←  પ્રભુપ્રેમના પાગલ કલ્યાણિકા
રસરેલ
અરદેશર ખબરદાર
આત્માનો સગો →
. ગઝલ .


રસરેલ

· ગઝલ ·

અખંડ એક ધાર અજબ કો વહી રહી,
ખુલી ખુદાઈ ત્યાં જુદાઈ કો નહીં રહી ! ૧

ભિંજાય સકળ ખલક ત્યાં ન ઝલક કો જુદી,
કરોડ આંખ નૂર તો એકજ ગ્રહી રહી ! ૨

અનંતમાં ઝગી રહ્યા અગણિત તારલા,
ન આંખ તેની કો કથા જુદી કહી રહી ! ૩

ન સૂર્યજ્યોતિ જેવું કે ન ચંદ્રિકા સમું,
અનામી નૂર એવું ખલક સૌ ચહી રહી ! ૪

રસે રસાય જ્યાં બધું જ સમરસે શમી,
ન આભ અવનિ કેરી ભિન્નતા તહીં રહી ! ૫

ન દિવસ, રાત, કાળ, સ્થાન, રંગ , રૂપ કો :
અખંડ એકતાર લહર એ મહીં રહી ! ૬

ધગે ન ધોમ કે ન ભોમ શીતથી ધ્રૂજે,
તૂટેલ તારને જ એ થીજી દહી રહી ! ૭

અનંત વિશ્વમાં સમાય દેવજ્યોતિ એ,
દસે દિશાથી સ્નેહધોધ શી સહી રહી ! ૮

ડૂબ્યાં પ્રપૂર્ણ એ રસે, તર્યાં જ તે બધાં :
અચૂક અમર બુટ્ટી એવી છે જહીં રહી ! ૯

ઉતારી દેહપટ જુઓ બધું જ બ્રહ્મ આ !
અદ્દલ જુદાઈ ત્યાં પછી કોની કહીં રહી ? ૧૦