની, પવિત્રતાની મેખ મારે છે તેથી મને ખીલા વાગતા હોય એમ લાગે છે. આંખમાં આંસુનાં પૂર ઉભરાય છે તે સાચું જોતાં તારા જ અમૃતની વર્ષા વરસે છે.
કડી ૪ ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો હોય તેમાં વધારે પાણી માઈ શકતું નથી તેમ તું મારા અંતરમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહ્યો છે. મારું હૃદય તુંમય થઈ રહ્યું છે, પછી તને મેળવવા માટે બીજી સાધના કરવાની શી જરૂર છે ?
કડી ૬ પ્રેમભાવે કરીને હું તારું સાયુજ્ય-સામીપ્ય-સંયોગ પામ્યો, તારો સાથ મેળવી શક્યો. હવે પછી મારે બીજાં યોગ ઉપાસના વગેરે સાધનોની શી જરૂર છે ? ભમરીના ડંખ ખમીખમીને ભમરીનું ધ્યાન ધરતો ધરતો કીટ આખરે પોતાનો દેહ ભેદીને ભ્રમરરૂપ બની ઊડી જાય છે, તેમ તેં મોકલેલી વેદનાના ડંખ ખમીખમીને તુંમય થઈ ગયો છું. તેં મારો સાથ કદી તજ્યો નથી.
પૃષ્ઠ ૮૨. એક જતારી ઓથ હે પ્રભુ ! એક તું જ મારો આધાર છે, તું જ મારું જીવન છે, તારા સિવાય બીજું બધું ખાલી છે.
કડી ૨ તારા વિના પૃથ્વી, સાગર આદિ તારી રચના નકામી છે. એ તો તારી રચનાની રમત માત્ર છે. ચેતનના આધાર વિના જડ વસ્તુ જેમ કેવળ નિષ્ક્રિય રહે છે, તેમ તારા વગરનું અંતર પણ તદ્દન ખાલી ભાસે છે. મને માત્ર તારો જ આધાર છે.
કડી ૪ સમુદ્રને તરી જવા કોઈ વહાણમાં બેસે અને વહાણ તૂટી જાય, તેમ સંસાર સાગરને તરવા મેં બાહ્ય સાધનો અજમાવ્યાં પણ તે સર્વ નિષ્ફળ નીવડ્યાં. ઈશ્વરના નામનો તરાપો મળે તો જ સંસારસમુદ્ર તરી શકાય. ઈશ્વરભક્તિ વડે જ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે.
પૃષ્ઠ ૧૦. ઊડવાં આઘાં આઘાં રે અંતિમ પદની પ્રાપ્તિ કરવા માટે આધ્યાત્મિકતાના પ્રદેશમાં ઘણે આઘે પ્રવાસ કરવાનો છે. સંસારના માર્ગોથી બહુ દૂર પ્રભુના પંથે જવાનું છે.
કડી ૫ વિહંગો-પક્ષીઓ આઘે આકાશમાં ઊડે છે ને જેમ જેમ એ દૂર ઊંચે ઊડે છે તેમ તેમ દિગંત ( દિશાનો છેડો ) દૂર હઠતી જાય છે. જેમ જેમ આધ્યાત્મિકતાના પ્રદેશમાં આગળ ને આગળ પ્રવાસ કરતા જઈએ છીએ તેમ તેમ તેની સીમા આઘી ને આઘી જતી જાય છે. સાચા સુખરૂપી પતંગ બહુ ઊંચે ઊડી રહ્યો છે તેનો દોર હાથમાં શી રીતે આવે ?
કડી ૮ આશાનું રહેઠાણ બહુ દૂરના પ્રદેશમાં છે-બહુ દૂરની વસ્તુની આશા રાખી છે ને પ્રાણને પણ બહુ દૂરનો પ્રવાસ કરવાનો છે. આત્માને એ આધ્યાત્મિકતાના દૂર પ્રદેશમાં ઉડાવતાં પ્રેમ ને કલ્યાણની પ્રાપ્તિ થશે.
પૃષ્ઠ ૯૦. અનિર્વાચ્ય પરતત્ત્વ કડી ૨ વેદ, પુરાણ, કુરાન, અવસ્તા આદિ જે રીતે ઈશ્વરની ઓળખાણ આપે છે તે રીતે હું એનું સ્વરૂપ લોકોને સમજાવું છું. પણ જેમ અક્ષર ન હોય ને માત્ર કાનો માત્રા લખ્યાથી કોઈ વર્ણ-ઉચ્ચાર કરી શકાય એવો વર્ણ-નીપજતો નથી, તેમ તું કેવળ અગોચર છે તેને વાણી જેવા અપૂર્ણ ને બાહ્ય સાધનો વડે શી રીતે સમજાવી શકું ?
