કલ્યાણિકા/તદ્રૂપતા
← દર્શનની ઝંખના | કલ્યાણિકા તદ્રૂપતા અરદેશર ખબરદાર |
છુપામણાં → |
તદ્રૂપતા
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે,
મુખે વસીને મીઠું હાસે રે;
હૈયામાં વસી એ તો આનંદ હુલાવે રે,
બોલે સોહમ્ વસી શ્વાસે રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૧
અલખ વિના રહે આકાશ અંધું રે,
સાહેબ વિના બધું સૂનું રે ;
જ્યોતિ વિહોણું ક્યાંથી જીવન જાગે રે :
એક વિનાનું સહુ ઊણું રે :
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૨
એના ઘુમાવ્યા સહુ ઉડુગણ ઘૂમે રે,
એની વહાવી વહે ગંગા રે;
એનાં દોડાવ્યાં દોડે ભાગ્ય ને બુદ્ધિ રે,
ઊડે અણપાંખા ને અપંગા રે :
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૩
પૃથ્વી આકાશ બધું પ્રભુથી પૂર્યું રે,
અણુ યે નથી કોઈ ખાલી રે;
કોડી ન કિંમત આ દેહની આવે રે :
એ છે અમૃત, હું તો પ્યાલી રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૪
અલખ નામનો છે એકડો એ તો રે,
લાખ મીંડાંનું મૂલ અંકાવે રે;
અલખ વિના નહીં લખ કોઈ લહેરે રે,
હું ને મારું ત્યાં શું મનાવે રે ?
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૫
ભીતર એ ટોકી રહે છાનો ને છપનો રે,
બહાર રહે રંગેરંગે છાઈ રે;
જડ ને ચેતન કેરું નૂર જ છે એ તો રે,
સાચી છે એની જ સગાઈ રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૬
આત્મે હીંચોળી મારો સાહેબ હુલાવું રે,
હૈયે માલિક મારો રાખું રે;
નેણાંમાં નાથ મારો સભર સમાવું રે,
અદ્દલ તદ્રૂપ જીવન આખું રે !
નેણાંમાં વસી મારો સાહેબ ટમકે રે. ૭
- ↑ *"મનને ચઢાવી મેલ્યું ચાકડે રે" - એ ભજનની રાહ.