← પ્રભુની પ્રીત કલ્યાણિકા
મનબંધન
અરદેશર ખબરદાર
ઉરની ભરતી →





મનબંધન

• રાગ કાફી—ત્રિતાલ*[]


મન મારું કેમ વાળું રે ?
હો હરિ ! તુંમાં મન મારું કેમ વાળું રે ? -(ધ્રુવ)

મન મારું કેમ વાળું ? ભમે સદા ભમરાળું;
એ તો ઊંડું ઈંદ્રજાળું રે :
હો હરિ ! તુંમાં₀ ૧

અણઠર્યું બધે ઊડે, જઈ પડે રૂડે ભૂંડે;
પ્રીછે નહીં ધોળું કાળું રે :
હો હરિ ! તુંમાં₀ ૨

નિત્ય નિત્ય નવરંગી, ધડી શાણું કે કુઢંગી;
ટેવ એની કેમ ટાળું રે ?
હો હરિ ! તુંમાં₀ ૩


ઠરે તો એ ઠામ દેખે, જડ્યો જન્મ ન ર્‍હે અલેખે;
પાંખે એની કેમ ઢાળું રે ?
હો હરિ ! તુંમાં₀ ૪

પાણી કેરો પરપોટો, ઊઠે ખીલે ફૂટે ગોટો :
જાણે પાણી છે નિરાળું રે :
હો હરિ ! તુંમાં₀ ૫

એને તે હું શું પંપાળું ? હતિ ખીલે બાંધું વહાલું :
અદ્દલ મારું ભક્તિતાળું રે !
હો હરિ ! તુંમાં₀ ૬

  1. * "મુખડાની માયા લાગી રે." એ મીરાંબાઈના પદની રાહ..