પૃષ્ઠ ૯૩. અગમની ઓળખ ઈશ્વર અગમ્ય છે. એ મનુષ્યની કલ્પના કે બુદ્ધિમાં આવી શકતો નથી. એવા અગમ્ય તત્ત્વની સમજણ, હે સંતો, કોણ આપી શકે ?
કડી ૪ - ૫ તારા, સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર, પૃથ્વી આદિ ઈશ્વરની વિભૂતિઓ છે. પણ એ કોઈ ઈશ્વરનું સ્વરૂપ સમજાવતાં નથી. હંમેશાં મૂંગાંજ રહે છે. લાખો નામે લોકો એની પૂજા કરે છે, પણ એ પોતાનું રહસ્ય ખોલતાં નથી. મનુષ્યના અંતરમાં ઈશ્વરનું ચૈતન્ય ઝળકી રહ્યું છે. પણ બહાર તો માટીની કાયા જડ દેહ જ છે. એ અંદરનું ચૈતન્ય જાણકાર જ સમજી શકે છે. પાટી પર અક્ષરો લખાયા હોય તે જેને અક્ષરનું જ્ઞાન હોય તે જ ઓળખી શકે છે, પાટી જાતે એનો ઉચ્ચાર કરતી નથી, તેમ પ્રકૃતિનાં તત્ત્વો ઈશ્વરના સંદેશવાહક છે, પણ એ જાતે એ સંદેશ ઉચ્ચારી બતાવતાં નથી; જેને એ સંદેશ વાંચી શકનાર જ્ઞાનચક્ષુ હોય તે જ એ સમજી ને સમજાવી શકે છે.
પૃષ્ઠ ૯૫. માલિકને દરબાર કડી ૩ - ૪ ઈશ્વરને ઢૂંઢતાં ઢૂંઢતાં, વ્રત, તપ, યાત્રા આદિ કરતાં કરતાં મારી આંખ પણ થાકી ગઈ. એના વિષેની વાતો સાંભળતાં મારા કાન બહેરા થયા. અને એના વિષેના જ્ઞાનનો ભાર એવો જબરદસ્ત થઈ ગયો કે તેના બોજા હેઠલ હું કચડાઈ ગયો છું. હવે મારા પગ ચાલી શકે તેમ નથી. ઈશ્વરને પ્રાપ્ત કરવાનાં બાહ્ય સાધનો ઉલટાં ઉપાધિરૂપ થઈ પડ્યાં. મને દિવ્ય સંદેશ સંભળાય છે કે એ બધા બહારના શણગાર તું ફેંકી દે. એ તો અમથો ભાર છે. સૂર્યની વચ્ચે આવનારાં વાદળ જેવાં એ ઉપાધિરૂપ છે. શુદ્ધ સ્નેહભાવે, નિર્મળ ભક્તિ વડે તું ઈશ્વર પાસે આવ. " એ સંદેશ સાંભળી મેં એ ભાર છોડી દીધા છે. બાહ્ય સાધનો ઉપાધિથી હવે હું મુક્ત બન્યો છું. હવે હે સંત પુરુષો, મને પ્રભુની પાસે લઈ જાઓ.
પૃષ્ઠ ૯૭. સ્વયંપ્રકાશ હે જીવ, તું સ્વયંપ્રકાશ-તારા પોતાના તેજે પ્રકાશતા જ્યોતિરૂપ છે. તારે કોઈ બીજાના પ્રકાશની જરૂર નથી.
કડી ૪ - ૫. મનુષ્ય ઊંઘી જાય છે ત્યારે એની આંખ અંધારાથી છવાઈ જાય છે. બહારનો પ્રકાશ મળતો એને બંધ થઈ જાય છે, તેમ છતાં ઊંઘમાં સ્વપ્નો એ જુએ છે. તેને કોઈ પારકા તેજની જરૂર પડતી નથી. એને પોતાનું તેજ મળી રહે છે. એ રીતે આત્મા એકલો હોય-બહારનો કોઈ પ્રકાશ એને મળતો ન હોય, તો પણ એ પ્રકાશરૂપ હોવાથી સહેજમાં એને જ્ઞાનનો પ્રકાશ મળી રહે છે. ઊંડા અંધકારથી ભરેલા આકાશમાં તારાને પ્રવાસ કરવાનો હોય છે. પરંતુ પોતાના જ તેજ વડે અંધારાને દૂર કરી એ આકાશના સંત જેવા તારકો પ્રવાસ કરે છે. એને કોઈનો આધાર લેવો પડતો નથી. એજ રીતે આત્માને પ્રવાસ કરવાનો માર્ગ અંધકારથી ભરેલો હોય તોપણ એ પોતાના તેજ વડે તેને અજવાળીને આગળ વધે છે. એને પરપ્રકાશની જરૂર નથી.
