કલ્યાણિકા/પ્રાર્થના
← અનુભવ | કલ્યાણિકા પ્રાર્થના અરદેશર ખબરદાર |
સોદાગર → |
પ્રાર્થના
• કવ્વાલી — તાલ દાદરો •
મારાં પાપે આ અંતર મેલું થયું,
તેને સ્વચ્છ કરી લે ઉગારી, પ્રભો !
અધજ્ઞાને આ જીવન ઘેલું થયું,
તેને સત્ય પ્રભાથી દે તારી, પ્રભો ! - (ધ્રુવ)
મને ત્યાગી ગયા સહુ લોક લડી,
મારી આંખ રહી શતધાર રડી,
મને શાંતિ મળી નહીં એક ઘડી :
તોય તું જ સમીપ છે મારી, પ્રભો ! - મારાં૦ ૧
મારાં અંતરમાં તું જ બોલી રહ્યો,
તારા સ્પર્શથી ચેતન ખોલી રહ્યો,
તારી આશ હું માં તું વિલોલી રહ્યો :
જેવો તેવો લે તારો સ્વીકારી, પ્રભો ! - મારાં૦ ૨
મને બાંધતાં તું જ બંધાઈ ગયો,
મારે અંતર તું સપડાઈ ગયો,
હવે આખર તો ઓળખાઈ ગયો,
મારી મુક્તિ વિના નહીં તારી, પ્રભો ! - મારાં૦ ૩
મારી આંખથી મેઘ રહ્યા વરસી,
મારાં વ્યોમ રહ્યાં હવે સ્વચ્છ લસી;
રહ્યું ના કશું લેવું રડી કે હસી :
હવે તું કે ન હું કો ભિખારી, પ્રભો ! - મારાં૦ ૪
શુભ જ્ઞાને આ અંતર પુખ્ત થયું,
તેને તારી દયાથી દે તારી, પ્રભો !
તારા જાપથી જીવન મુક્ત થયું,
તેને ધારી તુંમાં લે ઉગારી, પ્રભો ! - મારાં૦ ૫