પૃષ્ઠ ૧૦૩. નવપ્રકાશ ઈશ્વરના સ્વરૂપનું દર્શન બરાબર થતું નથી. પણ જાણે એક ચમકાર આવીને જતો રહેતો હોય એમ કોઈક વાર એનો પ્રકાશ હૃદયને સ્પર્શીને જતો રહે છે.
કડી ૨. હું રાત ને દિવસ સૂઈ રહ્યો. અજ્ઞાનના અંધારામાં પડી રહ્યો. સાચા સ્વરૂપનું મને દર્શન ન થયું. પણ વાદળાંઓ પરસ્પર અથડાઈને પોતાને થતું વેદન-દુઃખ-ગર્જના કરી પોકારી ઊઠે છે, ત્યારે વીજળીનો ઝબકાર થાય છે, તેમ સંસારના દુઃખાનુભવે મારું હૃદય કોઈક વાર આર્દ્ર બને છે ત્યારે ઈશ્વરના સ્વરૂપ જેવો ઝબકાર મારા હૃદયને ઘડીભર અજવાળી જાય છે.
કડી ૪. જેમ વીજળીને પકડીને ભૂમિમાં ઉતારવા તાર રખાય છે, તેમ એવા ઘડીમાં ઊડી જનારા એ ઝબકારની પાંખો બાંધવા માટે મને કોઈ પ્રેમનો તાર લાવી આપો ! જરા દર્શન દઈ અદૃશ્ય થઈ જતા ઈશ્વરને સદા માટે બાંધી રાખવા મને કોઈ પ્રેમમાર્ગનું જ્ઞાન આપો. પછી ક્ષણભર ઝબકાર કરી એ ઊડી જનારાને હું મારા હૃદયમાં બાંધી રાખીશ. પછી એ ઝબકારો કરી ક્યાં ઊડી જવાનો હતો ?
પૃષ્ઠ ૧૦૫. અમૃતપાત્ર હે જીવ, તું શુદ્ધ ચૈતન્યરૂપ છે. આ દુઃખાદિથી ભરેલા માયામય જગતમાં ફસાઈ અજ્ઞાનમાં સપડાઈ રહ્યો છે તે છોડી દઈ તારા સાચા સ્વરૂપનો ખ્યાલ કર.
કડી ૨ - ૩ - ૪ તારું હૃદય એ ઈશ્વરનું મંદિર છે. તારે પાંચે ઈન્દ્રિયો એ ત્યાં જવા સારુ પાંચ બારીઓ છે. અને એ ઈન્દ્રિયો વડે ગ્રહણ થતા શબ્દ રસ રૂપ ગંધ સ્પર્શ વગેરેના વિષયો એ સંસારની લીલાઓ છે. દેવને દૂધ દહીં મધ આદિ પંચામૃત ધરાવાય છે તેમ એ પાંચે ઈન્દ્રિયો વડે થતું જ્ઞાન તું તારા હૃદયમાં ધારણ કરી તું ઈશ્વર પધારે ત્યારે તેને ચરણે ધરાવજે. કારણ કે જ્યારે એની સ્વારી આવશે ત્યારે બીજું તું શું એને સમર્પણ કરી શકશે ? અર્થાત્ સુખોપભોગના સર્વ વિષયો તું ઈશ્વર ચરણે ધરી દે. તને પ્રાપ્ત થએલું માનવજીવન એ કંઈ પાપના પરિણામરૂપ નથી, તેમજ નથી એ ફૂલની પથારી જેવું એશઆરામ કરવાનું સાધન માત્ર. પણ પુણ્યનું અમૃત ભેગું કરી ઈશ્વરને ચરણે મૂકવા માટેનું એ સાધન છે.
કડી ૫ દરેક તીર્થમાં નારાયણ-પ્રભુ-વસે છે. દરેક સ્થળે પ્રભુનો વાસ છે એમ માની તારા ભમતા મનને સ્થિર કર.
પૃષ્ઠ ૧૦૭. દ્વિરંગી જ્યોત કડી ૧ - ૨ આ માનવજીવન દોરંગી છે. એક દૃષ્ટિએ જોતાં એ દુઃખ અને વિપત્તિથી ભરેલું ભાસે છે. બીજી રીતે જોતાં એ શુદ્ધ ચૈતન્યરૂપ ઈશ્વરના અંશ સમું છે. જીવનની અમર જ્યોત અખંડ પ્રકાશે ઝગે છે, છતાં એ વેદનાથી ધ્રુજે છે, સંતાપ સહન કરે છે.
સોના સરખા દેહરૂપી કોડિયામાં પ્રેમામૃત રૂપી તેલ પૂર્યું છે, જ્ઞાનનાં કિરણોની વાટ ગૂંથીને બનાવી છે અને પછી વેદનાના - દુઃખના ભડકે તેને સળગાવી છે. એવી જાતની જીવનની અમર જ્યોત જગતમાં પ્રકાશી રહી છે. અંદર તો પ્રેમરૂપી અમૃતનો રસ છલકાઈ રહ્યો છે, પણ ઉપર દઝાડે એવી ઝાળ હોય છે. બહારથી વિપત્તિજ દેખાય છે, પણ અંદર ઊતરીને જોતાં એ પ્રેમનોજ પ્રભાવ છે એમ જણાઈ આવે છે. દિવેટ તેલ પીએ છે તો એને બળવું પડે છે, તેમ હૃદયમાં પૂરેલા પ્રેમામૃતને ચાખનારા સંતોને વિપત્તિની ઝાળે દાઝવું પડે છે. સંતનો પંથ એવો કપરો છે.
કડી ૫ આ બળવાનું ક્યાં સુધી રહેશે ? આ વિપત્તિ ક્યાં સુધી સહન પડશે ? એવા પ્રશ્નો નકામા છે. કારણ કે બળવાનું જતું રહેશે તો પ્રકાશ પણ આથમી જશે. તેજ રીતે વેદના લુપ્ત થઈ જતાં જીવન પણ નહિ ટકી શકે. બે એકબીજા સાથે એવાં સંકળાએલાં છે કે એકનો નાશ થતાં બીજાનો પણ નાશ થાય છે.
પૃષ્ઠ ૧૦૯. અજવાળિયાં અજ્ઞાનના અંધકારમાં દટાઈ રહેલા આત્માને આજે જ્ઞાનનો પ્રકાશ મળ્યો ને અદૃશ્યનાં - પ્રભુનાં દર્શન થયાં. આજે આંખે અજવાળાં ઊગ્યાં.
કડી ૨ આકાશના ભૂરા પોપચા પર જેમ વાદળ ઢંકાઈ જાય છે પણ અંતે સાત રંગ વડે શોભતું એનું ભવું ઊઘડે છે અર્થાત્ સપ્તરંગી ઈન્દ્રધનુષ્ય પ્રગટે છે, ત્યારે આકાશમાં રંગની અનેરી લીલા છવાઈ રહે છે; તેમ અજ્ઞાનના આવરણે જીવ સાચા સ્વરૂપનું ભાન ભૂલી માયામાં ભટકે છે, પણ સત્ય જ્ઞાનનો પ્રકાશ પામતાં એ નિજસ્વરૂપનો સાચો અનુભવ મેળવે છે. આજે એવા સત્ય જ્ઞાનનો પ્રકાશ મને સાંપડ્યો છે.
કડી ૪. સાતે સ્વર્ગનાં તેજ આપણી એક જ આંખમાં છુપાએલાં છે. પણ એ આંખ પર જગતની - માયાની પાંદડીનું આવરણ આવી પડ્યું છે. એ ખસી જતાં એ અનંત પ્રકાશની પ્રાપ્તિ સહેજે થાય છે.
કડી ૬ - ૭. એ નવદૃષ્ટિનાં - જ્ઞાનમય ચક્ષુનાં - અદ્ભૂત તેજ કોઈકે જોયાં ને એને જેરવ્યાં. પ્રભુનું સૌંદર્ય એક જ દાણા વડે - કેવળ માયાના આવરણે - ઢંકાઈ રહ્યું હતું. એ આવરણ જતું રહેતાં ઈશ્વરની સુંદરતા સહેજે સાંપડી ગઈ. ગંગાસ્નાન વડે જેમ પાપો ધોવાઈ જાય છે, તેમ આત્માની આંખ દુઃખાનુભવથી આવતાં અશ્રુઓનું સ્નાન કરીને નિર્મળ બની છે, અને હવે જ્ઞાનના એકે એક કિરણે ભરપૂર આનંદ મળી રહ્યો છે.
પૃષ્ઠ ૧૧૩. પ્રણવશક્તિ ઓમકાર-પ્રણવમંત્રનો જાપ એ ઈશ્વરોપાસનાનું એક અંગ છે. એના જાપ વિના છૂટકો નથી.
કડી ૨. તંબૂરાને જેમ તારો બાંધ્યા હોય છે ને તારને છેડવાથી સૂર ઉત્પન્ન થાય છે તેમ શરીરરૂપી તંબૂરા પર ઓમના ત્રણ તારો - અ-ઉ-ને મ્ એ ત્રણ અક્ષરનો બનેલો શબ્દ - બાંધી દે. પછી એ તારો છેડી જો. ઈશ્વરનાં દિવ્યગાનનાં સૂર એ પ્રગટાવશે.
પૃષ્ઠ ૧૧૫. વલોણું કડી ૫ આ આખા બ્રહ્માંડનું વલોણું ચાલી રહ્યું છે. એનાં નેતરાં વિશ્વના સર્વે પદાર્થો તાણી રહ્યા છે. સૂર્ય ને ચન્દ્ર, પૃથ્વી ને ધ્રુવનો તારો, અનંત આકાશમાં ઘૂમી રહેલાં નક્ષત્રો એ સર્વ એ વલોણું ખેંચી રહ્યાં છે. બધાંને એ અપૂર્વ નાદ લાગ્યો છે. વિશ્વના સર્વ પદાર્થો એક બીજાને ખેંચી રહ્યા છે એ ગુરુત્વાકર્ષણનો મહા નિયમ જાણીતો છે. એ આકર્ષણ સર્વવ્યાપી છે.
પૃષ્ઠ ૧૧૭. મારે દ્વારે મારો પ્રભુ મારે બારણે આવીને ઊભો છે. હું ગૂંચવાઈ ગયો છું. એ તો સમસ્ત વિશ્વનો સ્વામી છે. હું રંક, કંગાળ છું. હું એને શું આપું ?
કડી ૨ પ્રભુ કહે છે, મેં જ તારી આવી દશા કરી છે. મેં પોતે જ તને કંગાળ બનાવ્યો છે. કારણ કે મને રંકને માટે પ્રેમભાવ છે. આખી દુનિયા સભર ભરેલી દેખાય છે, પણ તારા વિના એ નકામી છે. દુનિયાને તારી પણ જરૂર છે. નાના સરખા પાંદડાંનું અસ્તિત્વ પણ નિષ્પ્રયોજન નથી. તું ભલે કંગાળ હો, તારી દુનિયાને જરૂર છે, એમ ન હોત તો તારી હયાતી જ ન હોત. અને એથી તારે માટે, તને મળવા, તારે દ્વારે હું વારંવાર આવું છું ને ટાઢ, તડકો ને વરસાદ વેઠી તારા બારણા આગળ વાટ જોતો ઊભો રહું છું.
પૃષ્ઠ ૧૧૯. સર્વગોચર ઈશ્વર એક રીતે અગોચર છે. ઈન્દ્રિયો વડે એનો અનુભવ થતો નથી. એ ક્યાંય દેખાતો નથી. પણ બીજી રીતે જોતાં એ સર્વગોચર છે. બધેજ એ દેખાય છે. હું જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં હે પ્રભુ, તું જ જણાય છે. આ વિશ્વની વાડીમાં સર્વત્ર તું જ ખીલી રહ્યો છે. સંધ્યા, ઉષા, સૂર્ય, ચન્દ્ર, પુષ્પ ને પ્રત્યેક પ્રાણીમાં તું જ વસી રહ્યો છે.
કડી ૩. અનંત આકાશમાં અંધારી રાતે તારાનાં દર્શન સહુ કોઈ કરી શકે છે. એ બીજું કાંઈ નથી પણ રાત્રિના ઘોર અંધકારમાં પણ જણાઈ આવતી તારી દિવ્ય, અલૌકિક ચરણરજ અર્થાત્ પગની ધૂળ છે. એ તારાનું તેજ તારા ચરણનું ભાન કરાવે છે.
પૃષ્ઠ ૧૨૧. આત્માનંદ કડી ૧ હૃદયમાં ભક્તિભાવનો ચંદ્ર ઊગતાં સર્વત્ર પ્રેમામૃત રેલાઈ રહે છે ને આનંદ આનંદ વ્યાપી રહે છે. જ્યાં સ્નેહની સુવાસ સ્ફુરે છે ત્યાં આખી સૃષ્ટિ સુગંધિત બને છે. પણ સૃષ્ટિમાં પોતાની કોઈ સુગંધ નથી. એ સુગંધ તો મનુષ્યના પોતાના હૃદયની છે. સૃષ્ટિના જડ પદાર્થોમાં કોઈ પોતાના ગુણ નથી. એ તો આપણે પોતે આરોપેલા ગુણો એમાં દેખાય છે.
કડી ૩. જીભને જે ગળ્યા તીખા ખાટા વગેરે રસોના આસ્વાદ આવે છે તે ખરી રીતે જોતાં જીભના પોતાના ગુણ પર આધાર રાખે છે. એનામાં પોતાનામાં સ્વાદ લેવાની શક્તિ ન હોય તો સૌ રસો નકામા છે. તેમ જે હૃદયમાં સ્પંદન-ધબકાર ન થાય, જે ચેતનવંતું ન હોય પણ કેવળ શૂન્ય જડ જેવું બન્યું હોય, તે શો રસ લૂંટી શકે ? તેને પ્રભુના પ્રેમામૃતનો સ્વાદ ક્યાંથી આવે ?
કડી ૫ જે આંખમાંથી તેજનાં કિરણો ફૂટે નહિ, જેમાંથી નૂર વહે નહિ તે આંખો આંધળીજ ગણાય. અજ્ઞાનીને ચૈતન્યના આનંદનો કદી અનુભવ મળે નહિ. મારે ખભે હું આખા જગતનો ભાર હસતે મુખે આનંદથી ઉપાડી લઉં છું, કારણ કે મારા હૃદયમાં પ્રભુનો આનંદ ભરપૂર ભરેલો છે.
પૃષ્ઠ ૧૨૩. માલિકની મહેર હે પ્રભુ, તારી મહેર સર્વ સ્થળે છાઈ રહી છે. એક અણુ માત્ર પણ તારી કૃપા વિનાનું નથી. તારી કૃપાના અમૃત વડે સર્વ કોઈ ખીલી રહ્યું છે.
કડી ૪. જ્યારે આકાશ વાદળાઓથી છવાઈ ઘોર અંધકાર ફેલાઈ રહે છે, ત્યારે પણ સપ્ત રંગે ચમકતું ઈન્દ્રધનુષ્ય પ્રગટી આકાશમાં રંગની રેલ રેલાવી મનુષ્યના હૃદયને આનંદથી ભરી દે છે. તે જ રીતે જ્યારે માથે દુઃખના પહાડ પડે છે ત્યારે તું તારી કૃપા પ્રસારી અમને ફરી આનંદનો ઉપભોગ કરાવે છે. પ્રભુ, તારી કૃપા એવી છે.
કડી ૬ તારી કૃપા, પ્રભુ અનંત છે. એ કદી અટકતી નથી. કરોડો વસ્તુ તું આપ્યો જાય છે. મારી સામે ભલે બ્રહ્માંડો આવીને ઊભાં રહે, તો પણ હું ડરતો નથી, કેમ કે મારી શ્રદ્ધા છે કે તારી બાથ એ બધાંને પહોંચી વળીને વધે એવી છે. તે તું તારી કૃપા વડે મને ઉગારશે.
પૃષ્ઠ ૧૨૫. ભક્તવીરની વાંછા કડી ૪ - ૫ - ૬ મેં આ હારજીતની લડાઈ શરુ કરી છે. ત્યાં હવે પાછી પાની કર્યે, હાથ પાછા ખેંચ્ચે, નહિ ચાલે. જો હું હારી જઈશ તો આ જગતને એક જન્મ ગુમાવીશ, ને જીતીશ તો તને મેળવીશ; અર્થાત્ જન્મમરણના ચક્રમાંથી મુક્ત થઈશ ને સંસાર તથા તેની માયામાંથી છૂટી તને પ્રાપ્ત કરીશ. હું દુનિયાનો નહિ રહું, દુનિયા મારી નહિ રહે. પણ હું તારો થઈશ. તું મારો થશે, એમ આ લડતમાં હાર કે જીત ગમે તે મળે. એમાં બધી રીતે કલ્યાણ જ થવાનું છે. આધ્યાત્મિક બળે હું માયાનો પટ ચીરી તારાં દર્શન કરીશ. આકાશને વીંધીને ને પાતાળને ફોડીને, અર્થાત્ બ્રહ્માંડના ભેદો ઉકેલીને હું તારું તખ્ત ને તારો તાજ જીતી લઈશ. હું તારી પ્રાપ્તિ કરીશ. તે વેળા તું મને " માગ માગ " એમ કહેશે પણ હું શું માગું ? તારું હૃદય એ મારું જ છે. તું પોતે જ મારો છે. પછી મારે બીજું શું માગવાનું રહ્યું ? હું તો તને જ જીતી લેવા માગું છું.
પૃષ્ઠ ૧૨૭. સતત વિશ્વવસંત વસંત ઋતુમાં લોકો ફાગ ખેલે છે ને આનંદનૃત્ય કરે છે, તેમ આ વિશ્વમાં પ્રભુ અનંત ફાગ ખેલી રહ્યો છે.
કડી ૨ લોકો ગુલાલ ઉડાવી લાલ રંગથી સૌને રંગી દે છે તેમ આકાશના ખભા પર ઊભાં રહી સંધ્યા ને ઉષા ગુલાલથી પોતાના ગાલ લાલ બનાવી નાચી રહ્યાં છે. વનમાં ને વાડીમાં ફૂલની સુગંધથી આનંદિત થઈ પવન વાતો વાતો ગાન કરી રહ્યો છે. અને આખું વિશ્વ રંગમાં આવી ગયું છે. પ્રભુ અનંત નૃત્ય કરી રહ્યો છે.
કડી ૫ આદિથી અંત સુધી જગત, પ્રગટ રીતે કે અપ્રગટ રીતે, અંદરથી તેમજ બહારથી ફાગરૂપ છે. આખું જગત એ ઈશ્વરની લીલા-રમત છે. ફાગ ખેલતા હોળૈયા પીચકારી ભરીને મારે છે, તેમ ઈશ્વરની લીલાની જ્ઞાનરૂપી પીચકારી ભરીને સાધુ સંતો જગતને તેનાથી ભીંજવે છે. અર્થાત્ દુનિયામાં ઈશ્વરના જ્ઞાન ને ભક્તિનો ઉપદેશ કરે છે. ગુણીજનોએ આ અમર હોરી-ઈશ્વરની આ અનંત લીલા-ગાઈ છે, તેનું રહસ્ય સમજાવ્યું છે.
પૃષ્ઠ ૧૫૫. પ્રભુનાં તેડાં કડી ૩ - ૪ હે પ્રભુ, તું ક્યારે તારો વીજળીરૂપ સંદેશો મોકલશે ? ક્યારે આ તારા આકાશની પાટી પર એ સંદેશાના અક્ષરો મને સ્પષ્ટ રીતે વંચાશે ? તું તારું તેડું મોકલી મને તારી પાસે બોલાવી તારા સાચા સ્વરૂપનું ભાન ક્યારે કરાવશે ? વાદળાં ખસી જઈ આકાશ ખુલ્લું થાય છે તેમ સંસારની ઉપાધિઓ સરી જઈ અદૃશ્ય દ્વાર - મરણોત્તર પરલોકના જીવનનું દ્વાર ઊઘડશે ત્યારે લાખો સૂર્યોનાં તેજ ઝબૂકશે. તારું જ્યોતિર્મય રૂપ મને જોવા મળશે, ત્યારે જ મારી આંખ ઠરશે. (મરણ વેળા આંખ ઠરી જાય છે તેનો અહીં ધ્વનિ છે.) ત્યારે જ મને આનંદ મળશે.
પૃષ્ઠ ૧૩૧. દૂર જતાં ડગલાં આછો આછો પ્રકાશ-પ્રભુના તેજોમય રૂપનો આવે છે ને ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એવા આછા ચમકાર કરી હૃદયમાં તલસાટ ઉપજાવે છે. મારો દીવો હવે ઝુમાય છે, ત્યાં વહાલાં સ્વજનો ! મને જીવતો રાખવાનું કરીને શા માટે સતાવો છો ? હવે જવા દ્યો.
કડી ૩ મારા આત્માને એના ઘરમાં પાછો પધરાવવા તેનું આંગણ લીંપીગૂંપીને તૈયાર કર્યું છે. પ્રભુને મળવાની બધી તૈયારી થાય છે. તેને મળવા માટે મેં ઉત્કટ સ્વપ્નો સેવ્યાં છે. મારી આંખ તેને જોવા-એ અગોચર પ્રદેશ તરફ-હું તાકી રહ્યો છું. હવે મારે પાછું ફરીને જોવાનું શી રીતે બને ? પ્રભુ પ્રત્યે જ નિરંતર ખેંચાઈ રહ્યો છું ને ત્યાંજ હવે જાઉં છું. હવે હું સંસાર તરફ પાછી દૃષ્ટિ શી રીતે કરી શકું ? મને શા માટે હજી બોલાવી-બોલાવીને થોભાવો છો ?
પૃષ્ઠ ૧૩૩. દૂરની ઘંટડી દૂર, અગોચર ધામમાંથી નિમંત્રણનો નાદ સંભળાય છે. રૂપેરી ઘંટડી જેવો એ મધુર અવાજ અનન્તતાના માર્ગેથી ધીરે ધીરે આવતો મને સંભળાય છે. હૃદયમાં ને બહાર એના પડઘા પડે છે.
કડી ૨ સૂરજના માર્ગમાં સંધ્યા પુષ્પો પાથરે છે, એટલામાં રાત્રિ અંજન આંજેલી પોતાની આંખ ઉઘાડે છે. જીવનનો સાન્ધ્ય સમય આવી ગયો છે. રાત્રિ પણ પડવા આવી છે. ત્યાં કાળની પાંખમાં ટાંગેલી તારારૂપ રૂપેરી ઘંટડીઓ-અનંતતાનું સૂચન કરતી-પાસે આવતી સંભળાય છે.
કડી ૩-૪-૫-૬ દેવના ઉદ્યાનોનું સ્મરણ કરાવતાં ઉષાનાં સ્વપ્નો સરી ગયાં. પ્રભાત કાળનાં આકર્ષક ચિત્રો પણ અદૃશ્ય થઈ ગયાં. મધ્યાહ્નને શિખરે પહોંચી તેજસ્વી અશ્વો હવે શાંત થઈ ગયા છે, ને સંધ્યાકાળ-પવિત્ર ને શાંત સાન્ધ્ય સમય આવ્યો છે. અનેક આશા ને કોડથી ભરેલો બાલ્યકાળ, સિદ્ધિઓ વડે શોભતો તારુણ્યનો સમય જતો રહ્યો છે. જીવનની હવે શાંતિ ભરી સંધ્યા આવી પહોંચી છે. પ્રેમની ને જીંદગીની મહેમાની હું પૂરેપૂરી ભોગવી ચૂક્યો છું. પગમાં કેટલીક વાર કાંટા ભોંકાયા છે તો કોઈક વાર હાથમાં ફૂલ પણ આવ્યાં છે. અર્થાત્ સંસારનાં સુખ ને દુઃખ બંનેનો મને અનુભવ મળી ચૂક્યો છે. આ માટીની કાયામાં પ્રાણનો તેજસ્વી પ્રકાશ પૂર્યો છે. દીવી ફૂટી જતાં દીવો-પ્રકાશ-જેમ જતો રહે છે તેમ આ માટીની કાયા પડી જશે ત્યારે ભલે પ્રાણ પણ અદૃશ્ય થઈ જતો. ભાગ્યયોગે મારે ભાગે જે જે આવ્યું તે સૌ મેં ભોગવી લીધું. ઈશ્વરે સુખદુઃખ જે કંઈ આપ્યું તે બંને હાથે-વગર આનાકાનીએ, સહર્ષ મેં સ્વીકારી લીધું. જીવનના નાવમાં બેસી સંસારસમુદ્ર તરતાં મેં મારે ભાગે જે જે ફરજો આવી તે સર્વ બજાવી. હવે એ નાવ ડૂબે છે. પણ ત્યાં મારો પ્રભુ આવીને મારો હાથ પકડી લે છે. પ્રભુ મને મરણનું દ્વાર ઓળંગાવી અનંતતાને પંથે પોતાની પાસે લઈ જાય છે. મૃત્યુ પામ્યા પછી મારો કંઈ સર્વથા વિનાશ નહિ થાય. આ દેહનાં પાર્થિવ તત્ત્વ પૃથ્વીમાં સમાઈ જશે, ને પછી ધરતી માતા એ તત્ત્વોને ફૂલ તરીકે ઉગાડશે. મારો તેજસ્વી પ્રાણ કોઈ નવીન તારારૂપે આકાશને ઉજાળશે. મારાં રચેલાં ગીત વસંતના હૃદયમાં-સહૃદય ને સચેતન આત્મામાં-નવા ફાગ ઉડાવશે, નવીન ભાવના ને નવો આનંદ પ્રગટાવશે, ને એ રીતે જ મેં જીવનભર સેવેલી આશાઓ સિદ્ધ ને ફળવતી થશે.
કડી ૮ જતી વખતે હું શું આપી જાઉં ? ગુર્જરીનો કંઠ બહેલાવવા ને શોભાવવા મારાં રચેલાં આ ગીતોની મોહનમાળા છે. મારાં ગુર્જર બહેનો ને બંધુઓ માટેનો આ મારો નિર્મળ પ્રેમ છે, પરમાત્મા પ્રભુને તો આ મારો આખો આત્મા જ આપી દઉં છું. હવે મને ઘેર જવાની-ઈશ્વરના ધામમાં જવાની, મારું શુદ્ધ મૂળ ચેતન સ્વરૂપ પામવાની તીવ્ર ઉત્કંઠા જાગી છે. મારા એ ઘરની, ઈશ્વરના તેડાની, મારા શુદ્ધ ચેતનરૂપને પ્રાપ્ત કરવાના આવાહનની મીઠી ઘંટડી વાગી રહી છે. બહેનો ને બંધુઓ ! મારી છેલ્લી સલામ !
કવિએ કલ્યાણ સાધવા માટેની આ ભજનમાળા પાંચ ખંડ પાડેલા છે. ઝંખના, આવરણ, સાધન, પ્રકાશ અને આનંદ; અને એ પાંચે ખંડનાં ભજનો એક જ દોરામાં પરોવેલાં છે. ભક્તિમાર્ગ પર ચઢેલા માનસનો વિકાસ એમાં ક્રમેક્રમે સાધતો પ્રત્યક્ષ થાય છે.